ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૬) VIKRAM SOLANKI JANAAB દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ગેબી ગીરનાર - એક રહસ્ય - (ભાગ-૧૬)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૬)

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. ઘૂનાને કાંઠે કામીની નામની એક અજાણી યુવતીનો અમને ભેટો થાય છે અને અમે તેની સાથે જઈએ છીએ ત્યાં રાત્રે કલ્પેશ અને આશિષ અચાનક ગાયબ થઈ જાય છે. તેને શોધવા બગીચામાં પીપળાના ઝાડની આકૃતિ પાસે જતાં એ આકૃતિમાં લોહીનાં છાંટા ઉડતા અચાનક બાજુમાં એક રહસ્યમય ભોંયરું ખુલી જાય છે.....હવે આગળ....

અચાનક પથ્થર વાગવાથી મને આંગળીમાં અસહ્ય પીડા થઈ. મેં તરત જ આંગળીને પીડાને લીધે હવામાં ઝાટકી. એવું કરવાથી લોહીનાં છાંટા પેલી આકૃતિમાં પડ્યા અને ઝાડના થડની નીચે એક ભોંયરા જેવું ખુલી ગયું. અમે બધા અવાચક બનીને તે જોઈ રહ્યા.

અમને થોડીવાર તો કંઈ સમજાયું નહીં કે આ કેવી રીતે બન્યું. અમને ખૂબ જ ડર પણ લાગી રહ્યો હતો. થોડીવાર પછી મને એ સમજાઈ ગયું કે આ જે કંઈ પણ ચિત્રણ હતું તે કોઈ તાંત્રિક શક્તિથી બનાવેલું હતું. અચાનક થયેલા લોહીનાં અભિષેકથી તેનું રહસ્ય છતું થયું હતું.

અમે બેટરી લઈને એ ભોંયરા નજીક પહોંચ્યા. તેમાં અંદર જવા માટેની સાંકડી કેડી પણ હતી. અંદરથી અજીબ પ્રકારના અવાજો પણ આવી રહ્યા હતા. અમે એ તો સમજી ગયા કે જે કંઈ પણ છે તે આ ભોંયરાની અંદર જ છે. કદાચ કામીની અને તેની માં તેમજ આશિષ અને કલ્પેશ પણ આ ભોંયરાની અંદર જ હોવા જોઈએ.

અમે એકબીજા સામે જોયું. અમે લોકો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર હતા. રાહુલ પોતાનો થેલો લઈને આવ્યો હતો એ સારું હતું કારણ કે તેમાં પાણીની બોટલો હતી. એમાંથી એક બોટલમાંથી અમે બધાએ પાણી પીધું અને દરેકે પોતાની આંખોમાં છાંટ્યું જેથી અમારા પર જે નશા જેવું હતું તેની અસર ઓછી થાય.

" ભાઈ! આપણે આ ભોંયરાની અંદર જવાનું છે. આપણને ખબર નથી કે આપણો સામનો કોની સાથે થવાનો છે પરંતુ આપણે ગમે તે થાય હિંમત હારવાની નથી. કલ્પેશભાઈ રોજ રાત્રે સુતી વખતે હનુમાન ચાલીસાના પાઠ કરે છે એટલે મને વિશ્વાસ છે કે કોઈપણ તેનું કંઈ ખરાબ નહીં કરી શકે. અત્યારે જે સમય છે એવા સમયે શૈતાની શક્તિઓની તાકાત વધી જતી હોય છે એટલે આપણે સાવધાની પૂર્વક આગળ વધવાનું છે." મેં દરેકને સાવધાન કરતાં કહ્યું.

"હા જનાબ! તારી વાત સાચી છે. આપણે હવે હિંમત હારવાની નથી." મનોજભાઈએ મારી વાતનું સમર્થન કરતાં કહ્યું.

પોતાના અચાનક ગાયબ થઈ ગયેલા બે મિત્રોને શોધવા કશી પણ પરવા કર્યા વિના બાકીના ચાર મિત્રો એ રહસ્યમય ભોંયરામાં જવા માટે તૈયાર થઈ જાય છે.

મનોજભાઈ બેટરી લઈને અમારી આગળ થયા. ભોંયરાનું મુખ સાંકડું હોવાથી માંડ - માંડ તેમાં જઈ શકાય એમ હતું. અમે એક પછી એક ભોંયરામાં દાખલ થયા. અંદરનો માર્ગ ખૂબ જ સાંકડો હતો. ભોંયરામાંથી અજીબ પ્રકારના અવાજો આવી રહ્યા હતા. જાણે કોઈ મંત્ર - તંત્ર કરી રહ્યું હોય એવું લાગતું હતું.

અમે સાવધાની પૂર્વક અને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. અચાનક મને કંઈક યાદ આવ્યું. મેં મનોજભાઇને ઊભા રાખીને કહ્યું, " આપણે હનુમાન દાદાની જગ્યાએ ગયા હતા ત્યારે પૂજારીબાપાએ છૂટા પડતી વખતે તમને શું આપ્યું હતું?? મને યાદ છે ત્યાં સુધી પૂજારીજીએ કંઠી જેવું કંઈક આપ્યું હતું."

" હા. પૂજારીજીએ મને હનુમાનજીની છબીવાળી બે - ત્રણ કંઠી આપી હતી. મેં એ ખીસ્સામાં જ રાખી છે. મને એ વિશે કંઈ યાદ જ નહોતું પણ એનું શું કરવું છે??" મનોજભાઈએ કહ્યું.

" એ કંઠી બધાને આપી દો. આવી વસ્તુઓથી શેતાની શક્તિઓ દૂર રહે છે. કંઈ પણ એવું થાય તો આ કંઠી તેની સામે ધરી દેવાની." મેં મનોજભાઈને કહ્યું.

બધાને કંઠી આપ્યા બાદ અમે લોકો ભોંયરામાં આગળ વધ્યા. થોડે દૂર મશાલોનો પ્રકાશ નજરે પડતો હતો. એ જગ્યાએ ભોંયરું પણ પહોળું હોય એવું લાગતું હતું.

શરીરમાં અશક્તિને લીધે અમને બધાને ખૂબ જ તકલીફ પડી રહી હતી. અમુક જગ્યાએ ભોંયરું ખૂબ જ સાંકડું હોવાને લીધે શરીર પર ઉઝરડા પડી ગયા હતા. આખરે અમે એ મશાલના અજવાળા નજીક પહોંચ્યા જ્યાંથી સતત કંઈક અવાજ આવી રહ્યો હતો.

અમે થોડે દૂરથી જોયું તો અમારા પગ તળેથી જાણે ધરતી સરકી ગઈ. ખૂબ જ ભયાવહ નજારો હતો. દીવાલમાં ચારે તરફ મશાલો સળગતી હતી. સામેની દિવાલ પર એક શેતાન જેવું ભયાનક ચિત્રણ કરેલું હતું.

ભોંયરાની બરોબર વચ્ચે એક થોડા ઊંચા ભાગ પર કલ્પેશ અને આશિષ બેહોશ જેવી હાલતમાં પડ્યા હતા. તેમનાં શરીર પરના કપડાં ગાયબ હતાં. એમની બરોબર આગળ જ એક નાનકડી આગ સળગાવવામાં આવી હતી. માનવ ખોપડી અને બે - ત્રણ હાડકાંઓ પણ પાસે પડેલાં હતાં.

આગ જ્યાં સળગતી હતી તેની ફરતી બાજુ એક વિચિત્ર પ્રકારની ગોળાકાર આકૃતિ દોરેલી હતી અને તેમાં ષટ્કોણાકારે ડીઝાઈન બનાવેલી હતી. તેની આસપાસ બીજી ઘણી બધી વસ્તુઓ પણ પડેલી હતી.

આ બધાથી પણ ભયાનક એ સ્ત્રી હતી જે અડધા જેટલી આંખો બંધ કરીને કંઈક રટણ કરી રહી હતી. તેના માથા પર સફેદ રંગ લગાડ્યો હોય તેવા એકદમ ધોળા દૂધ જેવા તેના વાળ હતા. હાથની આંગળીઓમાં નાની છરીઓ લગાડી હોય તેવા તીક્ષ્ણ અને અણીદાર તેના નખ હતા. તેના શરીર પર કમર ફરતે બસ નામ માત્રનું વસ્ત્ર વિટાળેલું હતું. આ કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું લાગી રહ્યું હતું. તેને જોઈને ભલભલા ભડવીર પણ ડરી જાય એવું બિહામણું તેનું રૂપ હતું.

આ બધું અત્યાર સુધી અમે માત્ર ફિલ્મોમાં જ જોયું હતું. અત્યારે સાક્ષાત અમારી સામે આવું ભયાનક દ્રશ્ય જોઈને અમારી છાતીના પાટીયા જાણે કે બેસી ગયાં હતાં. અમને કાપો તો લોહી ન નીકળે એવી અમારી બધાની હાલત હતી. અમારામાંથી કોઈને પણ કંઈ સૂઝતું નહોતું.

" આ કોઈ ખતરનાક ડાકણ કે ચૂડેલ છે અને મને લાગે છે ત્યાં સુધી તે કલ્પેશ અને આશિષની બલી આપવાની હોય. અત્યારે તે કદાચ તાંત્રિક સાધના કરી રહી હોય એવું લાગે છે. આપણી પાસે સમય બહુ ઓછો છે. આપણે જે કંઈ કરી શકીએ તે બહુ જલદી કરવું પડશે." મેં બધાને ઉદ્દેશીને કહ્યું.

અમારામાંથી કોઈને પણ વિશ્વાસ નહોતો કે અમે એ ડાકણની ચંગુલમાંથી અમારા મિત્રોને છોડાવી શકીશું. અમારે બસ ઈશ્વરનો સહારો હતો. અમે બધાએ પ્રાર્થના કરી કે આ શેતાની શક્તિઓથી અમારા મિત્રોને છૂટકારો મળી જાય.

એટલામાં અચાનક અમે જ્યાં ઊભા હતા ત્યાં બાજુમાં કોઈના ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. અમે પાછળ ફરીને જોયું તો ત્યાં કામીની હતી.

" એમ કંઈ જલ્દી તમને લોકોને છૂટકારો નહીં મળે. તમારા મિત્રો તમારી પાસે ક્યારેય નહીં આવે. લાગે છે મેં ભેળવેલા નશીલા પદાર્થની અસર તમારા પર ઓછી થઈ. તમે અહીં સુધી પણ પહોંચી ગયા?? તમે લોકો અહીં સુધી ભલે પહોંચી ગયા હોય પણ હવે તમારી હાલત પણ તમારા મિત્રો જેવી જ થશે. હું એકલી જ તમારા બધાનું લોહી ચૂસી લઈશ.." ખડખડાટ હાસ્ય સાથે કામીનીએ અમને ડરાવતા કહ્યું.

" અમે તારા પર ભરોસો કરીને અહીં સુધી આવ્યા હતા. અને તું જ અમને મારી નાખવા માંગે છે?? " રાહુલે ડર્યા વિના કામીનીને કહ્યું.

" ભરોસો?? તમે જાણો છો હું કોણ છું?? હું એક ચૂડેલ છું. હું રૂપ બદલી શકું છું. તમે હોંશિયાર થઈને આવા જંગલમાં મારી સાથે આવ્યા તે તમારી મુર્ખામી છે." એ જ ખડખડાટ હાસ્ય સાથે કામીનીએ કહ્યું.

" અમે લોકો મદદની અપેક્ષાએ અહીં આવ્યા હતા. અમને એમ કે તું કોઈ સારી સ્રી હશે. તું અમને વશમાં કરીને અહીં લઈ આવી છે." મનોજભાઈએ કહ્યું.

" હા. તમને બધાને વશમાં કર્યા હતા પરંતુ તમારામાંથી એક વ્યક્તિ મારા વશમાં નહોતો થઈ શક્યો. આવી વ્યક્તિની બલિ આપીએ તો અસીમ શક્તિઓ મળે છે." કામીનીએ કહ્યું.

" તમે શક્તિઓ મેળવવા માટે નિર્દોષ લોકો અને પ્રાણીઓની બલિ આપો છો પણ એટલું યાદ રાખજો કે તમારા કરતાં પણ ઈશ્વર વધુ શક્તિશાળી છે. જ્યારે એનો સામનો થશે ત્યારે તમારી આ પાપની અગોચર દૂનિયા ખતમ થઈ જશે." મેં મક્કમતાથી કામીનીને કહ્યું.

" શેતાન જ અમારા માટે સર્વોપરી છે. જે અમને શક્તિઓ આપે છે. અમે વર્ષો સુધી જીવિત રહી શકીએ છીએ. તમારી જેમ ઘણીવાર કોઈ ભૂલા પડીને આ બાજુ આવી ચડે છે અને તેની ગંધ મારી આ માંને આવી જાય છે. તે અમારી જાળમાં ફસાઈને આ રીતે મોતને ભેટે છે." કામીનીએ એક તરફ પડેલો માનવ અસ્થિઓનો ઢગલો બતાવતા કહ્યું.

" તમને હજુ સુધી ઈશ્વરનો પરચો મળ્યો નથી. જ્યારે એનો પરચો મળી જશે ત્યારે તમારો શેતાન પણ ખતમ થઈ જશે." ભાવેશે પણ હિંમતમાં આવી કહ્યું.

" બસ. હવે બહુ થયું. લાગે છે તમને મોતનો સાક્ષાત્કાર કરાવવો જ પડશે. તમારી હાલત પણ થોડી જ વારમાં તમારા મિત્રો જેવી થવાની છે. તમારા બધાંનો શિકાર હું એકલી જ કરીશ. તમે અત્યાર સુધી મારી સુંદરતા જ જોઈ છે ને! તો હવે મારું અસલી રૂપ અને ભયંકરતા પણ જોઈ લો." કામીનીએ લાલચોળ આંખો કરી હવામાં પોતાના હાથ અધ્ધર કરતાં કહ્યું.

કામીનીએ એટલું બોલી હવામાં પોતાના હાથ ફેલાવ્યા અને એ જ રીતે ધીમે - ધીમે પોતાના હાથને નીચે સુધી લાવી. અમારા બધાના આશ્ચર્યની વચ્ચે કામીની ગાયબ થઈ ગઈ અને એક અત્યંત બિહામણી સ્ત્રી અમારી સામે પ્રકટ થઈ.

હવામાં અધ્ધર ઉડતા વાળવાળી એ ચૂડેલની પાંપણ વિનાની લાલચોળ આંખો હતી. એનાં ગાલ ઉઝરડાને લીધે ખરડાઈ ગયા હતા. એનાં મોટા - મોટા હોઠ ફાટેલાં હતા અને તેમાંથી લોહી ટપકી રહ્યું હતું. એના બધા જ નખ અણીદાર અને તીક્ષ્ણ હતાં. તેના શરીર પર કોઈ જાતનું આવરણ નહોતું. આખું શરીર લોહીથી ખરડાયેલુ હતું.

નીચેની તરફ જોતાં જ અમને ચક્કર આવી ગયાં. તેના પગ સામાન્ય માણસો કરતાં વિરુદ્ધ દિશામાં હતાં. એક જીવતું જાગતું મોત અમારી સામે ઊભું હતું.

અચાનક તેણે પોતાની ગરદન ચારે દિશામાં ગોળ - ગોળ ફેરવીને એક અટ્ટહાસ્ય કર્યું. એ જોઈને મનોજભાઈના હાથમાંથી બેટરી પણ પડી ગઈ. અમારી હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ....( વધુ આવતા અંકે )

આ ભયંકર ચૂડેલ અમારી સાથે શું કરશે? અમને આ ચૂડેલ અને ડાકણથી છૂટકારો કઈ રીતે મળશે?? નાનકડી છોકરી કોણ હતી?? અમે સહી સલામત અહીંથી નીકળી શકીશું કે કેમ?? જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી આ ગેબી યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.

રેટ કરો અને રિવ્યુ આપો

priyanka nandasana

priyanka nandasana 1 અઠવાડિયા પહેલા

Natvar Patel

Natvar Patel 4 અઠવાડિયા પહેલા

vijay bamaniya

vijay bamaniya 5 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Vranda Wadhia

Vranda Wadhia 11 માસ પહેલા

શેયર કરો