Featured Books
શ્રેણી
શેયર કરો

આલ્બર્ટ આઇન્સ્ટાઈનનાં સાપેક્ષવાદ પાછળ છુપાયેલું પૌરાણિક રહસ્ય!

આલ્બર્ટ આઇન્સ્ટાઈનનાં સાપેક્ષવાદ પાછળ છુપાયેલું પૌરાણિક રહસ્ય!

વિશ્વનાં મહાનત્તમ વૈજ્ઞાનિકોમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સમાવેશ થાય છે પરંતુ તેમનાં જીવનની એક હકીકત વિશે બહુ ઓછા લોકોને જાણ છે! આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતે ગાંધીજીનાં ખૂબ મોટા ચાહક. બાપુનાં સિધ્ધાંતો પ્રત્યે તેમને ઉંડી શ્રધ્ધા! સ્વાભાવિક છે કે આપણે જેને આદર્શ ગણતાં હોઈએ તેમની દરેક ગમતીલી વસ્તુઓ સાથે જોડાવાનો આગ્રહ પણ આપણે રાખ્યો જ હોય. આઇન્સ્ટાઈન પણ આમાંના એક! ગાંધીજીનું સૌથી મનગમતું ધાર્મિક પુસ્તક એટલે ‘ભગવદગીતા’. નવાઈની વાત તો એ છે કે આઇન્સ્ટાઈને પણ આખેઆખી ભગવદગીતા ઉપરાંત અન્ય કેટલાક ધાર્મિક ગ્રંથોનું ગહન અધ્યયન કરેલું. તેમનાં જીવનમાં ભગવદગીતાનાં વાંચન થકી ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. એક જગ્યાએ તેમણે આ વિશે ટાંકેલુ પણ ખરૂ કે, “ભગવદગીતામાં અપાયેલ સૃષ્ટિનાં સર્જન વિશે વિસ્તારપૂર્વક વાંચીને મને લાગી રહ્યું છે કે જગત આખું મિથ્યા છે!”

મોટાભાગનાં લોકોને ખ્યાલ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને વિશ્વને સૌથી અમૂલ્ય એવી રીલેટિવિટી થિયરી (સાપેક્ષવાદનો સિધ્ધાંત) ભેટ કરી છે. તેમનાં રાત-દિવસનાં ઉજાગરાઓએ આજનાં વિજ્ઞાન માટે પુષ્કળ નવી દિશાઓ ખોલી આપી છે. પ્રકાશની ગતિ, સાપેક્ષવાદ સિધ્ધાંત, સ્પેસ-ટાઈમ કો-રિલેશનને સાબિત કરવા પાછળ તેમનો ફાળો અનન્ય છે. પરંતુ અગર આઇન્સ્ટાઈને ભગવદગીતા સહિત અન્ય પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય તો આ વિશેની પ્રેરણા થવી એ તો સાવ સામાન્ય છે! કારણકે થિયરી ઓફ રીલેટિવિટીની મૂળભૂત સમજ હજારો વર્ષો પહેલા આપણા હિંદુ શાસ્ત્રમાં અપાઈ ચૂકી છે!

આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ સિધ્ધાંત

થિયરી ઓફ રીલેટિવિટીને ભારે-ભરખમ વૈજ્ઞાનિક ભાષામાં સમજવાને બદલે એક ઉદાહરણની મદદ વડે સમજીએ. ધારો કે, તમે તમારી હોન્ડા સિટી કારમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની અસ્ખલિત ગતિએ એક સાફ-સૂથરા રસ્તા પર આગળ ધપી રહ્યા છો. બેક-સીટમાં બેઠા હોવાને લીધે કારની સ્પીડ વિશે તમને કશો ખ્યાલ જ નથી. જ્યારે કારની વિન્ડોમાંથી તમે બહારની બાજુ નજર દોડાવશો ત્યારે પ્રતીત થશે કે તમારું વાહન તો સ્થિર જ છે પરંતુ નજર સામે એક વૃક્ષ પાસે ઉભેલો વ્યક્તિ ૧૦૦ કિમી પ્રતિ કલાકની ગતિએ મુસાફરી રહ્યો છે. સામે પક્ષે, બહાર વૃક્ષ પાસે સ્થિર ઉભેલા વ્યક્તિને એવું લાગશે કે પોતે સ્થિર ઉભો છે અને તમારું વાહન ૯૦-૧૦૦ કિમીની ગતિએ રસ્તા પર દોડી રહ્યું છે. તો કોઈક ત્રીજા વ્યક્તિને એવો અનુભવ થશે કે કાર તેમજ તેની અંદર બેઠેલો માણસ સ્થિર છે પરંતુ જે રસ્તા પર કાર દોડી રહી છે તે રસ્તો ૧૦૦ કિમીની ગતિએ પ્રવાસ કરી રહ્યો છે. ત્રણેયનાં દ્રષ્ટિકોણ અલગ-અલગ છે, પ્રત્યેક વ્યક્તિ અહીં પોતપોતાની જગ્યાએ સાવ સાચો છે, પરંતુ એકબીજાનાં સાપેક્ષમાં!

હવે આઇન્સ્ટાઈનનાં સાપેક્ષવાદને મુદ્દાવાર સમજીએ :-

(૧) કોઈ પણ ચીજ-વસ્તુ કે વ્યક્તિ પ્રકાશની ગતિ કરતાં વધુ ઝડપે પ્રવાસ નથી કરતી.

(૨) કઈ વસ્તુ સ્થિર છે અને કઈ ગતિમાં તે કહેવું અશક્ય છે. (પહેલાનાં વૈજ્ઞાનિકો એવું સમજતાં કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર તેની ઈર્દગિર્દ પરિક્રમા કરી રહ્યા છે પરંતુ પછીથી પુરવાર થયું કે ખરેખર પૃથ્વી સૂર્યની ફરતે ચક્કર લગાવી રહી છે. બીજી બાજુ, સૂર્ય પણ તો સ્થિર નથી જ! આકાશગંગાની ફરતે લાખો કિમી પ્રતિ કલાકની ગતિએ ઘુમી રહેલા સૂર્યની ગતિ તો પૃથ્વી કરતાં પણ ઘણી વધુ તેજ છે.)

(૩) દરેક નિરીક્ષક એવું વિચારે છે કે પોતે સ્થિર છે અને આજુબાજુની દરેક વસ્તુ ઘુમી રહી છે. (જે તેનાં પોતાનાં દ્રષ્ટિકોણથી સત્ય પણ છે.)

(૪) સમય એ તમારી ગતિ સાથે જોડાયેલ અભિન્ન અંગ છે. જેમ-જેમ પ્રવાસીની સ્પીડ વધતી જાય તેમ-તેમ સમયનું ચક્ર ધીરૂ થતું જાય! અગર તમે પ્રકાશની ગતિએ પ્રવાસ કરવા માંડો તો પરિણામ એ આવશે કે ઘડિયાળની સોય એક જ જગ્યા પર અટકી જશે! સમય આગળ વધવાનું બંધ થઈ જશે. આ ગતિએ એક વર્ષ સુધી પ્રવાસ ખેડવામાં આવે તો પણ માણસની ઉંમરમાં એક દિવસનો પણ વધારો નોંધી ન શકાય. એમ માનો કે ઉંમર કોઈ એક જ જગ્યા પર આવીને વધતી અટકી જાય!

એકદમ સરળ ઉદાહરણ લઈએ. માનો કે તમારી ઉંમર ૨૮ વર્ષની છે અને તમારો ભાઈ તમારા કરતાં ફક્ત બે વર્ષ નાનો એટલે કે ૨૬ વર્ષનો છે. અગર તમે અવકાશમાં પ્રકાશની ગતિએ વીસ વર્ષ સુધી પ્રવાસ કરીને પૃથ્વી પર પાછા ફરશો તો તમારી ઉંમર તો અઠ્ઠાવીસની જ હોવાની, પરંતુ તમારો નાનો ભાઈ એ વખતે ૪૬ વર્ષનો થઈ ગયો હશે!! આ થિયરીને અમેરિકન સાયન્ટિસ્ટો સાચી સાબિત કરી ચૂક્યા છે. અવકાશમાં વર્ષો સુધી ભ્રમણ કરતાં હોવા છતાં તેમને ફક્ત અમુક દિવસો વીત્યા હોવાની જ અનુભૂતિ થાય છે.

હિંદુ વેદ-પુરાણમાં અપાયેલી સાપેક્ષવાદની થિયરી સમજવા માટે પૃથ્વી પરનાં ચાર યુગ અને બ્રહ્મલોકમાં ચાલતાં સમય વિશે થોડી વિગતવાર જાણકારી મળવી જરૂરી છે. ધર્મગ્રંથોમાં જણાવ્યા મુજબ, બ્રહ્મલોકમાં વસતાં ભગવાન બ્રહ્મા સમગ્ર વિશ્વનાં સર્જનહાર છે. તેમનાં દ્વારા રચવામાં આવેલા ચાર યુગ—સતયુગ (૧૭ લાખ ૨૮ હજાર વર્ષ), ત્રેતાયુગ (૧૨ લાખ ૯૬ હજાર), દ્વાપર યુગ (૮ લાખ ૬૪ હજાર) અને કળિયુગ (૪ લાખ ૩૨ હજાર) કુલ ૭૧ વખત પુનરાવર્તન પામ્યા બાદ એક મનવંતર પૂરો કરે છે. મનવંતર જ્યારે ચૌદ વખત પુનરાવર્તન પામે ત્યારે અડધું કલ્પ પૂરું થયું ગણાય. ભગવાન બ્રહ્માનાં બ્રહ્મલોકની એક સવાર એટલે આ અડધો કલ્પ!! તેમનો બાકીનો અડધો દિવસ (સંધ્યાકાળથી લઈને રાત સુધીનો સમય) એટલે બીજો અડધો કલ્પ! (સાદી ભાષામાં એવું કહી શકાય કે બ્રહ્મલોકમાં જ્યારે માંડ એક દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં આપણી ધરતી પર અબજો વર્ષ વીતી ચૂક્યા હોય!)

સતયુગમાં જન્મેલ રાજા કકુદમીનો ભગવાન બ્રહ્મા સાથેનો સંવાદ

રાજા રેવતનાં સુપુત્ર કકુદમીને ત્યાં એક ખૂબસૂરત રાજકુમારીનો જન્મ થયો. જેને નામ અપાયું રેવતી! રાજા કકુદમીએ પોતાની યુવાન થયેલી પુત્રીને પરણાવવા માટે અનેક રાજકુમારોની પરીક્ષા લીધી. પરંતુ એક પણ કુંવર એવો ન મળ્યો જે રેવતીને લાયક હોય! આખરે કોઈ ઉપાય ન જડતાં રાજા કકુદમી પુત્રી રેવતીને લઈને બ્રહ્મલોકમાં જવા રવાના થયા. ત્યાં પહોંચીને તેમણે જોયું તો બ્રહ્માજી ત્યાંના સંગીતકારો દ્વારા પેશ કરવામાં આવી રહેલું સુમધુર સંગીત સાંભળવામાં વ્યસ્ત હતાં. સંગીત-સમારોહ પૂરો થાય ત્યાં સુધી રાજા કકુદમીએ પ્રતીક્ષા કરી. સંગીત પૂરું થયા બાદ જેવી બ્રહ્માજીએ પોતાની આંખો ખોલી કે તરત જ રાજા કકુદમીએ પોતાની મૂંઝવણ ભગવાનને કહી સંભળાવી. બ્રહ્માજીએ મુસ્કુરાઈને રાજા કકુદમીને બ્રહ્મલોકમાં ચાલતાં સમય, મનવંતર અને પૂર્ણ કલ્પ વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું. સાથોસાથ એ પણ કહ્યું કે રાજા કકુદમી તેમજ રાજકુમારી રેવતીએ બ્રહ્મલોકમાં પસાર કરેલી થોડી ક્ષણોની અંદર તો પૃથ્વી પર ૨૭ મનવંતર પૂરા થઈ ગયા છે. હવે ધરતીલોક પર એવું કોઈ જ નથી બચ્યું જે રાજા કકુદમી અને રેવતીને ઓળખતું હોય! તેમનાં તમામ સગા-વ્હાલાઓ અને પ્રજાજનો કાળની ગર્તામાં સમાઈ ગયા છે.

રાજા કકુદમી હવે બરાબર મૂંઝાયા. તેમની પરેશાની પારખી ગયેલા બ્રહ્માજી ફરી મર્મમાં હસ્યા. તેમણે રાજાને જણાવ્યું કે, “હે રાજન, તું મૂંઝાઈશ નહી. તુ અત્યારે જ તારી પુત્રીને લઈને પૃથ્વી પર જવા રવાના થા. તું પહોંચીશ ત્યાં સુધીમાં ધરતીલોક પર અઠ્ઠાવીસમાં મનવંતરનો દ્વાપર યુગ પૂરો થવાની તૈયારીમાં હશે. એ વખતે ભગવાન વિષ્ણુ કૃષ્ણ-અવતાર લઈ ચૂક્યા હશે. ભાઈ બલરામ તરીકે શેષનાગનું પણ અવતરણ થશે. રાજકુમારી રેવતીનો જન્મ બલરામ સાથે પરણવા માટે જ થયો છે. બંનેનું પાણિગ્રહણ કરાવતાંની સાથે તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે.”

એ જ ક્ષણે, રાજા કકુદમી બ્રહ્માજીને પ્રણામ કહીને પૃથ્વીલોક પર આવી ગયા. ત્યાં જોયું તો બધું જ બદલાઈ ચૂક્યું હતું. ભગવાન બ્રહ્માએ કરેલા ભવિષ્યકથન મુજબ, શ્રીકૃષ્ણનાં ભાઈ બલરામ સાથે પોતાની પુત્રી રેવતીનો હસ્તમેળાપ કરાવી રાજા કકુદમીએ હિમાલય તરફ પ્રયાણ કર્યુ.

હવે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રીલેટિવિટીનાં ચોથા મુદ્દા પર ફરી એક નજર ફેરવી જુઓ. પૃથ્વીથી કરોડો પ્રકાશવર્ષ દૂર આવેલા કોઈ ગ્રહ (કથામાં જણાવ્યું છે તે મુજબ બ્રહ્મલોક) સુધી અગર વ્યક્તિ (પ્રકાશની ગતિએ) પ્રવાસ ખેડીને પાછો આવે તો તેની ઉંમરમાં રત્તીભારનો પણ ફેરફાર ન થાય! રાજા કકુદમીનો ભગવાન બ્રહ્મા સાથેનો સંવાદ આ વાતની સાક્ષી પુરાવે છે. આવા તો કંઈ-કેટલાય કિસ્સાઓ અથવા ગાથાઓ આપણા ગ્રંથોમાં કહેવાઈ ચૂકી છે. પરંતુ આજસુધી તેનાં સાયન્ટિફિક મહત્વને આપણા સુધી પહોંચાડવા માટેનાં પ્રયાસોમાં મોટી કમી રાખી દેવામાં આવી છે, જેનાં લીધે યંગસ્ટર્સ કદાચ ધર્મપ્રિયને બદલે ધર્મભીરું બની ગયા છે!

bhattparakh@yahoo.com