Premnu Aganphool - 6 - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું અગનફૂલ - 6 - 3

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતની આહટ

ભાગ - 3

‘હા... અફઝલ શાહિદ... આતંકવાદી સંગઠનનો મુખ્ય સૂત્રધાર છે. અને આઇ.એસ.આઇ. ના ચીફ મકમુલ શાહિદનો કાકાનો છોરો છે. તાહિરખાન અફઝલ શાહિદનો ખાસ માણસ લેખાય છે. અને તાહિરખાનનું મુક્ય કામ અફઝલ શાહિદના સંગઠન માટે, પાકિસ્તાની સરહદ પાર કરી ભારતમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ ફેલાવી શકે તેવા લોકો સંગઠનમાં જોડવાનું જ કામ કરે છે.

‘ઓ... માય ગોડ... ? પણ... પણ... દુર્ગાનું અપહરણ પાકિસ્તાન લઇ આવવાનો તેનો આશય શું હોઇ શકે... ?’ પ્રલયે પૂછ્યું.

‘તે લોકો દુર્ગા પાસે કોઇ એવું કામ કરાવવા માંગે છે. કે દુર્ગા થકી ભારતમાં મોટું નુકસાન થાય અને પછી દુર્ગાને આંતકવાદી તરીકે જાહેર કરવી જેથી પાકિસ્તાન દુનિયાને કહી શકે કે આંતકવાદી સંગઠનો એ પાકિસ્તાન નહીં પણ ખુદ ભારતના જ લોકો છે અને તે પણ હિન્દુ સંગઠનનું જ કામ છે.’

‘ખરેખર આ લોકોનો ઇરાદો એકદમ ખતરનાક છે... પણ આ બધી વાતની તને કેવી રીતે ખબર પડી... ?’ પ્રલયે નાઝીયા સામે જોયું.

‘કેમ કે, હું તાહિરખાનને પ્રેમ કરતી હતી અમે બંને એકબીજાને પસંદ આવતા હતાં.’

‘શું... ?’ પ્રલય પોતાની ખુરશીમાંથી ઉછળી પડ્યો.

‘હા... ભાઇ જાન... પણ મને જ્યારે તેની આ પ્રવૃત્તિઓ વિશે જાણવા મળ્યું કે તરત મને તેના તરફ નફરત થઇ ગઇ. આ બધી વાત ખુદ મને તાહિરખાને જણાવી હતી. મે તેને અપમાન કરી ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને એટલે જ તે મારી પાછળ પડી ગયો હતો અને હોટલમાં મને લેવા માટે આવ્યો હતો.’ એક ઊંડો શ્વાસ ભરતાં નાઝીયા બોલી. તેની પાંપણો ભીની થઇ ગઇ.

‘સોરી... નાઝીયા.. મારી બેને મેં તારા દિલના જખ્મને તાજું કર્યું... ઠીક છે. હવે તને હું આ બાબતથી દૂર રાખીશ. હું મારી રીતે બધું ફોડી લઇશ.’ મક્કમતાપૂર્વક પ્રલય બોલ્યો.

‘ના... ભાઇજાન હવે હું તારી સાથે જ છું, મને હવે તાહિરખાનથી નફરત છે. ભાઇ, જેવી હું તારી બેન જેવી જ દુર્ગા તારી બેન છે અને દુર્ગાને બચાવવા માટે હું તારી સાથે જ છું.’

‘વાહ... મારી બહેના... ખરેખર પાકિસ્તાનમાં તારા જેવી જ બહેનો છે, પણ અમુક લોકો પોતાના સ્વાર્થ માટે થઇને હંમેશા ભારતની સામે લોકોને ઉશ્કેરતા રહે છે.’ આટલું બોલી, પ્રલય ચૂપ થયો, થોડું વિચારીને બોલ્યો ‘નાઝીયા, હવે તાહિરખાન આપણને ક્યાં મળશે, દુર્ગા સુધી પહોંચવા માટે આપણે તાહિરખાનને પકડવા પડશે.’

‘હોટલ પામીર... હોટલ પામીર તાહિરખાનની હોટલ છે અને તાહિરખાન આપણને ત્યાં જ મળી શકશે, પણ હોટલ પામીરમાં પગ મૂકવો એ મોતને સામેથી આમંત્રણ મૂકવા જેવું છે.’

‘નાઝીયા... તું ચિંતા ન કર. તાહિરખાન જેવા તો કેટલાય મગતરાને મે મસળી નાખ્યા છે.’ દાંત કચકચાવતાં પ્રલય બોલ્યો.

