પ્રેમનું અગનફૂલ - 8 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું અગનફૂલ - 8 - 2

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતનો તાંડવ

ભાગ - 2

દોઝખ જેવી યાતનાઓથી આનંદ ચિલ્લાતો હતો. પારાવાર પીડાથી તે તરફડતો હતો. ચીસો પાડી પાડી તેનો સ્વર ફાટી જતો હતો. ગળામાં સોસ પડતો હતો. ધીરે ધીરે તેને ધરતી ગોળ ગોળ ફરતી દેખાતી હતી. તેને લાગી રહ્યું હતું કે તેની ચારેબાજુ પ્રેતાત્માઓ ઊભા ઊભા દેકારો કરતા તેના પર હસી રહ્યા છે અને તેનું લોહી ચૂસી જવા તત્પર થાય છે.

‘મા ભવાની શક્તિ આપ જે મને...’ દુર્ગા માને પ્રાર્થના કરતી હતી. મા મારા આનંદની રક્ષા કરજે. મા તું તો જગત જનની છો. માર અમને બચાવ, મા અથવા તો મને મોત આપી દે. મારા આનંદને બચાવો મા...’ લાલચોળ થઇ ગયેલી તેની આંખોમાંથી દળ દળ આંસુઓ છલકાતા હતા.

કદમ, પ્રલય અને રસીદ અને મોટી ચટ્ટાન પર ચડી ગયાં ત્યાંથી બુદઇ ગામનું સીન સ્પષ્ટ દેખાતું હતું.

‘અરે... તે ગાડીમાં બાંધેલ છે. તે તો દુર્ગા છે.’ ત્યાંનુ સીન જોઇ કદમ ચોંકી ઊઠ્યો, દુર્ગાની હાલત જોઇ તેના શરીરના રોમ રોમમાં ગુસ્સો છવાઇ ગયો.

‘કોઇ... કોઇ વ્યક્તિની ગાડી પાછળ બાંધીને ઢસડવામાં આવે છે. જેની ચીસો આપણે સાંભળી હતી.’ ઇ.રસીદએ કહ્યું.

‘હે.... ભગવાન જુવો તો ખરા ગામના લોકો તેની દશા જોઇને આનંદ માણે છે, અને પથ્થર ઉપાડી ઉપાડી છોકરાઓને આપી તેને તે આદમીન મારવા માટે ઉશ્કેરી રહ્યા છે.’

‘હરામખોરો... સાલ્લા... આટલા નીચ કમજાત લોકોને ક્યારેય નથી જોયા.’ પ્રલય ગુસ્સાથી તમતમી ઊઠ્યો, અને કમર બેલ્ટમાં ખોસેલી રિવોલ્વર બહાર કાઢી.

‘પ્રલય... પ્રલય.... તું ગામના લોકોને મારીશ નહીં. ગામના લોકો આ આંતકવાદીઓ પર નિર્ભર છે. ગામલોકો તે આતંકીઓ ભારત વિરુદ્ધ ઝેર ભરી ઉશ્કેરે છે.’ રસીદએ પ્રલયનો હાથ પકડી લીધો.

‘છોડ રસીદ, હું ગામલોકોને નથી મારવાનો, પણ ગાડીમાં ઊભેલ આતંકવાદીઓને ગોળીથી મારવા માગું છું.’

‘આપણે આ ચટ્ટાનની ટોચ પર ચડી જઇએ તે લોકો તે આદમીને ઢસડતા ગામના મેદાન તરફ લઇ જઇ રહ્યા છે. આપણે એક સાથે ગોળીબાર કરી તે પાંચેય આતંકવાદીને તથા ગાડીના ડ્રાઇવરને ખત્મ કરી નાખી. ગામલોકોને ધમકી આપી ઘર ભેગા પછી દુર્ગા અને તે જ માણસ હોય તેને લઇ આવીએ. ચાલો ઝડપ કરો, આપણી પાસે સમય એકદમ ઓછો છે’ રસીદ બોલ્યો.

ત્રણે ઝડપથી ચટ્ટાનની ટોર્ચ પર ચડવા લાગ્યા.

