મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 3 Sagar Ramolia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 3

ડૉકટર હું, કે તમે?
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-3)
શિક્ષક માટે એક વાત એ બનતી હોય છે કે તેની પાસે ભણેલ વિદ્યાર્થી અચાનક મળી જાય છે. હું શિક્ષક છું. આવા ઘણા અનુભવો મને થયા છે. કયારેક તો આવો અનુભવ આશ્ચર્યમાં મૂકી દે છે.
એક દિવસની વાત છે. મને પેટમાં થોડી તકલીફ થવા લાગી. ત્યારે હું જામનગરથી બહાર હતો. એટલે બીજાને પૂછીને દવાખાના વિશે માહિતી મેળવી અને ત્યાં ગયો. ત્યાં જઈ વાત કરી. એટલે એક પથારી ઉપર સુવડાવી નર્સ અને બ્રધર ચેકઅપ કરવા લાગ્યાં.
આવી તકલીફ પહેલા પણ મને થયેલી. ત્યારે જે દવા અને ઈંજેકશનથી સારું થયું હતું તે હું જાણતો હતો. એટલે થોડી શિક્ષકગીરી વાપરવા ગયો, મારું જ્ઞાન થોડું પ્રદર્શિત કરવા ગયો. એટલે હું કહેવા લાગ્યો્, ‘‘મને ફલાણું ઈંજેકશન અને ફલાણી દવા આપી દો. તેનાથી મને સારું થઈ જશે. તમારે વધારે મહેનત નહિ કરવી પડે.'' હું જ્યારે મારું જ્ઞાન વેરી રહ્યો હતો ત્યારે પાછળથી એક અવાજ સંભળાયો, ‘‘ડૉકટર હું, કે તમે?'' મેં એ બાજુ જોયું અને બોલ્યો, ‘‘ડૉકટર તો તમે જ લાગો છો!''
એ આગળ આવે છે, મારા પગને પકડીને ઊભો રહે છે અને કહે છે, ‘‘તમે નહિ કહેવાનું, ‘તું' કહો!''
હું બોલ્યો, ‘‘તું?''
તે કહે, ‘‘હા, તમારી બોલીમાં કહું તો મારું ડાચું જુવો અને ઓળખો!''
મેં કહ્યું, ‘‘ના, ભાઈ! ઓળખાણ નથી પડતી. બહાર તો ‘ડૉ. પી. પી. પોપટ' લખ્યું છે. પણ કંઈ યાદ નથી આવતું.''
તે કહે, ‘‘અરે! હું તમારો વિદ્યાર્થી પરેશ પ્રિતમભાઈ પોપટ.''
મને યાદ આવ્યું‘. હું બોલ્યો, ‘‘એક વખત મારા ગુસ્સાાથી જેના પેન્ટમાં ‘પીપી' થઈ ગયું હતું એ તું ‘પી.પી.'? ભણવું તો તારા માટે દુશ્મન જેવું હતું!''
તે કહે, ‘‘હા!''
હું ઊભો થઈ ગયો અને બોલ્યો, ‘‘તો તો મારે અહીં દવા લેવી જ નથી. તારા જેવા ઠોઠડા ડૉકટર બની જાય એ શું મારી સારવાર કરશે? ડિગ્રી સાચી છે કે પછી છાપાંમાં આવે છે એવી?''
તે થોડા ઊંચા અવાજે બોલ્યો, ‘‘છાનામાના સૂતા રહો! આ પણ તમારું જ શિક્ષણ છે. તમારા લીધે જ હું ડૉકટર બન્યો‍ છું.''
હું આશ્ચર્યથી બોલ્યો, ‘‘મારું શિક્ષણ? મારા લીધે ડૉકટર?''
તે બોલવા લાગ્યો, ‘‘તમને યાદ છે? કોઈને કાંઈ થાય તો પાટ્ટાપીંડી હું જ કરતો. એક દિવસ તમે જ બોલ્યાો હતા, ‘એલા, પરિયા! તારે તો ડૉકટર બનવાની જરૂર છે. ભણવામાં પણ ઘ્યાન દે!' ત્યારે તો મને ન સમજાયું. પણ જ્યારે દસમા ધોરણમાં આવ્યો., ત્યારે તમારા શબ્દો મારા મનમાં ગૂંજવા લાગ્યા. મેં નક્કી કર્યું. ગમે તેટલી મહેનત કરવી પડે, પણ રામોલિયાસાહેબના શબ્દો‍ને કલંક નહિ લાગવા દઉં. એ શબ્દોને માત્ર કટાક્ષ જ નહિ રહેવા દઉં. બસ, પછી તો મંડાય જ પડયો. એનું પરિણામ આજે તમારી સામે છે. આજે હું ઠોઠડો વિદ્યાર્થી નહિ, અહીંનો પ્રખ્યાત ડૉકટર છું.'' આમ કહીને તે હાથેથી મારા પગ પકડી, મસ્તક મારા પગ ઉપર રાખીને ઊભો રહ્યો.
હું અહોભાવથી તેની સામે જોઈ રહ્યો. મેં કહ્યું, ‘‘અમારા શબ્દોને આટલું માન આપીને અમારું માન વધારનાર તારા જેવા વિદ્યાર્થી તો અમારી જિંદગીનું ઘરેણું છે. તેં તો મારી શોભા વધારી છે. તારી વાત સાંભળીને જ મારું દર્દ તો ગાયબ થઈ ગયું. સુખી રહે અને સૌને સુખી કર!''

(એક શિક્ષક એના ડોક્ટર વિદ્યાર્થીને શા આશીર્વાદ આપે. બીજું તો શું કહી શકે. પોતે પણ સુખી રહે અને બીજાને પણ સુખી રાખે. એક ડોક્ટર આવું આવું ધ્યાન રાખે તો દર્દી ઝટ સાજા થઈ જાય.)

- ‘સાગર' રામોલિયા