પ્રેમનું અગનફૂલ - 5 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું અગનફૂલ - 5 - 2

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મિશન પેશાવર

ભાગ - 2

એકાએક પ્રલયે પોતાના શરીરની સમગ્ર તાકાત એકઠી કરી. બંને હાથથી બાજુમાં પડેલ એક મોટો ટેબલને તાકાત સાથે અધ્ધર ઊંચકી, તાહિરખાન કાંઇ સમજે, વિચારે તે પહેલાં જ હવામાં અધ્ધર તોળાયેલા ટેબલને પ્રલયે બળપૂર્વક તેના તરફ ‘ઘા’ કર્યો.

‘ધડામ...’ના અવાજ સાથે ટેબલ જોરથી તાહીરખાન સાથે અથડાઇ.

તાહીરખાને બંને હાથ આગળ કરી ટેબલને પોતના તરફ આવતું અટકાવવાની કોશિશ કરી હતી, પણ પ્રલયે એટલી તાકાત સાથે ટેબલ તેના પર ‘ઘા’ કરી હતી કે ટેબલ તાહિરખાન સાથે જોરથી અથડાઇ.

તાહીરખાન સાથે ટેબલ અથડાવાથી તે ટેબલની સાથે કેટલા દૂર ગુલાંટિયા ખાતો જઇ પડ્યો.

બંને ખતરનાક ઢંગથી એકબીજાને તાકતા આગળ વધ્યા.

બંને વચ્ચે લગભગ દસથી બાર ફૂટનું અંતર હતું.

બંને જંગલમાં સિંહની જેમ ઘુરકાટ કરતા એકબીજાને તાકી રહ્યાં.

અને પછી તે ભયાનક ક્ષણ બાદ બંનેએ એકબીજા તરફ છલાંગ લગાવી. બંનેનાં શરીર એકબીજા તરફ હવામાં અધ્ધર લહેરાયાં અને પછી બંનેના પગ ઘૂંટણમાંથી વળ્યા અને એકબીજાને ફલાઇંગ કિક મારવી હોય તેમ તેઓના દેહ હવામાં તરતા આગળ વધ્યા.

‘ધડામ’ના અવાજ સાથે જોરથી બંનેના દેહ એકબીજા સાથે અથડાયા. બંનેના પગની લાતોનો વરસાદ એકબીજાના માથા પર ઘણના ફટકાના રૂપમાં પડ્યાં.

અને પછી બંનેના દેહ એકબીજાથી કેટલાય દૂર અંતર પર જઇ ફર્શ પર પટકાયા.

લોકોને લાગ્યું કે બંનેમાંથી એકેય હવે ઊભો નહીં થાય.

પણ બંને ઝડપથી ઊભા થઇ ગયા.

બંનેના દિદાર બદલાઇ ચૂક્યા હતા, બંનેના મોં પર થયેલા જખ્મમાંથી લોહી નીકળી રહ્યું હતુ. બંનેના ચહેરા એકદમ ભયાનક દેખાતાં હતાં.

એકબીજાના લોહીના તરસ્યા હોય તેમ બંનેના ગળામાંથી છીંકોટાના જોરદાર અવાજ નીકળતા હતા પછી બંને એકબીજા તરફ આગળ વધ્યા.

ક્રોધથી ધૂંવાંપૂવા થઇ ઊઠેલા તાહીરખાને આગળ વધી ઝડપથી પોતાનો જમણો પગ એકાએક અધ્ધર કર્યો અને પછી સામેથી દોડતા આવતા પ્રલયના તે ફટકાના રૂપમાં અથડાયો.

ચીસ નાખતાં પ્રલયનો દેહ હવામાં અધ્ધર તોળાયો અને પછી જોરથી એક ટેબલ પર પછડાયો. પ્રલયના પેટમાં એટલા જોરથી તાહિરખાનની લાત પડી હતી કે તે બેવડો વળી ગયો.

તાહિરખાન ઝડપથી આગળ વધ્યો અને બેવડા વળી ગયેલા પ્રલયના માથાના વાળ તાકાત સાથે પોતાની મુઠ્ઠીમાં પકડ્યા અને હાથની તાકાતથી જ પ્રલયને અધ્ધર કર્યો.