તેઓથી થોડે દૂર તે ફકીર પણ એક મોટા વૃક્ષ પર ચડીને તે ત્રણેની કાર્યવાહી નિરખી રહ્યો હતો.

વરસાદ શરૂ થઇ ચૂક્યો હતો. સૂર્યનારાયણ વાદળોની વચ્ચે છુપાઇ ગયા હતા. ઘનઘોર વાદળોને ધીરે ધીરે અંધકાર છવાતો જતો હતો.

રસીદએ ટેલીસ્કોપ ગનના એટેચમેન્ટ થેલામાંથી બહાર કાઢ્યા અને પછી એક એક કરીને જોડવા લાગ્યો.

થોડી જ વારમાં ત્રણ ટેલીસ્કોપ ગન તૈયાર થઇ ગઇ. ત્યારે આનંદને ઢસડતા આતંકવાદીઓ ચોકમાં આવ્યા.

ટેલીસ્કોપ ગનમાં સાયલેન્સર લાગેલું હતું. જેથી આંતકવાદીઓના કેમ્પ સુધી અવાજ પહોંચે તેમ ન હતો.

ત્યારબાદ ત્રણે જણ પહાડી ચટ્ટાનની ટોર્ચ પર ઊભા થયા.

આનંદની હાલત એકદમ ખરાબ થઇ ગઇ હતી. તેનું પૂરું શરીર ઢસડવાથી ઝખ્મી થયું હતું અને તેમાંથી લોહી નીકળી કાદવમાં ભળતું હતું. આનંદ લોહી અને કાદવથી લથપથ થઇ ગયો હતો. ધીરે ધીરે તેના પર બેહોશી છવાઇ રહી હતી.

‘ગામવાસીઓ જોઇ લ્યો... આપણા દેશ પાકિસ્તાનના દુશ્મનની હાલત... આની હાલતનુ શુટિંગ કરવામાં આવ્યું છે. પુરી દુનિયાના મીડિયામાં થોડા સમય પછી તે શુટીંગનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ કોઇપણ દેશનો કૂતરો આપણા દેશ સામે આંખ ઊંચી કરી જોઇ નહીં શકે.’ ગર્જના કરતો સુલતાન બોલતો હતો. બુદઇ ગામના લોકો તેની વાત સાંભળી તાળીઓનો ગડગડાટ કરતા હતા. બાળકો નાચતા-કૂદતા હજુ આનંદને પથ્થર મારી રહ્યા હતા.

‘એક... બે... ત્રણ... દાંત ભીંસીંને પ્રલય કાઉન્ટ બોલતો હતો. ચાર... પાંચ... છ... સાત... નવ... દસ...’ અને તેજ સાથે ફિસ ફિસના આછા દવની સાથે ટેલિસ્કોપ ગનમાંથી ગોળીઓનો વરસાદ થયો અને તેજ સાથે સુલતાન મહંમદ અને બીજા ત્રણ આતંકવાદીઓની ચીસો વાતાવરણમાં ગુંજી ઊઠી અને તેઓ ધડામ દેતાક નીચે પછડાયા. સુલતાનના હાથમાંથી માઇક છટકી ગયું. તે દુર્ગાના પગ પાસે ઊંધે માથે પડ્યો. તેની છાતીમાં ગોળી વાગી હતી તે તરફડતો હતો. એક ગોળીએ ગાડીના ડ્રાઇવરની ખોપરી છૂંદી નાખી.

‘ધડામ...’ તે પળ પછી એક મોટો ધમાકો થયો અને જ્યાં ગામવાસીઓ ઊભા હતા. તેનાથી થોડે દૂર એક બોમ્બ ફાટ્યો.

ચોકમાં નાસભાગ શરૂ થઇ ગઇ. ગામવાસીઓ દોડતા ભાગતા હતા.

થોડીવારમાં જ ચારે તરફ સફેદ ધુમાડો છવાઇ ગયો.

‘ચાલ કદમ...’ પ્રલયે ચીસભર્યા અવાજે કહ્યું.

અને પછી પ્રલય અને કદમ બુદઇ ગામના ચોક તરફ જવા તે ચટ્ટાના પરથી જમ્પ મારી કૂદ્યા અને ચોક તરફ અંધાધૂંધ દોડવા લાગ્યા. જયારે ઇ.રસીદે ટેલિસ્કોપ ગન સાથે તે ચટ્ટાન પર ઊભો હતો. તેની નજર પ્રલય અને કદમ પર હતી. પ્રલય અને કદમ પર કોઇપણ જાતનો અવરોધ આવે કે તુરંત તેની ગનમાંથી ગોળીઓ વરસાદ વરસાવવા તે તૈયાર હતો.

તેને તથા પ્રલય, કદમને એક આશ્ચર્ય થતું હતું કે તેઓના ત્રણ સિવાય બોમ્બનો વિસ્ફોટ કોણે કર્યો.

અને પછી થોડીવારમાંજ સફેદ ધુમાડાના આવરણમાં સમાઇ ગયા. ધુમાડો એટલો ગાઢ હતો કે થોડે દૂરની વસ્તુ પણ એકદમ ધૂંધળી દેખાતી હતી, આતંકવાદીઓ ગોળી વાગવાથી તરફડતા તરફડતા મૃત્યુ પામ્યા હતા અને બુદઇ ગામના લોકો દોડી દોડીને ચોકથી દૂર નાસી ગયા હતા.

ત્યાં પહોંચ્યા પછી કદમ અને પ્રલયને ખ્યાલ આવ્યો કે દોરડાથી બાંધળે વ્યકિત બીજી કોઇ નહીં પણ આનંદ છે.

‘કદમ... તું જલદી દુર્ગાનાં બંધન છોડ, હું દોરડું કાપી આનંદને ઉઠાવી લઉં છું.’ કહેતા ગાડીથી નજદીક પહોંચેલ પ્રલયે કમર પર ભરાવેલો છૂરો બહાર કાઢ્યો અને પછી ગાડી સાથે બાંધેલ રાંઢવાને તોડવા લાગ્યો. કદમ ગાડી ઉપર ચડી ગયો. તેના બૂટની એડીમાં છુપાવેલ નાની છૂરી બહાર કાઢી અને દુર્ગાના બંધનો તોડવા લાગ્યો.

‘હં... કોણ છો તમે ? બેબાકળી બનેલી દુર્ગાએ કદમ સામે જોયું, સફેદ ધુંવાણમાં કદમનો ચહેરો તેને સ્પષ્ટ દેખાતો ન હતો, પણ એટલું તો તે કદમ અને પ્રલયની થયેલ વાત પરથી સમજી ગઇ હતી કે જે પણ છે તે તેના મદદગાર છે.

‘દુર્ગા... તું ઠીક છો ને...?’ દોરીના બંધન કાપતાં કદમે પૂછ્યું.

‘હું... હું... ઠીક છું, પણ પણ.... આનંદ.’

‘આનંદની ચિંતા ન કર.’ ચાલ જલદી બંધન કપાઇ જતા, દુર્ગાનો હાથ પકડી કદમે ગાડી પરથી નીચે ઠેકડો માર્યો.

તે સમય દરમિયાન પ્રલયે ગાડી સાથે આનંદને બાંધેલ જાડું દોરડું કાપી નાખ્યું હતું અને આનંદને પોતાના બાવડા પર ઉઠાવી લીધો હતો.

‘દુર્ગા તું ચાલી શકીશ...?’ કદમે પૂછ્યું.

‘મારા હાથ-પગ જકડાઇ ગયા છે, પણ હું દોડી શકીશ ચાલો.’

ચટ્ટાન ઉપરથી ઇ.રસીદએ પ્રલય, કદમ અને આનંદ તથા દુર્ગાને ધુમ્મસના આવરણમાંથી બહાર નીકળતા જોયા, તેણે ટેલિસ્કોપ ગન પર નજર જમાવી અને ટ્રિગર પર આંગળી સ્થિર કરી, તે પ્રલય, કદમ અને દુર્ગાની પાછળ કોઇ આવે કે તેને નુકસાન કરવાની કોશિશ કરે તો તરત ટ્રેગર દબાવી જન્નત પહોંચાડવા માટે તૈયાર હતો.

થોડીવારમાં જ તેઓ ચટ્ટાન પાસે પહોંચી આવ્યા.

તેમને આવી પહોંચેલા જોઇ, ઇ.રસીદ પણ ચટ્ટાન પરથી નીચે ઊતરી આવ્યો.

‘રસીદ... આ આનંદ છે અને તેને જલદી સારવારની જરૂર છે, આપણે તાત્કાલિક પેશાવર જવું પડશે.’ દોડવાથી હાંફતો કદમ બોલ્યો.

એક કામ કરીએ પહેલા આપણે નદી કિનારે તે ફકીરની ઝૂંપડી પર જઇએ ત્યાં આપણે આનંદને પાણીથી પૂરો સાફ કરવો પડશે, પછી જલદી પેશાવર જવા નીકળી જઇશું.’ કાદવ-કીચડથી લથપથ આનંદની સામે એક નજર કરતાં રસીદએ કહ્યું.

ત્યારબાદ તેઓ લગભગ દોડતા દોડતા નદી કિનારે આવેલ ફકીરની ઝૂંપડી તરફ આગળ વધી ગયા, તેમનાથી થોડે દૂર સુલેમાન એક ટેકરી પાછળ છુપાઇ તેઓને જોઇ રહ્યો હતો. પછી તે આતંકવાદીના કેમ્પ તરફ જવા લાગ્યો.

તેઓ ઝડપથી નદી કિનારે આવેલ તે ફકીર બાબની ઝૂંપડી પર પહોંચી ગયા.

‘બાબા.... બાબા... આ... આ... આનંદ છે. તેને આતંકવાદીઓ ગાડી વડે ઢસડતાં યાતનાઓ આપી રહ્યા હતા. બાબા અમે તેને આતંકવાદીઓના પંજામાંથી છોડાવી લાવ્યા છીએ. બાબા... આને બચાવી લ્યો...’ એકી શ્વાસે કદમ બોલી ગયો.

બાબાના ચહેરા પર વાત્સલભર્યું સ્મિત ફરક્યું.

‘શુક્ર છે તારો અલ્લાહ પરવર દિગાર...’ કહેતાં બાબાએ આંખો બંધ કરી હાથ આકાશ તરફ ઉપર ઉઠાવ્યા, પછી આંખો ખોલી ઝડપથી ઊભા થયા, આને જલદી આ ચટાઇ પર સુવડાવો અને તમે લોકો બહાર પડેલા માટલાને ઉઠાવી નદીમાંથી પાણી ભરતા આવો. ઝડપ કરો આના ઝખ્માંથી લોહી નીકળી રહ્યું છે. જલદી તના શરીર પરનો કાદવ કીચડ સાફ કરવો પડશે.’

‘ઠીક છે, બાબા ચાલો, કદમ.’ રસીદ કહેતા પ્રલય ઝૂંપડીની બહાર નીકળી ગયો.’

‘બાબા... બાબા... મારા આનંદને બચાવી લ્યો, બાબા...’ બાબાના પગ પાસે ગોઠણીએ બેસતા દુર્ગા બોલી તેની આંખો આંસુઓથી છલકાઇ રહી હતી.

‘બેટા... ચિંતા ન કર પરવર દિગાર સૌની રખવાલી કરે છે. તમે નેક ઇન્સાન છો. તેની કૃપા હશે તો તારા આનંદને કંઇ જ નહીં થાય, બેટા અલ્લાહને યાદ કરે તે તારી મદદ જરૂર કરશે.’ બાબાએ પ્રેમપૂર્વક દુર્ગાના માથા પર હાથ સવારતાં બોલ્યો.

કદમ, પ્રલય અને રસીદની મદદથી બાબાએ આનંદના તૂટેલાં કપડાં પૂરાં કાઢી નાખી આખા શરીર પર કાદવ-કીચડને પાણીથી એકદમ સાફ કર્યુ. ભાનમાં આવતા આનંદ અતીરિક્ત પીડાથી ચિલ્લાતો હતો.

બાબાએ દુર્ગાને બહાર બેસાડ હતી, તે ઇશ્વર, અલ્લાહને પ્રાર્થના કરી રહી હતી.

કાદવ-કીચડ પૂરા સાફ થઇ જતાં આનંદના પૂરા શરીર પરના ‘ઘા’ સ્પષ્ટ દેખાતા હતા. લોહી પણ ચારે તરફથી વહી રહ્યું હતું. બાબાએ માથા પર બાંધેલો સાફો ઉતાર્યો અને તેના ચીરા કરી, આનંદના પૂરા શરીર પર વીંટાળી દીધા. વહેતું લોહી બંધ થયું, પણ આનંદ હજુ પીડાથી ચિલ્લાઇ રહ્યો હતો.

‘બાબા આને અમે પેશાવર લઇ જઇએ.’ પ્રલયે કહ્યું.

‘ના... બેટા, અત્યાર સુધીમાં આતંકવાદીઓ આનંદ અને દુર્ગાને શોધવા ચારે તરફ ફરતા હશે. તેને લઇ જતાં તેનો તથા તમારો જીવ-જોખમમાં આવી જશે. એના કરતા તમારામાંથી એક જણ પેશાવર જઇ પીડા માટેનું વોવેરન ઇન્જેક્શન, ટ્રેટાનુરાનું ટી.ટી. નું ઇન્જેકશન અને એન્ટીબાયોટીકની ટેબલેટ લઇ આવો. ઇન્જેક્શન મને આપતાં આવડે છે. હું આપી દઇશ પણ તમારે ઝડપ કરવી પડશે.’

‘હું હમણા જાઉં છું, બાબા તમે ઇન્જેક્શન અને ટેબલેટનાં નામ લખી આપો.’ ખિસ્સામાંથી કાપલી અને પેન બહાર કાઢતા રસીદ બોલ્યો.

બાબાએ ઝડપથી બધી જ દવા કાપલી પર લખી દીધી.

ક્ષણનોય વિલંબ કર્યા વગર રસીદ જમ્પ મારી ગાડીમાં બેઠો અને પછી તેની ગાડી આંધી તુફાનની ઝડપે પેશાવર તરફ ધસમસતી જઇ રહી હતી.

ઝરમર... ઝરમર... વરસાદ હજુ ચાલુ હતો.

‘કોણ હતા...? કોણે આપણા માણસોને મારી તે ભારતીયોને છોડાવી ગયા. ત્રાડભર્યા અવાજ સાથે અફઝલ શાહિદ બોલી રહ્યો હતો. તેનો ગુસ્સા સાતમાં આસમાને પહોંચી ગયો હતો. અત્યારે તે બુદઇ ગામના ચોકમાં ઊભો હતો. ગામ લોકો તેના ક્રોધથી ડરીને ધ્રૂજી રહ્યા હતા.’

‘બોલો... કોણ હતો, બોલો... કાકા તમે કહો કોણ હતા...?’

‘હજૂર... એકાએક ક્યાંથી ગોળીબાર થયો અને સુલતાન, મહંમદ, બધા જ આપના માણસો ગોળી વાગવાથી પટકાયા અમે સૌ આશ્ચર્યમાંથી બહાર આવીએ તે પહેલા એક બોમ્બ ધડાકાભેર ફાટ્યો અને ચારે તરફ એકદમ સફેદ ધુમાડાની ચાદર ફેલાઇ ગઇ. અમે સૌ જાન બચાવવા માટે ત્યાંથી નાસી છૂટ્યા.’ મોટી ઉંમરનો ગામનો સૂબો બોલ્યો.

‘એમ... !’ આપણા માણસોને કોઇએ ગોલી મારી મારી નાખ્યા અને તમે સૌ જાન બચાવવા નાસી છૂટ્યા. કાકા તમે તો ગામના સૂબા છો. તમારી ફરજ હતી કે આપણા માણસોને મારનારને શોધવાની પણ... પણ... ના તમને તમારો જાન પ્યારો હતો...’ ક્રોધથી અફઝલ શાહિદનો ચહેરો લાલચોળ બની ગયો.

‘હજૂર... માફ કરો. મેં જાણવાની કોશિશ કરી હતી, પણ સફેદ ધુમાડાનું આવરણ એટલું ગાઢ હતું કે કાંઇ જ દેખાયું નહીં અને વળી આંખો એટલી બળતી હતી કે માંડ માંડ ખૂલતી હતી.’

‘જે આદમી ગામ લોકોની કે મારા આદમીઓની રક્ષા ન કરી શકે તેવો માણસ ગામના સૂબા તરીકે રહેવાને લાયક જ નથી અને રહી માફીની વાત તો તમે માફીને લાયક નતી. તમને એકવાર માફ કર્યા પછી આ માફીનો સિલસિલો ચાલુ થઇ જશે. કાકા... જાવ ઉપર જઇ જશ્ન મનાવો.’

‘ના ના... મને મારશો નહીં.’ અફઝલ તેની સામે રિવોલ્વર તાકતા જોઇ બંને હાથ આગળ ધરી યાચનાભર્યા અવાજે તે બોલ્યો. પરંતુ ત્યાં સુધી અફઝલ રિવોલ્વરનું ટ્રેગર દબાવી દીધું હતું. ધમાકા સાથે ગોળી છૂટી અને સૂબાની છાતીમાં ક્યાંક સમાઇ ગઇ. ‘યા અલ્લા... રહેમ કર...’ કહેતાં સુબાના બંને હાથ છાતી પર દબાયા. લોહીની ધારો છૂટી અને બીજી જ પળે તે ધબાક કરતા નીચે પછડાયો.

‘ગામવાસીઓ મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો, આપણું આ મિશન કશ્મીરને ભારતમાંથી આઝાદ કરાવવાનું છે. આપણા દેશની શાન જેવા કશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાનું છે. આ મિશનમાં મોત એટલે જન્ન્તમાં જવા માટેની સીડી છે, અને દેશ માટે બલિદાન, આથી વીરગતિ પામવાની છે, પણ...’ પણ શબ્દ પર ભાર આપતા તે પહાડી અવાજે આગળ બોલ્યો, ‘પણ જે મોતથી ડરીને ભાગી જશે તેને મારી ગોળી ખાઇ નરકમાં જવું પડશે. બોલો... ગામવાસીઓ તમે દેશ માટે શહીદ થઇ જન્ન્તનશીન થવા ઇચ્છો છો કે મારા હાથે ગોળી ખાઇ આ સૂબાની જેમ નરકમાં જવા ઇચ્છો છો... બોલો...’

‘હજૂર... આપનો હુકમ સર પર.’ અમે સૌ મિશનમાં સાથ આપીશું. મોતથી ડરી ક્યારેય નહીં નાસી જઇએ. દેશ માટે શહીદ થઇ જન્ન્તનશીન જવા સામી છાતીએ લડશું.’ એકી અવાજે ગામવાસીઓ બોલી ઊઠયા.

‘શાબ્બાશ... ખુદાના બંદાઓ મારે તમારી પાસેથી આજ જવાબની આશા હતી. તમારા આકા તમારાથી ખુશ થયા. હવે આપણા આ શહીદોને દફન કરવાની તૈયારી કરો અને ગામના સૂબાની લાશને પહાડી પર ફેંકી આવો, જેથી ગીધો તેના સ્વાદિષ્ટ માસનું ભોજન માણે અને વાલીદ...’ વાલીદ નામના એક યુવાન સામે જોતાં અફઝલ સૈયદ આગળ બોલ્યો, ‘વાલીદ આજથી તું ગામનો સૂબો છે, પણ યાદ રહે આપણા માણસોને મારનારને તારે શોધી કાઢવાના છે.’

‘હજૂર... આપનો હુકમ સર પર...’ કહેતાં વાલીદ કમરથી નીચા નમીને ઝૂક્યો, ગામવાસીએ વાલીદના નામનો નારો લગાવ્યો.

***