મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 9 Sagar Ramolia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 9

આજા મેરી ગાડી મેં બૈઠ જા
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-9)
કયારે કેવા સંજોગો ઊભા થતાં હોય તેનું કંઈ નક્કી નથી હોતું. કયારેક અકસ્‍માતે એવા કોઈનો ભેટો થઈ જાય, જે આપણે વિચાર્યું પણ ન હોય. આવો બનાવ દરેકના જીવનમાં બનતો જ હોય છે. કોઈના માટે આનંદનો બનાવ બને, તો કોઈના માટે કષ્‍ટદાયક પણ નીવડે. મારા માટે તો મને આશ્ચર્યમાં મૂકી દેનારો બનાવ બન્‍યો.
એક દિવસ બહારગામથી બસમાં આવ્‍યો. રસ્‍તાની બાજુમાં ઊભા રહીને રીક્ષાની વાટ જોતો હતો. જે રીક્ષા આવતી હતી તેમાં જગ્‍યા નહોતી. એટલે થોડીવાર ત્‍યાં વધુ વાટ જોવી પડી. થોડીવાર થઈ ત્‍યાં એક મોંઘીદાટ ગાડી મારા બાજુમાં ઊભી રહી. હું ત્‍યાંથી થોડો ખસી ગયો. એટલે તે ગાડી પણ પાછળ ખસી. તેનો કાચ ખૂલ્‍યો.
ગાડીને ચલાવનાર બોલ્‍યો, ‘‘કયાં જવું છે, સાહેબ? ચાલો મૂકી જાવ.''
મેં કહ્યું, ‘‘ના, ભાઈ! રીક્ષામાં ચાલ્‍યો જઈશ. આનું ભાડું મોંઘું પડે!''
તે કહે, ‘‘તમારે ભાડું નથી દેવાનું.''
હું બોલ્‍યો, ‘‘કેમ?''
તે બોલ્‍યો, ‘‘આ ગાડી તમારી જ છે એટલે.''
મેં કહ્યું, ‘‘ભાઈ! મારી પાસે તૂટયું-ફૂટયું એકટીવા છે. આવી ગાડી તો સપનામાંયે નથી આવી.''
તે બોલ્‍યો, ‘‘અરે, રામોલિયાસાહેબ! હું તમારી પાસે ભણતો. મારું નામ ધવલ મનુભાઈ પરમાર છે. બેસી જાવ, પછી બીજી વાત!''
હું ગાડીમાં બેસી ગયો. મને જાણે ફિલ્‍મ દેખાવા લાગ્‍યું. આ ધવલ મારા વર્ગમાં ભણતો. ભણવામાં રસ ઓછો, પણ રમકડાંની મોટરગાડીઓ રાખવાનો શોખીન. તેના દફતરમાં જાત-જાતની ગાડીઓ હોય. એક દિવસ તેનો જન્‍મદિવસ હતો. સવારમાં હું વર્ગમાં ગયો કે તરત મને પગે લાગવા આવ્‍યો. મેં તેને કહ્યું, ‘‘તને ગાડીઓનો શોખ છે. મોટો થઈને તું અનેક ગાડીઓનો માલિક બન. પણ અત્‍યારે ભણવામાં ઘ્‍યાન આપ. વાંચતાં-લખતાં આવડતું હશે તો પણ ઘણો ફાયદો થશે!'' ખબર નહિ, પણ મારી આ વાત તેના મન ઉપર અસર કરી ગઈ. હવે તેનું ઘ્‍યાન પેલી ગાડીઓથી રમવાને બદલે વાંચવામાં લગાડી દીધું. ઘરે ગયા પછી પણ કંઈ ખબર ન પડે તો મારા ઘરે આવીને પૂછી જતો. તેને લીધે તેને ઘણું આવડી ગયું. પણ તેણે હવે ફિલ્‍મ તોડયું.
તે કહે, ‘‘સાહેબ! તમારા આશીર્વાદ સાચા પડયા છે.''
હું બોલ્‍યો, ‘‘કેમ ભાઈ! એવું બોલે છે?''
તેણે કહ્યું, ‘‘તમે તો મારા જન્‍મદિવસે આશીર્વાદ આપ્‍યા હતા, અનેક ગાડીઓનો માલિક બન! અત્‍યારે મારી પાસે આ એક જ ગાડી નથી! સાત બસ છે અને બાર ઈકો ગાડી છે. ટ્રાવેલ્‍સનો ધંધો ખૂબ સારો ચાલે છે. કામ માટે બધે માણસો લગાડી દીધા છે. હું તો બસ આંટા-ફેરા કરું!''
મેં કહ્યું, ‘‘સરસ, સરસ! તારી આટલી પ્રગતિની વાત જાણીને મને ખૂબ આનંદ થયો છે. પણ તું ભણવામાં ઘ્‍યાન આપવા લાગ્‍યો હતો. તે કયાં સુધી પહોંચ્‍યું હતું?''
તે કહેવા લાગ્‍યો, ‘‘ભણવામાં પણ ખૂબ મહેનત કરી. મેં પણ તમારી જેમ શિક્ષકની લાયકાત મેળવી લીધી છે. પછી વિચાર્યું, શિક્ષક થવાથી મારું સપનું અને તમારા આશીર્વાદ સાચા નહિ પડે. એટલે પહેલા એક ગાડી લીધી. ધીમે-ધીમે કમાણી વધારતો ગયો અને આજે આટલે સુધી પહોંચી ગયો છું.''
મારાથી બોલાય ગયું, ‘‘વાહ, ધવલ વાહ! શિક્ષકના આશીર્વાદની અસર આટલી બધી થતી હોય છે, એ તો આજે તારા પાસેથી જાણવા મળ્‍યું. જો દરેક વિદ્યાર્થી ઉપર અમારા આશીર્વાદની આવી અસર થઈ જાય, તો મા સરસ્‍વતીને આપણે જે પ્રાર્થના કરીએ છીએ કે, ‘અજ્ઞાનનું અંધારું દૂર કરીને જ્ઞાનનું અજવાળું પાથર' એ ખરેખર સાચી પડી જાય. હજી પણ તારી પ્રગતિ થાય અને અન્‍યને પણ આગળ લાવ! બસ એ જ આશીર્વાદ.''
- ‘સાગર' રામોલિયા