પ્રલયની ખોફનાક ચીસ હોલમાં ગુંજી ઊઠી. પ્રલયને લાગ્યું કે પોતાના માથાના સમગ્ર વાળ ઉખડી જસે. તેની આંખોમાં પાણી ધસી આવ્યા.

હા... હા... હા... હા...’ તાહિરખાનના મોંમાંથી અટ્ટહાસ્ય રેલાયું.

પ્રલય મનને મક્કમ કરી જડબાં ભીંસ્યાં.

પેટની અને માથાના વાળની પીડાને વીસરી જઇ મનને મક્કમ કરી શરીરની સમગ્ર તાકાત ભેગી કરી પ્રલયે જોરથી પોતાની પાછળ ઊભેલા તાહીરખાનના બંને પગની વચ્ચેના ભાગમાં લાત ફટકારી દીધી.

પ્રલયે બૂટ પહેર્યા હતા અને તેના બૂટમાં ખીલા જડેલા હતા.

તાહિરખાનની જોરદાર ચીસથી હોલ ખળભળી ઊઠ્યો. તાહીરખાનનો દેહ એકદમ ખેંચાયો, તેના હાથમાંથી પ્રલયના વાળ છટકી ગયા. તે પોતાના બંને હાથને જાંઘના વચ્ચેના ભાગમાં દબાવતો પાછળની તરફ ધસ્યો.

તાહિરખાનની પકડમાંથી વાળ છૂટા થતાં જ પ્રલયે જમ્પ મારી અને પછી એક પગ પર તે અર્ધગોળ ફર્યો તેનો બીજો પગ હવામાં અધ્ધર થયો અને પછી ફટાકના અવાજ સાથે તાહિરખાનના માથામાં ફટકાના રૂપમાં પડ્યો ફરીથી ચીસ નાખતા તાહિરખાન પાછળની તરફ પછડાયો.

પ્રલયનો ગુસ્સો હજુ શાંત થયો ન હતો. ભયાનક ઘુરકાટ કરતો તે આગળ વધ્યો અને નીચે પછડાયેલા તાહિરખાનના પેટમાં દાંત કચકચાવીને જોરથી લાત ફટકારી દીધી અને પછી તાહિરખાનની ગુંજતી જોરદાર ચીસો વચ્ચે પ્રલય તેનો એક પગ બંને હાથેથી પકડ્યો.

‘છોડી દે.... મને છોડી દે...’ તાહિરખાન પીડાથી તરફડી ઊઠ્યો. પ્રલયનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો.

એક રાઉન્ડ... બીજો રાઉન્ડ... ત્રીજો રાઉન્ડ... અને પછી પ્રલયે તાહિરખાનનો પગ છોડી મૂક્યો.

‘ધડામ... ખનનન...’ના અવાજ સાથે તાહિરખાનનો દેહ હવામાં અથડાતો કૂટાતો હોલના કાચના દ્વાર સાથે વેગપૂર્વક અથડાયો. કાચ ધમાકા સાથે તૂટ્યો. તાહિરખાનનો અર્ધો દેહ હોલ તરફ અને અર્ધો દેહ કાચ તોડી બહારની તરફ લટકી ગયો.

ખોફનાક ચીસો પાડતો તે એકદમ તરફડતો હતો. આખા શરીરમાં કાચના ટુકડા વાગવાથી લોહી નીતરતુ હતું.

‘ચાલ...’ અચાનક પોતાની બાજુમાં ઊભેલી તે સ્ત્રીનો હાથ પકડી પ્રલય દરવાજા તરફ આગળ વધી ગયો. દરવાજા પાસે પહોંચી તેણે તાહિરખાનના લટકતા દેહ પર પાછળથી લાત ફટકારી દરવાજો ખોલી બહાર નીકળી ગયો. પ્રલય બહાર નીકળી આગળ વધ્યો, તે જ વખતે પોલીસની ગાડીનો સાયરનનો અવાજ ગુંજી ઊઠ્યો.

થોડા સમય પછી પ્રલય તથા તે સ્ત્રી સાથે તે એરિયાથી દૂર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાં બેઠો હતો. પ્રલયે તેને બુરખો પહેરી લેવાનું કહ્યું હતું. અત્યારે તે બુરખામાં પરાધીન હતી. તેઓ હોટલની એક કેબિનમાં બેઠાં હતાં.

‘હું...’ ચાની ચૂસકી લેતાં પ્રલયે તેની સામે જોયું, ‘પહેલાં તો તારું નામ બતાવ... અને તે મવાલી તને શા માટે પરેશાન કરતો હતો તે કહે.’

‘ભાઇ... મારું નામ નાઝીયા છે, અમે અહીંથી થોડે દૂર ‘શુંતાણ મંઝિલ સોસાયટી’માં રહીએ છીએ. તાહિરખાન આ એરિયાનો દાદા છે અને ભલભલા શેરખાનો તેનાથી ડરે છે. ભાઇ આજ તું ન હોત તો ચોક્કસ તે મને ઉઠાવી ગયો હોત.’

‘બેન નાઝીયા... સરસ નામ છે તારું, બેન પણ આ તાહિરખાન તારી પાછળ કેમ પડી ગયો હતો...?’

‘ભાઇ... તાહિરખાન આ એરિયાનો દાદા છે, પણ તે અફઝલ શાહિદનો જમણો હાથ છે.’

‘અફઝલ શહિદ... આ વળી કોણ છે ?’ વિચારવશ હાલતમાં આંખો બંધ કરી અને પછી આંખો ખોલી પ્રલયે પૂછ્યું.

‘અફઝલ શહીદ પેશાવરનું મોટુ માથું છે. અહીંનુ રાજકરણ, અહીંની પોલીસ અને અહીંની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ. સૌની તેના પર મીઠી નજર છે. અરે સમજોને પેશાવરનું શાસન તેજ ચલાવે છે. અને...’ કહેતાં નાઝિયા એકાએક ચૂપ થઇ ગઇ. તેનો ચહેરો ધીરે ધીરે સફેદ પડતો જતો હતો.

પ્રલય તેના ચહેરા પરના ગભરાટના ભાવ નીરખ્યા પછી તે અંચબામાં પડી ગયો કે એકાએક નાઝીયાને શું થઇ ગયું.

‘નાઝીયા...’ પ્રલયે તેનો હાથ દબાવ્યો, નાઝીયાનો હાથ તેને એકદમ ઠંડોગાર જેવો લાગ્યો. ‘શું થયું નાઝીયા ?’

નાઝીયાએ ધ્રૂજતી આંખો વડે કેબિનના દરવાજાના નીચેના થોડા ખુલ્લા ભાગ તરફ નજર કરી ઇશારો કર્યો.

પ્રલય એકદમ ચમકી ગયો. કેબિનના દરવાજાની નીચેના થોડા ખુલ્લા ભાગમાં કોઇના બુટ પહેરેલા પગ દેખાતાં હતા. ત્યાં ઊભા રહી કોઇ તેની વાતો સાંભળી રહ્યું હતું.

પ્રલય અને ઝાટકા સાથે ઊભો થયો અને વળતી જ પળે દરવાજો જે ફક્ત ડોરકલોઝર વડે જ બંધ થયેલો હતો. તેના પર દાંત કચકચાવીને પુર જોશ સાથે લાત ફટકારી દીધી.

‘ધડામ’ના અવાજ સાથે એકાએક દરવાજા પર બહારની તરફ ધકેલાયા દરવાજાની બીજી તરફ ઊભેલો તે માણસ પણ દરવાજાના ધક્કા સાથે નીચે ફર્શ પર ઊથલી પડ્યો. ડોર ક્લોઝરને લીધે દરવાજો ફરીથી બંધ થયો કે તરત જ દરવાજા પર કેટલીય ગોળીઓ ધમાકાભેર છૂટી. દરવાજા પર લગાવેલ ડોર ક્લોઝરને લીધે દરવાજો ઓટોમેટીક બંધ થયો હતો, તે પણ પ્રલય માટે સારું થયું હતું. નહિંતર છૂટેલી કેટલીય ગોળીઓ ધમાકાભેર તેના શરીરમાં પ્રવેશી ગઇ હોત.

પ્રલય ગુસ્સાથી તમતમી ઊઠ્યો. દરવાજા પર છૂટેલી ગોળીઓના વરસાદ પછી વળતી જ પળે તેણે છલાંગ લગાવી અને ઝાટકા સાથે નાઝીયાનો હાથ પકડીને દરવાજા તરફની દીવાલ સરસો થઇ ગયો, અત્યારે તેના હાથમાં રિવોલ્વર પકડાયેલી હતી.

બે-ત્રણ ક્ષણ એમ ને એમ વીતી ગઇ. એકદમ શાંતિ છવાયેલી રહી, પણ પછી એકાએક ધડાકા સાથે દરવાજો અંદરની તરફ ખૂલ્યો અને એક સાથે બે મવાવી જેવા લાગતા શખ્સ કેબિનમાં વગર સમજ્યા, વિચાર્યા વગર ઘૂસી આવ્યા.

એકાએક અંદર ઘૂસી આવી તેઓએ ત્યાં આવી પડેલ ટેબલ ખુરશીઓ જોઇ પળભર તેઓના ચહેરા પર આશ્ચર્ય છવાયું. તેઓનું આશ્ચર્ય હજુ શમ્યું ન હતુ. તે પહેલાં જ પાછળથી પ્રલયે બંનેને દાંત કચકચાવીને લાતો ફટકારી દીધી.

બંને ત્યાં પડેલા ટેબલ પર પછડાયા. તેઓના ગળામાંથી ચીસ નીકળી ગઇ, તેઓની રિવોલ્વર હાથમાંથી છટકી નીચે ફર્શ પર સરતી એક તરફ પડી.

લાત માર્યાની બીજી જ ક્ષણે પ્રલય ઝાટકા સાથે ફર્યો અને એક હાથે દરવાજાને ધક્કો મારી બીજા હાથે નાઝીયાને ખેંચતો કેબિનની બહાર નીકળી ગયો.

હોટલના દરવાજા પાસેથી એક સીડી અર્ધગોળ ટર્ન લેતી ઉપર જતી હતી, જેવો પ્રલય દરવાજા પાસે પહોચ્યો કે સામેથી એકાએક ત્રણ મવાલીઓ દરવાજા તરફથી તેના તરફ ધસી આવ્યા, એકના હાથમાં રિવોલ્વર ચમકતી હતી અને તેની સાથેના બે મવાલીઓના હાથમાં મોટા કર્ણવાળું ચપ્પું હતું.

ક્ષણ માટે આગળ વધતા પ્રલયના પગ અટકી ગયા. પછી બીજી જ પળે તે દરવાજા તરફ જવાને બદલે સીડી તરફ નાઝીયાનો હાથ પકડીને દોડ્યો.

‘થોભી જા...’ એક મવાલીએ ત્રાડ પાડી, પછી તેના હાથમાં રહેલો ચપ્પુ સનનન... કરતો પ્રલય તરફ ઝીંકાયો અને પછી સીડી ચડતા પ્રલયના બાવડામાં ખરચના અવાજ સાથે ઘૂસી ગયો. નાઝીયાના મોંમાંથી જોરદાર ચીસ સરી પડી. પ્રલયના ચહેરા પર પીડાના ભાવ ફેલાઇ ગયા, પણ તે એક-બે ક્ષણ માટે જ, વળતી પળે જ તેની આંખોમાંથી જાણ અંગારા વરસતા હોય તેમ લાલઘૂમ થઇ ગઇ. ગુસ્સાથી ચહેરો વિકરાળ થઇ ગયો.

‘થોભી જા નહીંતર ગોળી મારી દઇશ.’ પગથિયા પાસે પહોંચેલા તે ત્રણ મવાલીમાંથી જેના હાથમાં રિવોલ્વર પકડેલી હતી, તેણે હાથ સીધો કરી પ્રલય સામે રિવોલ્વર તાકતાં ત્રાડ નાખી.

તે સમય સુધી પ્રલય અરધી સીડી ઉપર ચડી ચૂકયો હતો. તેના બાવડામાં હજુ ચપ્પુ ખૂંપેલું હતું અને તેના ઝખ્મમાંથી લોહી નીકળી રહ્યું હતું.

‘કહું છું, થોભી જા નહીંતર.’ મવાલી ત્રાડ પાડતો પગથિયાં પર દોડ્યો.

દોડતાં પગથિયાં ચડતા પ્રલયના પગને એકાએક બ્રેક લાગી.

‘ધડામ...’ અવાજ સાથે મવાલીએ ગોળી છોડી.

તે જ પળે પ્રલય ઝડપથી નાઝીયાનો હાથ ખેંચી નીચે બેસી ગયો. આગ ઝરતી સુસવાટા વેરતી ગોળી તેના ઉપરથી પસાર થઇ ગઇ. બળતી જ પળે પ્રલય પાછળની તરફ ઘૂમ્યો અને તેના મોંમાંથી ખતરનાક છુટકારાનો અવાજ નીકળ્યો અને આગ ઝરતી આંખોએ તેણે તેની પાછળ દોડતા આવતા મવાલીઓના કપાળનં નિશાન તાંકી રિવોલ્વરનો ગોળો દબાવ્યો.

‘ધડામ...’ અવાજની સાથે સાથે વાતાવરણમાં તે મવાલીની જોરદાર ચીસ ગુંજી ઊઠી તેનો લથડતો દેહ તેની પાછળ આવતા તેના સાથે બે મવાલીઓ સાથે અથડાયો પાછળ આવતા તે બે મવાલીઓ લથડાયા અને સીડી પર ગબડતા નીચે પછડાયા.

આટલું બન્યું છતાં હોટલમાં કંઇ જ ફરક્યું ન હતુ. પ્રલય અને નાઝિયા હોટલમાં આવ્યા ત્યારે દસથી બાર લોકો અને એક-બે કપલ હોટલમાં બેઠા હતાં, પણ આશ્ચર્ય વચ્ચે અત્યારે ત્યાં કોઇ જ ન હતું.

પ્રલય સમયનો વિલંબ કર્યા વગર અર્ધ ગોળ સીડી ચડી આગળ વધ્યો, સીડી પૂરી થયા બાદ તેની સામેના ભાગમાં એક દરવાજો હતો.

ત્યાં પહોંચ્યા પછી પ્રલયે દરવાજા પર પુરજોશ સાથે લાત ફટકારી.

‘ધડામ...’ અવાજ સાથે દરવાજાના બંને પર ખૂલી ગયા.

દરવાજો પસાર કરી તે આગળ વધ્યો. દરવાજા પછી ઉપર મોટો હોલ બનાવેલો હતો અને તે હોલમાં ચાર મોટાં ગોળ ટેબલો અને તેની ફરતી ખુરશીઓ ગોઠવેલી હતી અને ખુરશીઓ પર બેઠેલા લોકો જુગાર રમી રહ્યા હતા. હોલમાં સિગારેટ અને દારૂની મિશ્રિત ગંધ ફેલાયેલી હતી.

લાત ફટકારી દરવાજો ખોલી અંદર પ્રવેશતા પ્રલયને જોઇ ત્યાં બેઠેલા સૌ એકદમ ચમકી ગયાં. ત્યાં બેઠેલા બધા જ લોકો જુગારી અને થર્ડ ક્લાસ હતા. પ્રલયના એક હાથમાં રિવોલ્વર જડાયેલી હતી. બીજા હાથ વડે તેમણે નાઝીયાને પકડી હતી. હજુ બાવડામાં ચપ્પુ ખૂંપેલ હતું અને તે હાથ પૂરો લોહીથી ખરડાયેલો હતો.

‘એય... કોણ છે...!’

‘કોણ મુઓ છે... ?’

‘સાલ્લો હરામખોર કોઇ સ્ત્રીને ભગાડી લાવ્યો છે.’

‘જેવો અવાજ સાથે કેટલાય ગુંડા જેવા લાગતા માણસો ઊભા થઇ ગયા. કોઇના હાથમાં લોખંડની ચેન હતી. તો કોઇના હાથમાં હોકી તો કોઇના હાથમાં તેજ ધારવાળુ ચપ્પુ હતું.

આટલા બધા હથિયારથી સજ્જ થયેલા ગુંડાઓ વચ્ચે પ્રલય જરાય તેઓની પરવાહ ન હોય તેમ આગળ વધ્યો.

‘સટાક... સટાક...’ હવામાં ગુંજતી લોખંડની સાંકળ પ્રલય તરફ લહેરાઇ.

‘હે એ એ એ એ...!’ પ્રલયના મોંમાંથી જોરદાર ત્રાડ નીકળી અને પછી જે હાથ વડે નાઝીયાનો હાથ પકડ્યો હતો. તે ઝડપથી ઊંચો થયો અને પોતા પર વીંઝાયેલી લોખંડની ચેનને વચ્ચેથી જ પકડી અને એકાએક આંચકા સાથે જોરથી ખેંચી.

ચેન પકડી મારવા આવતા ગુંડો નીચે પછડાયો તેના હાથમાંથી ચેન છટકી ગઇ.

અને પછી પ્રલયનો ચેન પકડેલો હાથ હોલમાં ચારે તરફ ઘૂમવા લાગ્યો. તે પહેલાં પ્રલયે ધક્કો મારી નાઝીયાને નીચે પછાડી દીધી હતી. તે પાછળ તેનો હેતુ હાથમાં સુદર્શન ચક્રની જેમ ફરતી ચેન નાઝીયાને વાગી ન જાય.

‘સટાક... સટાક...’નો અવાજ સાથે કેટલીય ચીસોના અવાજ ગુંજી ઊઠ્યા, ત્યાં હોકી, ચપ્પુ, વગેરે લઇને પ્રલયને મારવા આવેલા લોકો લોહીલુહાણ સ્થિતિમાં નીચે પડ્યા હતા.

‘ચાલ નાઝીયા...’ ત્રાડભર્યા અવાજે પ્રલય બોલ્યો, નાઝીયા દોડી અને પછી નાઝીયા સાથે તે દોડતો હોલમાંથી હોટલની છત પર પહોંચી ગયો.

‘નીચેથી પકડો... ભાગી ન જાય... તે છત પર ગયો છે.’ની બૂમો સંભળાવા લાગી.

છત પર પહોંચી પાંજરામાં પુરાયેલ સિંહ ક્યાંથી છટકવું તેના માટે જેમ ત્રાડો નાખતો ચારે બાજુ ફરે તેમ પ્રલય છતની ચારે તરફ ફરી વળ્યો.

ટપ... ટપ... ટપ... છત પર ચડવા માટે બનેલી લાકડાની સીડી પર કેટલાય પગોના અવાજ ગુંજી ઊઠ્યા.

અચાનક પ્રલયે ખતરનાક નિર્ણય લીધો.

એકા-એક તેણે નાઝીયાને બંને હાથેથી ઊંચકી લીધી.

પ્રલયે નાઝીયાની વાત પર ધ્યાન આપ્યા વગર છતના એક છેડે તરફ પાછળ ખસ્યો, લગભગ 25 ફૂટ જેટલા અંતરે પાછળ હટ્યા પછી દાંત કચકચાવી મોં એકદમ ભીંસી જાણે મેરેથોન દોડમાં ભાગ લીધો હોય તેમ દોડ મૂકી.

ગભરાયેલી નાઝીયાએ આખો બંધ કરી દીધી.

પ્રલયે દોટ મૂકી તે જ વખતે ચાર-પાંચ મવાલીઓએ છતમાં પ્રવેશ કર્યો. અને તુરંત પ્રલય તરફ પ્રલયને મારવા માટે દોડ્યા.

એકદમ સ્પીડમાં દોડતાં પ્રલયે છતની પાળ આવતા જ જમ્પ મારી હનુમાન કૂદકો લગાવ્યો.

તેને મારવા આગળ વધતા મવાલીઓ હેબતાઇ ગયાં.

છલાંગ લગાવી કૂદેલા પ્રલયનો એક પગ છતની પાળ પર પહોંચ્યો અને પછી દબાયેલી સ્પ્રીંગ છટકે તેમ જમ્પ મારી સામે બનેલી બીજી બિલ્ડિંગની છતની પાળ પર કૂદ્યો. બંને છત વચ્ચે લગભગ સાત ફૂટનું અંતર હતું.

પ્રલયનો દેહ હવામાં તરતો આગળ વધ્યો અને પછી સાત ફૂંટનુ અંતર એક છલાંગમાં પાર કરી સામેની બીજી બિલ્ડિંગની છત પર તેનો એક પગ પડ્યો અને બીજી જ ક્ષણે તે છતની પાળ પરથી ઠેકડો મારી છત પર પહોંચી ગયો.

ધાંય... ધાંય... ધાંય... કેટલીય ગોળીઓ પ્રલયના માથા પરથી પસાર થઇ ગઇ.

જરાય ડર્યા વગર તેની પાછળ થતી ગોળીની આતિશબાજીની પરવા કર્યા વગર તે દોડ્યો અને ફરીથી જમ્પ મારતો ત્રીજી બિલ્ડિંગની છત પર પહોંચી ગયો.

ત્યારબાદ તે છત પર નીચે બેસી ગયો. બંને હાથેથી પકડેલી નાઝીયાને છતની ફર્શ પર સુવડાવી ઝડપથી પોતના બાવડામાં લાગેલ ચપ્પુને ખેંચી કાઢ્યું, નાઝીયાએ તરત પોતાનો દુપટ્ટો પ્રલયના બાવડામાં કસકસાવીને બાંધી દીધો, લગભગ બે જ મિનિટમાં આ બધું કાર્ય પતાવી પ્રલય હાથમાં રિવોલ્વર લઇ ધીરેકથી ઊભો થયો.

ધાંય... ધાંય... ધાંય... સામેની હોટલની છતમાંથી કેટલીય ગોળીઓ છૂટી અને પ્રલય ઝડપથી નીચો નમી ગયો, પણ વળતી જ પળે તેણે જમ્પ લગાવી તે છતની પાઇપ પર ચડીને ક્ષણનોય વિલંબ કર્યા વગર ધડાધડ તે હોટલની છત પર ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓના ધમાકા સાથે મવાલીઓની ચીસોથી વાતાવરણ ખળભળી ઊઠ્યું.

પાંચ મવાલીમાંથી બેના સીનામાં ગોળીઓ લાગી હતી, તો બે મવાલીના બાલડામાં ગોળી ઘૂસી ગઇ. એક મવાલીના કપાળ પર લોહીનો ચાંદલિયો કરતી તેના માથામાં ઘુસી ગઇ.

‘ચાલ નાઝીયા...’ કહેતાં પ્રલય તે છત પર દોડ્યો અને છત પરથી પગથીંયા નીચે ઊતરી ત્યાં આવેલી ગલીમાં ઘૂસી ગયો.

મુસાફરી દરમિયાન એક પણ ઉલ્લેખનીય ઘટના બનવા ન પામી. અંતે વિમાનના એનાઉન્સરે માઇક પર જાહેર કર્યું, ‘થોડીવારમાં જ આપણું વિમામ ‘બચાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરશે. યાત્રીઓને વિનંતી કે સૌ પોતપોતાના સેફ્ટી બેલ્ટ બાંધી લે.’

એનાઉન્સરની સૂચના સાંભળી કદમ ઝબકીને જાગી ગયો.

વિમાનમાંથી એરપોર્ટ પર સૂચના મોકલી દેવાઇ હતી, પરંતુ એરપોર્ટ પરથી જરૂરી સૂચના મળી ન હતી. એટલે એવું લાગતું હતું કે રનવે પર જગ્યા ખાલી નથી.

થોડીવાર માટે વિમાન ઉપર આકાશ પર ચક્કર કાપતું રહ્યું. રન-વે ખાલી થતાં તુરંત જ વિમાનને નીચે ઊતારવાનો સંદેશ મળ્યો.

વિમાને એક વખત એરપોર્ટની ઉપર ચક્કર લગાવ્યું અને પછી તે સીધું એરપોર્ટના રન-વે તરફ નીચે ઊતરતું ગયું.

રન-વે ખાલી હતું. વિમાન રન-વે પર આવી ગયું. થોડીવાર રને-વેની પટ્ટી ઉપર ઊડતું રહ્યું. પછી વિમાનમાં પૈડાંએ જમીન પર સ્પર્શ કર્યોં. થોડીવાર વિમાન રન-વે પર દોડતું રહ્યું અને પછી તેની ગતિ ધીમી પડવા લાગી. ધીમે ધીમે દોડતું વિમાન એક જગ્યાએ ઊભું રહ્યું.

વિમાન ઊભું રહેતાં જ એરપોર્ટના કર્મચારીઓ સીડીને ધક્કો મારી વિમાન પાસે લઇ આવ્યા અને વિમાનના દરવાજા પાસે તેઓએ સીડી ગોઠવી દીધી. વિમાનનો આટોમેટીક દરવાજો ખુલ્યો.

અને પછી એક પછી એક યાત્રીઓ બધા નીકળવા લાગ્યાં.

વિમાનમાંથી ઊતરી કદમે એરપોર્ટની ઔપચારિક વિધિ પતાવી તે એરપોર્ટની બિલ્ડિંગમાંથી બહાર આવ્યો.

કદમ એક વખત પેશાવર આવી ગયો હતો. એટલે તેને બીજી કોઇ પરેશાની ન હતી. બહાર નીકળતાં જ કેટલીય હોટલોના એજન્ટો તેને ઘેરી વળ્યાં. માંડ-માંડ એજન્ટોમાંથી પોતાની જાતને છોડાવી તે એરપોર્ટની બહાર પ્રાગણમાં આવ્યો અને સામે બનેલા ટેક્ષી સ્ટેન્ડ તરફ આગળ વધ્યો. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું, તેથી ઉકળાટ પણ ઘણો હતો.

ટેક્ષી સ્ટેન્ડ પર જઇને એક ટેક્ષીમાં તે બેસી ગયો.

ડ્રાઇવરે ટેક્ષી સ્ટાર્ટ કરી એરપોર્ટની બહાર આગળ વધ્યા.

કદમે ડ્રાઇવરને હોટલ પામીરનું સરનામું આપી દીધું.

ટેક્ષી જી.ટી.રોડ તરફ આગળ વધી. હોટલ પામીર એરપોર્ટથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે હતી. અને ત્યાંથી જ સેન્ટ્રલ સ્ટેશન તથા શેરખાન સ્ટેડિયમ તરફ જવાના રસ્તા ફંટાતા હતા.

ટેક્ષી જી.ટી. રોજની આલીશાન સડક પર ભરચક ટ્રાફિક વચ્ચે આગળ વધતી હતી. કદમ બારીમાંથી આલીશાન જી.ટી.રોડની રોનક જોઇ રહ્યો હતો. ક્યાંય સુધી બહાર જોતો રહ્યો. પછી તેણે પોતાની પીઠ ટેક્ષીની સીટ પર ટેકવી અને આંખો બંધ કરી શરીરને ઢીલું છોડી દીધું.

પણ કદમ કે ટેક્ષી ડ્રાઇવરને ખબર ન હતી કે એક કાર એરપોર્ટથી જ તેની ટેક્ષીનો પીછો કરી રહ્યી હતી.

ટેક્ષી શહેરની પહોળી આલિશાન સડક પરથી પસાર થતી હોટલ પામીરના ગેટમાં પ્રવેશી ગઇ. તેનો પીછો કરતી કાર તેને હોટલ પામીરના ગેટમાં પ્રવેશતી જોઇ રોડ પર આગળ વધી ગઇ તેમાં બેઠેલી વ્યક્તિએ કાર આગળ વધતાં જ મોબાઇલ વાટે કદમ તે પામીર હોટલમાં પ્રવેશ્યાના સમાચાર કોઇને આપ્યા.

હોટલ પામીરમાં કદમને એક સરસ રૂમ ભાડેથી મળી ગયો.

હોટલના વેઇટરે આવીને તેનો સામાન રૂમમાં ગોઠવી આપ્યો. કદમે વેઇટરને કહી દીધું કે પોતે હોટલના ડાઇનિંગ રૂમમાં આવી ડિનર કરશે.

હોટલનો કમરો ચેક કરી કદમે બેડ પર પડતું મૂક્યું તે થોડો આરામ કરી લેવાનું વિચારતો હતો.

લગભગ એક કલાક પછી તે નીંદરમાંથી જાગ્યો, પછી તેને ફ્રેશ થવાનો વિચાર આવ્યો, તેને ખ્યાલ હતો કે હોટલમાં સ્ટીમબાથ માટે વિશેષ પ્રકારની સગવડ હતી. બેગમાંથી ટોવેલ લઇ તે સ્નાનગૃહ તરફ આગળ વધ્યો.

***