આકાશમાં કાળાં-ડિબાંગ વાદળોએ કબજો લીધો હતો. થોડી થોડી વારે આગના લિસોટા વેરતી વીજળી એક દિશાથી બીજી દિશામાં ઉજાગર થતી ફરીથી કાળાં ડિબાંગ વાદળોમાં લુપ્ત થઇ જતી હતી.

હોટલ પામીર.

પાંચ મંજિલ. હોટલ પામીર પેશાવરની શાન લેખાતી હતી. અદ્યતન સુવાધા સાથે બિયરબાર, ડાન્સબાર અને કેટલાય કેફી પદાર્થો ત્યાં મળી રહેતા, ગામના અમીર લોકો હોટલ પામીરની મુલાકાત લઇ ગર્વ અનુભવતા.

હોટલ પામીર તાહિરખાનની માલિકની હતી. તાહિરખાનના એક નંબરના બિઝનેસ માટે તથા સમાજમાં સારી પ્રતિભા માટે તેણે આ હોટલ શરૂ કરી હતી. પણ હોટલ પામીરના ગોડાઉમાં તેનો સારો બિઝનેસ રાત્રિના શરૂ થતો. ચરસ, ગાંજો, કોકીનની દાણચોરી તથા કોલગર્લની સપ્લાય કરતો. પેશાવરના મધાંતાઓ અને કાદવર નેતાઓને તે છોકરીઓ સપ્લાય કરતો અને પછી તેની વીડિયોગ્રાફી ઉતરાવી બ્લેકમેલિંગ કરતો હતો. તાહિરખાન પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠનના નેટવર્ક સાથે સંકળાયેલો હતો અને સંગઠનના મુખ્ય સૂત્રધાર અફજલ શાહિદનો તે ખાસ માણસ હતો.

રાત્રિના લગભગ બાર વાગ્યાનો સમય થવા આવ્યો હતો. વરસાદ શરૂ થઇ ચૂક્યો હતો. પ્રલય મક્કમ પગલે હોટલ પામીરના પ્રવેશદ્વારમાં પ્રવેશ્યો. હોટલના બાર હોલમાં બે-ચાર માણસો બેઠા હતા. બાકીના બધા વરસાદ ચાલુ થવાથી ચાલ્યા ગયા હતા.

પ્રલય બાર કાઉન્ટર પાસે પહોંચ્યો. કાઉન્ટર પર બેઠેલ મેનેજર પ્રશ્નાર્થ ભરી નજરે તેની સામે જોયું.

‘તાહિરખાનને મળવું છે.’ વેધક નજરે જોતાં સખ્ત અવાજે પ્રલયે કહ્યું.

‘શું કામ છે... ?’

‘એ હું તાહિરખાનને કહીશ. ક્યાં છે તાહિરખાન...?’

‘પહેલાં કામ બતાવ પછી વાત.’ મેનેજર ચિડાયો.

‘એય... સાલ્લા હરામખોર...’ પ્રલયની આંખ ક્રોધથી લાલ થઇ ગઇ. તેણે મેનેજરનાં બંને બાવડા પોતાના પંજાથી મજબૂતાઇથી પકડ્યાં પછી એકદમ આંચકો માર્યો.

મેનેજરનો દેહ હવામાં અધ્ધર તરતો કાઉન્ટર પરથી આગળ પછડાયો.

મેનેજરના મોંમાંથી જોરદાર ચીસ નીકળી પડી.

તે જ પળે તાળીઓના અવાજ સાથે હોલ ગુંજી ઊઠ્યો.

પ્રલયે ચારે તરફ નજર ફેરવી જોયું.

તેનાથી થોડે દૂર તાહિરખાન ઊભો ઊભો તાળી પાડતો હતો અને તેની સાથે આવેલા તેના માણસો પ્રલયને ચારે તરફથી ઘેરી લેવાની કોશિશ કરતા હતા. કોઇના હાથમાં મોટર સાયકલની ચેન હતી, તો કોઇના હાથમાં પાઇપ હતા, કોઇના હાથમાં હોકી હતી.

ક્રોધથી સળગતી નજરે પ્રલયે તાહિરખાન સામે જોયું.

‘શાબ્બાશ... તો તું મને શોધતો અહીં આવી જ ગયો. એમને...?’ વ્યંગ સાથે તાહિરખાન હસ્યો.

‘તાહિરખાન.. અહીં તને લેવા માટે આવ્યો છું, ચૂપચાપ મારી સાથે ચલ નહીંતર મરવા માટે તૈયાર થઇ જા.’ પ્રલય ચિલ્લાયો.

‘તું તાહિરખાનને ગાજર, મૂળો સમજી બેઠો છું...? તું અહીંથી જીવતો બહાર નહીં જઇ શકે. તું મારી ચિંતા કર.’ તાહિરખાન ગુસ્સાથી તમતમી ઊઠ્યો.

