ધ ઊટી... - 33 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ઊટી... - 33


33.

( અખિલેશ અને વિશ્વા કોફી શોપમાં જાય છે, ત્યાં વિશ્વા પોતાનાં ચહેરા પાછળ છુપાયેલ દર્દ ભેરેલી કહાની અખિલેશને જણાવે છે, વિશ્વા અખિલેશને જણાવે છે કે મુંબઈમાં પોતે છેલ્લાં છ મહિનાથી તેમની મોટી બહેન શિલ્પા પટેલના ઘરે રહે છે,ત્યારબાદ બંને કોફી પીઈ ને અખિલેશનાં ફ્લેટ પર જાય છે, અને વિશ્વા વિધિવત અખિલેશનાં ફ્લેટમાં ગૃહપ્રવેશ કરે છે, થોડીવારમાં આકાશ વિશ્વાનું એક્ટિવા આપવા માટે આવી પહોંચે છે, ત્યારબાદ વિશ્વા અને અખિલેશ ફ્લેટ પર જ સાથે ડિનર કરે છે, અને લગભગ રાતનાં 8 વાગ્યે વિશ્વા પોતાની બહેનનાં ઘરે જવાં માટે પોતાનું એક્ટિવા લઇને અખિલેશનાં ફ્લેટથી નીકળે છે.)


સ્થળ - અખિલેશનો ફ્લેટ
સમય - સવારનાં 7 કલાક.

સવાર પુરે-પુરી ખીલી ઉઠી હતી, સૂર્યનારાયણ ભગવાન પણ જાણે ભૂલ્યા વગર પોતાની ફરજ પર હાજર થઈ ગયાં હોય તેમ આખી સૃષ્ટિમાં પોતાનો પ્રકાશ ફેલાવવા લાગ્યાં હતાં, પક્ષીઓ પણ પોતાનાં નાના - નાના બચ્ચાને માળામાં એકલાં મૂકીને મનુષ્યની માફક ભોજનની વ્યવસ્થા કરવાં માટે કલરવ કરતાં કરતાં નીકળી પડેલ હતાં, નાના નાના ભૂલકાઓ પણ પોતાનાં નાજુક ખભે ભારેખમ સ્કૂલ બેગ લગાવીને કહેવાતા ભાર વગરનું ભણતર મેળવવાં માટે સ્કૂલે જવાં નીકળી પડ્યાં હતાં, આજનો આ મનુષ્ય પોતાની મેકેનિકલ લાઈફમાં ફરી સેટ થવાં માટે પોતાના નોકરી ધંધાના સ્થળે જવાં માટે નીકળી પડેલ હતાં.

આવી મદમસ્ત સવારમાં સપનાઓમાં ખવાયેલ અખિલેશનાં મોબાઈલમાં એલાર્મ વાગે છે, અને અખિલેશ પોતાની બંને આંખો ચોળતાં- ચોળતાં પથારીમાંથી ઉભો થાય છે, વર્ષો બાદ કે એક લાંબા વિરામ બાદ અખિલેશે શાંતિથી આજે પૂરેપૂરી ઊંઘ લીધી હોય તેવું લાગી રહ્યું હતું, હવે તો પોતાની લાઈફમાં વિશ્વાએ પણ એન્ટ્રી લઈ લીધેલ હોવાથી અખિલેશનાં મનમાં એક અલગ પ્રકારનો જ આનંદ છવાઈ ગયેલો હતો, અખિલેશ વિચારી રહ્યો હતો કે ભગવાને પોતાને ભલે આટલો બધો હેરાન કર્યો પરંતુ અંતે તો તેના સાચા પ્રેમ એટલે કે વિશ્વા સાથે મેળાપ કરી આપ્યો હતો, આથી અખિલેશે મનોમન ભગવાનનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર માન્યો, અને ત્યારબાદ ફ્રેશ થવાં માટે જાય છે….આજે અખિલેશનાં મનમાં અને શરીરમાં એક અલગ પ્રકારની ખુશીઓ અને એનર્જી પ્રસરી ગઈ હતી.

થોડીવારમાં અખિલેશ ફ્રેશ થઈને આવે છે, હાલમાં પણ અખિલેશનાં મનમાં વિશ્વાનાં જ વિચારો આવી રહ્યાં હતાં, પોતે પોતાની જાતને નસીબદાર માની રહ્યો હતો કારણ કે તેને આટ-આટલી મુસીબતો પછી પણ પોતાને સાચો પ્રેમ કરનાર વિશ્વા મળી ગઈ, થોડીવારમાં અખિલેશ એકદમ રેડી થઈ જાય છે, અને ટેબલ પર ચા - નાસ્તો કરવાં માટે બેસે છે, ત્યારબાદ 9 :30 વાગ્યાની આસપાસ અખિલેશ પોતાની કંપનીએ જવાં માટે ફ્લેટથી પોતાની કાર લઈને નિકળે છે.

એકાદ કલાકમાં અખિલેશ ડિજિટેક કંપનીએ પહોંચી જાય છે, પોતાની કાર પાર્કિંગમાં પાર્ક કરીને અખિલેશ પોતાની ચેમ્બર તરફ ચાલવા માંડે છે, પોતાની ચેમ્બરમાં બેસીને કોમ્પ્યુટર સ્ટાર્ટ કરે છે, અને ટેબલ પર રાખેલ ફાઈલો વિખવા માંડે છે, અને કામમાં વ્યસ્ત બની જાય છે.

એવામાં એકાએક અખિલેશનો ફોન રણકી ઉઠે છે, અખિલેશ મોબાઇલની ડિસ્પ્લે પર નજર કરે છે, તેમાં “દીક્ષિત" એવું લખેલ ધ્યાનમાં આવ્યું, આથી અખિલેશે કોલ રિસીવ કર્યો.

"હેલો ! ગુડ મોર્નિંગ ! દીક્ષિત…!" - અખિલેશ દીક્ષિતને વિશ અપાતાં બોલે છે.

"ગુડ મોર્નિંગ ! અખિલેશ….! હાલ ક્યાં છો સાહેબ…?" - દીક્ષિત મજાક કરતાં બોલે છે.

"દીક્ષિત ! હાલ હું મારી ચેમ્બરમાં બેઠો છું, અને મારું જે કંઈ પેન્ડિગ વર્ક છે, તે પૂરું કરી રહ્યો છું…!" - અખિલેશ દીક્ષિતે પુછેલાં પ્રશ્નનો જવાબ આપતાં બોલે છે.

"સાહેબ ! તમે મને કાલે સવારે રજા માટે કોલ કર્યો હતો, ત્યારે જણાવ્યું હતું કે, "મારી લાઈફ પાછી વેલસ્ટ થઈ રહી છે..!" તો સાહેબ તમારી લાઈફ હવે વેલ સેટ થઈ ગઈ હોય તો મારી ઓફિસમાં આવો…!" - દીક્ષિત મજાકના મુડમાં અખિલેશને જણાવે છે.

"ઓકે ! પહોંચ્યો પાંચ મિનિટમાં….!" ત્યારબાદ અખિલેશ કોલ ડિસ્કનેક્ટ કરીને દીક્ષિતની ઓફીસ તરફ ચાલવાં માંડે છે.

થોડીવારમાં અખિલેશ દીક્ષિતની ઓફિસે પહોંચી જાય છે, અને દીક્ષિતની ચેમ્બરનો દરવાજો નોક કરીને દીક્ષિતની ચેમ્બરમાં પ્રવેશે છે. આથી દીક્ષિત અખિલેશને ચેર પર બેસવા માટે ઈશારો કરે છે.
અને અખિલેશની સામે જોઇને પૂછે છે.

"સાહેબ ! તો કાલે સવારે જે મને તમે ટૂંકમાં જણાવ્યું હતું તે હવે વિગતવાર જણાવો….તે તારા અંગત કારણોસર રજા રાખી હતી, તે અંગત કારણ શું હતું….? એવું તો તારી સાથે શું બન્યું કે તને એવું લાગ્યું કે તારી લાઈફ ફરીથી સેટ થઈ રહી હોય…?" - આમ દીક્ષિત એકસાથે ઘણાબધાં પ્રશ્નો અખિલેશને પૂછી લે છે.

ત્યારબાદ અખિલેશ પોતાની સાથે ગઈકાલે જે ઘટનાં બની હતી તેનાં વિશે વિગતવાર દીક્ષિતને જણાવે છે, દીક્ષિત પણ જાણવાની આતુરતા સાથે અખિલેશની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. અખિલેશની આખી વાત સાંભળીને દીક્ષિત બોલ્યો.

"વેરી સ્ટ્રેનજ ! ભગવાનની લીલા પણ કેવી વિચિત્ર છે, જેની આપણે કલ્પના પણ નથી કરી શકતાં… તને સાચા દિલથી પ્રેમ કરનાર વિશ્વા તો મળી, અને એ પણ શ્રેયાં કે નિત્યા જેવાં ચહેરા સાથે….કુદરતની કરામત પણ જટિલ છે….અને હા તે મને શું જણાવ્યું કે વિશ્વા પોતાની પ્લાસ્ટીક સર્જરી બાદ છેલ્લાં છ મહિનાથી પોતાની બહેન શિલ્પા પટેલનાં ઘરે રહે છે એમ ને…?" - દીક્ષિતે ખાતરી કરતાં અખિલેશને પૂછ્યું.

"હા ! દીક્ષિત…!" - અખિલેશ પોતાનું માથું હલાવી સહમતી દર્શાવતા બોલ્યો.

"એક મિનિટ ! અખિલેશ….!" - દીક્ષિતને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેવી રીતે બોલ્યો.

"શું ! થયું દીક્ષિત…?" - અખિલેશે વિસ્મયતા સાથે દીક્ષિતને પૂછ્યું.

"આ ! શિલ્પા પટેલ….આ સર્જરી….છેલ્લાં છ મહિના...આવું મેં ક્યાંક સાંભળેલ હોય તેવું મને લાગી રહ્યું છે...પણ ક્યાં…?...ક્યારે….? અને કોની પાસેથી સાંભળેલ છે...એ મને હાલ યાદ નથી આવી રહ્યું.

"દીક્ષિત ! પ્લીઝ ! તારા મગજ પર થોડું વજન આપીને યાદ કરવાં માટે પ્રયત્ન કર ! દોસ્ત..!" - અખિલેશ દીક્ષિતને હિંમત આપતાં બોલ્યો.

આથી દીક્ષિત પોતાનાં મગજ પર ભાર આપીને આ બાબત યાદ કરવાં માટેની જહેમત ઉઠાવે છે, થોડીવાર વિચાર્યા બાદ દીક્ષિતને અચાનક જ કઈ યાદ આવ્યું હોય તેવી રીતે એક ચમક સાથે, ચહેરા પર જીતનાં આનંદ સાથે ઝબકી જાય છે. ત્યારબાદ દીક્ષિત પોતાનો મોબાઈલ ઉઠાવે છે, અને મિ. ધ્રુવ પટેલને કોલ કરે છે. ધ્રુવ પટેલ કોલ રિસીવ કરે છે, અને બોલે છે.

"હેલો ! ગુડ મોર્નિંગ સર..!" - ધ્રુવ પટેલ દીક્ષિતને વિશ આપતાં બોલે છે.

"મિ. ધ્રુવ પટેલ…! પ્લીઝ કમ ઈન માય ઓફીસ ઈમિડીએટલી…!" - આટલું બોલી દીક્ષિત કોલ ડિસ્કનેક્ટ કરીને પોતાનો મોબાઈલ ફોન ટેબલ પર મૂકે છે.

આ બાજુ મિ. ધ્રુવ પટેલ એક્દમથી ગભરાય જાય છે...કે દીક્ષિત સર પોતાને તાત્કાલિક શાં માટે પોતાની ઓફિસમાં બોલાવેલ હશે…? શું મારી કોઈ ભૂલ થઈ ગઈ હશે…? શું કોઈ કર્મચારીએ દીક્ષિત સરને મારી કંઈ ફરિયાદ કરી હશે….? - મનમાં આવા અનેક પ્રશ્નો સાથે મિ. ધ્રુવ પોતાની ચેમ્બરમાંથી એકદમ ઝડપથી નીકળીને દીક્ષિતની ઓફીસ બાજુ મોટા - મોટાં પગલાંઓ ભરવાં માંડે છે, થોડીવારમાં ધ્રુવ પટેલ દીક્ષિતની ચેમ્બર પાસે પહોંચી જાય છે, મિ. ધ્રુવ જોવે છે કે દીક્ષિત અને અખિલેશ સર બને ચેમ્બરમાં મૂંઝાયેલા બેઠાં છે...આથી ખરેખર કોઈ સિરિયસ મેટર હશે…! - આવું વિચારતાં - વિચારતાં ધ્રુવ પટેલ દીક્ષિતની ચેમ્બરનો દરવાજો નોક કરીને દીક્ષિતની પરમિશન મેળવીને ચેમ્બરમાં દાખલ થાય છે, ત્યારબાદ દીક્ષિત અને અખિલેશને સવિનય વિશ આપે છે, અને દિક્ષિત ધ્રુવ પટેલને ચેર પર બેસવા માટે ઈશારો કરે છે, અને અખિલેશની બાજુમાં રહેલ ખાલી ચેર પર બેસી જાય છે.

