રાવણોહ્મ - ભાગ ૧ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

રાવણોહ્મ - ભાગ ૧

ભાગ 

(આ મારી નવલકથા સંભવામિ યુગે યુગેનું અનુસંધાન છે. સોમને સફળતા મળ્યા પછી આગળ શું થાય છે તેની આ વાર્તા છે. કાળીશક્તિઓના પૂજાસ્થળોને નિશાન બનાવતો સોમ તેમના નિશાના ઉપર આવી જાય છે. આ વાર્તા વાચવાની શરુ કરતાં પહેલાં આપ ‘સંભવામિ યુગે યુગે’ વાંચશો તો ઘણાબધા પાત્રો અને તેમના સબંધો વિષે તાળો મળી જશે.)

બે વ્યક્તિઓ એક ઓફિસના વિશાળ બોર્ડરૂમમાં બેસીને ચર્ચા કરી રહી હતી. તેમાંથી એક પાયલ હતી અને બીજી વ્યક્તિ દેખાવમાં મેનેજર જેવી લાગતી હતી. તેણે મોંઘો લાગતો સફેદ રંગનો સૂટ પહેરેલો હતો અને ચેહરા પર રીમલેસ ચશ્મા હતા. તે ધીરગંભીર અવાજમાં પાયલ સાથે વાત કરી રહ્યો હતો. પણ તેની વાતચીત કરવાની પદ્ધતિ અને તેના ચેહરાના હાવભાવ બંનેમાં એકરૂપતા ન હતી.

તેણે પાયલને કહ્યું, “મેડમ, તમે કહ્યા પ્રમાણે બધું કામ થઇ જશે. મેડમ ન્યુઝનો સમય થઇ ગયો છે ટીવી ઓન કરું.”

પાયલે કહ્યું, “પહેલાં ગ્લાસ ભર, પછી ટીવી ઓન કર.”

તે વ્યક્તિ પાયલની કેબીનમાં બનાવેલા બારમાંથી મોંઘાભાવની એક ડાલમોર સ્કોચની બોટલ લઇ આવ્યો અને બે ગ્લાસ ભર્યા અને ભરતી વખતે ધ્યાન રાખ્યું કે પોતાનો પેગ નાનો ભર્યો અને પાયલનો પેગ મોટો બનાવ્યો. પછી સોડા અને બરફ નાખીને ગ્લાસ પાયલના હાથમાં આપ્યો.

ચુલબુલી, સુશીલ અને સંસ્કારી પાયલનું રૂપાંતર એક ક્રૂર બિઝનેસવુમનમાં થઇ ચૂક્યું હતું. અત્યારે તેણે કાળા કલરનો સૂટ પહેર્યો હતો અને તેના વાળમાં સફેદીની એક રેખા દેખાઈ રહી હતી પણ ચેહરા પર તાજગી એવી જ હતી.

પાયલે ગ્લાસમાંથી મોટો ઘૂંટડો ભર્યો અને કહ્યું, “શુક્લા, ટીવી ઓન કર.”

શુક્લાએ ટીવી ઓન કર્યું. તેણે ન્યુઝ ચેનલ લગાવી, તેના પર બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યા હતા,

“મી ટુ કેમ્પઇનમાં હજી એક મોટા માથાનું નામ બહાર આવ્યું છે, તે છે પ્રખ્યાત મ્યુઝિક ડાઈરેક્ટર સંગીતસોમનું. આજે ચોથી ગાયિકાએ તેમનું નામ લઈને ટ્વિટ કર્યું છે કે સંગીતસોમે તેમનું શારીરિક શોષણ કર્યું છે. તે ચારેય ગાયિકાઓની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને હવે ગમે તે ક્ષણે પોલીસનું સમન સંગીતસોમને મોકલવામાં આવશે. સંગીતસોમ તરફથી અમારા પ્રતિનિધિને કોઈ જાતની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સંગીતસોમ, જે મ્યુઝિકની દુનિયાનું સૌથી મોટું નામ ગણવામાં આવે છે અને તેમના પર લાગેલા આરોપોથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સુન્ન છે. આજે આપણી સાથે ચર્ચામાં શામેલ છે મહિલા એક્ટિવિસ્ટ શીતલ ઇનામદાર, ફિલ્મોના જાણીતા પ્રોડ્યૂસર શમશેર ભલ્લા, જનાદેશ પાર્ટીના પ્રમુખ અને લોકોના ચાહિતા નાગોરીજી અને મ્યુઝિક ડાઈરેક્ટર સૈનીજી.”

પાયલે રિમોટ ઉપાડીને ટીવી ઑફ કર્યું અને કહ્યું, “શુક્લા, તારી કમિશ્નર સાથે વાત થઇ ગઈ છે ને?”

શુક્લાએ કહ્યું, “ના મેડમ, બહુ મોટા માથાને આમાં ઇન્વોલ્વ કરવાનું મને યોગ્ય ન લાગ્યું અને ઇન્સ્પેક્ટર કુલકર્ણી બધું મેનેજ કરી લેશે.”

પાયલે કહ્યું, “તને કોણે કહ્યું મગજ ચલાવવાનું? તને  મેં એકદમ ક્લીયર ઇન્સ્ટ્રકશન આપી હતી ને કે સોગઠી એકદમ પરફેક્ટ ફિક્સ કરજે અને જરૂર પડે તો ડીજીપી સુધી વાત કરજે. તને ખબર છે કેટલો પાવરફુલ છે સોમ! ઇન્સ્પેક્ટરની તાકાત નથી કે તેને વધારે સમય અંદર રાખી શકે. તેને એવી રીતે ટ્રેપ કરવાનો હતો કે બધું એક દિવસમાં જ બને અને તેને પોતાના બચાવ માટે સમય ન મળે. એક આરોપ લાગ્યા પછી અઠવાડિયા સુધી બીજો આરોપ લાગ્યો નહિ અને ચોથો આરોપ છેક બીજા મહિનામાં!”

શુક્લાએ કહ્યું, “મેડમ, આમ અચાનક બધા સામટા આરોપ લાગ્યા હોત અને તે અંદર ગયો હોત તો કોઈને પણ આ ષડયંત્ર લાગ્યું હોત, પણ હવે લાગશે કે ધીરે ધીરે હિમ્મત કરીને ગાયિકાઓ સચ્ચાઈ કહી રહી છે.”

પાયલે એક સીપ લઈને પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, “તારી વાત પણ બરાબર છે. હવે એક કામ કર કોઈ સારા સાઈક્રિયાટિસ્ટને આમાં સામેલ કર અને એવું સાબિત કરવાની કોશિશ કર કે સોમ માનસિક રીતે અસ્થિર છે અને તેને કોઈ માનસિક બીમારી છે. હજી બીજી પાંચ છ છોકરીઓને આરોપ કરવાનું કહે. અત્યારે જે મી ટૂ કેમ્પઇન ચાલુ છે તેનો ભરપૂર લાભ ઉઠાવ.”

શુક્લાએ કહ્યું, “ચાર ગાયિકાઓનો આરોપ પણ ગંભીર જ ગણાય.”

 

પાયલે કહ્યું, “મારે તેને સંપૂર્ણ રીતે બરબાદ કરવો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું સ્કેન્ડલ ગણાવું જોઈએ.”

 

શુક્લાએ કહ્યું, “ઠીક છે મેડમ! આપ કહેશો તેમ થઇ જશે પણ પછી આપણી કંપનીનું શું થશે આપણા શેરના ભાવ માર્કેટમાં ગગડી જશે. સોમ સર પ્રમોટર છે!”

 

પાયલે કહ્યું, “અત્યારે ભલે ભાવ ઓછા થાય પણ એક વાર સોમ માર્કેટમાંથી ફેંકાઈ જાય પછી આપણે મેનેજ કરી લઈશું. હવે તું તારા કામ પર લાગ મારે ઘરે પહોંચવું પડશે. કોઈ અર્જન્ટ કામ હોય તો મેસેજ કરી દેજે, ફોન ન કરતો.”

 

એમ કહીને પોતાનું પર્સ ઉઠાવ્યું અને બહાર નીકળી ગઈ.

 

શુક્લાના ચેહરા પર રાહતના ભાવ આવ્યા. તે મનોમન બબડ્યો, “કેવી સ્ત્રી છે પોતાના પતિને જ બરબાદ કરવા જઈ રહી છે. ઠીક છે! મારે શું પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ !”

 

એમ બોલીને બીજા બે પેગ પીધા અને બોર્ડરૂમની લાઈટ ઓલવી અને બહાર નીકળ્યો અને બહાર તેમના જવાની રાહ જોઈ રહેલા પ્યુનને ઓફિસ લોક કરવાનું કહ્યું. નીચે આવીને કંપનીએ આપેલી ગાડીમાં ઘરે જવા નીકળ્યો.



             પાયલે બંગલાના પોર્ચમાં ગાડી ઉભી કરી અને ઉતરીને દરવાજો ખોલવા આવેલા નોકરને પૂછ્યું, “સાહેબ આવી ગયા?”

 

તેણે માથું હલાવીને ના પડી. તે અંદર જઈને સોફામાં બેસી તે જ સમયે હોર્નનો અવાજ આવ્યો અને તે સભાન થઇ ગઈ, તેણે માઉથ ફ્રેશનરનો એક સ્પ્રે મોઢામાં છાંટ્યો.

 

સોમ જેવો ડ્રોઈંગ રૂમમાં આવ્યો તે તેની નજીક જઈને તેને ભેટી પડી અને બોલી, “ક્યાં હતો? હું કેટલી ડરી ગઈ હતી ટીવી પર ન્યુઝ સાંભળીને!”

 

સોમનો ચેહરો ઉતરી ગયો તેણે કહ્યું, “ખબર નથી પડતી કે આ ગાયિકાઓ મારા પર આરોપ કેવી રીતે લગાવે છે! મેં જ તેમને બ્રેક આપ્યો છે અને કોઈ દિવસ તેમને આંગળી પણ અડાડી નથી.”

 

પાયલે કહ્યું, “ખરેખર તેં કોઈને ટચ પણ નથી કર્યું!”

 

સોમે કહ્યું, “તારા સિવાય મેં કોઈને પણ પ્રેમ નથી કર્યો?”

 

પાયલે કહ્યું, “તેઓ પ્રેમ કરવાનો આરોપ પણ નથી કરતા.”

 

સોમની મુખરેખા થોડી તંગ થઇ તેણે કહ્યું, “મેં કદી કોઈનું શારીરિક શોષણ નથી કર્યું.”

 

પાયલે કહ્યું, “અરે બાબા, મજાક કરતી હતી મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે.ચાલ આપણે જમી લઈએ.”

 

સોમે કહ્યું, “મને ભૂખ નથી અને અત્યારે હું મ્યુઝિક રૂમમાં જાઉં છું, તારે જમવું હોય તો જમીને સુઈ જા. મારે અત્યારે એક ટ્યુન બનાવવાની છે.”

 

પાયલે કહ્યું, “ખરેખર તને ભૂખ નથી કે કોઈની સાથે જમીને આવ્યો છે?”

 

સોમે પાયલ તરફ જોયું એટલે બોલી, “મજાક કરું છે! તું તારે ટ્યુન બનાવ મને ઊંઘ આવે છે.”

 

સોમ મ્યુઝિક રૂમ તરફ આગળ વધ્યો અને અંદર જઈને જલ્દીથી દરવાજો બંધ કર્યો અને પોતાના ખિસ્સાનું કવર કાઢ્યું જે તે એક કલાકથી લઈને ફરી રહ્યો હતો પણ ખોલવાની હિમ્મત નહોતી કરી. તેણે જેવું કવર ખોલ્યું તેની અંદરના ફોટા જોઈને જાણે હાથમાં વીંછી પકડ્યો હોય તેમ ફેંકી દીધા અને તે ખુરસીમાં બેસી પડ્યો.