રાવણોહ્મ - ભાગ ૫ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાવણોહ્મ - ભાગ ૫

ભાગ 

  સોમને પોતાની બદનામીની ચિંતા ન હતી. તેને કામ મળતું બંધ થઇ જશે અને તે ગુમનામીની ગર્તામાં જતો રહેશે, તેની પણ પરવા ન હતી. પણ તે પોતે પોતાની કે પાયલની નજરમાંથી ઉતારવા માગતો ન હતો. તે જ કારણસર તે નિલીમાને મળવા માગતો હતો, સત્ય જાણવા. તેને ઇંતેજાર હતો અમાસનો. કાશ ! તેણે ધ્યાન આપ્યું હોત પોતાની આસપાસ થનારી ઘટનાઓનું તો તેને ષડયંત્રની ગંધ આવી ગઈ હોત.

 

  પાયલ અને શુક્લા પાયલની કેબિનમાં બેઠા હતા. પાયલે શુક્લા તરફ જોઈને કહ્યું, “આ તારો કુલકર્ણી થોડો ઢીલો લાગે છે?”

 

શુક્લાએ કહ્યું, “તે ઢીલો નહિ, પણ ધીટ છે. તેણે હજુ વધારે પૈસાની ડિમાન્ડ કરી છે કેસને આગળ ચલાવવા.”

 

એટલામાં પાયલના મોબાઈલમાં રિંગ વાગી. પાયલે સ્ક્રીન પર કૉલરનું નામ જોયું એટલે તેની આંખો ચમકી. કૉલરનું નામ હતું ‘પ્રદ્યુમન સિંહ.’ 

 

પાયલે કૉલ કટ કર્યો અને શુક્લાને કહ્યું, “કેટલા પૈસા જોઈએ છે તે કહી દે જે કેશિયરને પણ ધ્યાન રાખજે કે તેમાં તું કટકી કરવા ન જતો. તને અલગથી જોઈતા હોય તો મને કહી દેજે અને કુલકર્ણીને કહી દેજે કે મને સોનાના ઈંડા આપતી મરઘી ન સમજે! ઠીક છે?”

 

પાયલના ઠીક છે કહેવામાં કરડાકી હતી તે સાંભળીને શુક્લા ધ્રુજી ઉઠ્યો.

 

તેણે કહ્યું, “આપ ચિંતા ન કરો, હું તેની સાથે વાત કરી લઈશ અને હું બેઈમાનીનું કામ પણ ઈમાનદારથી કરું છું.”

 

પાયલે શુક્લા તરફ જોયું એટલે શુક્લા ચુપચાપ ઉભો થઈને ત્યાંથી નીકળી ગયો. તે સમજી ગયો કે ઉત્સાહમાં વધુ પડતું બોલી ગયો છે.

 

   પાયલે પ્રદ્યુમનસિંહના નંબર પર કૉલ જોડ્યો, તેને આશા હતી કે પ્રદ્યુમનસિંહનો થોડો ધ્રૂજતો અવાજ સંભળાશે પણ તેને બદલે ઘૂંટાયેલો અવાજ સંભળાયો. તેણે કહ્યું, “હું પ્રદ્યુમનસિંહજીનો પૌત્ર સુશાંત બોલું છું. દાદાજીના ફોનથી આપને એટલા માટે કૉલ લગાવ્યો કે આપને વિશ્વાસ થાય કે હું આપની તરફ છું. મારો નવો નંબર આ નંબરથી મેસેજ કરું છું અને હવે દાદાજીનું કોઈ કામ હોય તો મને કૉલ કરજો.”

 

પાયલે પૂછ્યું, “પ્રદ્યુમનસિંહજી ક્યાં છે?”

 

સુશાંતે કહ્યું, “તે અહીં ઘરે જ છે પણ તેમની તબિયત હમણાંથી ખરાબ રહે છે, ઉપરાંત તેમને અલ્ઝાઇમરની બીમારી લાગુ પડી છે. ઘણી વખત તો તે પણ મને ઓળખવાનો ઇન્કાર કરે છે.”

 

પાયલે કહ્યું, “ઠીક છે.”

 

સુશાંતે કહ્યું, “દાદાજીએ એક કામ સોંપ્યું હતું તમને, તે ક્યાં સુધી આવ્યું?”

 

પાયલે કહ્યું, “તેના પર અમલ થઇ રહ્યો છે, પણ કામ મારી ધારણા કરતા ધીમું ચાલી રહ્યું છે.”

 

પાયલે આગળ કહ્યું, “હું આપને એકવાર મળવા માગતી હતી.”

 

સુશાંતે કહ્યું, “ઠીક છે, આવતીકાલે સાંજે ફિનિક્સ મોલમાં મળીએ.”

 

પાયલે ઓકે કહીને ફોન કટ કર્યો.

 

            અમાસનો દિવસ સોમે હંમેશની જેમ બેચેનીમાં વિતાવ્યો અને રાત્રે અગિયાર વાગે તે રેકોર્ડીંગને બહાને પોતાની ગાડી લઈને નીકળ્યો અને મુંબઈની બહાર એક અવાવરું સ્મશાન હતું તેમાં ગયો. એક ઝાડ નીચે આસાન જમાવ્યું. પોતાની સાથે જે સામાન લાવ્યો હતો તે બાજુમાં મુક્યો. બે કુંડાળા દોર્યા એકમાં પોતે બેઠો અને બીજા કુંડાળામાં કે ભૌમિતિક આકૃતિ દોરી અને તેના દરેક ખાનામાં લીંબુ મૂક્યું અને એક ખાનામાં નીલિમાની હેર પિન મૂકી.

 

તે ધીમે ધીમે મંત્રો બોલવા લાગ્યો પછી તેણે પોતાની આંખો બંધ કરી એટલે તેને સ્પષ્ટ ચિત્ર દેખાવા લાગ્યું. તેને જંગલ દેખાયું અને ધીરે ધીરે દ્રશ્ય આગળ વધવા લાગ્યું, સોમ તે સ્થળના ઓળખ ચિન્હો જોઈ રહ્યો હતો. આગળ જતાં તેને એક મોટો વડ દેખાયો અને તેની નજીક એક ઝૂંપડી દેખાઈ. હવે દ્રશ્ય થોડું ધૂંધળું થવા લાગ્યું હતું. તેણે  અંદર જઈને જોયું તો અંદર એક યુવતી ટૂંટિયું વાળીને પડેલી  હતી.

 

તે તેને ઓળખી ગયો, તે નીલિમા હતી. તેની અવસ્થા દયનીય હતી. તેના ચેહરા પર નિશાન પડી ગયા હતા, તેના કપડાં પણ ફાટેલાં હતા. તે રડી રહી હતી. તે ત્યાં આવ્યો હોય તે જાણે નિલીમાને ખબર પડી ગઈ હોય તેમ નિલીમાએ પોતાના હાથ ફેલાવ્યા અને કહ્યું, “મને બચાવો! રુદ્રાએ મારી હાલત ખરાબ કરી દીધી છે. તેણે મને અહીં ઘણા સમયથી કેદ કરી રાખી છે. પ્લીઝ! મને બચાવો હું તમારી રાહ જોઈ રહી છું.”

 

સોમની આંખ ખુલી ગઈ. તેની છાતી ધમણની જેમ ફૂલી રહી હતી. પહેલાં તેણે પોતાના શ્વાસોશ્વાસ પર કાબુ મેળવ્યો અને પછી વિચારવા લાગ્યો કે કે નીલિમા સહ્યાદ્રીનાં જંગલોમાં કેવી રીતે પહોંચી ગઈ. તે પહેલા આ સ્થળે જઈ આવ્યો હતો અને તે વડ પણ જોયો હતો. પણ દ્રશ્ય ધૂંધળું થઇ ગયું હતું એટલે હવે ત્યાં કોઈ અજ્ઞાત શક્તિનો વાસ હોવો જોઈએ. શું નીલિમા ખરેખર ત્યાં છે કે પછી કોઈ મને ફસાવવા માગે છે. પણ તે વાતની તસ્દીક તો ત્યાં જઈને જ કરી શકાશે. મારે આવતીકાલે ત્યાં જવા નીકળી જવું જોઈએ, એવો નીર્ધાર કરીને સોમ પોતાની જગ્યાએથી ઉઠ્યો.

 

ક્રમશ: