મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
લોહદ્વાર
હું તિહાર જેલનું લોહદ્વાર છું. હમણાંજ તમે જેને પોતાના દુબળા પાતળા શરીરને જેમતેમ કરીને આગળ ધકેલતા ધકેલતા મારી બહાર જતા જોયો તેને હું કેદી નંબર ૫૦૬ના નામે ઓળખું છું. આમતો એનું નામ દિનેશ વર્મા છે જેનું નામ મારી સાથે અન્યો પણ ભૂલી ચૂક્યા છે. આ નંબર જ હવે તેની ઓળખ બની ચૂક્યો છે.
ત્રણ વર્ષ પહેલા જ્યારે આ વ્યક્તિને મારી પાસે લાવવામાં આવ્યો હતો ત્યારે તેણે બુમો પાડી પાડીને કહ્યું હતું કે તે નિર્દોષ છે અને તેણે કોઈનો પણ બળાત્કાર કર્યો નથી. મારી પાસે આવ્યા પહેલા પણ એ પોલીસ અને અદાલત સામે પણ એવીજ રીતે બુમો પાડી ચૂક્યો હશે કે તે અને નીલિમા છેલ્લા ચાર વર્ષથી લિવ-ઇનમાં રહેતા હતા અને હવે નીલિમાએ તેની તમામ સંપત્તિ પોતાને નામે કરાવવા માટે તેને બ્લેકમેલ કરી રહી છે. પોલીસે તેને ફક્ત ધમકીઓજ આપી, ન્યાયાલયે આંખે પાટા બાંધ્યા હતા અને મારા જેવા મૂંગા પ્રાણીએ તો કેટલાય દિનેશોને અંદર બહાર આવતા જતા જોયા છે.
આજે ત્રણ વર્ષ પછી ઉપરની અદાલતના કાનમાં સત્યનો પ્રવેશ થયો. આરોપ મુકનાર પક્ષ ત્યાં તેને દોષી સાબિત કરવામાં પૂરી રીતે નિષ્ફળ રહ્યો એટલે અદાલતે તેને ‘સન્માન સાથે’ છોડી મૂક્યો.
આ સમયે રાત રસ્તાઓ પર ઉતરી રહી છે. મારી સામે જ એ ચોક છે જ્યાંથી નીકળીને દૂર જતા ચાર રસ્તાઓ વિજળીની ભરપૂર રોશનીથી નહાયેલી જોવા મળે છે, પરંતુ હું જાણું છું કે આ ચોક તરફ આગળ વધી રહેલા દિનેશની આવનારી રાત્રીઓ પણ અનેક દિનેશોની રાત્રીઓ અંધકારમાં ડૂબી ચૂકી છે. હું આ દિનેશોની હાલત જોઇને ગુસ્સાથી બહુ જોરથી બૂમ પાડવા માંગુ છું, પરંતુ હું એમ કરી શકતો નથી. હું લોહદ્વાર છું.
***