મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 7 Sagar Ramolia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 7

ખાલી પાસ નથી થવાનું!
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-7)
એક દિવસ વર્ગમાં હું ભણાવતો હતો. એ સમયે આ શાળાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્‍યો. એને ઓળખતા વધારે વાર ન લાગી. કારણ કે, એ અહીં ભણતો ત્‍યારે સૌથી વધુ બોલકો હતો. ભણવા સિવાયના પણ અનેક પ્રશ્નો પૂછયા કરતો. ભણવામાં સાવ ઠોઠ તો ન કહી શકાય, પણ એકદમ હોશિયાર પણ નહિ. નાની ઉંમરે પણ એ વેપાર કરી લેતો. સાબુ જેવી નાની-નાની ચીજો શાળાના કર્મચારીઓને પણ વેંચતો. શાળાના કર્મચારીઓ ‘આ રીતે પણ થોડી મદદ થઈ શકશે'ની ભાવનાથી તેની પાસેથી ખરીદી પણ કરતાં. મારી સાથે થોડી વાતો કરી, થોડા પ્રશ્નો પૂછયા અને તે ગયો.
સમય વીત્‍યો. થોડાં વર્ષોં વીત્‍યાં. આ ગાળામાં અનેક વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને અહીંથી જતાં રહ્યા હશે. શિક્ષક માટે તો દર વર્ષે નવા-નવા ચહેરા બદલતા રહે છે.
એક દિવસ યુવાનીના ઉંબરે પહોંચી ગયેલો યુવક મારી પાસે આવે છે. આવીને પગે લાગ્‍યો.
પછી બોલ્‍યો, ‘‘રામોલિયાસાહેબ! હું યાદ તો છું ને?''
જેવું-તેવું યાદ તો આવી ગયું, છતાં હું બોલ્‍યો, ‘‘ભુલાય ગયું હોય એવું લાગે છે.''
તે કહે, ‘‘અરે! હું કમલેશ લક્ષ્મણભાઈ બચાણી.''
હું બોલ્‍યો, ‘‘હા, ભાઈ હા! યાદ આવી ગયું. બોલ, બોલ! શું ચાલે છે?''
તે કહે, ‘‘તમારાં પુસ્‍તકો મારે વાંચવાં છે.''
મને આનંદ થયો. મેં કહ્યું, ‘‘હા, લઈ જાજેને!''
પછી તે કહે, ‘‘મારે સી.એસ.ની પરીક્ષા આપવી છે.''
સાભંળીને મનમાં હસવું આવ્‍યું. થયું આ પાસ થઈ શકશે? પણ એ ભાવ દેખાવા ન દીધો. હું બોલ્‍યો, ‘‘સરસ! પણ જોજે હો, ખાલી પાસ જ નથી થવાનું.''
તે બોલ્‍યો, ‘‘હા, સર! આશીર્વાદ આપો!''
અને તે ગયો. દોઢ વર્ષ જેવો સમય વીત્‍યો. ફેબ્રુઆરી, ર૦૧૮ ચાલી રહ્યો હતો. એક દિવસ તે શાળાએ આવ્‍યો હશે. હું શાળાએ નહોતો. બીજા દિવસે હું શાળાએ ગયો. મારા સહકર્મચારીએ કહ્યું કે, ‘‘કમલેશ આવ્‍યો હતો. તે તમને મળવા માગે છે. તેના વિશે આજના છાપામાં પણ છે. વાંચી લેજો.'' એ સરનામું આપતો ગયો હતો.
મેં છાપું વાંચ્‍યું. સી.એસ.નું પરિણામ હતું. સમગ્ર ભારતમાં આ કમલેશ પંદરમા ક્રમે અને ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયો હતો. મનને ખૂબ આનંદ થયો. તેણે આપેલ સરનામે હું સામેથી મળવા ગયો. જઈને અભિનંદન આપ્‍યા અને કહ્યું, ‘‘વાહ! તેં તો કરી દેખાડયું!''
તે કહે, ‘‘તમે તો કહ્યું હતું, ખાલી પાસ નથી થવાનું! બસ તમારા એ શબ્‍દો મનમાં બરાબરના ચોટી ગયા અને મંડાઈ પડયો મહેનત કરવા. જેનું આ પરિણામ છે. તમારા પુસ્‍તક ‘‘મા! મારે ઊડવું છે''માં પણ તમે આગળ વધવાની જ ઉત્‍સાહપ્રેરક વાત લખી છે. એ મેં વાંચ્‍યું અને મને પણ ઊડવાનું મન થયું. તે દિવસ સુધી મને કોઈએ એવા શબ્‍દો નહોતા કહ્યા, જે તમે કહ્યા.''
મેં કહ્યું, ‘‘બસ, ભાઈ બસ! અમે તો દરેક વિદ્યાર્થીને પ્રોત્‍સાહન આપતા જ હોઈએ. પણ એ શબ્‍દોને જે પકડી શકે, તે જરૂર આગળ વધી જાય છે. તેં મારા શબ્‍દોને પકડયા અને આ સિદ્ધિ મેળવી, એનો મને ખૂબ આનંદ છે. મારા માટે આ ગૌરવની વાત છે. ફરીને તને ખૂબ ખૂબ અભિનંદન!''
મેં કહ્યું, ‘‘બસ, ભાઈ બસ! અમે તો દરેક વિદ્યાર્થીને પ્રોત્‍સાહન આપતા જ હોઈએ. પણ એ શબ્‍દોને જે પકડી શકે, તે જરૂર આગળ વધી જાય છે. તેં મારા શબ્‍દોને પકડયા અને આ સિદ્ધિ મેળવી, એનો મને ખૂબ આનંદ છે. મારા માટે આ ગૌરવની વાત છે. ફરીને તને ખૂબ ખૂબ અભિનંદન!'' મારા માટે આ ગૌરવની વાત છે. ફરીને તને ખૂબ ખૂબ અભિનંદન!''

- ‘સાગર' રામોલિયા