3.
સ્થળ - કોલેજ કેમ્પસનું ગ્રાઉન્ડ
સમય - રાત્રીના 8 કલાક.
અખિલેશે કોમ્પ્યુટર એન્જીનીયરનું સેકન્ડ યર ડીસ્ટિંગશન સાથે પાસ કર્યું, અને યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો, ત્યારબાદ કોલેજની મેનેજમેન્ટ ટિમ દ્વારા રીલિવ થતાં વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પ્રોગ્રામ અને ફ્રેશર વિદ્યાર્થીઓ માટે વેલકમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. બધા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર આ પ્રોગ્રામમાં આનંદ કર્યો, અને વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો, જેમાં અખિલેશે સિગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ હતો. જેમાં અખિલેશે બરકલ અલી વિરાણી સાહેબ દ્વારા લખાયેલ ગઝલ.."થાય સરખામણી તો એ ઉતરતા છીએ.." ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધાં, અખિલેશનો સુરીલો અને ભારે અવાજ ઘણાં યુવા હૈયાઓને છેદીને આરપાર નીકળી ગયો.
જેમાં અખિલેશને આ ગઝલ ગાવા માટે ફર્સ્ટ પ્રાઈઝ મળી, અખિલેશને ગઝલો સાંભળવી ખુબજ ગમતી હતી, અને આખો દિવસ હાલતા - ચાલતા અલગ - અલગ ગઝલ લલકાર્યા કરતો હતો.
ત્યારબાદ આ પ્રોગ્રામ રાતના લગભગ 11 વાગ્યાની આસપાસ પૂરો થયો, આથી અખિલેશ પોતાની બાઇક લઈને પોતાની હોસ્ટેલે જવાં રવાનાં થયો, અખિલેશની હોસ્ટેલ તેની કોલેજથી લગભગ સાતેક કિ.મી જેટલી દૂર હતી.
હોસ્ટેલ તરફ જવાનો રસ્તો એકદમ સુમસામ અને અંધકારમય હતો, આ રોડ પર બે - ચાર ચા ની હોટલો આવેલ હતી, જે માત્ર દિવસ દરમ્યાન જ ધમધમતી હોય છે, અને રાત્રી દરમ્યાન તો જાણે તેને સાપ ડંખી ગયો હોય તેમ એકદમ શાંત અને નીરવ લાગતી હતી, રોડ પર એકપણ સરકારી લાઈટોના થાંભલા આવેલ હતાં નહીં, આવા એકદમ સુનકારભર્યા વાતાવરણમાં કીટકો દ્વારા થતા વિવિધ આવાજ પણ ભલ - ભલાનાં હૃદય બેસાડી દે તેવો ભયંકર લાગી રહ્યો હતો.
હજુ માંડ થોડો જ આગળ વધ્યો હશે, એટલીવારમાં તેની નજર રોડની એક બાજુની કિનારીએ કોઈ ઊભેલું દેખાયું, આથી કોઈ મુસીબતમાં હશે તેવું વિચારીને પોતાની ગાડી ધીમી પાડી, નજીક જઈને જોયું તો એક છોકરી પોતાનું એક્ટિવા લઈને ઉભી હતી, તેને જોતા એવું લાગી રહ્યું હતું કે તેની એક્ટિવમાં પંચર પડ્યું હશે, અને તેના વાળ ખુલ્લા હતાં, જે તેના ચહેરાને કવર કરી રહ્યાં હતાં, અખિલેશને પોતાની તરફ આવતો જોઈને તેણે પોતાના વાળ સરખા કરતાં-કરતાં અખિલેશને પોતાની મદદ કરવાનો ઈશારો કર્યો.
અખિલેશે પોતાની ગાડીનું સ્ટેન્ડ ચડાવી, પેલી યુવતીની વધુ નજીક ગયો,જેવું અખિલેશનું ધ્યાન તેના ચહેરા પર ગયું, એવો અખિલેશ મંત્રમુગ્ધ બની ગયો, લગભગ 19 વર્ષની એકદમ સુંદર છોકરી હતી, ભારતીય સંસ્કૃતિને જાણે સાક્ષાત ઉજાગર કરતી હોય, તેમ ચણીયા-ચોલી પહેરેલ હતી, જે તેના સુડોળ શરીરની ચાડી ખાય રહ્યું હતું, બ્લાઉઝના નીચેના ભાગમાંથી ડોક્યુ કરતી હરણ જેવી પાતળી કમર, ભરાવદાર ગાલ, ગુલાબની પાંખડીઓ જેવા તેના હોઠ, ઘાયલ કરી દે તેવી તેની અણીયારી આંખો, તેના રેશમી અને લાંબાવાળ જાણે એક ઝરણું મુકતમને જંગલમાં વહેતુ હોય તેની માફક હવામાં ઉડી રહ્યાં હતાં….આ જોઈ અખિલેશ થોડા સમય સુધી કંઈ જ ન બોલી શક્યો, માત્ર પેલી યુવતીને જ નિહારતો રહ્યો.
અખિલેશને પોતાની તરફ આવી રીતે નિહાળતા જોઈને, મૌન તોડતા પેલી યુવતીએ કહ્યું કે.
"જી ! મારૂ નામ વિશ્વા છે, અને હું તમારી જ કોલજમાં અભ્યાસ કરૂ છું, અને હું તમને સારી રીતે ઓળખું છું, આપણી કોલેજમાં મારી કૃતિ છેલ્લી હતી, અને વધુ મોડું થવાને લીધે મારી અન્ય ફ્રેન્ડ હોસ્ટેલ પર જતી રહી છે, હું કોલેજથી નીકળીને થોડી આગળ વધી, ત્યારે મારી એક્ટિવામાં પંચર પડ્યું, તો મહેરબાની કરીને મારી મદદ કરશો…?" - પોતાના સુરીલા અવાજમાં વિશ્વાએ અખિલેશને પૂછ્યું.
"હા ! ચોક્કસ ! હું તારી મદદ કરીશ, પણ અત્યારે તો આટલામાં કોઈ પંચર માટેની દુકાન પણ ખુલી નહીં હશે…! જો તને વાંધો ન હોય તો…..!" - અખિલેશ થોડું અટકતા બોલ્યો.
"હા ! તો ! શું……? બોલો…!"
"તો તારી એક્ટિવા આપણે અહીં રસ્તાની એકબાજુ લોક કરીને રાખી દઈએ અને હું તને મારી બાઇક પર તારી હોસ્ટેલ સુધી છોડી જાવ…"
"હા ! એ વાત પણ સાચી છે, એ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી.." - વિશ્વા નિસાસો નાખતાં બોલી.
ત્યારબાદ અખિલેશે વિશ્વાની એક્ટિવાને રોડની સાઈડમાં મૂકીને લોક કરી, અને વિશ્વાને પોતાની બાઇક પર બેસાડીને બાઇક ચાલુ કરીને, એ અંધકારમય રસ્તા પર ચડી ગયાં અને અંધારું ચીરતા - ચીરતા આગળ વધવા લાગ્યાં.
થોડાક સમય સુધી બનેવમાંથી કોઈપણ એકપણ શબ્દ બોલ્યા નહીં, અખિલેશ આમ તો બહાદુર હતો, પરંતુ પોતાની સાથે અડધી રાતે આવી એક સુંદર યુવતી હોવાને લીધે થોડોક ડર તેના હૃદયના કોઈ એક ખૂણામાં પોતાની જગ્યા બનાવી રહ્યો હતો, બહાર જેટલી નીરવ શાંતિ હતી તેના કરતાં ચાર ગણું તુફાન તે બનેવનાં હૃદયમાં ઉઠ્યું હતું, ત્યારબાદ અખિલેશ મૌન તોડતા બોલ્યો.
"મારૂ...ના...મ...અખિલેશ છે…!"
"હા ! મને ખબર છે, હું તમને સારી રીતે ઓળખું છું.."
"મ..ને...સારી રીતે ઓળખે છો…?" - એ કેવી રીતે…?"
"આપણી કોલેજમાં ભાગ્યે જ કોઈ એવું હશે...જે તમને નહીં ઓળખતું હશે..! મારા કલાસમાં આવતાં બધા જ શિક્ષકો તમારા વખાણ કરતાં હોય છે, હું જ્યારે મારી એક્ટિવા પાસે ઉભી હતી, ત્યારે મને ખુબ જ ચિંતા થઈ રહી હતી, સાથે-સાથે આવા સુમસામ અને શાંત વિસ્તારમાં બીક પણ લાગી રહી હતી, પરંતુ જ્યારે મેં તમને આવતાં જોયા ત્યારે મારી બધી જ બીક કે ડર જતો રહ્યો, અને મારા જીવમાં જીવ આવ્યો." - વિશ્વા એક જ શ્વાસમાં બધું બોલી ગઈ.
આ સાંભળી અખિલેશ વિચારોના વંટોળે ચડી ગયું, તે મન કંઈક વિચારવામાં વ્યસ્ત થઈ ગયું.
"અખિલેશ…! કંઈક બોલોને મને થોડીક બીક લાગે છે…તમે બોલતા હોવ ત્યારે મને બીક નહીં લાગતી…!" - વિશ્વાએ અખિલેશને વિનંતી કરતા કહ્યું.
ત્યારબાદ અખિલેશ અને વિશ્વા પોતાની કોલેજની વાતો કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયાં કે ક્યાં વિશ્વાની હોસ્ટેલ આવી ગઈ તે ખબર જ ના પડી…!
અખિલશે જ્યારે વિશ્વાને હોસ્ટેલની બહાર ઉતારી ત્યારે તેને થોડો ડર લાગી રહ્યો હતો, એ ડર હતો આપણાં આ શિક્ષિત સમાજનો કે બે યુવાન યુવક અને યુવતીઓને એક સાથે જોવે તો એવું જ સમજી લે કે જરૂર આ બે વચ્ચે કોઈ લફરૂ હશે, પરતું એ લોકો એ નહીં જોશે કે આટલી સુંદર યુવતીને પોતે અડધી રાતે હેરાન ના થાય તે માટે માત્ર મદદ કરવાના ઈરાદાથી જ પોતાની બાઇક પર બેસાડીને હોસ્ટેલ પર છોડવા માટે આવેલ હતો.
ત્યારબાદ અખિલેશે વિશ્વાની હોસ્ટેલની બહાર પોતાની બાઇક ઉભી રાખી, અને વિશ્વાને ઉતારી. વિશ્વાએ બાઇક પરથી ઉતરીને કહ્યું કે
"અખિલેશ ! આ ઘટના કે આજનો દિવસ મારા માટે આ કોઈ સપનાથી કમ નથી….!"
"કેમ ! એવું…?" - અખિલેશે આશ્ચર્ય સાથે વિશ્વાને પૂછ્યું.
"અખિલેશ ! જ્યારે મેં તમને પહેલીવાર જોયેલા હતા ત્યારથી માંડીને આજસુધી હું તમને પસંદ કરતી આવી છું, અને આખી કોલેજ જે યુવકને પોતાના સપનાના રાજકુમાર તરીકે જોવા માંગતી હોય, તેની સાથે આવી થ્રિલર ભરેલી મુસાફરી કરવી એ પણ મારા માટે એક લ્હાવો જ છે.."
ત્યારબાદ વિશ્વાએ અખિલશેનો હાથ પકડીને કહ્યું કે
"આઈ લવ યુ...અખિલેશ…!"
આ સાંભળી અખિલેશ એક્દમથી અચરજ પામ્યો, વિશ્વાને શું પ્રત્યુતર આપવો…! વિશ્વાએ મુકેલ પ્રપોઝલ સ્વીકારવી કે અસ્વીકાર કરવો...વગેરે વિશે વિચારવા લાગ્યો, જ્યારે અખિલેશે વિશ્વાને રસ્તા પર ઉભેલી જોય ત્યારે તેનું રૂપ આકર્ષક લાગ્યું હતું, વિશ્વાની સુંદરતાએ અખિલેશનું મન મોહી લીધું હતું, જે સ્વાભાવિક હતું કોઈપણ યુવક જ્યારે આવી સુંદર યુવતીને જુએ તો આવું બનતું જ હોય છે, પરંતુ અખિલશે નજરોમાં વાસના નામના શબ્દને ક્યાંય સ્થાન હતું નહીં.
"સોરી ! વિશ્વા ! હું તારી પ્રપોઝલને સ્વીકારી નહીં શકુ, કારણ કે આમાં ભૂલ તારી છે, તું મારી માણસાઈને પ્રેમ સમજી બેઠી એ જ તારી મોટામાં મોટી ભૂલ છે, હું નહીં પરંતુ મારી જગ્યાએ કોઈપણ વ્યક્તિ હોત તો તારી મદદ ચોક્કસથી કરે જ તે….અને મારા હૃદયમાં કે મારી લાઈફમાં આજદિવસ સુધી કોઈ યુવતી આવી નથી, મારો ગોલ માત્ર મારો અભ્યાસ જ છે, માટે રિયલી સોરી…"
આ સાંભળી વિશ્વાની આંખમાં આંસુઓ આવી ગયાં, અને પોતાનો અખિલશે પ્રત્યે જે પ્રેમ હતો તે ઘટવાને બદલે ઉલટા નો વધી ગયો. પોતાના આંસુ લૂછતાં વિશ્વા બોલી કે..
"અખિલેશ ! કદાચ હું તારા માટે લાયક નહીં હોય તેવું બની શકે...પરંતુ જરૂરી નથી કે તમેં જે વ્યક્તિને પ્રેમ કરતાં હોવ એ તમારી લાઈફમાં આવે જ તે…..બસ તે મારી સાથે આજે કરેલ આવી થ્રિલર મુસાફરી જ મારા માટે પૂરતી છે…"
"ઓકે ! બાય...ડોન્ડ વરી અબાઉટ મી એન્ડ માય પ્રપોઝલ…!" - આટલું બોલી વિશ્વા રડતાં - રડતાં પોતાની હોસ્ટેલના દરવાજામાં પ્રવેશી….!
આ બધું અખિલશે માટે પણ અણધાર્યું અને અકલ્પિત હતું,જાણે એક સુપરફાસ્ટ ટ્રેન જેવી રીતે એકદમ ઝડપથી રેલવેના પાટા પરથી પસાર થઈ જાય, તેવી જ રીતે આ બધી ઘટનાઓ અને વિશ્વાનાં બોલેલા બધાજ શબ્દો અખિલશનાં હૃદયરૂપી પાટા પરથી એકદમ ઝડપથી પસાર થઈ ગઈ.
ત્યારબાદ અખિલેશ થોડીકવાર વિચારીને પોતાની બાઇક શરૂ કરીને એ સુમસામ અને વેરાન રસ્તા પર ફરી ચડ્યો, અને તે અંધકારને ચીરતાં - ચીરતાં આગળ વધ્યો.જોત- જોતામાં તે પોતાની હોસ્ટેલ પર પહોંચી ગયો, અને વિચારતાં - વિચારત અખિલેશને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખ્યાલ જ ના રહ્યો, અને બીજા દિવસથી અખિલેશ આ બધું ભૂલીને પોતાની રોજિંદી લાઈફમાં ફરી પાછો વ્યસ્ત થઈ ગયો.
ક્રમશ :
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.
મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com