મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
2 સમયનું ચક્ર ફરી રહ્યું છે
શહેરનું પ્રખ્યાત ટાગોર થિયેટર ખીચોખીચ ભરાઈ ચૂક્યું છે. જે દર્શકોને સીટ નથી મળી તેઓ દીવાલને ચોંટીને ઉભા છે. રંગમંચના પિતામહ કહેવાતા નીલાંબર દત્ત આજે પોતાની અંતિમ પ્રસ્તુતિ આપવા જઈ રહ્યા છે.
હોલની રોશની ધીમેધીમે ઝાંખી પડી રહી છે, રંગમંચનો પડદો ઉઠી રહ્યો છે.
દ્રશ્ય : એક
તીવ્ર પ્રકાશ વચ્ચે મંચ ઉપર મોગલ દરબાર બેઠો છે. શહેનશાહે આલમ જહાંગીર પોતાના ગૌરવાન્વિત ચહેરા સાથે સહુથી ઊંચા સિંહાસન પર બિરાજમાન છે. નીચે બંને તરફ દરબારીઓ બેઠા છે. એક અંગ્રેજ પોતાના બંને હાથ પાછળ બાંધીને માથું ઝુકાવીને ઉભો છે. તેણે શહેનશાહે હિન્દ પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં વ્યાપાર કરવાની અને ફેક્ટરી લગાવવાની મંજૂરી આપવાની વિનંતી કરી છે. દરબારીઓમાં ચર્ચા ચાલી રહી છે.
“મંજૂર છે...” બાદશાહ સલામતના ભારે અવાજ સાથે દરબાર બરખાસ્ત થઇ જાય છે.
મંચનો પ્રકાશ ધીમો થઇ રહ્યો છે...હોલની રોશની સળગી રહી છે.
દ્રશ્ય : બે
મંચ પર ફેલાઈ રહેલા પ્રકાશમાં જેલની કોટડીનું દ્રશ્ય સામે આવી રહ્યું છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જમીન ઉપર પલોઠી વાળીને ગંભીર ચર્ચામાં વ્યસ્ત છે. જેલનો અધિકારી અંદર પ્રવેશ કરે છે.
“ભગતસિંહ! તને ખબર છે કે આજે તમને ત્રણેયને ફાંસી આપવામાં આવનારી છે. સરકાર તમારી અંતિમ ઈચ્છા જાણવા માંગે છે.
“અમે ભારતને સ્વતંત્ર જોવા માંગીએ છીએ. ઇન્કલાબ ઝીન્દાબાદ...” ત્રણેય એક સાથે ઉઠેલા સ્વર દીવાલો સાથે ટકરાઈને ગુંજી ઉઠે છે.
પ્રકાશ ધીમો પડી રહ્યો છે, પડદો પડી રહ્યો છે.
દ્રશ્ય : ત્રણ
ધીરેધીરે ફેલાઈ રહેલા પ્રકાશમાં મંચનો અંધકાર દૂર થઇ રહ્યો છે. દર્શકોની સામે લાલ કિલ્લાની પ્રાચીરનું દ્રશ્ય છે. યુનિયન જેક નીચે ઉતરી રહ્યો છે, તિરંગો ઉપર ચડી રહ્યો છે.
લાલ કિલાની પ્રાચીર પરનો પ્રકાશ ઓછો થઇ રહ્યો છે. મંચના બીજા ભાગમાં રોશની ફેલાઈ રહી છે. સવારનું દ્રશ્ય છે. પ્રભાતના કિરણોની સાથે શેરીઓમાં લોકો એકબીજાને ગળે મળી રહ્યા છે, મીઠાઈઓ વહેંચી રહ્યા છે...આઝાદીની ઉજવણી મનાવી રહ્યા છે.
મંચનો પડદો ધીરેધીરે પડી રહ્યો છે.
દ્રશ્ય : ચાર
તેજ પ્રકાશ વચ્ચે દેશની સંસદનું દ્રશ્ય પ્રસ્તુત છે. સત્તાપક્ષ અને વિપક્ષની વચ્ચે એક મહત્ત્વના મુદ્દા પર તીખી ચર્ચા ચાલી રહી છે.
“દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે આપણે છૂટક વ્યાપારમાં વિદેશી મૂડી રોકાણને મંજૂરી આપવી જ પડશે...” સત્તાપક્ષે પોતાનો તર્ક મૂક્યો.
“આ આપણી સ્વદેશી અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનું કાવતરું છે...” વિપક્ષ જોરદાર ખંડન કરી રહ્યો છે.
બધાજ સભ્યો પોતપોતાના ટેબલ પર રહેલા બટનને દબાવીને પોતાનો મત આપી ચૂક્યા છે. લોકસભા અધ્યક્ષ દ્વારા પરિણામ ઘોષિત થાય તેની પ્રતીક્ષા થઇ રહી છે.
“સરકારનો પ્રસ્તાવ બહુમતીથી સ્વીકારાઈ ગયો છે...” લોકસભા અધ્યક્ષના મોટા અવાજની સાથે જ મંચ અંધારામાં ડૂબી જાય છે.
***