પ્રેમનું અગનફૂલ - 1 - 3 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું અગનફૂલ - 1 - 3

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતનો આહાકાર

ભાગ - 3

પોળમાં એકદમ સન્નાટો ફેલાયેલો હતો. કોઇ પણ માણસ બહાર દેખાતું ન હતું. દુર્ગા ઝડપથી પોતાના ઘર તરફ આગળ વધી, ટર્ન લેતી શેરી વટાવી તે ચોકમાં આવી કે તરત તેની નજર પોતાના ઘર પર પડી.

ઘર નજર પડતા જ તે એકદમ સન્નાટમાં આવી ગઇ. ભય અને ખોફથી તેનું શરીર ધ્રૂજી ઊઠ્યું. બીકથી આંખો ફાટેલી રહી ગઇ. તે ત્યાં જ જડવત ઊભી રહી ગઇ.

ફડ...ફડ...ફડ...ના અવાજ સાથે અગ્નિજ્વાળઓએ તેના ઘરને ચારે તરફથી લપેટમાં લઇ લીધું. ઘરની અંદરથી બચાવો...બચાવો...ની ચીસો સંભળાઇ રહી હતી.

તેના ઘરની બહાર પાંચ-સાત લોકો ઊભા હતા. તેમાંના એક હાથમાં પેટ્રોલનું કેન પકડેલું હતુ. બે લોકોના હાથમાં મોટી ડાંગો પકડેલી હતી. એકના હાથમાં ટામી હતી. આજુબાજુનાં બીજાં બે-ચાર મકાનો પણ સળગાવી રહ્યાં હતા.

‘ડેડીઇઇઇઇ... મમ્મીઇઇઇ...’ ખોફભર્યા વાતાવરણમાં અચાનક દુર્ગાની ચીસો ગુંજી ઊઠી,તે ત્યાં જ ઊભા રહીને ચીસો પાડી રહી હતી. તેના બન્ને હાથનાં પંજા મોં પર ફેલાયેલા હતા. તેની ચકળવકળ થતી આંખો અને ધ્રૂજતો દેહ આગળની તરફ નમી જતો હતો.

‘ડેડી... ડેડી... મમ્મી... મમ્મી...’ દર્દભરી તેની ચીસો પોળમાં ગુજી ઊઠી.

‘બચાવો... મારા ડેડી-મમ્મીને બચાવો... બહાર આવો... મારા ડેડી... મારા મમ્મીને બચાવો...’ તે જોરજોરથી ચીસો પાડતી ત્યાં જ ઊભા ઊભા ચારે દિશામાં જોઇ રહી.

પણ ન કોઇ ઘર ખોલી બહાર આવ્યું કે ન કોઇએ બારી ખોલી દુર્ગા સામે જોયું.

હજુ દુર્ગાના ઘરમાંથી બચાવો...બચાવોની ચીસો સંભળાઇ રહી હતી.

‘એય... પકડો સાલ્લીને આ ઘરના લોકોની છોકરી લાગે છે.’ ત્યાં ઊભેલાઓમાંથી એક જણે ચીસો પાડતી દુર્ગા સામે આંગળી ચીંધી.

‘ઉપાડી ચાલો...હરામજાદીને...’ તેમાંનો એક જણ પોતાના પીળા દાંત બતાવતા હસતાં બોલ્યો. તેની આંખોમાં વાસનાના કીડી સળગવી ઊઠ્યા હતા.

‘પકડો... પહેલાં સાલ્લીને, પકડો તો ખરા...’ કહેતાં બે ત્રણ દુર્ગા તરફ દોડ્યા.

‘ભાગ... દુર્ગા ભાગ... નહિતર આ હવસખોર શેતાનો તને નહીં છોડે... ભાગ...’ અચાનક તેના અંગરાત્માનો અવાજ આવ્યો.

અકળ-વકળ થતી આંખોએ શિકારીની જાળમાં પકડાયેલી ધ્રૂજતી હરણીની જેમ તેણે ચારે તરફ જોયું. પછી એક નજર પોતાના સળગતા મકાન પર નાખી હજુ અંદરથી તેની મમ્મી અને ડેડીની ચીસો ગુંજી રહી હતી. જે હવે ધીમી પડતી જતી હતી.

દળ દળ વહેતી આંસુભરી આંખોએ દુર્ગા તેનાં મમ્મી-પપ્પાની યાતનાભરી ચીસોથી ધ્રૂજી ઊઠી. તેને પોતાના ઘરની અંદરનું ર્દશ્ય તેની ર્દષ્ટિપટ પર આવીને છવાઇ ગયું. સળગતા ઘરનાં મમ્મી-પપ્પા ઘરની અંદર બચવા માટે આમથી તેમ દોડતા દોડતાં ફાંફાં મારી રહ્યા હતા. પીડાથી તેઓના ચહેરા તરડાઇ ગયા હતા. ગાઢ ધુમાડાનું ધૂંધળું ર્દશ્ય દુર્ગાની નજર સામે તરવરી ઊઠ્યું, તેણે આંખો બંધ કરી દીધી તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.

‘પકડો સાલ્લીને...’ અચાનક ખૂબ નજદીકથી આવતા અવાજ સાથે દુર્ગાએ આંખો ખોલી તેની સામે બે માણસો તેને પકડવા ધસી આવતા હતા.

મનને મક્કમ કરી દુર્ગાએ હાથની મુઠ્ઠીઓ વાળી અને પછી દોટ મૂકી ભાગી.

દુર્ગા એકદમ ભાગતી હતી. તેની પાછળ લોકોનું ટોળું શિકારી કૂતરાઓની જેમ પડ્યું હતું.

ટર્ન વળી તે પોતાની પોળની બહાર આવી અને પછી રસ્તો ક્રોસ કરી સામેની પોળમાં જતી શેરીમાં ઘૂસી ગઇ.

‘એ જાય સાલ્લી... આપણા લોકોની પોળમાં ઘૂસી છે. હવે ક્યાં જવાની છે.’ પાછળ દેકારાના અવાજમાં દુર્ગાના કાને કેટલાક શબ્દો પડ્યા. તે માથાથી પગ સુધી ધ્રૂજી ઊઠી.

તે મુઠ્ઠીઓ વાળીને એકદમ પોળની અંદર દોડી.

પોળમાં ઘૂસ્યા બાદ તે એક ડેલીની સામે આવીને ઊભી રહી.

તેનું પૂરું શરીર પરસેવાથી નીતરી રહ્યું હતુ.

તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો.

‘ટક...ટક...ટક...’ ડેલીની કળીઓ પછાડતા ડેલી ખોલો... કોઇ છે...? ખોલો મને બચાવો... બચાવો...’ દુર્ગા જોરજોરથી ચિલ્લાઇ, પછી બંને હાથના પંજા જોરથી ડેલીના દરવાજા પર પછાડવા માંડ્યા.

‘કોણ...? કોણ છે ?’ અંદરથી અવાજ આવ્યો.

‘હું... હું... મને બચાવો... મને મારી નાખવા કેટલાય લોકો મારી પાછળ પડ્યા છે.’ ધ્રૂજતા અવાજે દુર્ગા બોલી.

‘એ ઊભી... પકડો... પકડો... હવે છટકીને ક્યાં જશે.’ અચાનક દૂરથી અવાજો આવ્યા.

ભય દહેશતથી દુર્ગા ધ્રૂજી ઊઠી. તેની પાછળ પડેલા લોકોનું ટોળું તેની તરફ ધસી આવતું હતું.

‘કોઇ છે... બચાવો... મને બચાવો...’ દુર્ગાના માથામાં વિંઝાયો.

‘બચાવ...’ જોરથી ચીસ પાડતી દુર્ગા માથું પકડીને નીચે બેસી ગઇ. તેના માથામાંથી દળ... દળ... કરીને લોહી વહેવા લાગ્યું.

તે જ પળે ડેલીનો દરવાજો ખૂલ્યો.

‘કોણ છે...?’ વૃદ્ધનો ધ્રૂજતો અવાજ સંભળાયો પછી તે વૃદ્ધની નજર દુર્ગા પર પડી.

‘અરે... બેટી... શું થયું...? આવ...આવ... જલદી અંદર આવતી રહે.’ ધ્રૂજતા હાથે દુર્ગાને સહારો આપી વૃદ્ધે તેને ઊભી કરી અને ઝડપથી દરવાજાની અંદર લઇ જવા લાગ્યો.

‘એય ડોકરા... ઊભો રહે. તેને ઘરની અંદર લઇ ન જતો.’ સામેથી દોડતા આવતા લોકોના ટોળામાંથી કેટલાય અવાજો આવ્યા.

તે વૃદ્ધે સામેથી ધસી આવતા લોકોના ટોળા સામે નજર કરી પછી દુર્ગા સામે જોઇ બોલ્યો.

‘બેટા... જલદી અંદર આવી જા.’ આ લોકોને હું સંભાળી લઇશ. કહેતાં ડોસાએ દુર્ગાને ધક્કો મારી ઘરની અદંર ઘુસાડી પછી ઝડપથી ડેલીનો દરવાજો બંધ કરી બહારની તરફ દરવાજાની વચ્ચોવચ્ચે ઊભો રહી ગયો.

‘એ ડોકરા... પેલી છોકરીને બહાર કાઢ...’ તેની પાસે ધસી આવેલા લોકોમાંથી એક જણ ઉગ્ર અવાજે બોલ્યો.

‘કોણ છો, ભાઇ...? અને આ છોકરીએ તમારું શું બગાડ્યું છે ?’

‘કાકા... છોકરીએ નહીં પણ તેની સમસ્ત કોમે અમારું બગાડ્યું છે. તમને ખબર નથી કોમીનલ રમખાણો ફાટી નીકળ્યાં છે ? કેટલાય હિન્દુઓએ મુસ્લિમને રહેંસી નાખ્યા છે તો કેટલાય મુસ્લિમોએ હિન્દુઓને મારી નાખ્યા છે.’

‘યા અલ્લા... રહેમ કર તારા આ બંદાઓ પર જેને ખબર નથી કે તેઓ શું કરવા જઇ રહ્યા છે.’ વૃદ્ધે હાથ ઊંચા કરી આકાશ તરફ નજર ઉઠાવી જોયું, તેના ચહેરા પર દુ:ખ અને પીડાના ભાવ છવાયેલા હતા.

‘ચાચા... અમે બધા તમારી કોમના લોકો છીએ. અમને અંદર આવવા દ્યો. અમે લોકો તમને નુકસાન નહીં પહોંચાડીઇ, અમારે તો ફક્ત તે છોકરીને ઊઠાવી જવાની છે.’ ટોળામાંથી એક જણ બોલ્યો.

‘રહેમ કર... બેટા રહેમ કર. ખુદાના ખોફથી ડરો. આ છોકરી તારી બેન જેવડી છે. મજહબ મા-બેન, બેટીની હિફાજત કરવાનું શિખવાડે છે. તેને રહેંસી નાખવાનું નહીં.’

‘ચાચા... આ ધર્મની લડાઇ છે. તમારે અમને સાથ આપવો જોઇએ. તેના બદલે’ એક જણ ઉગ્ર સ્વરે બોલ્યો.

‘બેટા... આ ધર્મની લડાઇ નથી. તમે લોકો ધર્મના નામ પર કલંક ચડાવી રહ્યા છો. ઇસ્લામમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ઇસ્લામ સિવાય બીજા ધર્મના લોકોને પરેશાન કરવા. ધર્મના નામ પર આંતર ફેલાવવો. ઇસ્લામ તો પ્રેમ, ભાઇચારો અને માનવજાતનું રક્ષણ કરવાનું શિખવાડે છે. તમે લોકોએ કુરાન વાંચ્યુ નથી લાગતું, કુરાનમાં પણ હંમેશા નીતિપર ચાલવાનું અને માનવજાતનું રક્ષણ કરવાનું, સાથે ખુદાની બંદગી કરવાનું લખ્યું છે.’ વૃદ્ધ ધ્રૂજતા સ્વરે બોલી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી.

‘તો હિન્દુઓને છૂટ છે, આપણી કોમના લોકોને મારવાનું આપણી મા, દીકરીઓને સતાવવાનું...’ જવાબ દ્યો ચાચા. એક જણ ક્રોધે ભરાયો. ‘બેટા... કોઇપણ ધર્મ ક્યારેય નફરત, દુશ્મની કે કોઇને પરેશાન કરવાનું શિખવાડતો નથી. જેમ કુરાનમાં લખ્યું છે તેવું જ ગીતામાં લખ્યું છે. કોઇપણ ધર્મ હંમેશાં માનવ કલ્યાણ, પ્રેમ-સદ્દભાવના શિખવાડે છે. બેટા...આંબાના વૃક્ષમાં કેટલીય કેરીઓ ખરાબ થઇ જાય છે. સડેલી નીકળે છે, તો તેનો મતલબ એ નથી કે પૂરું વૃક્ષ ખરાબ થઇ ગયું છે.’

‘એ ચાચા...’ એક માણસ ચિલ્લાયો. ટોળામાંથી રસ્તો કરતો આગળ આવવા લાગ્યો.

‘તમારે દીકરીને લઇ જવી હોય તો મારી લાશ પરથી પસાર થવું પડશે. જ્યાં સુધી મારા આ ખોળિયામાં જીવ છે, ત્યાં સુધી તમે લોકો તે છોકરીને હાથ પણ નહીં લગાવી શકો. આવો, પહેલાં મને મારી નાખો.’ વૃદ્ધ જોરથી ચિલ્લાયા. તેમનું પૂરું શરીર ધ્રૂજી રહ્યું હતું.

ટોળામાંથી જગ્યા કરતો આગળ આવી તે વૃદ્ધને બે-ચાર તમાચા લગાવવાનો વિચાર કરતો તે માણસ આગળ આવ્યો અને તે વૃદ્ધ પર નજર પડતા જે સ્તબ્ધ થઇને ત્યાં જ જડાઇ ગયો.

‘રહીમચાચા... આપ... તમે... તમે અહીં રહો છો ?’

વૃદ્ધની નજર પણ તેના પર પડી.

‘કોણ... રહેમાન... અરે તું ! તું આ પાપ કરવા જઇ રહ્યો છે ?’

રહેમાનની ગરદન નીચી નમી ગઇ.

‘રહેમાન બેટા... આ ધર્મની લડાઇ નથી. અમુક અસામાજિક તત્ત્વો સમાજમાં આવી ગંદગી ફેલાવી પોતાનું કામ કઢાવી રહ્યા છે. પોતાના ફાયદા માટે તેઓ હિન્દુ અને મુસલમાન લોકોને ઝઘડાવી રહ્યા છે. અને તારા જેવો નેક મુસલમાન પણ આમાં સાથ આપી રહ્યો છે.’ વેધક નજર તેની સામે જોતાં તે વૃદ્ધ બોલ્યો જેનું નામ રહીમચાચા હતું.

રહેમાન જ્યારે હૈદ્રાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો તે વખતે રહીમચાચા તે યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. નેક દિલના ઇન્સાન હતા, ક્યારે પણ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર તેઓ બધા જ સ્ટુડન્ટને ભણાવતા અને સૌને ગાઇડેશન પણ આપતા. રહેમાન ભણવામાં હોશિયાર હતો. તેથી રહીમચાચા તેને ખૂબ જ પ્યારથી રાખતા અને સારો ઉપદેશ પણ આપતા.

‘રહેમાન આ લોકોને સમજાવીને લઇ જા. આ છોકરી મારા આશરે આવી છે. જો તેને ઉપાડી જવી હોય તો પહેલાં મારી લાશ પરથી તમારે આગળ વધવું પડશે.’ રહીમચાચા બોલ્યા.

‘ઠીક છે, ચાચા. હું તમારો આદર કરું છું. એટલે અમે તમારા માન ખાતર ચાલ્યા જઇએ છીએ.’ રહેમાને કહ્યું પછી તેઓની સાથે આવેલાઓને સમજાવવા લાગ્યો.

ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઇ તે લોકો વચ્ચે, પણ પછી રહેમાનની વાત માની તે લોકો જવા લાગ્યા. તેમાંના એક-બે જણે રહીમચાચાને ધકમીઓ પણ આપી. રહીમચાચા હસતા રહી ગયાં.

આનંદની મોટરસાયકલ પુરપાટ વેગે દોડી રહી હતી. તે વકીલની ઓફિસે પહોંચ્યો હતો, ત્યારે શહેરમાં દંગાફસાદ ચાલુ થઇ ગયા હતા. એટલે વકીલે તેને જલદી ઘરે પરત ચાલ્યા જવાનું કહ્યુ હતું. આનંદ તુરંત ઘરે જવા માટે નીકળી પડ્યો.

હજુ તો તે થોડો આગળ વધ્યો હશે કે તે સમયે ફટાફટ દુકાનો બંધ થવા લાગી અને લોકોના દેકારાના અવાજ આવવા લાગ્યા. ધીરે ધીરે લોકોના ટોળે ટોળા રસ્તા પર ઊમટી પડ્યા.

બંને કોમના લોકોનાં ટોળાંઓ વચ્ચે એકબીજાને મારી-કાપી નાખવા ધિંગાણાં શરૂ થયાં અને ધીરે ધીરે તે ઉગ્ર સ્વરૂપ પકડવા લાગ્યાં. થોડી જ વારમાં ચારે તરફ સાયરનો વગાડતી પોલીસની ગાડીઓ દોડવા લાગી અને જ્યાં જ્યાં લોકો એકઠા થઇ મારા-મારી કરતા હતા ત્યારે પોલીસના યુવાનો લાઠીઓ લઇને તૂટી પડ્યા.

બે-ત્રણ વખત આનંદ ટોળાની ઝડપમાં આવતાં માંડ માંડ બચ્યો. એક વખત પોલીસની લાઠી પણ વાગી, માંડ માંડ ટોળાઓ વચ્ચેથી જીવ બચાવી તે મુખ્ય સડક પર આવ્યો. તેના ચહેરા પર એકદમ પરસેવો નીતરી રહ્યો હતો. થોડો જ આગળ વધ્યો ત્યાં એકાએક સ્ત્રીની જોરદાર ચીસ વાતાવરણમાં ગુંજી ઊઠી. આનંદ એકદમ ચમકી ગયો. ફુલ સ્પીડમાં દોડતી મોટર સાયકલની બ્રેક અનાયાસે તેનાથી દબી ગઇ.

‘મારો... મારો... રહેંસી નાખો.’ની ચીસો સાથે સામેથી લોકોનું ટોળું દોડતું આવતું હતું, ટોળાથી થોડા આગળ એક નવ યુવાન છોકરી દોડતી હતી, તેની આંખોમાં એકદમ દહેશત ફેલાયેલી હતી. તે દોડતા દોડતા ચીસો પાડી રહી હતી. તેની આંખોમાં નર્યો નીતર્યો ખોફ છવાયેલો હતો.

તે છોકરી લગભગ આનંદની મોટરસાયકલ નજદીક આવી ગઇ હતી કે પાછળથી ગોફણમાંથી છૂટેલા પથ્થરની જેમ સનસનાટ કરતો પથ્થર છૂટ્યો અને તડાક કરતો તે છોકરીના માથામાં લાગ્યો, બનતી ઘટનાથી ક્ષણભર તો આનંદ એકદમ હેબતાઇ ગયો, પણ બીજી બાજુ જ પળે તે સમજી ગયો કે આવતું લોકનું ટોળુ ઝનૂને ભરાયેલુ છે અને આ છોકરીને મારવા આવી રહ્યું છે.

માથામાં પથ્થર લાગતાં જ છોકરીના મોંમાંથી જોરદાર ચીસ નીકળીને વાતાવરણમાં ફેલાઇ, તેના માથામાંથી દળ દળ કરતું લોહી વહેવા લાગ્યું, દોડતી તે છોકરીએ પોતાના બંને હાથ માથા પર દબાવ્યાં ત્યાં જ તેને ઠોકર વાગતાં નીચે પડી ગઇ.

બનતી ઘટના સમજી ચૂકેલા આનંદે છોકરીની નજદીક મોટરસાયકલને એકદમ ઊભી રાખી ચિલ્લાયો, ‘જલદી મોટર સાયકલ પર બેસી જા.’

‘પણ... પણ... તમે કોણ છો ? તે છોકરી એકદમ ભયભીત બનીને ધ્રૂજી રહી હતી.

‘વાત કરવાનો સમય નથી જલદી બાઇક પર બેસી જા.’ ત્રાડભર્યો અવાજે ચિલ્લાતાં આનંદે મોટર સાયકલનું લિવર દબાવ્યું.

‘ઓલો મોટર સાયકલવાળો તેને ઉપાડી જાય છે દોડો... દોડો... તેને પણ સાલ્લાને પકડીને મારો. ‘ટોળામાંથી રાડોનો અવાજ ગુંજી ઉઠ્યો. પછી ધીમે ધીમે દોડતા ટોળામાંથી લોકો એકાએક ઝડપથી દોડતા આનંદ તરફ ધસી ગયા.

‘બેસ... જલદી’ નજર સામેથી આવતા ટોળા તરફ એક વખત જોઇ આનંદ જોરથી ચિલ્લાયો તેનો ચહેરો એકદમ કઠોર થઇ ગયો.

અને પછી તે છોકરી કૂદકો મારતી મોટર સાયકલ પર બેસી ગઇ. આનંદે એકદમ લીવર દબાવ્યું અને પછી બ્રેક પરથી પગ હટાવતાં મોટર સાયકલના સ્ટિયરિંગને એકદમ ડાબી તરફ વાળ્યું.

ગર્જના કરતી મોટર સાયકલ એક તરફ નમી ગઇ અને પછી જ દિશામાંથી આવી હતી તે દિશા તરફ અર્ધગોળ ચક્કર કાપતી ફંટાઇ. ત્યારબાદ એકદમ પાછળના વ્હીલ પર ઊછળતી વેગ સાથે આગળ ધસી ગઇ. પાછળ બેઠેલી તે છોકરી માંડ-માંડ મોટર સાયકલ પરથી નીચે પડતાં બચી.

‘તડ... તડાક... તાડ...’ કેટલાય પથ્થરો આનંદની તરફ વેગ સાથે છૂટ્યા. ‘પકડો મારો સાલ્લો છોકરીને લઇને ભાગી રહ્યો છે.’ પાછળથી રાડો સંભળાઇ.

આનંદે પાછળ નજર કરી, ટોળામાંના કેટલાય લોકો તેની તરફ પથ્થર ફેંકતા હતા.

‘માથું નીચું નમાવ...’ ચીસ પાડતાં આનંદે પોતાનું માથું પણ આગળની તરફ નીચું નમાવ્યું, સનસન... કરતા કેટલાય પથ્થરો તેની ઉપર અને આજુબાજુથી પસાર થઇ ગયા.

બેલેન્સ જાળવતા આનંદે મોટર સાયકલને રોડ પર આડીઅવળી હંકારી પછી તે એકદમ રફતારથી આગળ વધી ગયો.

થોડા જ સમયમાં આનંદ ટોળાઓથી દૂર નીકળી ગયો.

‘ભાઇ... મને આગળ ક્યાંક ઉતારી દેજો.’ ગળામાં અટકેલ થૂંકને ગળતાં તે છોકરી બોલી.

‘બેન... તારું ઘર ક્યાં છે તે કહે. રસ્તામાં તને ઉતારી દઇશ તો આગળ બીજા લોકો તને પરેશાન કરશે.’

‘પણ...’ તે અચકાઇ.

‘ભાઇ મારું નામ યાસ્મીન છે... તમારું ?’

‘આનંદ... મારું નામ આનંદ છે.’

‘ભાઇ તેં મને હિન્દુ લોકોના હાથમાંથી બચાવી છે. તમારી કોમના લોકો તને છોડશે નહીં. મને અહીં જ ઉતારી તને જલદી નાસી છૂટો. નહીંતર મને બચાવવા જતા ક્યાંક તમારો ભોગ લેવાઇ જશે.’

‘બેન... ધર્મના નામે ઝઘડનારા આ લોકો કોઇનો હાથો બનેલા છે. અમુક અસામાજિક ’તત્ત્વોએ પોતાના સ્વાર્થ માટે ધર્મના નામે ઝેર ફેલાવ્યું છે અને બેન હું તેવા લોકોથી ડરવાવાળો માણસ નથી. હું તને તારા ઘેર મૂકી જઇશ. મારો માનવતાનો ધર્મ બજાવવા માગું છું.’

‘પણ ભાઇ... અમારી પોળમાં તમે મને મૂકવા આવશો તો અમારી કોમના લોકો તમને છોડશે નહીં.’ ગભરાતાં યાસ્મીન બોલી.

‘તું ચિંતા ન કર... હું તેઓ સાથે લડી લઇશ. એક વખત તને તારા ઘરે પહોંચાડી દઉં, પછી હું મારું ફોડી લઇશ.’ હસતાં હસતાં આનંદ બોલ્યો.

પછી યાસ્મીને બતાવેલા એડ્રેસ તરફ જવા તેણે મોટરસાયકલની ગતિ વધારી.

***