"મિ. ધ્રુવ ! આજથી છ મહિના પહેલાં તમે એક અઠવાડિયા માટેની રજા મૂકી હતી...તેનું કારણ શું હતું….?" - દીક્ષિતે ધ્રુવ પટેલની સામે જોઇને પૂછ્યું.

"સાહેબ ! મારે થોડુંક સામાજિક કારણોસર રજા મુકવી પડી હતી…!" - ધ્રુવ ગભરાતા અવાજમાં દીક્ષિતને જણાવે છે.

"હા ! તો મિ. ધ્રુવ હું એ તમારું સામાજિક કારણ જાણી શકુ…?" - દીક્ષિતે ધ્રુવને પૂછ્યું.

"સાહેબ ! એમાં એક્ચ્યુઅલીમાં એવું હતું કે મારી પત્નીની બહેન એટલે કે મારી શાળીનું એક ઓપરેશન હતું… આથી મારા ઘરનાં હેડ તરીકે મારે ત્યાં હોસ્પિટલમાં રોકાવું જરૂરી હતું….!" - ધ્રુવ ગભરાહટ અનુભવતાં બોલ્યો.

"મિ. ધ્રુવ મને પૂરેપૂરી ડિટેઇલ જણાવો…!" - દીક્ષિતે પૂછ્યું.

"સાહેબ ! આજથી છ મહિના અગાવ મારી શાળી કે જેનું નામ વિશ્વા છે તેની મુંબઈ શહેરની ખ્યાતનામ બજાજ હોસ્પિટલમાં પ્લાસ્ટીક સર્જરી કરાવવાની હતી, આથી મેં રજા મુકેલ હતી…!" - ધ્રુવે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું.

"મિ. ધ્રુવ ! તમારી પત્ની નું શું નામ છે…?" - દીક્ષિતે પૂછ્યું.

"જી ! સર...શિલ્પા પટેલ...નામ છે મારી પત્નીનું…!" - ધ્રુવ બોલ્યો.

"તો ! પછી તમારી પાસે મોબાઈલમાં હાલ વિશ્વાનો કોઈ ફોટો છે…!" - પોતાનો રસ્તો જાણે એકદમ ક્લિયર થઈ રહ્યો હોય, અલગ - અલગ કડીઓ જાણે એકબીજા સાથે જોડાય રહેલ હોય...તેવાં આનંદ સાથે અખિલેશ ધ્રુવને પૂછ્યું.

"હા ! સાહેબ…!" - આટલું બોલીને મિ. ધ્રુવ પટેલ પોતાના મોબાઈલમાં રહેલાં વિશ્વાનાં પ્લાસ્ટીક સર્જરી પહેલાનાં અને પ્લાસ્ટિક સર્જરી પછીનાં ફોટા દીક્ષિત અને અખિલેશને બતાવે છે.

ધ્રુવ પટેલનાં મોબાઈલમાં વિશ્વાનાં ફોટા જોઈને અખિલેશ અને દીક્ષિતને ખાત્રી થઈ જાય છે કે ધ્રુવ પટેલ જે વિશ્વા વિશે દીક્ષિત અને અખિલેશને જણાવી રહ્યાં હતાં તે બીજું કોઈ નહીં પરંતુ અખિલેશ જેને પ્રેમ કરતો હતો તે ખુદ વિશ્વા જ હતી. આથી અખિલેશ અને દીક્ષિતને ખ્યાલ આવી ગયો કે વિશ્વા જે શિલ્પા પટેલનાં ઘરમાં રહેતી હતી, તે શિલ્પા પટેલ એટલે ધ્રુવ પટેલની વાઈફ અને ધ્રુવ પટેલ એ વિશ્વાનાં જીજાજી થાય.

આથી અખિલેશ અને દીક્ષિતનાં આનંદનો કોઈ પાર ના રહ્યો, ખાસ કરીને અખિલેશ હાલમાં ખુબ જ ખુશ થઈ રહ્યો હતો, જાણે ભગવાને તેની લાઈફમાં પહાડ જેવી અનેક તકલીફો આપી, પરંતુ બીજી બાજુ જેવી રીતે પહાડ પરથી નીચે ઉતરવાનું આસાન થઈ જાય, તેમ અખિલેશની લાઈફ પણ એકદમ આસાનીથી આગળ વધી રહી હતી….જેની કલ્પના અખિલેશે સપનામાં પણ નહીં કરી હોય...દીક્ષિતનાં ચહેરા પર પણ આનંદની રેખાઓ ચમકી રહી હતી, જે માત્રને માત્ર અખિલેશને મળેલ ખુશીઓને કારણે જ હતી.

"મિ. ધ્રુવ…! અત્યાર સુધી આપણી વચ્ચે માત્ર એમ્પ્લોઈ કે એમ્પ્લોયરનો જ સંબધ હતાં….પરંતુ જો આ સંબંધ વેવાઈ - વેલામાં પરિણમે તો…!" - દીક્ષિત શાહ અખિલેશ માટે એક પિતા તરીકેની ફરજ બજાવતાં ધ્રુવ પટેલ સમક્ષ પ્રસ્તાવ મૂકે છે.

"સાહેબ ! મને કંઈ સમજાયું નહીં….!" - ધ્રુવ પટેલ વધુ મૂંઝવણ અનુભવતાં બોલે છે.

ત્યારબાદ દીક્ષિત અખિલેશ અને વિશ્વાનાં રિલેશનશિપ વિશે અને અખિલેશ સાથે અત્યાર સુધીમાં બનેલ આખી ઘટનાં વિસ્તારથી જણાવે છે….આ સાંભળીને ધ્રુવ પટેલની ખુશીઓનો કોઈ પાર ના રહ્યો, ધ્રુવ પટેલ હસતાં - હસતાં રાજીખુશીથી દીક્ષિતે મુકેલ પ્રપોઝલ સ્વીકારતાં બોલ્યો.

"સાહેબ ! વિશ્વા સાથે ભૂતકાળમાં જે બનેલ ઘટના બનેલ હતી તેને લીધે મને સતત એ જ ચિંતા રહેતી હતી કે વિશ્વાને કોઈ છોકરો મળશે...ખરો…? જો મળશે...તો એ કેવો હશે…? જ્યારે તે વિશ્વાએ પ્લાસ્ટિક સર્જરી કરાવેલ છે એ જાણશે તો વિશ્વા સાથે કેવો વર્તાવ કરશે….આવાં વગેરે પ્રશ્નો મને સતાવી રહ્યાં હતાં…...પરંતુ સાહેબ વિશ્વા અને અખિલેશ સરનો સંબધ તો જાણે ખુદ કુદરતે કે ભગવાને ગોઠવ્યો હોય તેવું મને લાગી રહ્યું છે….તો પછી મારી શું હેસિયત કે હું આ તમે મુકેલ પ્રપોઝલનો અસ્વીકાર કરું…..આમપણ હું કદાચ દીવો લઈને પણ વિશ્વા માટે છોકરો શોધવા જઈશ તો પણ અખિલેશ સર જેટલો સુંદર, ગુણવાન, હોશિયાર, સારું કમાતો, અને ખાસ વિશ્વાને સાચા દિલથી પ્રેમ કરવાં વાળો ના મળે….આથી મને આ સંબધ કરવામાં કોઈ જ પ્રોબ્લમ નથી...અને હું નથી માનતો કે વિશ્વાનાં આ સબંધમાં મારી પત્ની એટલે કે શિલ્પાને પણ કોઈ પ્રોબ્લેમ હોય…!" - ધ્રુવ પટેલ પોતાની સહમતી દર્શવાતા અખિલેશ અને દીક્ષિતની સામે જોઇને બોલે છે.

ત્યારબાદ અખિલેશ આંખોમાં આંસુ સાથે ધ્રુવ અને દીક્ષિતને ભેટી પડે છે, બનેવનો કેવી રીતે આભાર માનવો તે અખિલેશને સમજાતું ન હતું, આથી અખિલેશ પોતાનાં બંને હાથ જોડીને દીક્ષિત અને ધ્રુવનો આભાર માને છે….અને દીક્ષિતની ઓફિસમાં ચારેબાજુ ખુશીઓ છવાઈ જાય છે.

"મિ. ધ્રુવ ! આ બાબતે કઈ મીઠું મોઢું થઈ જાય….!" - આટલું બોલી દીક્ષિત પોતાની ઓફિસમાં રહેલ કોલબેલ દબાવે છે, અને પ્યુનને ત્રણ ચા લઈને આવવાં માટે જણાવે છે….થોડીવારમાં પ્યુન ચા લઈને આવી જાય છે, અને ત્યારબાદ જાણે ત્રણ જુનાં મિત્રો વર્ષો બાદ ફરી પાછા ભેગાં થઈને એકબીજાને મળી રહ્યાં હોય તેમ ચા ની એક પછી એક ચૂસકીઓ ભરવાં લાગ્યાં, અને નિખાલસતાથી વાતો-ચીતો કરવાં લાગ્યાં.

થોડીવાર બાદ અખિલેશ અને ધ્રુવ એક અલગ પ્રકારનાં આનંદ અને ખુશીઓ સાથે દીક્ષિતની ચેમ્બરમાંથી બહાર નીકળે છે અને પોત પોતાની ચેમ્બર તરફ ચાલવા માંડે છે, આ બાજુ દીક્ષિત પણ મોઢા પર હળવા સ્મિત સાથે અખિલેશ અને ધ્રુવ તરફ જોઈ રહ્યાં હતા, દીક્ષિત પોતે એક પ્રકારની હળવાશ અનુભવી રહ્યો હતો, કારણ કે પોતે આજે પોતાનાં પર રહેલાં અનેક ઉપકાર એકસાથે જ ચૂકવી દીધું હોય તેવું લાગી રહ્યું હતું.

અખિલેશ પોતાની ચેમ્બરમાં જઈને આ ખુશ ખબર જણાવવા માટે તેના માતા વર્ષાબેનને કોલ કરીને આ ખુશખબર જણાવે છે, જે સાંભળીને વર્ષાબેનની આંખો ખુશીનાં આંસુઓથી ભરાય જાય છે, અને તેની બહેન સોનલની તો ખુશીઓનો પાર ના રહ્યો. જ્યારે આ બાજુ ધ્રુવ પટેલ તેની પત્ની શિલ્પાને આ ખુશ ખબર આપવાં માટે કોલ કરે છે, આ સાંભળીને શિલ્પા ખુબ જ ખુશ થાય છે, અને સૌથી વધુ ખુશી હાલમાં થઈ રહી હોય તો તે હતાં અખિલેશ અને વિશ્વા - જેનાં પ્રેમેં આજે સાબિત કરી દીધું હતું કે,"જો તમારો પ્રેમ સાચો હોય, તો તે તમને ચોક્કસથી મળીને જ રહે છે, પછી ભલે અખિલેશની જેમ ઘણી બધી મુશ્કેલીઓ આવવાં છતાં પણ અંતે તો તે બંને પ્રેમી પંખીડાં એક જ થઈ ગયાં….બસ હવે રાહ હતી તો અખિલેશ અને વિશ્વાનો એક માળો બનાવવાની….!"


"શું ? અખિલેશ અને વિશ્વાનાં લગ્ન શાંતિથી પૂર્ણ થઈ જશે...કે પછી તેમાં પણ કોઈ વિઘ્ન આવશે…? શું અખિલેશ અને વિશ્વા પોતાનો પ્રેમરૂપી માળો બાંધી શકશે…? આવા વગેરે પ્રશ્નો હાલમાં અખિલેશનાં મનમાં ઉદભાવેલા હતાં… જેનો જવાબ તો ભવિષ્યમાં આવનારો સમય જ આપી શકે તેમ હતો…!



ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com