64 Summerhill - 105 - Last Part books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 105 - છેલ્લો ભાગ

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 105

બેહદ ભારે કદમે આગળનો પ્રવાસ શરૃ થયો હતો. એ આખો દિવસ અડાબીડ પહાડીઓમાં તોફાની હવા ફૂંકાતી રહી એથી તેમની ગતિ થોડીક ધીમી પડી પણ ફાયદો એ થયો કે પવનના તોફાનને લીધે હેલિકોપ્ટરનો ડર ન હતો.

સુરજ આથમ્યો ત્યારે અવરોહણ શરૃ થતું હતું એટલે મોડી રાત સુધી તેમણે મુસાફરી ચાલુ રાખી અને પછી પહાડની આગોશમાં વિરામ લીધો. ચોથા દિવસે એક વિરાટ પર્વત ઓળંગવાનો હતો. નેદોંગની પર્વતમાળાનો એ છેલ્લો વિકરાળ પહાડ હતો. એ સલામત રીતે વળોટી જવાય તો આગળના મેદાની વિસ્તારમાં મરેલા ખચ્ચર, યાકના ચામડા ચીરતા ગેન્માઓના કબીલા તૈયાર જ હતા. સૌએ તેમાં ભળી જવાનું હતું.

- પણ બપોર નમે એ પહેલાં જ આકાશમાં ત્રણ દિશાએથી હેલિકોપ્ટર ચડી આવ્યા હતા. ત્રાંસી કરાડ પર અત્યંત મુશ્કેલ ચઢાણ કાપી રહેલાં એ સૌ હેલિકોપ્ટરની ઘરઘરાટી સાંભળીને તરત જ, સેફ્ટી રોપ સાથે બંધાયેલા હોવા છતાં ત્યાં જ અધૂકડા બેસી પડયા હતા.

પહેલું હેલિકોપ્ટર તો દૂરથી જતું રહ્યું. સુરજની દિશાએ હોવાથી તેને ચટ્ટાનમાં કશું ભળાય તેમ ન હતું. પરંતુ બીજું હેલિકોપ્ટર ચટ્ટાનથી સ્હેજ આઘે જઈને ચકરાવો મારતું પાછું ફર્યું હતું અને તળેટીમાં તિરછી ડૂબકી ખાધી હતી.

'માય ગોડ...' હિરનની ચીસ ફાટી ગઈ હતી, 'વી હેવ બીન ડિસ્ક્લોઝ્ડ...'

સૌથી છેલ્લે આવી રહેલી તાન્શીએ પણ હેલિકોપ્ટરનો ઈરાદો પારખી લીધો હતો. તેણે એસેન્ડરના હુકમાંથી સેફ્ટી રોપ ફગાવ્યો અને ભેખડ પર છલાંગ મારતા જાનવરની માફક આરોહણ કરતી જઈને હિરનની લગોલગ થઈ ગઈ.

'હેંગસુનના સામાનમાં કેપ્ટિવ બોલ્ટ ગન છે...' હિરને ત્રાડ નાંખીને તાન્શીને કહ્યું, 'સેકન્ડ રાઉન્ડ વૂડ બી એન એસોલ્ટ.. આપણે શક્ય તેટલી ઝડપે આરોહણ કરવું પડશે...'

સૌથી મોખરે રહેલો હેંગસુન અને પહાડમાં પલોટાયેલા તેના આદમીઓ ચટ્ટાન પર પહોંચી ચૂક્યા હતા.

તાન્શી ફરીથી ખડક તરફ લપકી. ખાંચમાં હાથ-પગ ભરાવતી, આખા ય શરીરને આબાદ ફંગોળતી ગરોળીની માફક એ કરાડની અત્યંત ત્રાંસી, ધારદાર ચટ્ટાન પર પહોંચી. હેંગસુનને કેપ્ટિવ ગન કાઢવા સૂચના આપીને તેણે બીજો રોપ નીચે ફગાવ્યો.

એ પકડીને સૌથી પહેલાં હિરન ઉપર પહોંચી. વજનદાર બક્સાઓ ઊઠાવીને આવી રહેલાં ત્વરિત, છપ્પન માટે એ જોખમ લેવાય તેમ ન હતું, એટલે તેમને જ્યાં છે ત્યાં જ ખડકની આડશમાં સ્થિર લપાઈ રહેવાનું હતું.

સાંકડી ચટ્ટાનની ધારની તરત જ નીચે લપસણો ઢોળાવ શરૃ થઈ જતો હતો. હિરને કેપ્ટિવ ગન ચકાસવા માંડી. કેસીએ કહ્યું હતું, તેમાં એક ધડાકો સાબૂત હતો. હિરનનું હૈયુ બેફામ ફફડતું હતું, એક જ ધડાકો સાબૂત હતો!

તેમના સદ્નસીબે ડૂબકી મારનારા હેલિકોપ્ટરને હજુ શંકા જ ગઈ હતી. ખાતરી થાય એ પહેલાં પહાડના પોલાણમાં પંખાના સૂસવાટાને લીધે બેફામ ડમરી ચડી હતી એટલે બીજા હેલિકોપ્ટરને સાવચેત કરતાં પહેલાં તેના ચાલકે વધુ એક ડૂબકી મારવાનું નક્કી કર્યું હતું.

હેલિકોપ્ટરની ઘરઘરાટી નજીક આવતી સંભળાઈ એ સાથે હિરને કેપ્ટિવ ગન સાબદી કરીને દિશાનો ક્યાસ માંડવા માંડયો હતો. ઊંચે આકાશમાં હેલિકોપ્ટર દેખાયું. પહેલાં તેણે ચટ્ટાન પર બે-ત્રણ ચકરાવા માર્યા, પછી ડાબો મોરો સ્હેજ ઝૂકાવીને આગળ વધ્યું. હવે એ સતત ઊંચાઈ ઘટાડતું આખી ય પહાડીનો રાઉન્ડ લગાવીને ચટ્ટાન પર આવશે અને અહીંથી જ મોરો ઊંચકશે એવો અંદાજ માંડીને હિરને પોઝિશન લેવા માંડી.

આંખના પલકારામાં પહાડીનો ચકરાવો મારીને સતત ઊંચાઈ ઘટાડતું હેલિકોપ્ટર ચટ્ટાન તરફ આવ્યું. એ સાથે જ હેંગસુન, તાન્શી અને તેના આદમીઓએ ચટ્ટાન પર મૂવમેન્ટ શરૃ કરી દીધી. પોતાની હાજરી બતાવવીને હેલિકોપ્ટરને વધુ ઊંચાઈ ઘટાડવાની લાલચ આપવાનો તેમનો વ્યૂહ કારગત સાબિત થયો હતો.

ચાલકે મૂવમેન્ટ જોઈ એ સાથે જ જોખમ લઈને ય તેણે થ્રોટલ નોબ દબાવવા માંડયો.

પોતાના કાફલાના બીજા હેલિકોપ્ટરને તેણે સતર્ક કરવા જોઈએ તેને બદલે એ પોતે જ પહેલાં એટેકનો જશ ખાટવા માંગતો હતો.

પહેલી ડૂબકી, બીજી ડૂબકી... ત્રીજી વારે એ આમતેમ દોડીને ઢાળ ઉતરવા મથતા આદમીઓની બરાબર માથે આવ્યો એ જ ઘડીએ તેના કમનસીબે હેલિકોપ્ટર હિરનની બરાબર સામે આવી ગયું હતું. તેણે પહાડના ખડક પર આડા લેટીને બેરલને સજ્જડ ભીંસી રાખ્યું. ઊંડો શ્વાસ લીધો અને આંખ મીંચીને ટ્રીગર તરીકે કામ આપતો લાંબો સળિયો ખેંચી નાંખ્યો.

પહેલાં પ્રચંડ સૂસવાટા જેવો અવાજ, પછી કાન ફાડી નાંખતો પ્રચંડ ધડાકો... તેણે બ્હાવરી આંખો ખોલી ત્યારે આકાશમાં આગના બિહામણા ભડકા વચ્ચે હેલિકોપ્ટરના ફૂરચા જ્યાં ત્યાં ઊડી રહ્યા હતા.

*** *** ***

ભારત તરફ દિબાંગ ઘાટી તરફ જતા માર્ગે મેદોગ ચેકપોસ્ટ પર એ દિવસે પારાવાર તંગદીલી હતી. તમામ ચેકપોસ્ટ પર દરેક ઓફિસરને એક મિનિટ માટે ય ન ખસવાનો આદેશ હતો. આઠ-આઠ દિવસથી બબ્બે-ત્રણ-ત્રણ કલાકની ઊંઘ લઈને સતત સાબદા રહેલાં જવાનોના કસાયેલા શરીર પણ હવે જવાબ દઈ ગયા હતા.

હવામાં ઘૂમરાતી દુર્ગંધ દૂરથી જ પારખીને એક ફૌજીએ નાકનું ફોયણું ચડાવવા માંડયું, 'આજે ફરીથી સાલા મરેલા, ગંધાતા જાનવર લાવી રહ્યા છે...'

દિબાંગની ઘાટીમાં લોહિત નદીના કિનારે વસતાં આદિવાસીઓ મરેલા પશુના ચામડા ઉતરડી, તેને સાફ કરીને આસામના કારખાનાઓમાં મોકલતા હતા. શુદ્ધ અહિંસામાં માનતાં તિબેટમાં ચામડા ઉતરડવાની મનાઈ હતી એટલે ગેન્પા તરીકે ઓળખાતી કોમ આખાય તિબેટમાંથી મરેલા ઢોર ઉપાડીને તેને દિબાંગની ઘાટીના આદિવાસીઓને પહોંચાડવાના વ્યવસાયમાં જોતરાયેલી હતી. હજુ કાલે જ એવા બે ગાડા અહીંથી પસાર થયા હતા અને આજે વળી પાછું...

ખચ્ચર જોડેલાં ગાડાં નજીક આવતાં ગયા એમ વાતાવરણમાં માથું ફાડી નાંખે એવી દુર્ગંધ ઘૂમરાવા લાગી એટલે કેબિનમાંથી એક અફસર બહાર આવીને તાડુક્યો, 'તેને દૂર કાઢ અને ફટાફટ જડતી પતાવીને રવાના કર... સાલા, જતા રહે પછી ય આખો દિવસ બધું ગંધવી મારે છે'

મોં-નાક પર સજ્જડ રૃમાલ ભીંસીને ફૌજીએ ખચ્ચરગાડાં સાથેના આદમીઓના ઓળખપત્રો ચકાસ્યા. ઈનવર્ડ રજીસ્ટર ચેક કર્યું. છ દિવસ પહેલાં તેઓ અહીંથી જ પસાર થઈને તિબેટમાં ગયા હતા એટલે શંકા કરવાનું કોઈ કારણ ન હતું.

'કેમ આટલા બધા જાનવર મરે છે?' તેણે સિક્કો મારતાં પૂછી લીધું.

'ઉપરવાસમાં કંઈક રોગચાળો ફેલાયો છે' ગાડાંચાલકે ભોળાભટ્ટાક ચહેરે જવાબ વાળ્યો.

'ઓહોહો.. તો તો હજુ ય તમે અમારી હવા બગાડતા રહેશો...'

'ના સાહેબ, આ છેલ્લો ફેરો છે...' ગાડાંચાલકે જવાબ વાળી દીધો. સિક્કો મારીને ઝડપથી પાછા ફરી રહેલા ફૌજીએ તેનો ચહેરો જોયો હોત તો તેના સ્મિતમાં ફરકતી તોફાની ઉસ્તાદી કદાચ પારખી શક્યો હોત.

લોહિત નદીના ઠંડાગાર પાણીમાં ક્યાંય સુધી ત્વરિત બેઠો રહ્યો હતો. ગંધાતી વાસથી છૂટકારો મેળવવા છપ્પને કેટલીય ડૂબકીઓ મારી લીધી હતી. મરેલા, જાણીજોઈને વધારે પડતાં કોહવી નાંખેલા જાનવરોના પારાવાર ગંધાતા મડદાં નીચે લપાઈને ચેકપોસ્ટ પસાર કરવાનો એ અનુભવ સલામત હતો પણ એ અનુભતિ દોઝખથી ય વસમી હતી.

પ્રવાસનો એ છેલ્લો તબક્કો હતો. દિબાંગ ઘાટીના ઘટાટોપ જંગલોમાંથી ચળાઈને આવતો સુરજનો ઉજાસ આજે વધુ દેદિપ્યમાન લાગતો હતો. ભેંકાર ખીણમાં દદડતા ઝરણાઓનો કર્ણમંજૂલ નિનાદ, પવનની શીતળ લહેરખીથી હિલોળાતો ગમતીલો પર્ણમર્મર, પહાડની છાતી સાથે અડપલું કરીને ખીણ ભણી ભાગી રહેલાં રૃપકડા વાદળો અને હવામાં લહેરાતી તાજગી...

આખી ય ઘાટી વટીને સૌથી પહેલાં હિરન ઉપર પહોંચી હતી. તેની પાછળ તાન્શી. પછી ત્વરિત. પછી તિબેટિયનો અને છેલ્લે છપ્પને ડ્રમના બાચકા ઉપર ચડાવ્યા હતા ત્યારે સૌના ચહેરા પર પ્રલંબ હાશકારો હતો.

પારાવાર હાનિ પછી ય સદીઓથી ખોવાયેલું સત્ય આખરે પરત મેળવ્યાનો એ હાશકારો હતો.

છ મહિના પછી

પોતાલા પેલેસમાં પવિત્ર ઓરડામાં જ ધમસાણ મચવાની પ્રતિક્રિયા તરીકે તિબેટમાં તોફાનો શરૃ થયા હતા. કોઈક કહેતું હતું કે કેસાંગ ત્સોરપે માર્યો ગયો હતો. કોઈક કહેતું હતું કે પવિત્ર ચિહ્નોની ચોરી થઈ ગઈ છે. અફવાઓના પગલે તિબેટભરમાંથી શ્રદ્ધાળુઓના ધાડાં લ્હાસામાં ઉમટવા માંડયા હતા અને ભારે અરાજકતા સર્જાઈ ગઈ હતી.

છેવટે ચીનની સરકારે બિજિંગથી નવી ટીમ મોકલી હતી. નિષ્ફળ નીવડેલા મેજર ક્વાંગ યુનની ધરપકડ કરીને તેની સામે કોર્ટ માર્શલ જાહેર કરાયો હતો. પવિત્ર ઓરડાને હાનિ પહોંચી હોવાથી બેહદ ઉશ્કેરાયેલા તિબેટીઓને શાંત પાડવા પવિત્ર ચિહ્નોને જાહેર દર્શનમાં મૂકાયા હતા. ઓરડાની સામે જ પડેલા આદમીનું મૃત શરીર તિબેટીઓને સોંપી દેવાયું હતું. એ ડેડબોડી છેવટે કોણ લઈ ગયું, ક્યાં લઈ ગયું તેની કોઈને સમજ પડી ન હતી.

રાઘવ, કેસી અને પ્રોફેસરનો બલિ ચઢાવ્યા પછી મહામુસીબતે પ્રાચીન શાસ્ત્ર તો મળ્યું હતું પરંતુ તેનું અર્થઘટન કરવું આસાન ન હતું. પ્રોફેસરની ગેરમૌજુદગીમાં હવે આ દરેક વિદ્યાઓનો, અતિ પ્રાચીન લિપિઓનો નવેસરથી અભ્યાસ કરવો પડે તેમ હતો. દરેક વિદ્યાઓને કેટેગરાઈઝ્ડ કરવી પડે તેમ હતી. સેંકડો વિદ્વાનો, નિષ્ણાતોને જોડયા વગર આ કામ દુષ્કર બની રહે તેમ હતું.

હિરન અને ત્વરિતે તમામ હસ્તપ્રતો, ભોજપત્રો, તામ્રપત્રો અને તેના ઉતારા કરેલી નોંધપોથીઓ સરકારને સોંપી દીધી હતી. આ બધું શું છે તેનાંથી ય વધારે આ બધું કેવી રીતે મેળવાયું એ જાણીને સરકાર દંગ થઈ ગઈ હતી. ચીન સાથે સીધી અથડામણના ભયથી સરકારે લાંબો સમય મામલો ઠરી જવા દીધો હતો અને પછી પ્રાચ્ય વિદ્યાઓના વિશેષ સંશોધન કેન્દ્રની જાહેરાત કરી હતી.

પ્રોફેસર નિલાંબર રાય પ્રાચ્ય વિદ્યા સંશોધન સંસ્થાનના વડા તરીકે પ્રોફેસર ત્વરિત કૌલની નિમણૂંક થઈ હતી. પોતાની ઓફિસમાં કાર્યભાર સંભાળી રહેલાં ત્વરિતે બે કામ સૌથી પહેલાં કર્યા હતા. સૌથી પહેલાં તેણે નિલાંબર રાયની પ્રતિમાને પ્રણામ કર્યા હતા અને વામપંથ, કાપાલિક મત સાથે સંકળાયેલી હસ્તપ્રતોની લાઈબ્રેરીના ખંડનું નામકરણ કર્યું હતું...

રાઘવ માહિયા અભ્યાસ કેન્દ્ર.

બિરવા અસનાની સજળ આંખે એ નામકરણ વિધિમાં ઉપસ્થિત રહી હતી.

એ ઘટનાના બીજા ચાર મહિના પછી...

શોટોન મંચની સામે જ દેહાતી તિબેટીઓના જમેલામાં ભળી ગયેલો ઝુઝારસિંઘ મલ્હાન અંધાધૂંધીનો લાભ ઊઠાવીને આબાદ છટકી ગયો હતો. પંદરેક દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો એ ભીખારીના માફક ચિંથરેહાલ થઈને રઝળતો રહ્યો હતો. આખરે એક વહેલી સવારે એ ઠૂઠવાતો હતો ત્યારે કોઈએ તેને જગાડયો હતો. ગરમ કામળો ઓઢાડીને ગરમાગરમ ચા પીવડાવી હતી અને પછી ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ ગયા હતા.

એ કોઈક મઠ હતો. ચોગાનમાં જલતી વેદીમાં બંધ આંખે આહુતિ આપી રહેલાં એક વયોવૃદ્ધ લામા અગ્નિશિખાઓના રતૂમડાં ઉજાસમાં ભવ્ય લાગતા હતા. બે મહિના પછી એ વયોવૃદ્ધ લામાએ ભારત પરત ફરવાની તેની વ્યવસ્થા થઈ ચૂકી છે એવું કહ્યું ત્યારે ઝુઝારે નતમસ્તક થઈને હાથ જોડી દીધા હતા અને પરત જવાની ના પાડી દીધી હતી.

હવે એ અહીં જ રહેવાનો હતો... લામાના શાંત સાન્નિધ્યમાં એ મઠમાં ધાર્મિક શિક્ષણ માટે દાખલ થતાં નાનાં-નાનાં બાળકોની સંભાળ લેવાનો હતો.

એ જ વખતે...

બ્રહ્મપુત્રના ઘાટ પર અજબ શાંતિ પથરાયેલી હતી. શાંગરાના જંગલોમાં આશરે ૪૦૦ જેટલાં મુક્તિવાહિનીના લડાકુઓ એકઠા થયા હતા. કેસાંગ ત્સોરપે તિબેટમાં વસીને આઝાદીનો જંગ ચલાવવાનો હતો એવો આદેશ બધે ફરી વળ્યો હતો અને ભારતમાં તેના સ્થાને મુક્તિવાહિનીનું સુકાન નવી વ્યક્તિ સંભાળવાની હતી. એ એક છોકરી હતી...

- અને તે જન્મે-કર્મે કોઈપણ રીતે તિબેટી ન હતી.

એ હિરન રાય હતી.

જયજયકાર અને હર્ષાવેશના દેકારા વચ્ચે તેણે માથા પર ખામ્પા લડવૈયાઓનો કસુંબલ જામો કસ્યો હતો અને આંખ બંધ કરીને મનોમન કેસીનું સ્મરણ કર્યું હતું ત્યારે પરાણે સ્વસ્થ રહેવા મથતી તાન્શી તેને ભેટીને ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી હતી.

એ ઘટનાની સમાંતરે મધ્યભારતના જંગલો વચ્ચે ક્યાંક...

આંતરિયાળ આવેલા મંદિરની ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતો પ્રકાશ એક આદમી નિરખી રહ્યો હતો. તેણે હાથમાં છૂંદેલા ચીભડાનો રસ લગાવ્યો હતો. બાજુમાં એક સ્ટુલ પર જર્મન-સિલ્વરની રકાબીમાં જલતી મીણબત્તીમાંથી નીતરતું મીણ તેણે ચપતરી વડે ઊઠાવ્યું.

બહુ તગડો ઘરાક મળ્યો હતો. એક મૂર્તિ ચોરવાના તેને ૪૫ લાખ રૃપિયા મળવાના હતા. પણ તોય તેના ચહેરા પર તંગદીલી હતી. તેણે ફરીથી આંખ બંધ કરી. ઘડીક વાર રહીને ખોલી નાંખી. ફરીથી આંખ ભીંસીને મીંચી દીધી.

હજુ ય તેને બાપ ગૂંગાસિંઘનો ચહેરો, તેના ચહેરા પર મઢેલું સ્મિત દેખાતું ન હતું. દરેક અગત્યના કામના આરંભે આશીર્વાદ આપી જતો તેનો બાપ આજે કેમ રિસાયો હતો? ખાસ્સી વાર સુધી તેણે કોશિષ કર્યા કરી. તેણે ગરદન ધૂણાવી નાંખી. બાપ ના પાડતો હોય તો હવે આ કામ નહિ કરી શકાય...

- અને છેવટે તેણે ચોખ્ખા પાણીથી હાથ ધોવા માંડયા. ચહેરો ધોતી વખતે અનાયાસે તેની આંખો મિંચાઈ...

ત્યારે બંધ આંખોની ભીતર તેનો બાપ ગૂંગાસિંઘ ખડખડ હસતો દેખાતો હતો અને આજે પહેલી જ વાર તેના દાદા નામધારીસિંઘ પણ દેખાતા હતા અને તેમની આંગળીએ વિંટળાયેલા બાળકને કહી રહ્યા હતા... 'બેટે, હમ કરસુખા હૈ... ભલે હી હમ ખેતીબાડી કરત હઈ પર હમરે પુરખોં કા બડા નામ હુઆ કરતા થા'

બાપ ગૂંગાસિંઘ અને દાદા નામધારીસિંઘ સામે આંખ મિલાવીને છપ્પને ખુશખુશાલ ચહેરે હાથ ધોઈ નાંખ્યા.

(સમાપ્ત)

*** *** ***

પ્રિય વાચકો,

21 અઠવાડિયા પછી આખરે આ નવલકથા સમાપ્ત થાય છે. માતૃભારતીના સંખ્યાબંધ અજાણ્યાં વાચકોએ આપેલાં બેહદ પ્રેમાળ પ્રતિસાદ બદલ હું સૌ કોઈનો આભારી છું. વાચકોના હોંશીલા પ્રતિસાદ જ આખરે તો લેખકની સૌથી મોટી કમાણી હોય છે. આપ સૌ આપના પ્રતિભાવ મને ફોન, વોટ્સએપ મેસેજ, મેઈલથી આપી શકો છો. સૌ કોઈ પોતપોતાની નિયતિએ સર્જેલા સત્યને પામે એ જ શુભકામના સહ ફરીથી મળીશું... બહુ જલ્દી.

આભાર.

ધૈવત ત્રિવેદી

dt061109@gmail.com

+91 9879585702

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED