64 સમરહિલ - 103 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 103

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 103

મધરાતે તેઓ નીકળ્યા ત્યારે સુમસામ સ્તબ્ધતાને વળગીને જંપી ગયેલો માહોલ અત્યારે સાવ બદલાઈ ગયો હતો. પેલેસની બહાર નીકળેલા ફૌજીઓ પૈકી એક છેક બહાર નીકળીને ફાટી જતા સાદે આદમીઓને એકત્ર કરી રહ્યો હતો અને તેની ત્રાડથી ચોંકેલો કેપ્ટન દરજ્જાનો ઓફિસર ફટાફટ જીપગાડીઓ મહેલ ભણી રવાના કરી રહ્યો હતો.

બાકીના ત્રણેય ફૌજીઓએ શોટન મંચ પર સૂતેલા ભીખ્ખુઓને, સ્વયંસેવકોને દબડાવીને ઊઠાડયા હતા. જીપગાડીની ઘરઘરાટી અને અચાનક શરૃ થયેલા ફૌજીઓના હાંકોટાને લીધે મોટા ચોકમાં જ્યાં-ત્યાં પાથરણાં પાથરીને ચેનથી ઊંઘી રહેલા, શોટોનમાં મ્હાલવા આવેલા તિબેટીઓ ય હડબડાટીભેર ઊઠવા લાગ્યા હતા.

તાન્શીએ પાછળ આવતા કાફલાને રોકવાનો ઈશારો કર્યો અને રસોડાના તંબુ તરફ નજર નાંખી. મુક્તિવાહિનીનો આદમી બહાર જ ઊભો હતો. તેણે હકારમાં ગરદન ધૂણાવી એ સાથે તાન્શીને હાશ થઈ અને દબાયેલા કદમે ચૂપકીદીભેર પહેલાં તાન્શી, તેની પાછળ ત્વરિત, પ્રોફેસર અને છપ્પન પ્રવેશ્યા. અંદર જઈને તેમણે મોટા ડ્રમમાં લપાઈ જવાનું હતું અને રસોડાની ફરજ બજાવવાના નામે ઘૂસાડેલા મુક્તિવાહિનીના આદમીઓ રસોડાનો કચરો, એંઠવાડ ભરેલા ડ્રમ ખચ્ચર પર લાદીને રાંગ પાસે બનાવેલા ખાડામાં નાંખવા જતા હોય તેમ તેમને લઈ જવાના હતા.

છ ડ્રમ તૈયાર હતા અને લપાવા માટે માણસો ચાર. હિરન અચાનક પેલેસ તરફ ધસી ગઈ હતી અને હવે અધરસ્તે જ મળવાની હતી.

ઝુઝાર ક્યાં? તાન્શીની ચીસ ફાટી ગઈ.

એ ઘડીએ ઝુઝાર પીઠ પાછળ છૂટતી ગોળીઓથી બચવા વાંકોચૂકો દોડતો શોટોન મંચ તરફ ભાગી રહ્યો હતો. રઘવાટમાં એ રસોડા તરફનો રસ્તો ચૂકી ગયો હતો અને તેની પાછળ ચાર આદમીઓ ગન ધણધણાવતા દોડી રહ્યા હતા.

ધડાધડ પગથિયા ઉતરતો મેજર વચ્ચેના મજલે પહોંચ્યો ત્યારે ધડાકાના અવાજથી ગભરાઈને બહાર નીકળેલા લામાઓ, ભીખ્ખુઓને ત્યાં ટોળે વળેલા જોયા. તેમના તરફ રાઈફલનું નાળચું ઘૂમાવતાં તેણે ત્રાડ નાંખી દીધી, 'જામર બંધ કરાવ..'

વાયરલેસ કમ્યુનિકેશન શક્ય બને તો અંધાધૂંધી ઘટી શકે અને દરેક મોરચેથી તે એકસરખી તાકાત કામે લગાડી શકે. ઘૂસણખોરોની બેકઅપ ટીમ હોવી જ જોઈએ એવી તેને પાક્કી ખાતરી હતી. મહેલની ડાબી તરફ ભાગેલા ઘૂસણખોરોને પોતે દબોચે એ વખતે પેલેસના મુખ્ય દરવાજેથી આવતો કાફલો આખો ય પરિસર ધમરોળી નાંખે. દરમિયાન, મહેલની બહાર પહાડીઓ તરફ તૈનાત કરેલ ફૌજ મહેલને ફરતી તમામ દિવાલ કોર્ડન કરી લે. શિકાર પર ત્રાટકતા હિંસક જાનવરના ઝનૂનથી નીચે ઉતરી રહેલા મેજરના ફૌજી દિમાગમાં ફટાફટ વ્યૂહ અંકાવા લાગ્યો હતો.

અઢીસો પગથિયા ઉતરીને તે ખુલ્લા મેદાનમાં પહોંચ્યો ત્યારે તેના ફેફસાં હાંફથી ફાટતા હતા પણ મેદાનમાં હજુ ય સન્નાટો જોઈને તેના દિમાગમાં પારાવાર ગુસ્સો ઘૂમરાવા લાગ્યો. કમબખ્ત, હજુ ય બહારથી ફૌજ કેમ આવતી નથી? તેણે મોકલેલો આદમી ક્યાં મરી ગયો? ઝાડ પર છૂપાવેલા બેય આદમી...

'મિન્હ... ત્સાંગ...' તેણે પાગલની માફક ઉન્માદભેર ચિત્કાર નાંખવા માંડયા, 'ક્યાં મર્યા છો બેવકૂફો...' તેની ત્રાડ સાંભળીને ત્રણ-ચાર તિબેટી સૈનિકો ડરતા ડરતા સ્હેજ આગળ વધ્યા.

'બહાર નેટવર્ક જામ છે એટલે કેપ્ટને બે-ચાર આદમીઓને બહાર દોડાવ્યા છે...' એક સંત્રીએ દબાતા અવાજે ફોડ પાડયો એ સાથે મેજરના મોંમાંથી બેફામ ગાળો વછૂટવા લાગી.

નેટવર્ક જામ હતું કે ઘૂસણખોરોએ ફ્રિક્વન્સી હેક કરીને જામ કરી દીધું હતું? ઘડીક અવઢવમાં એ ત્યાં જ ઊભો રહ્યો અને પછી જાણે ઝોડ વળગ્યું હોય તેમ પાઈનના વૃક્ષો તરફ ધસી ગયો અને પછી સ્નાઈપરનો કૂંદો ખભા પર ટેકવીને પાઈનના વૃક્ષો તરફ કોઈ ટાર્ગેટ વગર ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયર કરી દીધા. અંદર ક્યાંક લપાયેલા આદમીઓને સ્નાઈપરની ધાક તળે ધ્રૂજાવી દેવાનો એ તેનો મનોવૈજ્ઞાનિક કારસો હતો.

ઈંટ-પથ્થર જમીનમાં ખોસીને બનાવેલા ક્યારા કૂદીને તે આગળ વધ્યો એ જ ઘડીએ પહેલી જીપગાડીની ઘરઘરાટી સંભળાઈ. તેની પાછળી બીજી અને ત્રીજી...

ગણતરીની મિનિટોમાં તો પેલેસના પગથિયા પાસે ચીની ફૌજીઓનો કાફલો ખડકાઈ ગયો. અવાજ ફાટી જાય એવી ત્રાડો નાંખીને મેજર ઓર્ડર છોડતો રહ્યો. પગથાર પાસે જ તેણે ચાર ફૌજીને બેસાડીને કામચલાઉ કન્ટ્રોલ રૃમ ખડો કરી દીધો. વોકિટોકીની નવી ફ્રિક્વન્સી સેટ કરી નાંખી અને દરેક મોરચે માણસો દોડાવી તેની ખબર આપવા માંડી. બે ટીમને પગથિયાની દિશાએથી અને બીજી બે ટીમને જમણી તરફ મોકલી. બેય ટીમે ઝેડ ફોર્મેશનમાં મહેલનો આખોય ઘેરાવો આવરી લેવાનો હતો.

એ જ ઘડીએ આવેલી વધુ એક જીપગાડીમાંથી ઉતરેલો આદમી સલામ ઠોકીને શ્વાસભેર બોલી ગયો, 'શોટોન મંચ પાસે એક આદમી ફાયરિંગ કરી રહ્યો છે...'

***

એ ઝુઝાર હતો.

પીછો કરતા આદમીએ તેને રોકવા અવાજ કર્યો ત્યારે ઝુઝારે ત્યાં રોકાઈને ફાયર કરવા જેવું ન હતું. પાછળથી આવતા એ ફૌજીઓએ ખાસ્સા અંતરે કેટલાંક ઓળા જોયા હતા. એ ઘુસણખોર છે કે પોતાની માફક તલાશી લઈ રહેલા ફૌજીઓ છે તેનો અંદાજ નહોતો. એટલે જ તેમણે રોકાવા માટે હાક મારી હતી. વળી, એ ફૌજીઓ ખાસ્સા પાછળ હતા અને અંધારામાં આટલે દૂરથી નિશાન તાકી શકે તેમ ન હતા. ઝુઝારે બેય દિશાએ ચાર રાઉન્ડ ફાયર કર્યા તેને લીધે તેની હાજરી ઊઘાડી પડી ગઈ હતી. પરંતુ ફાયદો એ થયો કે તેના ફાયરને લીધે પીછો કરી રહેલા ફૌજીઓએ ત્યાં જ ખોડાઈ જવું પડયું. નહિ તો તેઓ શોટોન મંચથી ડાબે રસોડાના તંબુ તરફ જતાં તાન્શીના કાફલાને જોઈ ગયા હોત.

ફાયર કરીને ઝુઝારે દોટ તો મૂકી પણ હવે ફૌજીઓ તેનો પીછો છોડે તેમ ન હતા. બે ફૌજીને તેની પાછળ ધકેલીને ક્યારા ભણી દોડતા આદમીએ સ્હેજ ત્રાંસમાં ટેકરીઓ પર ચડીને મંચ તરફનો રસ્તો લીધો અને પેલેસ તરફ જતા કાફલાને સતર્ક કરવા માંડયો. પેલેસ તરફ મેજરને તેણે સંદેશો મોકલાવ્યો અને પોતાની સાથે વધુ આદમીઓને લીધા.

પરિણામે ઝુઝાર બે બાજુથી ઘેરાયો. રેન્જમાં હોવા છતાં એ લોકો ફાયર કરતાં નહોતા. તેને ઘેરીને ઝબ્બે કરવાનો તેમનો વ્યુહ છે એવું પારખી ગયેલા ઝુઝારનો અસલ ચંબલછાપ આત્મા વધુ ગિન્નાયો. તેની જમણી તરફ સ્હેજ ત્રાંસમાંથી આવી રહેલા આદમીઓને જોઈને તેણે પેંતરો બદલ્યો.

રાનોડ ગામની બિહામણી બિહડો વચ્ચે ઉછરેલો માથાફરેલો એ આદમી પડકાર ભાળીને ભૂરાયો થયો હતો. બેકપેકમાં બે મેગેઝિન ફૂલ્લી લોડેડ અને આ મેગેઝિનમાં ૧૧ રાઉન્ડ સલામત. વધારામાં બે ગ્રેનેડ. મનોમન ગણતરી માંડતા જઈને તેણે ટેકરીઓ પરથી આવી રહેલા ફૌજીઓ તરફ અચાનક જ દોટ મૂકતાં ધડાધડ ગોળીઓ છોડીને આગળના આદમીને ઉથલાવી દીધો.

પીછો થતો હોય ત્યારે માણસ ભાગે, સલામત છટકવાની પેરવી કરે. તેને બદલે આ આદમીએ સામે આવીને હલ્લો કર્યો એટલે ચીની ફૌજીઓ રીતસર ડઘાઈ ગયા. એક આદમી ગોળી ખાઈને ચિત્કાર નાંખતો ઉથલી પડયો અને બાકીના આડશ શોધવા ઘાંઘા બન્યા.

પણ એટલી વારમાં ખાસ્સો આગળ ધસી ગયેલો ઝુઝાર ડાબી બાજુએ રસોડાના તંબુ તરફ જતી પગદંડી ચૂકી ગયો હતો. શોટોન મંચનો વિરાટ ઘેરાવો જોઈને તેને પણ એ ખ્યાલ આવ્યો, એથી એ વધુ ઘાંઘો બન્યો અને મંચ તરફ ભાગ્યો.

એ તેની ભયાનક મોટી ભૂલ હતી. કદાચ તેને ય પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો પણ નિયતિનો દોરવાયો એ હવે વિવશ હતો.

***

'ટોર્ચ પકડી રાખ.. આપણે અહીં થોડો રેસ્ટ લઈએ'

પહાડ કાપીને બનાવેલા સાંકડા બોગદાની અવાવરૃ હવા પારાવાર ગંધ મારતી હતી. તળિયાના પથ્થર સ્હેજે ય સમથળ ન હતા. ગમે ત્યારે ચઢાણ આવી જતું હતું અને અચાનક વેગીલું ઉતરાણ પણ આવી જતું હતું. ઝડપ રાખ્યા વગર છૂટકો ન હતો અને ઝડપ શી વાતે ય આવે તેમ ન હતી.

રેકર્ડ રૃમથી કુમબુમ મઠ જવું ખાસ મુશ્કેલ ન લાગ્યું. કદાચ એ ભૂગર્ભ રસ્તો નિયમિત વપરાતો પણ હશે. પરંતુ કુમબુમ મઠના થાંભલાથી ત્રણ ફૂટ નીચે પથ્થરની વજનદાર લાદી ખસેડીને નીચે ઉતર્યા પછી તરત દરેકને હાંફ ચઢવા લાગ્યો હતો. હવામાં ઓક્સિજનનો અભાવ અને એકધારા શ્રમથી તેમના ફેફસાં ફાટતા હતા અને ગળામાં કાંચકી પડતી હતી.

કુમબુમ મઠમાંથી નીકળીને ૩૪૨ મીટરના ચઢાણ-ઉતરાણ પછી સ્મૃતિ મંદિર આવશે. સ્મૃતિમંદિરના પહેલા માળે ખૂલતા આ ભોંયરામાંથી બહાર નીકળીને તેમણે નીચે ઉતરવાનું હતું. મધ્યસ્થ ખંડમાં સવારના આઠ સુધીમાં તેમણે પહોંચી જવાનું હતું અને ભગવાન બુદ્ધની પ્રતિમા પાછળ બોધિવૃક્ષના થડને હડસેલવા તાકાત અજમાવવાની હતી.

મધ્યસ્થ ખંડના વિરાટ દરવાજા સામેથી પસાર થવામાં સૂર્યને માંડ પાંચ મિનિટ લાગવાની હતી. પહાડના તામ્રકણો સાથે અથડાઈને સૂર્યના પારજાંબલી કિરણોએ સર્જેલી ગરમી બીજી દસેક મિનિટ સુધી ધગેલી રહેશે. એટલા વખત પૂરતી જ નીટિનોલ ધાતુ વિસ્તરી હશે. સવારના આઠ વાગ્યા પછી તેમની પાસે મહત્તમ વીસ મિનિટ હશે.

કેસીએ તૂટતા અવાજે આપેલી સુચનાઓ હિરન મનોમન યાદ કરી રહી હતી. તેને પારાવાર ફફડાટ થતો હતો. તેણે એક એવા ભૂગર્ભ રસ્તે જવાનું હતું જે બન્યા પછી કદી ઉપયોગમાં લેવાયો ન હતો. એક એવું ભોંયરું ખોલવાનું હતું, જે બન્યા પછી કદી ખૂલ્યું ન હતું. ધારો કે એ ન ખૂલ્યું તો? ધારો કે એ ભૂગર્ભ રસ્તો બૂરાઈ ગયો હશે તો?

હિરનના હૈયે જાણે પલિતો ચંપાયો હોય તેમ થરથરી ગઈ. હૈયાનો ફફડાટ ચહેરા પર ન વર્તાઈ જાય તેની તકેદારી રાખતાં તે સતર્ક બની.

માંડ એક વ્યક્તિ પસાર થઈ શકે તેવા અત્યંત સાંકડા બોગદાની છત માંડ ત્રણેક ફૂટ ઊંચી હતી એટલે સતત કમરમાંથી ઝૂકેલા રહેવાને લીધે કરોડના મણકાઓમાં જામ થઈ ગયેલા મિજાગરા જેવી કિચુડાટી બોલતી હતી. કુમબુમ મઠમાં તેઓ પહોંચ્યા ત્યારે સવા છ થવા આવ્યા હતા. એ પછી વધુ અડધો કલાક વિત્યો હોય તો અત્યારે પોણા સાત-સાત વાગ્યા હોવા જોઈએ. એકસરખી ગતિ તેઓ જાળવી રાખે તો પણ સાડા સાત-પોણા આઠ સુધીમાં તેઓ સ્મૃતિ મંદિર પહોંચી જાય.

મનોમન અંતર, પોતાની ઝડપ અને સમયનો ક્યાસ બાંધી રહેલી હિરને આરામનો હુકમ કર્યો.

*** *** ***

એક ડ્રમમાં શ્ત્સેબુલિંગ્કાથી ઊઠાવેલા ખોખાં ગોઠવીને છપ્પન બીજા ડ્રમમાં કૂદી ચૂક્યો હતો અને રસોડામાં છૂપાયેલા મુક્તિવાહિનીના આદમીઓએ એ ડ્રમ ખચ્ચરગાડાં પર ચડાવી દીધા હતાં. ડ્રમમાં પેસવા મથતા પ્રોફેસર ખચકાયા. તાન્શીના ચહેરા પરની અકળામણ એ પારખી ગયા. એ જ ઘડીએ બહાર કોઈકના દોડવાનો ધડબડ..ધડબડ અવાજ સંભળાયો. કોઈક હાક મારતું હતું. તરત કોઈકની ચીસનો ય અવાજ સંભળાયો.

ઝુઝારની ગનમાં સાયલેન્સર હતું પણ ઘવાયેલા ફૌજીના ગળામાં ન હતું. તેના સાથળમાં ગોળી વાગી એ સાથે તેણે કારમી ચીસ નાંખીને શોટોન મંચની વહેલી સવારની શાંતિ ખળભળાવી દીધી હતી.

ચીસનો અને દોડધામનો અવાજ સાંભળીને હેબતાયેલા ત્વરિતે તાન્શી તરફ જોયું. તેને ત્યાં જ થોભવા ઈશારો કરીને તેણે સાવચેતીપૂર્વક રસોડાના તંબુની બહાર ડોકિયું કર્યું. બહાર હવે અજવાળું થવા લાગ્યું હતું. ઝુઝાર તેને ભળાતો ન હતો પણ દોટ મૂકતા બે ફૌજીને તેણે જોયા. તેમની દિશા મંચ તરફ હતી, તો શું ઝુઝાર રસોડાની પગદંડી તરફ આવવાને બદલે મંચ તરફ ભાગ્યો હશે?

તાન્શી ફફડી ગઈ.

જો એ મંચ તરફ ભાગ્યો હોય તો આખો ય ચકરાવો મારીને અહીં કેવી રીતે પહોંચવાનો? રઘવાટમાં એ તંબુની બહાર છેક પગથાર સુધી દોડી આવી. એ વખતે ઘાંઘો બનેલો ઝુઝાર મંચના પગથિયા કૂદતો ભાગી રહ્યો હતો. અહીં તો મંચ પર અને નીચે વિશાળ ચોગાનમાં ચારેબાજુ ફૌજીઓનો જમેલો હતો. એ જોઈને ઝુઝાર ઘડીક ખચકાયો. મંચની પાછળના તંબુ જોઈને તેને યાદ આવ્યું. એ જ છાવણીમાંથી તેઓ નીકળ્યા હતા અને તેણે કલાકારોના આ તંબુની પાછળ રસોડા તરફ જવાનું હતું. તેને બદલે...

'વી શૂડ ગો ધેર..' તાન્શીની પાછળ બહાર આવી ગયેલા ત્વરિતને હડસેલતા પ્રોફેસરે કહ્યું. તેમણે ગન તૈનાત કરી નાંખી હતી. 'બટ...' તીવ્ર કશ્મકશ અનુભવતી તાન્શી કશો નિર્ણય લઈ શકતી ન હતી, 'એમ કરવાથી આપણી હાજરી ઊઘાડી પડી જાય અને તો આપણે ય છટકી ન શકીએ...'

'અરે પણ...' પ્રોફેસરનો સાદ ઊંચકાયો, 'એને કંઈ રેઢો મૂકી દેવાનો? એ ઘેરાયો છે અને આ બે આદમીને તો આપણે...'

'બે આદમી અહીંયા છે..' તાન્શીએ ટેકરી તરફ હાથ લંબાવ્યો, 'ચાર-પાંચ ત્યાં ટેકરી પર છે. મંચ ઉપર અને નીચે ચોગાનમાં આખી ફૌજ ખડી હશે...'

'તો?' પ્રોફેસર હજુ ય ઉન્માદમાં હતા પણ ત્વરિત સમજી શકતો હતો. ઝુઝારને બચાવવા જતાં બધા એકસાથે સપડાઈ જાય તેમ હતું.

'તેની હેલ્પમાં આપણે જઈએ એથી આપણા પર રિસ્ક વધી જશે..' ત્વરિતે પ્રોફેસરને કહ્યું, 'અને ખાસ તો આટલું જોખમ ઊઠાવીને મેળવેલી આ હસ્તપ્રતો ય ગુમાવવી પડશે...'

તેની દલીલમાં વજૂદ હતું, અવાજમાં દર્દ અને ચહેરા પર વિવશતા. પ્રોફેસર ઘડીક તેને તાકી રહ્યા. ઘડીક તાન્શી તરફ જોયા કર્યું. એ જ ઘડીએ મંચ પર ધડાધડ બે ફાયર થયા.

'વી શૂડ મૂવ...' તાન્શીએ રીતસર ત્વરિતને અને પ્રોફેસરને ધક્કો મારી દીધો, 'તાત્કાલિક કોટ કૂદી જાવ... આઈ વિલ મેનેજ સમહાવ...'

***

પાગલ હાથીની માફક ધૂંધવાતા મેજરે પાઈનના જંગલમાં ઘૂસીને સ્નાઈપર રાઈફલમાંથી આડેધડ ગોળીઓ છોડી હતી. બેફામ બરાડા નાંખીને આવેલા કાફલાને ચારે બાજુ તગેડવા માંડયો હતો. ક્યાંય કોઈ સગડ દેખાતા ન હતા.

'એકેએક ઈમારત ઘેરીને ચેક કરવા માંડો...' તેણે પગથારની ડાબી તરફની છ-સાત નાની-મોટી ઈમારતો તરફ આંગળી ચિંધી. અહીંથી ભાગેલા આદમીઓ જંગલમાં લપાયા હોય અથવા પેલેસમાં જો તેમના મળતિયા હોય તો કોઈ ઈમારતમાં છૂપાયા હોય.

'લ્હાસા એરબેઝને ઈન્ફોર્મ કરો. તાબડતોબ હેલિકોપ્ટર રવાના કરે. અહીંથી કોઈ ચસક્યું છે તો સાલા તમને સૌને બે આંખ વચ્ચે ગોળી મારી દઈશ' કેપ્ટન દરજ્જાના અફસરો સામે તાડુકીને તે જીપમાં ગોઠવાયો અને શોટોન મંચ તરફ જીપ મારી મૂકી.

ત્યાં ફાયર કરી રહેલો આદમી અત્યાર સુધીમાં ઝબ્બે થઈ ગયો હોવો જોઈએ.

***

સવારે ૮.૦૨ મિનિટે...

એક આદમીની પીઠ પર સવાર થઈને હિરને બેય હાથે હતી એટલી તાકાત વાપરી એ સાથે જરાક ખસેલા પથ્થરની ફાંટમાંથી તાજી હવાની લહેરખી આવી. તેણે વધુ બળ કરીને પથ્થરને અડધો-પોણો ફૂટ હડસેલી દીધો. એ જગામાં પરાણે તેણે ડોકું ઘાલ્યું. તેના માથા પર પથ્થર ટીચાતો હતો અને ગાલ પર ખડકના અણિયાળા પથ્થર ઘસાવાથી છરકા ઊઠતા હતા. ઊંડો શ્વાસ લઈને તાજી હવા તેણે ફેફસાંમાં ભરી અને બહાર નજર દોડાવી દીધી.

સ્મૃતિમંદિરના પહેલા માળમાં નર્યો સન્નાટો હતો. દૂર ખૂણામાં બે-ત્રણ ખાટ પડી હતી. રાખોડી રંગની રજાઈનો એક છેડો નીચે લબડતો હતો. તકિયો ખાટની પાંગત તરફ પડયો હતો. ત્યાં સૂતેલું કોઈ ઊઠીને ક્યાંક ગયું હોય તેવું વર્તાતું હતું.

બેય હાથે પથ્થરને હડસેલીને એ છલાંગભેર બહાર નીકળી અને દરેક દિશાએ ગન ઘૂમાવી દીધી. તેની પાછળ પહેલાં ઘવાયેલો આદમી ઉપર આવ્યો. સૌથી છેલ્લે રહેલો આદમી પણ સામાન ઉપર ચડાવીને કૂદ્યો. બોગદાના કારમા અંધકારમાંથી સીધા જ ઓરડાના ઉજાસમાં પ્રવેશતા અંજાયેલી આંખોને તેણે મસળી નાંખી. ભોંયરું જ્યાં ખૂલતું હતું ત્યાંથી જમણે લગભગ પચાસેક કદમ દૂર દાદર હતો.

૮.૦૭ મિનિટે...

દરેક દિશાએ ચાંપતી નજર નાંખીને પહેલાં તે દાદર તરફ લપકી. પછી બીજો આદમી અને છેલ્લે ત્રીજો, એમ ત્રણેય દબાતા પગલે દાદર ઉતરી ગયા. દાદરનો પહેલો વળાંક વટાવ્યો એ સાથે તેની આંખો અંજાઈ ગઈ. આકાશમાંથી જાણે રોશનીનો ધોધ વછૂટતો હોય તેમ વિરાટ છત ધરાવતો તોતિંગ મધ્યસ્થ ખંડ ઝળાંહળાં થઈ રહ્યો હતો. ૩૦ ફૂટ લાંબા અને ૬૦ ફૂટ ઊંચા આરસના નકશીદાર થાંભલા મઢેલા તોતિંગ સ્તંભ વચ્ચેથી સૂર્યનો સીધો જ ઉજાસ ઝીલતી ભગવાન બુદ્ધની ધ્યાનસ્થ પ્રતિમા, પ્રતિમાના ચહેરા પર લીંપાયેલી પ્રગાઢ સ્થિતપ્રજ્ઞાતા અને તેની પાછળ પથ્થરમાંથી કોરેલાં બોધિવૃક્ષનો દૈવી ઝળહળાટ...

નિસર્ગની આ રમ્યલીલા જોઈને હિરન દિગ્મૂઢ થઈ ગઈ. તેની સાથેના બેય તિબેટી લડવૈયાઓ આવી સ્થિતિમાં ય ઘૂંટણિયે પડી ચૂક્યા હતા અને ભાવનીતરતા ચહેરે, સજળ આંખે મૂર્તિ સમક્ષ હાથ જોડીને હોઠ ફફડાવતા મંત્રજાપ કરી રહ્યા હતા.

હિરન તેમની અતૂટ શ્રદ્ધાને આદરભેર જોઈ રહી.

૮.૧૨ મિનિટે...

વિરાટ ખંડમાં કોઈની હાજરી ન હતી પણ જમણી તરફ ઉપરના રવેશમાં કિરમજી દુશાલા ઓઢેલા સાધુઓ બંધ આંખે નાક પર અંગૂઠો દબાવીને પ્રાણાયામ કરી રહ્યા હતા.

હિરને એક જ નજરમાં આખો ય માહોલ માપી લીધો અને બેય તિબેટીઓને આંગળી વડે ૧, ૨, ૩ ઈશારો કર્યો. તેની ત્રીજી આંગળી ઊંચકાઈ એ સાથે ત્રણેયે દબાયેલા કદમે મૂર્તિ તરફ દોટ મૂકી દીધી અને પલકવારમાં પચાસ ફૂટ ઊંચી પ્રતિમાની પાછળ લપાઈ ગયા.

હવે તેમણે પહાડના પથ્થરમાં વિશાળ કદના વૃક્ષનો આકાર કોતરેલા થડનું પોલાણ શોધીને બળ અજમાવવાનું હતું. ત્રણેયે થડના પોતાની ઊંચાઈના વચ્ચેના હિસ્સા પર બેય હાથ ભીંસીને બળ કરવા માંડયું. હવે એક-એક મિનિટ જીવ જેટલી મૂલ્યવાન હતી અને થડનો પથ્થર ખસવાને બદલે હથેળીમાં ભોંકાતો હતો.

એ જ ઘડીએ બહાર કશીક ઘરઘરાટી સંભળાઈ. કોઈક ઊંચા અવાજે બરાડા પાડી રહ્યું હતું. મેજરે એકેએક ઈમારતની તલાશી લેવા મોકલેલા કાફલાની એક જીપ સ્મૃતિમંદિર સામેના ખડકાળ ઢોળાવ પર પાર્ક થઈ રહી હતી અને એક અફસર ઓર્ડર છોડી રહ્યો હતો.

બહારના અવાજની ખલેલથી વિક્ષુબ્ધ થયેલો એક સાધુ વીરાસન છોડીને ઊભો થયો હતો. ઉપર રવેશમાંથી જ તેણે નીચે બહારની તરફ ગરદન લંબાવીને જોયું હતું અને પછી તરત દાદર ઉતરવા માંડયો હતો.

૮.૧૫ મિનિટે...

બેહદ તણાવથી ભીંસાયેલો ચહેરો, બોગદાની બંધિયાર હવામાં લાંબો સમય વિતાવીને પાંસળીઓ સાથે અથડાતો હાંફ, ફેફસાંના હાંફ સાથે ગોટવાતી હૈયાની વેગીલી ધડકન, ઉશ્કેરાટ અને ઉતાવળથી ધ્રૂજતા હાથ-પગ અને વિસ્ફારિત થયેલી બાઘી આંખોમાંથી ધાર નીતરતો ભયનો ઓથાર...

અવાજ નજીક આવતા જતા હતા. ઈમારતની ડાબી દિવાલ તરફ કેટલાંક આદમીઓની ચહલકદમી હવે સ્પષ્ટ સંભળાતી હતી. ઉતાવળી બનેલી હિરન સાવ નીચે ઝૂકીને ભોંયતળિયાને અડેલા થડના હિસ્સાને હડસેલવા મરણિયો પ્રયાસ કરી રહી હતી..

- અને કમબખ્ત ક્યાંય પોલાણનો જરાક સરખો ય અંદાજ આવતો ન હતો. કેસીની ધારણા ખોટી હતી? ચીની અફસરોએ નીટિનોલની કારગરી પકડી પાડીને તેને હટાવી દીધું હતું? હવે???

એ જ વખતે પગથિયા ચડી રહેલા બે અફસર સાથેના જવાનને ચાઈનિઝ ભાષામાં સુચનાઓ આપતાં અંદર ધસી રહ્યા હતા.

૮.૧૮ મિનિટે...

'કમરમાંથી નીચે ઝૂક...' ઘાંઘી બનેલી હિરને હોઠ ફફડાવીને એક આદમીને ઈશારો કર્યો. તેની પીઠ પર ચડીને તેણે થડના ઉપરના હિસ્સાને ચકાસવા માંડયો. હાથ ફંફોસવાથી તો કશું કળાય તેમ ન હતું.

'અહીં શું કરો છો તમે?' ચીનના ફૌજી અફસરને પેલેસમાં છેક અહીં, આમઆદમી માટે બિલકુલ પ્રતિબંધિત સમયે આવી ચડેલા જોઈને બહાર નીકળેલો સાધુ ચોંક્યો હતો, 'કોના ઓર્ડરથી અહીં આવ્યા છો?'

'અંદર હોય એ તમામ લોકોને બહાર કાઢો...' આડા ઊભા રહી ગયેલા સાધુને અફસરે તોછડાઈથી ધક્કો મારી દીધો અને ગનનું નાળચું ઘૂમાવીને જવાનોને ઉપરના મજલાની તલાશી લેવા હુકમ કર્યો.

ચાઈનિઝ અને તિબેટીમાં થતી વાતચીત હિરન સમજતી ન હતી પણ તે એટલું તો પામી જ ગઈ કે હવે બસ, બે ઘડીનો જ ફરક છે... જિંદગી અને મોત વચ્ચેનો ચંદ મિનિટનો ફાંસલો અનુભવીને તેના રૃંવેરૃંવે લખલખું પસાર થઈ ગયું અને પેલા આદમીની પીઠ પર શરીરને વધુ ઊંચકીને તેણે બેય હાથ ઉપરાંત માથું સુદ્ધાં ભીંસીને ખડક પર જોર પછાડવા માંડયું.

ઘડીક તે સમતોલન ચૂકી. નીચે ઝૂકેલો આદમી કદાચ હલી રહ્યો હતો કે શું? સંતુલન જાળવવા તેણે ખડકની ખરબચડી ખાંચમાં આંગળા ખોસવા માંડયા એ સાથે તેનું હૈયું ધબકારો ચૂકી ગયું.

તે જેના બરડા પર ઊભી હતી એ આદમી તો ભયનો માર્યો સ્હેજે ય હલ્યો ન હતો પણ હિરને જેને હાથ અને માથું ભીંસીને જોર અજમાવ્યું હતું એ, ખૂલાવા માટેની પૂનિત પળની રાહ જોતો થડનો દાયકાઓથી અકબંધ રહેલો હિસ્સો બહારની તરફ સરકી રહ્યો હતો.

કિમિયાબાજ થુબ્ટેને બુદ્ધની પ્રતિમાની બરાબર પાછળ, પ્રતિમાના ધડના પહોળા ભાગની આડશ મળે એ રીતે જમીનથી લગભગ આઠેક ફૂટની ઊંચાઈ પર અઢી ફૂટની લંબાઈમાં કોતરણી કરી હતી.

૮.૨૨ મિનિટે...

બહારની તરફ થડનો એ હિસ્સો વધુ સ્હેજ હડસેલીને તેણે પથ્થરમાં આંગળા ભેરવ્યા, આંગળાના જોર પર આખું ય શરીર ઊંચકીને તિબેટીના બરડા પરથી પગ ઊંચા લીધા, શરીરને સ્હેજ ઝોલ આપ્યો, ફેફસાંમાં ઊંડો શ્વાસ ભર્યો અને દિવાલ કૂદતી જંગલી બિલાડીના માફક પોલાણમાં સરકી ગઈ.

તેનું માથું બહુ બૂરી રીતે દિવાલ સાથે ટિચાયું હતું. ખાંચમાં સખ્તાઈથી ભોંકી રાખેલી આંગળીઓના નખ ફાડીને લોહી ધસી આવ્યું હતું, પણ તેને એ કશાની પરવા ન હતી. પોલાણમાં આડા પડીને તેણે નીચે હાથ લંબાવી પહેલાં દરેકના બેકપેક ઉપર લીધા. પછવાડે બોગદામાં બેકપેક ફગાવીને તેણે ફરી નીચે હાથ લંબાવ્યો અને દાંત ભીંસી, પારાવાર જોર એકઠું કરીને ઘાયલ આદમીને પહેલાં ઉપર ચડાવ્યો. માંડ અઢી ફૂટ પહોળા બોગદામાં મહમુશ્કેલીએ ખડક સાથે રીતસર ઘસાઈને એ આદમી સ્હેજ આગળ વધ્યો એટલે તેણે ત્રીજા આદમીનેય એ જ રીતે ઉપર ઊઠાવી લીધો.

અંદરની તરફ સરકીને તેણે ખડકને સાવચેતીપૂર્વક ધકેલવા માંડયો. થડની કોરેલી ખાંચમાં ગોઠવાતા ખડકની ધાર પર જડેલી નીટિનોલની પટ્ટીઓ હવે સખત થતી જતી હતી. ભોંય સાથે પગ સજ્જડ દબાવીને થડના દરવાજાને ખાંચમાં ફીટ કરવા તેણે તીવ્ર ભીંસ આપી એ સાથે પથ્થર ઘસાવાનો ખરબચડો અવાજ થયો અને બારણું વસાઈ ગયું.

એ અવાજ સાંભળીને પ્રતિમાથી સ્હેજ દૂર ઊભેલો અફસર ચોંક્યો હતો પણ એ જ ઘડીએ દાદર ઉપરથી ત્રણ-ચાર સાધુઓ, બે-ચાર અનુચરો ગભરાટભર્યા ચહેરે નીચે ઉતર્યા હતા.

- પણ જેને નીકળવાનું હતું એ આબાદ નીકળી ચૂક્યા હતા.

તેજથી ઝળહળતી બુદ્ધની વિરાટ પ્રતિમા તરફ અફસરે આંખ આડે હાથનું નેજવું કરીને જોયું અને અંજાયેલી આંખો તરત ફેરવી લીધી.

નિર્જીવ પ્રતિમાના હોઠ પર જાણે હળવું સ્મિત ફરકીને અદૃશ્ય થઈ ગયું હોય તેવો તેને ભાસ થતો હતો.

(ક્રમશઃ)