‘પકડી લ્યો હરામખોરને...’ તાહિરખાન ચિલ્લાયો કે તરત તેના માણસો આગળ વધ્યા.

એક માણસ ચેન ફરાવતો પ્રલય તરફ ધસી ગયો.

‘શાબાશ...’ના અવાજ સાથે ચેન હવામાં અધ્ધર લહેરાઇ, પણ બીજી જ પળે પ્રલયે ચેનનો બીજો છેડો પકડી લીધો અને જોરથી આંચકો માર્યો. તે માણસ ચેન સાથે આગળ નમી ગયો અને પછી ફર્શ પર પટકાયો.

તરત બીજા બે માણસો આગળ વધ્યો. એકના હાથમાં પાઇપ હતી, બીજાના હાથમાં હોકી હતી.

પ્રલયે ચેનને ઘુમાવી અને હોકી પકડી આગળ ધસી આવેલો માણસ કાંઇ કરે કે સમજે તે પહેલા ચેન તેના ચહેરા પર પડી. જોરદાર ચીસ સાથે તે ઊછળીને પાછળ પટકાયો, તેનો ચહેરો લોહીથી ખરડાઇ ગયો, તે જ વખતે પાઇપ પકડી આગળ વધતા માણસે પ્રલયની પીઠ પર પાઇપ ફટકારી દીધી.

પાઇપનો ફટકો એટલો જોરદાર હતો કે પ્રલય બેવડો વળી ગયો.

તાહિરખાન આગળ વધ્યા અને બેવડા વળી ગયેલા પ્રલયના માથામાં જોરથી લાત ફટકારી દીધી. પ્રલય ઊલટો પછડાયો. તેના હાથમાંની ચેન સરીને નીચે પડી ગઇ.

જેવો તે નીચે પટકાયો કે પાઇપ પકડીને ઊભેલા તે માણસે પ્રલયના પગ પર કચકચાવીને પાઇપ મારી.

પ્રલયના મોંમાંથી જોરદાર ચીસ સરી પડી.

ક્ષણનોય વિલંબ કર્યા વગર તાહિરખાનને ઝડપથી આગળ વધી પ્રલયની છાતીમાં લાત ફટકારી દીધી.

પ્રલય ગુલાંટી ખાઇ ગયો, પણ તે જ વખતે નીચે પડેલી ચેને તેના હાથમાં આવી ગઇ.

પ્રલય મરવા મારવા પર ઊતરી આવ્યો હતો. તેણે પીડાને ભૂલી જઇ ચેનને મજબૂતાઇથી હાથમાં પકડી અને તેની છાતી પર મારવા માટે ઊચા થયેલા તાહિરખાનના પગ પર જોરથી વીંઝી. ચેન તાહિરખાનના પગમાં વીંટળાઇ, તરત પ્રલયે જોર કરી આંચકો માર્યો, તાહિરખાનનો પગ સાંકળમાં ભિડાયેલો હોવાથી તે અદ્ધર ઊછળ્યો અને પછી ઊંધે માથે નીચે પટકાયો.

પ્રલય ઝડપથી બેઠો થયો અને પાઇપ મારવા આવેલ માણસ પાઇપ તેના માથા પર મારે તે પહેલા જ ચપળતાથી તેની પાઇપને એક હાથથી પકડી અને બીજા હાથમાં પકડેલી ચેન ઘુમાવી. તે માણસ જોરદાર ચીસ નાંખતો ગુલાંટ ખાઇ ગયો.

પ્રલયનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો હતો. તે ઝડપથી ઊભો થયો અને તેના પર ધસી આવતા તાહિરખાનના માણસો પર સાંકળને ગોળ ગોળ ફેરવતો વીંઝવા લાગ્યો.

ચીસોના અવાજથી હોલ ગુંજી ઊઠ્યો.

તાહિરખાને પોતાના માણસોને માર ખાતા જોયા કે તરત દરવાજા તરફ સરકવા લાગ્યો. તેણે ધીરેકથી દરવાજો ખોલ્યો અને ઝડપથી બહારની તરફ સરકી ગયો.

‘ક્યાં જાય છે, જાનેમન...’ અવાજ સાંભળી તાહિરખાન એકદમ ચમકી ગયો. તેની પાછળ ખૂબસૂરત યુવાન હસતા ચહેરે ઊભો હતો.

‘ચાલ હટ...’ તાહિરખાને તેને ધક્કો માર્યો.

પણ બીજી જ પળે તે યુવાનના રાઠોડી હાથનો મુક્કો તાહિરખાનના ગાલ પર પડ્યો. તાહિરખાનના પાછળની તરફ હટી ગયો.

તાહિરખાનના માણસો પ્રલયની ચેનનો માર ખાઇ નીચે પડ્યા પડ્યા ચિલ્લાતા હતા. તેઓને ત્યાં જ પડતો મૂકી પ્રલય ઝડપથી દરવાજા તરફ ધસી ગયો.

બહાર આવતાં જ પ્રલયની તાહિરખાનને મુક્કો મારતા કદમ પર નજર પડી. ક્ષણ માટે તેના ચહેરા પર આનંદ છવાયો. બીજી જ પળે તેણે તાહિરખાન તરફ નજર ફેરવી, ‘તાહિરખાન...’ પ્રલયે જોરથી ચિલ્લાયો તેની આંખોમાંથી ક્રોધ ભભૂકી રહ્યો હતો. ગુસ્સાથી તેનો ચહેરો એકદમ તમતમી ગયો હતો.

છીંકોટ નાખતો પ્રલય તાહિરખાન તરફ આગળ વધ્યો અને પછી તાહિરખાનને કાંઇ સમજે તે પહેલા જ પોતાનું માથું ઘુમાવી જોરથી તાહિરખાનના માથા સાથે ફટકારી દીધું.

તાહિરખાન ચીસ નાંખતો નીચે ફસડાઇ ગયો.

‘ચાલ સાલ્લા હરામખોર...’ કહેતા નીચે પડેલા તાહિરખાનના બાલ મુઠ્ઠીમાં પકડીને પ્રલય તેને ઢસડવા લાગ્યો.

વેદનાથી તાહિરખાન ચિલ્લાતો રહ્યો. પ્રલયે તેને એમને એમ ઢસડીને રસ્તા પર લાવ્યો અને ત્યાં પડેલી ટેક્ષીની પાછળ સીટ પર પછાડ્યો, ‘અબ્દુલ આને લઇ ચાલ’ કહેતાં પ્રલયે ડ્રાઇવર સામે જોયું.

તે જ વખતે એક ધમાકો થયો અને સુસવાટો બોલાવતી એક ગોળી પ્રલયના માથા પરથી પસાર થઇ ગઇ. પ્રલય ઝડપથી ટેક્ષીની એક તરફ નીચે બેસી ગયો.

પ્રલયથી થોડે દૂર આવતા કદમે ઝડપથી રિવોલ્વર ખેંચી કાઢી અને ત્યાં પડેલી એક કાર પાછળ જમ્પ મારી ત્યારબાદ પ્રલય તરફ જે દિશામાંથી ગોળી આવી હતી તે દિશામાં કદમની રિવોલ્વરમાંથી કેટલીય ગોળીઓ છૂટી.

વાતાવરણ ગોળીઓના ધમાકાથી ધ્રૂજી ઊઠ્યું.

‘પ્રલય... તું તાહિરખાનને લઇને નીકળી જા. હું આ લોકોને રોકી રાખું છું.’ કદમ જોરથી ચિલ્લાયો અને પછી ફરીથી સામેની તરફ ગોળીબાર કર્યો.

પ્રલય જમ્પ મારી ટેક્ષીમાં બેસી ગયો.

અને તરત જ અબ્દુલે ટેક્ષીને ગિઅરમાં નાખી, ઝાટકા સાથે ટેક્ષી આગળ વધી અને પછી સ્પીડ પકડી લીધી.

કદમે દાંત કચકચાવતા સામેના ભાગમાં આવેલ એક ટેકરી પરના વૃક્ષ પાછળથી બે માણસોને તેણે ગોળી છોડતા જોયા. કદમ એકાએક ઝડપથી દોડ્યો અને સડક પાર કરી સામે બાજુ પહોંચી ગયો, ત્યાં સુધી તો કેટલીય ગોળીઓ તેની આજુબાજુમાંથી પસાર થઇ ગઇ.

સડક પસાર કરી સામે બાજુ આવેલા એક વૃક્ષની ઓથ પાછળ તે ઊભો રહી ગયો અને દુશ્મન હવે શું કરે છે, તેની વાટ જોવા લાગ્યો.

થોડીવાર સન્નાટો છવાયેલો રહ્યો.

કદમે ધીરે ધીરે વૃક્ષ પાછળથી ડોક લંબાવી. તે ટેકરી તરફ નજર કરી. ધાંય... ધાંય... ધાંય... કેટલીય ગોળીઓ તેના તરફ છૂટી અને વૃક્ષના થડમાં ઘૂસી ગઇ. હવે શું કરવું તે કદમ વિચારતો હતો અચાનક તેની આંખોમાં વિચિત્ર ચમક ફેલાઇ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED