સખી દ્રૌપદી
જ્યારે દ્રૌપદી ‘સખી’ હોય અને શ્રીકૃષ્ણ ‘સખા’ હોય!
આપણા દરેકના જીવનમાં એક બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તેમ છતાં એમાંથી માત્ર એકને આપણે BFF એટલેકે ‘બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર’ અથવાતો ‘bestie’ કહેતા હોઈએ છીએ, કારણકે એ એક મિત્ર આપણા તમામ મિત્રોમાંથી ખાસ અને અનોખો હોય છે. આ મિત્ર સાથે આપણે લાગણીનું એક અનોખું બંધન હોવાનું ફિલ કરતા હોઈએ છીએ. આ મિત્ર એવો હોય છે જેના પર આપણે આપણા કરતા પણ વધુ વિશ્વાસ કરતા હોઈએ છીએ, એટલુંજ નહીં પરંતુ આ મિત્ર જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે આપણે તેની મદદ કરવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હોતા હોઈએ છીએ. આવા સંજોગોમાં જો કોઈ પુરુષની ખાસ મિત્ર સ્ત્રી હોય અને કોઈ સ્ત્રીનો ખાસ મિત્ર પુરુષ હોય તો એ પ્રકારની મિત્રતા બેજોડ હોય છે.
એવું જોવામાં આવ્યું છે કે કોઇપણ સ્ત્રી પોતાના જીવનના અંગતમાં અંગત કહી શકાય તેવા ભેદ કોઈ સ્ત્રી મિત્ર સાથે નહીં પરંતુ પોતાના ખાસ કહી શકાય એવા પુરુષ મિત્ર સાથે શેર કરતા બિલકુલ અચકાતી નથી, તો સામેપક્ષે પુરુષ જે પોતાના કુટુંબ સામે ભાગ્યે જ રડી શકતો હોય છે તેને પોતાની ખાસ સ્ત્રી મિત્ર પાસે રડવામાં જરાય સંકોચ થતો નથી. આ પ્રકારની મિત્રતા એવી હોય છે કે જે આજીવન ટકી રહેતી હોય છે અને આ બંને મિત્રો એકબીજા વગર જીવી શકતા નથી.
એક સમય હતો જ્યારે પુરુષ અને સ્ત્રી વચ્ચે ભારતમાં મિત્રતા હોય એવું બહુ ઓછું જોવામાં આવતું હતું. આજે જમાનો બદલાયો છે પરંતુ પુરુષ અને સ્ત્રી વચ્ચેની મિત્રતાને હજી પણ શંકાની નજરે જોવામાં આવે છે. કેટલાક એવા તત્વો જેના મનમાં જ મેલ હોય છે, જે ખુદ સ્ત્રીને કે પુરુષને માત્ર શારીરિક રમકડું જ સમજતા હોય છે તે એક સ્ત્રી અને પુરુષ વચ્ચેની આ પ્રકારની શુદ્ધ મિત્રતાને પણ રોમાન્સ અને ભોગવિલાસના ચશ્માંથી જોતા હોય છે. આ તમામ તત્વોને ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેની મિત્રતાની કથા કહેવી જોઈએ જે એવી મિત્રતા હતી જેનું બીજું કોઈજ ઉદાહરણ ઇતિહાસમાં મળતું નથી.
કૃષ્ણ અને દ્રૌપદી એ એકબીજાના શ્રેષ્ઠ મિત્રો હતા. તેઓ એકબીજાને માત્ર મિત્ર તરીકે ખૂબ પ્રેમ કરતા હતા. એક કથા અનુસાર જ્યારે શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર ચલાવ્યું અને તેમની આંગળી ઘવાઈ ગઈ ત્યારે દ્રૌપદીએ તેની સાડી ફાડી અને તેના એક ચીરથી કૃષ્ણને પાટો બાંધ્યો અને ત્યારથી જ રક્ષાબંધનનો તહેવાર શરુ થયો તે માન્યતા ખોટી છે. હા દ્રૌપદીએ શ્રીકૃષ્ણની આંગળી પોતાના ચીરથી જરૂર બાંધી હતી પરંતુ તેનો મતલબ એવો નથી કે એ બંને એકબીજાના ભાઈ-બહેન બની ગયા. દ્રૌપદીએ જે કાઈ પણ કર્યું તે મિત્રતાની લાગણીને કારણે કર્યું હતું. આપણે આજે પણ સ્ત્રી અને પુરુષ મિત્રો હોઈજ ન શકે અને મિત્રતા સિવાય તે બંને વચ્ચે કોઈ અન્ય સંબંધ જ હોઈ શકે એવી માન્યતાથી ગ્રસ્ત છીએ અને એટલેજ ઉપરોક્ત કથા ઉપજાવી કાઢવામાં આવી હોવાનું કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે.
કૃષ્ણ દ્રૌપદીને સદાય ‘સખી’ કહીને બોલાવતા અને દ્રૌપદી શ્રીકૃષ્ણને ‘સખા’ કહીને બોલાવતી. કૃષ્ણ અને દ્રૌપદી એકબીજાની મદદ માટે સતત તૈયાર રહેતા અને તે પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર. દ્રૌપદીને ક્રિશ્ના તરીકે પણ ઓળખવામાં આવતી, એટલે નહીં કારણકે તે શ્રીકૃષ્ણની બહેન હતી અથવાતો તેને કૃષ્ણ ગમતા હતા પરંતુ એટલે કારણકે તેનો રંગ પણ શ્યામ હતો આથી આ બંને વચ્ચે પ્રેમની લાગણી હોવાની વાત પણ સદંતર ખોટી છે.
કેટલીક માન્યતાઓ એવી પણ છે શ્રીકૃષ્ણએ દુશાસન દ્વારા જ્યારે ભરી સભામાં દ્રૌપદીના ચીર હરવામાં આવી રહ્યા હતા ત્યારે તેના ચીર એટલે પૂર્યા કારણકે તે તેમનો દ્રૌપદી પ્રત્યેનો પ્રેમ હતો. આ માન્યતા સાવ પાયાવિહોણી છે કારણકે જ્યારે કોઈ મિત્ર મોટી તકલીફમાં હોય ત્યારે તેની મદદે તેનો ખાસ મિત્ર જ આવતો હોય છે. વિચાર કરો એક તરફ દ્રૌપદીના પતિઓએ તેને પૂછ્યા વગર દાવ પર લગાડી દીધી અને જ્યારે તેને તેઓ હારી ગયા ત્યારે ભરી સભામાં તેનું અપમાન થઇ રહ્યું હતું ત્યારે એક શબ્દ પણ ન બોલ્યા.
પાંચ-પાંચ પતિઓ હોવા છતાં એકની પણ હિંમત ન થઇ કે તે દ્રૌપદી સાથે થઇ રહેલા આ જુલમ વિરુદ્ધ અવાજ ઉઠાવે, પરંતુ એ દ્રૌપદીના ખાસ ‘સખા’ એટલે કે શ્રીકૃષ્ણ જ હતા જેમણે પોતાની ખાસ ‘સખી’ એટલેકે દ્રૌપદીની મદદે આવ્યા અને તેના સન્માનનું રક્ષણ કર્યું. સખા કૃષ્ણએ સખી દ્રૌપદીના એક ચીરનો બદલો તેને અસંખ્ય ચીર પુરા પાડીને આપ્યો કે દુશાસન છેવટે થાકી ગયો અને દ્રૌપદીનું ચીરહરણ કરવાનું તેણે છોડી દીધું. આ છે મિત્રતાની શક્તિ પછી તે બે પુરુષો, બે સ્ત્રીઓ વચ્ચે હોય કે પછી એક પુરુષ કે એક સ્ત્રી વચ્ચે હોય! આ સંબંધ ઘણીવાર જેને આપણે ‘પોતાના’ માનતા હોઈએ તેના કરતા પણ ચાર ચાસણી ઉપર ચડી જતા હોય છે.
આપણે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેની મિત્રતામાંથી બોધ લેવો જરૂરી છે. આપણને આપણા નાનપણમાં આપણા માતાપિતા પરાણે કોઈના ભાઈ કે બહેન બનાવી દેતા હોય છે. પરંતુ આપણા માટે એ બિલકુલ જરૂરી નથી કે આપણે મોટા થઈને પણ એ પ્રમાણે ચાલીએ. એવું નથી કે દરેક સ્ત્રી અને પુરુષે એકબીજા સાથે પ્રેમની લાગણીથી જ જોવું જોઈએ. ઘણીવાર કોઈ સ્ત્રી પ્રત્યે પુરુષને કે પછી પુરુષ પ્રત્યે સ્ત્રીને મિત્રતાની લાગણી પણ થતી હોય છે. જો આવી લાગણી તમને પણ કોઈ વિજાતીય વ્યક્તિ સાથે થતી હોય તો તેનો સ્વીકાર કરો અને તેને પરાણે સમાજમાં આપણને ‘કહેવાતી’ શરમ ન આવે એટલે ભાઈ, બહેન, રાખી બહેન કે પછી કઝીન ન બનાવો, બલ્કે તેને ગર્વ સાથે પોતાની ‘સખી’ અથવાતો પોતાનો ‘સખા’ જાહેર કરો.
બની શકે છે કે આ પ્રકારની વિજાતીય મિત્રતામાં ક્યારેક તો એકપક્ષીય આકર્ષણ ભળે, પરંતુ આવા કિસ્સામાં આ એકપક્ષીય આકર્ષણને કાબુમાં કરવું જરૂરી છે કારણકે એવી ભરપૂર શક્યતાઓ હોય છે કે બીજા પક્ષે તમને ક્યારેય મિત્ર, સખા અથવાતો સખી સિવાય અન્ય રીતે જોયા જ ન હોય. આવા કિસ્સામાં પોતાનું આકર્ષણ જાળવી રાખીને પણ એની લાગણીનું સન્માન કરીને તેની મિત્રતા નિભાવશું તો જ આપણે શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની અનોખી મિત્રતાને ગૌરવ અપાવી શકીશું.
***