Vaat nani pan asar moti books and stories free download online pdf in Gujarati

વાત નાની પણ અસર મોટી

વાત નાની પણ અસર મોટી

આપણે ત્યાં એક કહેવત છે,”ટીપે ટીપે સરોવર ભરાય અને ઢીકે ઢીકે શ્વાસ જાય“, એટલે ઘણીવાર ખુબ નાની વાતોની અસર મોટી હોય છે. આપણે બધા જ મોટી વાતો કરવા અને સાંભળવા ટેવાયેલા છીએ. આપણે સ્વપ્નો તો મોટા જોઈએ અને કામ પણ મોટું કરવાનું જ વિચારીએ. કોઈને બાઈક મોઘું લેવું છે તો કોઈને ઘર મોટું લેવું છે. આપણે સ્વપ્ન તો મોટા જોઈએ (અને જોવા પણ જોઈએ) પણ વાતો મોટી કરીને નાનાની ઘટનાઓ કે આયોજન તરફ જોવાનું ચુકી જતા હોઈએ છીએ.

યુવાનોના દીલોમાં અને દિમાગમાં “દુનિયા મુઠ્ઠીમાં” કરવાની તમન્ના હોય છે અને બેશક તે જુસ્સો હોવો સારી વાત છે. પણ જયારે વાત તમારા કરિયર કે બિઝનેસની આવે ત્યારે નાનામાં નાની વાત પણ મહત્વની સમજવી જોઈએ. એટલે કે જીવનમાં આગળ વધી સફળ થવા માટે નાનો પત્થર પણ પગથીયું બની શકે તેવી જ રીતે નાની બાબતો પણ તમારું મહત્વ વધારી શકે અથવા ઘટાડી શકે. આજના યુવાનો ઉચ્ચ ડીગ્રી મેળવીને અથવા પિતાના પૈસે જાહોજલાલી જોઈને નાની વાત પસંદ નથી કરતા, પછી એ નાનું કામ હોય તો એ પણ પસંદ નથી કરતા. પણ શું તમે વિચાર્યું કે આજે જે કઈ નાનું છે તે જ આવતીકાલે મોટું થશે. જો આજે તમે કઈ નાનું કામ કર્યું છે તો કાલે તેને જોઇને મોટું કામ મળશે. આજે નાનું એક પગથીયું ચડ્યા છો તો કાલે વધુ પગથીયા ચડી ટોચ પર જઈ શકશો.આજે તમે મોટું કરવાની કે મોટું મેળવવાની તમન્નામાં અને રાહમાં કઈ કર્યું જ નથી તો ક્યારેય મોટું થઇ શકશે નહી. એક વાત ખાસ યાદ રાખો કે, તમારો નાનો વ્યવસાય શરુ કરવામાં નાનપ નથી, ઓછા પગારની સામાન્ય જોબ કરવાથી તમારું મુલ્ય ઓછું નથી થઇ જતું. તમને તમારા ગ્રાહક કે સીનીયરે કહેલી નાની વાત પણ ઓછી મહત્વની નથી હોતી. કોઈ પણ “નાની” ઘટના કે બાબતનું મહત્વ તેના નાના હોવાને લીધે ઓછું નથી થઇ જતું. બિઝનેસમાં કે તમારી કરિયરમાં નાની વાતોનું, નાના ખર્ચનું કે નાના ગ્રાહકનું પણ ખાસ ધ્યાન રાખો. આજના સ્પર્ધાત્મક સમયમાં તમારી નાની એવી તકેદારી પણ તમને બીજાથી અલગ તારવી શકે છે, નાના ખર્ચથી મોટો ફાયદો મળી શકે છે કારણકે વાત નાની હોય તો પણ તેની અસર મોટી થઇ શકે છે અને થતી જ હોય છે. ઘણીવાર નાની જ વાત, મોટું નુકસાન કરવી શકે છે .આવો સાથે મળી ચકાસીએ કે કરિયર અને વ્યવસાયની પ્રગતી માટે કેવી નાની વાતોનું ધ્યાન રાખવું જેની અસર ખુબ મોટી છે, જે ભવિષ્યમાં બિઝનેસને મોટો ફાયદો કરાવી શકે છે, કરિયરમાં પ્રમોશન અપાવી શકે છે,

જયારે તમે કોઈ ગ્રાહકનો કોલ રીસીવ નથી કરતા ત્યારે સમય મળ્યા બાદ તેમને સામેથી કોલ કરો.

જેમને પૈસા આપવાના બાકી હોય તેમને કોલ રીસીવ કરવાનું બંધ ન કરો પણ તેમનો કોલ રીસીવ કરીને તેમની સાથે વાત કરો, તમારી જે પરિસ્થિતિ છે તે તેમને જણાવો.

ગ્રાહકની જરૂરિયાત મુજબ થોડું વધુ આપવું પડે તો આપો. જેમ બહેનો કોઇપણ શાકભાજી લીધા પછી લીમડો માગી લે છે.

ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનથી સાંભળો અને સમજો.

દરેક વ્યક્તિ જે તમારા સંપર્કમાં આવે છે તેમનો નંબર અવશ્ય મોબાઈલમાં સેવ કરો.

કોઇપણ વ્યક્તિ જે તમારા સંપર્કમાં છે તેમને તેમની પ્રગતી માટે અભિનંદન આપો પછી ભલે તે તમને શુભેચ્છા આપે કે નહી.

ઘણીવાર નાની વાત મોટું સ્વરૂપ લઈ લે છે તેવી જ રીતે નાની વાતનું ધ્યાન રાખવાથી ગ્રાહક હમેશા માટે તમારી સાથે જોડાયેલા રહે છે. તમારા વ્યવસાયમાં એવી કઈ બાબતો છે જે ખુબ નાની લાગે છે પણ તેની અસર મોટી થતી હોય,તે શોધો અને તેનું ધ્યાન રાખો. કોઈ નાની વાતને લીધે ગ્રાહક તમારાથી દુર જઈ શકે છે તેવી જ રીતે નાની વાતનું ધ્યાન રાખી તમે તેમને તમારી સાથે જોડી શકો છો. ક્યારેક આપણી પાસે ૯૯ રૂપિયા હોય તો માત્ર એક રૂપિયાની જરૂર પડે જો કોઈને ૧૦૦ રૂપિયા આપવાના હોય તો. ૯૯ સામે એક રૂપિયાની કીમત કઈ નહી પરંતુ ૧૦૦ રૂપિયા પુરા કરવા માટે ૧ રૂપિયો તમારી પાસે હોવો અનિવાર્ય છે. “વાત નાની પણ અસર મોટી”એ તમે ત્યારે જ સમજી શકો જો એક રૂપિયો ન હોય તો. આજે આપણે નવા કસ્ટમર મેળવવા જાહેરાત કરીએ છીએ. સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરીએ છીએ પણ બિઝનેસની નાની વાતો ધ્યાનમાં રાખી તેનો ફાયદો લેવાનું ચુકી જઈએ છીએ. વ્યવસાય એટલે માત્ર ઈનોવેશન, સર્જનાત્મકતા, ફંડ કે આવડત જ નહી પરંતુ નાની બાબતોની તકેદારી પણ! આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે વાત નાની હોય કે મોટી તેના વિશે વિચારી શકતા નથી. વળી નાની વાતો કે ફરિયાદોને નાની સમજીને અવગણીએ છીએ. જેથી એ ઘટના ક્યારે મોટી થઇ ગઈ તેનું ધ્યાન રહેતું નથી. જેમ બીઝનેસ એમ તમારી જોબની કરિયરમાં પણ કોઈ નાનું કામ કરવામાં શરમ રાખ્યા વગર તે કામ કરો અને શીખો. જેમ રસોઈમાં નમકનું મહત્વ સૌથી વધુ પણ તે વપરાય ખુબ ઓછું કૈક એવી રીતે ઘણી બાબતનું મહત્વ વધુ હોય છે પણ તેના માટે ધ્યાન ઓછું રાખો તો પણ ચાલે.

તમારા કામને નાનું સમજો નહી અને એટલા દિલથી અને સારી રીતે કરો જેથી અન્ય લોકો પણ તેને નાનું સમજે નહી. તમારા કામનું મહત્વ તમારે જ ઉભું કરવું પડે માટે જો તમે જ તેના માટે સમ્માનની લાગણી રાખશો નહી તો અન્ય પાસેથી અપેક્ષા રાખી શકાય નહી. હવે સવાલ એ થશે કે આ નાની વાતોની ખબર કેવી રીતે પડે? તો હવેથી તમારા વ્યવસાયની પ્રગતી માટે કે કરિયરમાં સફળતા અને પ્રમોશન માટે દર રવિવારે માત્ર બે કલાક તમારા કામમાં તમે કોને નાની બાબત સમજો છો તેની યાદી બનાવો. આ નાની વાતોની અસર શું છે? અને તમારે તેના માટે શું કરવું જોઈએ? તે વિચારો. તેના ઉપાય માટે હવેથી તમે શું ધ્યાન રાખશો તેની યાદી બનાવી તમારા વર્કિંગ ટેબલ પાસે રાખી દો અને તેનો અમલ કરો, જો તમારાથી ઉકેલ ન મળે તો એકસપર્ટની સલાહ લ્યો, મિત્રની મદદ પણ લઇ શકો. કોઈ સામાન્ય બાબતની ફરિયાદ કરે તો પણ તેને ધ્યાનથી સાંભળો તમને નથી ખબર કે તેમની ફરિયાદમાં જ ઉકેલ સમાયેલો હશે. તમને એ પણ ખબર નહી જ હોય કે ફરિયાદ જ તમારા માટે નવા રસ્તા પણ ખોલી શકે છે. ઘણીવાર આપણે આપણા દેખાવમાં નાનો બદલાવ લાવીએ તો પણ ખુશ થઇ જઈએ છીએ, અન્ય લોકોની નજર તેના પર જાય જ છે, તેવી જ રીતે તમારા વ્યવસાય કે કરિયરમાં તમે નાનો ચેન્જ લાવશો તો તેની નોધ લેવાશે જ.

કોઈ પણ બીઝનેસ કે કરિયર તમારી નાની બાબતોની જાગરૂકતા થકી ટોચ પર પહોચી શકે છે. તમે જયારે નાની ઘટના માટે જાગૃત હો ત્યારે મોટી ઘટના માટે આપોઆપ જાગૃત થઇ જાઓ છો.

ટીક ટોક : બડા પેક છોટા ધમાકા નહી બલ્કે છોટા પેક બડા ધમાકા હોના ચાહિયે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED