Manzilone chumvanu junoon dharavo chho ? books and stories free download online pdf in Gujarati

મંઝીલોને ચૂમવાનું જુનુન ધરાવો છો ?

મંઝીલોને ચૂમવાનું જુનુન ધરાવો છો ?

“મંઝીલ “ એક એવો શબ્દ જે સાંભળતા જ તમે તમારા સ્વપ્નોમાં ખોવાઈ જાઓ કારણકે દરેક વ્યક્તિના જીવનમાં તેને “ક્યાં પહોચવું છે?” તેનું ધૂંધળું દ્રશ્ય તો દેખાતું જ હોય છે. દરેક માટે મંઝીલ એટલે સ્વપ્ન જ તો ! ઘણાની મંઝીલ ઘર હોય છે તો ઘણાની કાર, ઘણાને મનગમતી છોકરીનો સાથ જોઈએ છે તો ઘણાને ધનવર્ષા, પણ અફસોસ મંઝીલ નક્કી કરનારા, અને મંઝીલની ખબર હોય તેવા લોકો ખુબ ઓછા છે. જો કોઈ સ્વપ્ન હોય અને તેને જ પોતાની મંઝીલ બનાવી હોય તો ત્યાં સુધી પહોંચવાનું ઝુનુન હોતું નથી. ઘણા પાસે સ્વપ્ન જોનારી આંખો ન હોય તો ઘણા માત્ર સ્વપ્ન જ જોનારા હોય છે. સ્વપ્નને મંઝીલ સમજે તો તેના માટે જુનુંન જોઈએ અને કઈક કરી છૂટવાની તમન્ના જોઈએ. “જુનુન” એટલે તમે જે કરી શકો એવું તમે ખુદ માનતા ન હો અને કરો કારણકે તમારામાં તે કામ માટે જુનુન છે. જે માર્ગ મંઝીલ સુધી લઇ જાય તેના પર ચાલ્યા જ કરવું, ગમે તેવા ખાડા ટેકરાને પાર કરી, અંધારું હોય તો પણ હાર્યા વગર ચાલ્યા જ કરવું , મેગી બનાવવા જેટલું સરળ નથી અને એટલે જ લોકો માટે દુર દેખાતી મંઝીલ દુર જ રહી જાય છે. તમારી મંઝીલને પામવાનું જુનુન તમને કોઈ પણ સ્પીડબ્રેકરને પાર કરવાની હિમ્મત અને ધીરજ બન્ને આપે છે. તમે તમારી જાતને ક્યારેય કહ્યું છે કે” મારે તો મારી મંઝીલને ચૂમવી છે ?” આવી કોઈ ઈચ્છા ક્યારેય થઈ છે તમને ? તમારા ધ્યેય સુધી પહોચી તેને ચૂમવાની તમન્ના તો જ પૂરી થાય જો રાતોરાત સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થનાર રેલ્વે સ્ટેશનની ગાયિકા “રાનું મંડલ” ની જેમ ગમે તે પરિસ્થીતીમાં તમારું કામ કર્યા જ કરો.

જયારે કઈ મદદ ન મળે, કોઈ રસ્તો ન સુઝે, કોઈ કામ આપે એવું પ્લેટફોર્મ ન મળે ત્યારે તમે જો તમારું કામ પસંદ કરો અને જ્યાં છો ત્યાં જે થઈ શકે તે કરો એટલે ઉપરવાળાએ પણ જખ મારીને તમે જેના હકદાર છો તે આપવું પડે. તમારી પોતાની શ્રધ્ધા કે વિશ્વાસ ડગી ગયા તો સમજી લો કે તમે હારી ગયા. કોઈ દિવસ ભૂખ્યા પેટે સુવું પડે અને ખબર જ છે કે મને મદદ કરવાવાળું કોઈ નથી ત્યારે પણ આશાનું કિરણ જો તમારા દિલો દિમાગ પર પ્રકાશ ફેલાવી શકે તો સમજો “તુમ ઝીંદા હો” જુનુન તમને જીવવાની તાકાત આપે છે.

મંઝીલો સામેથી શોધતી આવશે જો તમે અડગ મનના મુસાફિર છો તો. રસ્તો હોતો નથી બસ રસ્તો “ કરી લેશું “ એવી ઈચ્છા શક્તિ જ કોલંબસને અમેરિકા પહોચાડી શકે છે બાકી હજાર કારણ મળે નાસીપાસ થવાના પણ જો એક કારણથી મુશ્કેલીઓ સામે ટકી જાઓ તો દુનિયા તમારા કદમ ચૂમવા આવશે જ ! મુશ્કેલીઓની નાની ટેકરી હોય કે મોટો પહાડ હોય, તેને પાર કરવાની શક્તિ તમારા જુનુન પાસેથી મળી શકે છે.

કોની તાકાત છે તમારા મનોબળને હરાવી શકે? કોઈએ ખુબ સરસ કહ્યું છે કે “એ તો હારેલા એ જ છે જેમણે હાર સ્વીકારી લીધી છે. ટાઈટેનિક ફિલ્મનું દ્રશ્ય આજે પણ તમને યાદ હશે અને ગમતું હશે “ બે હાથ ફેલાવીને મનગમતા મુસાફિર સાથે આકાશની ઉચાઇ અને દરિયાની ગહેરાઈને શ્વાસોમાં ભરે છે.“ બસ એમ જ તમારી મંઝીલને ચૂમવાનું જુનુન ખૂટી ન પડે એટલે ફેલાવો તમારા બે હાથ અને આકાશ સામે ઉંચી નજર કરી કહો “ એ મારી મંઝીલ, તું ક્યાં સુધી મારાથી દુર રહીશ ?, મારો હોસલો, મને તારા સુધી લાવશે જ !’ આત્મવિશ્વાસ જયારે તેની ઉચાઇ પર પહોચે ત્યારે એ જુનુન બની જાય છે. અરે! જેમને જાગવું જ છે તેમને એલાર્મ ની જરૂર પડતી નથી પણ તેમનું જુનુન જ તેમને જગાડી દે છે. સોશિયલ મીડિયામાં વાંચેલ હોય કે વિડીયોમાં સાંભળેલ આત્મવિશ્વાસને તમારી અંદર જગાડશો નહી ત્યાં સુધી સફળ થઈ શકશો નહી. રોકસ્ટાર ફિલ્મનો રણબીર કપૂર હોય કે દંગલ ફિલ્મની ગીતા – બબીતા, તમારી સફર તો જ મંઝીલ સુધી પહોચશે જો તમે સફર ચાલુ રાખશો અને તે પણ એક જ માર્ગ પર જુનુન સાથે.આવા લોકો પછી બીજાને કહી શકે કે” कामयाबी का जूनून होना चाहिए फिर मुश्किलोकी क्या ओकात “

મુશ્કેલીઓ હમેશા હોય એવું પણ નથી જેમકે, “ પરીક્ષામાં અઘરા પ્રશ્નો પૂછશે તો ? હું ઇન્ટરવ્યુંમાં બોલી નહી શકું તો ?” વગેરે જેવા વિચારો મુશ્કેલી જેવા દેખાય પણ મુશ્કેલી થતી નથી. આપણે વિચારોથી કોઈ પણ નાની બાબતને મોટી મુશ્કેલીનું સ્વરૂપ આપી દઈએ છીએ. મુશ્કેલીને જેટલી નાની રહેવા દઈએ તેટલી જલ્દી તેનો ઉકેલ શોધી શકીએ છીએ. મંઝીલને પામવાનું જુનુન, તેને ચૂમવાની તમન્ના જ તમને અન્યથી અલગ કરી શકે છે. દરરોજ આ જુનુન લાવવું ક્યાંથી ? એવો સવાલ ચોક્કસ તમારા મનમાં થતો હશે. મંઝીલ કોઈ પણ હોય તેના સુધી પહોચવા માટે તેને ત્રણ વિભાગમાં વહેચી શકો છો. કોઇપણ મોટું સ્વપ્ન તરત પૂર્ણ થતું નથી. તેને સફરમાં આવતા નાના મુકામમાં વિભાજીત કરી દો. તમારી જાતને તમારી જરૂરિયાત મુજબ રીચાર્જ કરવાનું ચૂકશો નહી. દરેક કમ્પની જેવું મોબાઈલનું મોડેલ હોય તે મુજબ તેનું ચાર્જર આપે છે અને બધા મોબાઈલ બધા જ ચાર્જર થી ચાર્જ થતા નથી તેવી જ રીતે દરેક વ્યક્તિ પોતાની જાતને અન્યની પદ્ધતિથી ચાર્જ કરી શકતા નથી. માટે સેલ્ફ એનાલીસીસ કરો અને જાણો કે “તમે શેનાથી રીચાર્જ થાઓ છો ? મ્યુઝીક સાંભળવાથી , મુવી જોવાથી, શાંત જગ્યાએ ચા કે કોફી પીવાથી, મિત્રો સાથે વાતો કરવાથી કે મનગમતું ભોજન ખાવાથી” આવા અનેક રસ્તાઓ માંથી તમને કયું કામ રીચાર્જ કરી શકે છે એ તમારે જાતે જ નક્કી કરવું પડશે.

સતત આત્મવિશ્વાસથી છલોછલ રહેવા માટે હકારાત્મક વિચારસરણી પણ એટલી જ જરૂરી છે જેથી અન્યની નકારાત્મકતા તમારી અંદર આવે નહી. જુનુન ને ટકાવવા માટે તમારા આત્મવિશ્વાસમાં એક નાનકડું પણ કાણું તમને નુકસાન પમાડી શકે છે. તમારું દ્રઢ મનોબળ તમને સતત લડવાની તાકાત અને જુનુન આપશે. તમારા ચાર્જરને જાણ્યા પછી તમારી મંઝીલ સુધીનો માર્ગ કયો છે અને કયો હોવો જોઈએ તેની માહિતી એકઠી કરો. તેનો રોડમેપ ડાયરીમાં બનાવો અને તેમાંથી દરરોજ ઓછામાં ઓછું કેટલું કામ થવું જોઈએ તે નક્કી કરી લો. તે કામ કરવા માટે કેટલો સમય જોશે તે નક્કી કરી તેટલો સમય અન્ય કોઈ બાજુ જોશો નહી તેમજ વિચારશો નહી તે ધ્યેય નિર્ધારિત કરો.

મંઝીલ આપોઆપ સામે આવે જો એ સતત તમારા વિચારો અને કાર્યમાં દેખાતી હોય તો! મંઝીલ સુધી પહોચવાની સફર પણ આનંદદાયક બને જો તમે તેમાં ઓગળી ગયા હો. તમારી સફર બોજારૂપ ન કરવી હોય તો તેમાં તમારો ઇન્ટરેસ્ટ જાળવી રાખો. એકવાર કામની આદત પડી જાય પછી તેનો નશો થવો જોઈએ એટલે કે તમારું કામ તમારી માટે નશા જેવું થઈ જાય ત્યારે જુનુન સાચા અર્થમાં તમને મંઝીલ સુધી પહોચાડે છે. તમારો ગમે તેમ કામ ન છોડવાનો ધ્યેય અને “never give up” વલણ જ તમારું વળગણ હોવું જોઈએ. મંઝીલને ચૂમો એટલે તમે ઝુમશો આપોઆપ !

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED