માનવજીવન નું મોટામાં મોટું અનિષ્ટ હોય તો તે છે લોભ અને ઈર્ષ્યા. આજે ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ ચારેય બાજુ લોભ અને ઈર્ષ્યા છે. લોભ આવવાનાં કારણે વ્યક્તિઓ પાપ કરતાં અચકાતા નથી. અને આ લોભ અને ઈર્ષ્યા નું કારણ મોહ છે. માણસે હંમેશાં કઈંક મેળવવું છે. પણ આ કઈંક માં જ બધું સામેલ થઈ જાય. માનવી મૃત્યુ પામે પણ તેની ઈચ્છા ઓ પુરી થતી નથી. એ અધુરી ઈચ્છાઓ નું લીસ્ટ એટલે વસિયતનામું. સાદી ભાષા માં કહેવું હોય તો કાયદેસર ની ઈચ્છાઓ કે જે આવનારી પેઢીઓ એ પુરી કરવાની! અને ના થાય તો એનો પણ માર્ગ શોધી રાખ્યો છે તે માર્ગ એટલે પિતૃઓ દુખી થશે તો કઈંક ખરાબ થશે એવું કહેવા વાળા આપણાં વડીલો.! પરિણામે થાય એવું કે જે પિતૃઓ નું મોં પણ જોયું નથી એવાં પિતૃઓ ની ઈચ્છાઓ પુરી કરવા આખા ઘરનાં તમામ સભ્યો કામે લાગે.!અને આપણે જ પાછા કહીએ પણ કે મારા છોકરાએ તો જીવન માં કઈ કર્યું જ નથી. પણ એને કરવાનો મોકો આપ્યો? હજુ દીકરો સમજતો થયો એમાં તો વડીલો ની ઈચ્છાઓ નું લીસ્ટ એને આપી દેવામાં આવે છે. અને આ લીસ્ટ પુર્ણ કરવાં દીકરાની અડધી જીંદગી વીતી જાય છે. એકબાજુ એમ પણ કહેવાય કે બધું અહીં નું અહીં જ રહેવાનું અને બીજી બાજુ બધું મારું મારું કરીને ભેગું કરવામાં જીવન પતી જાય. બસ આ જ કામ, મનુષ્ય નો અવતાર લો, ભેગું કરો અને જાવ.! અંતે થાય એટલું કે ભેગું કરે બીજા અને એનો ઉપયોગ કરે બીજા. અને બીજા પણ આ જ ચક્ર ચલાવે. પાછળની પેઢી નું વાપરો અને આવનારી પેઢી માટે ફરી ભેગું કરો. આ વાતનું તથ્ય કેટલાં અંશે વાજબી છે?
મોહ રાખવો જ હોય તો તમારાં જીવનનો રાખો. જીવન અમુલ્ય છે પણ જીવન જીવવામાં જ આખું જીવન ખર્ચાઈ જાય છે. જોયું? ભગવાને આપણને જીવન તો મફતમાં આપ્યું પણ એનાં માટે કિંમત સ્વરૂપે આખી જીંદગી દુખ અને સુખ સ્વરૂપે કિંમત વસુલ કરે છે. એટલાં માટે કહેવાય છે કે મફતમાં કઈં જ મળતું નથી. આપણે જે મારું મારું કરીએ એ કેટલા અંશે મારું છે? એક જીવ પણ આપણો નથી એ પણ ભગવાને આપ્યો છે. તો શાના માટે મારું મારું કરી મોહ રાખવો? બધું જ નાશવંત છે. જે પણ કઈ મળ્યું છે એને ભગવાન નાં આશીર્વાદ માનીને સ્વીકારી લઈને સંતોષ માનવો જોઈએ.
આ કળિયુગમાં ભગવાન નો બનાવેલો માનવી ભગવાન ને બનાવી જાય છે. અને ગંગામાં ડુબકી મારીને પોતાનાં પાપો ધોવાઈ ગયાં નાં મિથ્યાભિમાન માં રહે છે. જો એક ડુબકી મારવાથી પાપ ધોવાતા હોત તો ભગવાન ની જરુર ખરી? પાપ કરો ડુબકી મારી આવો! આજનાં માણસ ને ભગવાન નો પણ ડર નથી. પોતાને જ સર્વસ્વ માને છે. કોઈએ કર્મ કરવું નથી પણ પોતાની ઈચ્છાઓ, લાલસાઓ ભગવાન ની સામે રડી રડી ને પુરી કરાવવી છે. 10 રુપિયા નું નારિયેળ ચડાવીને 10 લાખ માંગવા વાળા પણ અહીં વસેલા છે અને એમાં જો કઈંક સારું થયું તો મેં કર્યું કહી બધો જશ પોતે લઈ લે છે. અને જો પરિણામ વિપરીત આવ્યું તો એનો દોષ ભગવાન પર.
કેટલાક લોકો નસીબના ભરોસે બેસી રહે છે. તો કેટલાક એવાં પણ છે જે હંમેશા રો’તાં રહે છે, નસીબ માં કઈ મળે નહીં, ભગવાન કઈ આપતો નથી અરે ભગવાને તમને આટલો સરસ દેહ આપ્યો આટલું અમુલ્ય કીંમતી આયુષ્ય આપ્યું પોતે હાથ પર હાથ ધરીને બેસી રહેવું અને દોષ ભગવાન ને! લોટરી જીતવા માટે પહેલાં લોટરી ખરીદવાનું ‘કષ્ટ’ ઉઠાવવું પડે. તમે નસીબ ના જોરે બેસી રહો, ભગવાન પાસે હંમેશા હાથ લંબાવ્યા કરો અને ભગવાન તમને આપવા માટે બેઠેલા જ છે, પરંતુ કારણની રાહ જોઈ છે. અને આ કારણ એટલે પુરુષાર્થ. પુરુષાર્થ કરો ભગવાન આપશે જ. અરે! જેમણે અબજો રુપિયા નો નશ્વર દેહ આપ્યો તેનાં માટે તુચ્છ રકમ આપવી એ કોઈ મોટી વાત નથી. પણ એનાં માટે કોઈ અવેજ તો જોઈએ ને! બેન્ક વાળા પણ અવેજ વગર ‘ઉછીના’ નાણાં નથી આપતાં, આતો આપશે તો પાછાં લેશે પણ નહીં...તો એનાં માટે કઈંક તો ‘પ્રૂફ’ લેશે જ ને!
જો આપણે સારા પરિણામો નો જશ પોતે લેતાં હોઈએ તો નરસાં પરિણામો નો દોષ બીજાઓ કે ભગવાને આપવાનો અધિકાર કોણે આપ્યો? તમે જે કર્મ કરો છો એનું ફળ મળે છે. તમે કીચડ માં પથ્થર ફેંકો અને તમને અત્તર ની સુગંધ મળે ખરી? બસ, આ જ કરવું છે બધાંએ પથ્થર ફેંકતી વખતે એ નથી જોતાં કે કીચડ છે, અને છાંટા ઉડે ત્યારે લોકોને દોષ આપવો કે કીચડ કરી નાંખ્યું સમજ પડતી હશે કે નંઈ? જેનાંથી કીચડ બન્યું એ અજાણતાં માં પણ બન્યું હોય, પરંતુ પથ્થર ફેંકતી વખતે ધ્યાન રાખવું એ કોની ફરજ છે?
આપણો અવતાર સારાં કાર્યો કરવાં માટે થયો છે. પરંતુ વાસ્તવમાં આપણે કાર્યો કરીએ પછી ખબર પડે કે આ કામ નો’તું કરવું! એવું પણ બની શકે કે એક વ્યક્તિ નું ખોટું કામ બીજા માટે સારું બની શકે. જેમકે વકીલ પોતાના અસીલો ખોટાં હોવા છતાં કેસ લડીને જીતે છે. અહીં ખોટાં ની જીત થઈ, પરંતુ એમાં વકીલ ને દોષી ઠેરવી શકાય નહીં, કેમકે એ એનું કામ છે, એની રોજી છે. ન્યુટન નાં નિયમ માં કહ્યું છે કે તમે જેટલાં બળથી વસ્તુ ફેંકશો એટલી જ જોરથી પાછી આવશે. તે જ રીતે તમે જેટલાં સારાં કે ખોટાં કાર્યો કરશો તેટલું જ પરિણામ ભોગવવા ની તૈયારી રાખવી પડશે.
ભગવાને કહ્યું છે કે મારાં પર ભરોસો રાખવો, પણ મારા ભરોસે બેસી ના રહો. જો તમારે આગળ વધવું જ છે તો તમારાં બળ બુધ્ધિ થી વધો. એક વખત કોઈ હાથ આપશે પછી એ હાથની તમને આદત પડી જશે અને તમે તમારી રીતે કોઈપણ કાર્ય કરવાં અસમર્થ બની જશો.
આજનાં ટેકનોલોજી નાં યુગમાં માનવી પણ મશીન જેવો થઈ ગયો છે. અને કેમ ના થાય? આપણે તો કહેવત બનાવી સંગ તેવો રંગ! હવે જે જેની સાથે આખો દિવસ વિતાવે એનાં ગુણો તો આવવાનાં જ. આજે આપણી આજુબાજુ લાચાર, બિચારાં લોકોનો મેળો લાગ્યો છે. જી હા, આ યુગ માં બધું જ છે માટે લાચારી છે. પહેલાં કઈ નહિં હતું એટલે લાચારી હતી. જે જોઈએ આંગળી નાં ટેરવે હાજર! કોઈપણ પ્રકારનો શ્રમ કર્યા વગર બધું જ હાથવગું ઉપલબ્ધ છે. પછી મહેનત કરવાની શું જરૂર છે? આ લાચારી જ કહેવાય ને! એક દિવસ ઈન્ટરનેટ નહીં ચાલે કે ટીવી નહીં ચાલે તો જાણે દુનિયા ખતમ થઈ ગઈ હોય, બધું લુંટાઈ ગયું હોય એમ નિરાશ થઈને બેસી જાવ. હા, લુંટાઈ ગયું છે એ પોતાના હાથની મહેનત નો મીઠો રોટલો અને ગામ આખાની પંચાત કરવા વાળો ઓટલો. આ બંન્ને સુખ લુંટાઈ ગયાં છે. આજની પેઢી ને કદાચ રોટલા ની અને ઓટલા ની વ્યાખ્યા સમજાવી પડે છે. મારાં દિકરાને ગરમી ના લાગવી જોઈએ માટે એ.સી. મંગાવ્યું! હવે જે દીકરો 35 ડીગ્રી તાપમાન સહન ના કરી શકે એની પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય? જરાક નીચે બેસી પડાય એટલે ડૉક્ટરો ની આખેઆખી ટીમ 24×7 હાજર! ખડતલ બનાવવા ની જગ્યાએ પાંગળાં બનાવી દીધાં છે આ ટેકનોલોજી એ બધાંને..આપણને ટેકનોલોજી એ પોતાના ભરડામાં એવાં લીધા છે કે ટેકનોલોજી ને આપણે નહીં પણ ટેકનોલોજી આપણો ઉપયોગ કરતી થઈ ગઈ છે.
આજે વિજ્ઞાન ચંદ્ર પર પહોંચી ગયું છે પણ માણસ નાં મગજ સુધી કોઈપણ ટેકનોલોજી હજુ સુધી પહોંચી શકી નથી.
મગજ ચંચળ છે હંમેશાં આમતેમ ભટકતું રહે અને ભટકાવતું રહે. મન જીવન જીવવાની હંમેશાં ઈચ્છા રાખે છે. દરરોજ નવી ઈચ્છાઓ, નવી રાહ ખુલ્લી થાય છે અને આ જ ઈચ્છાઓ અને રાહ સુધી પહોંચવામાં સમય પુરો થતો જાય. જેની પાસે જે વસ્તુ નથી તે વસ્તુ મેળવવા વ્યક્તિ હંમેશા ઈચ્છાઓ રાખતો હોય છે. કાશ મારી પાસે આ હોય તો સારું, પેલું હોય તો સારું..! જેમની પાસે બધું જ છે એમને પણ વધુ ને વધુ મેળવવું છે. બધાએ જ સ્વર્ગ માં જવું છે અને સ્વર્ગ માં જવા જેવાં કાર્યો કરવાનું કહેવામાં આવે તો તેની પાસે સમય નથી. કેમકે ઈચ્છાઓ પુરી કરવાની ને! અને આ ઈચ્છાઓ ફકત ઈચ્છાઓ પૂરતી સીમિત રહે ત્યાં સુધી સારું પણ જ્યારે લોભ માં પરિણમે ત્યારથી પતન થવાનું પાક્કું. હાઈબ્રીડ ખાઈને મન પણ હાઈબ્રીડ થવાં લાગ્યા. સાઈકલ હોય તેને બાઈક જોઈએ, બાઈક હોય તેને કાર જોઈએ બસ આમને આમ ઈચ્છાઓ નું ચક્ર ચાલતું જ રહે છે. પણ એ નથી વિચારતાં કે આ ઈચ્છાઓ નાં ચક્રવ્યૂહ માં સૌથી કિંમતી એવું અમૂલ્ય જીવન ખોઈ રહ્યા છીએ. તેથી જ કહેવું ઘટે કે માણસ જાગતો પણ સુતેલા સમાન છે. જાગતાં જાગતાં પણ સપનાં જોતો જ રહે છે. અને આના કારણે આનંદ માણી શકતો નથી. અને નિરાશ રહે છે. શા માટે નિરાશ થવાનું? તમારું જીવન એક મામુલી કાર કે બાઈક માટે થઈને અટકી જવાનું છે? જરા વિચારો જ્યારે પેટ્રોલ ડિઝલ વાળાની હડતાળ હશે તો એક નાની સાઈકલ જ તમારી મંઝિલ સુધી પહોંચાડશે અને સૌથી ખુશ સાઈકલ વાળો હશે.!હકારાત્મક વિચારો..જે નથી એનું દુખ કરવાં કરતાં જે છે એમાં સુખ શોધો. આપોઆપ જ દુનિયા બદલાઈ જશે.
મારા મુજબ સુખની એક જ વ્યાખ્યા છે તે એટલે સંતોષ.
જી હા, સુખ એટલે સંતોષ. જે આજે કોઈ માં જ નથી. ભાગ્યેજ એવુ કોઈક જોવામાં આવશે કે જે કહે હું ખુબ જ ખુશ છુ. મારી પાસે બધું જ છે. હવે મને કઈં જ નહી જોઈએ.
બધું ભેગું કરીને પણ જવાનું તો ખાલી હાથ જ છે! આખી દુનિયા જીતનારો સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો આપણી તો શું વિસાત? તમે તમારી જાતને એક સવાલ પુછો, એક વસ્તુ મેળવવા માટે તમે શું શું જતું કર્યું? ત્યારે ખબર પડશે કે એક વસ્તુ મેળવવા ની જે ખુશી છે એનાં કરતા ચાર ગણી ખુશી એક વસ્તુ મેળવવા જતી કરી. કદાચ એ ચાર ગણી ખુશી મેળવી હોત તો જીવન નાં ચાર દિવસ વધી જાત. અને જે વસ્તુ મેળવવા આટ આટલી મહેનત કરી, ખુશી જતી કરી એ વસ્તુ નો આનંદ કેટલાં સમય માટે નો???એ વસ્તુ મેળવશો એટલે બીજી વસ્તુઓ ની પણ ઈચ્છાઓ થશે. અને જયાં સુધી પુરી ના થાય ત્યાં સુધી પાછી ઊંઘ હરામ..બસ, આ જ કરવાનું..એક વસ્તુ આવે એટલે તરત બીજી ની લાલચ..અને એમાં ને એમાં મેળવલ વસ્તુ નો આનંદ પણ ગુમાવી ચૂક્યા હોઈએ. મસ્ત આલીશાન ઘર બનાવવાની ઈચ્છા હોય અને ઘર બનાવી પણ દઈએ પણ ઘર બન્યું એટલે વાત પુરી??ના હજુ તો ફર્નિચર બાકી, બગીચો બાકી બધું તૈયાર થશે એટલે વળી નવી ઈચ્છાઓ, પેલા ભાઈ જેવું બનાવવું, પેલાની હવેલી કેટલી સારી, બસ આમને આમ વિચારવામાં જે ઘર આપણું સપનું હતું એ જ ઘર હવે ખાવા દોડશે.!રસ્તે જતાં હોઈએ અને અચાનક વરસાદ શરુ થઈ જાય તો મહેલો માં રહેવા વાળા પણ ઝુંપડી શોધતાં થઈ જાય છે. તે સમયે એ લોકો ને પોતાનો મહેલ યાદ નથી આવતો, પણ માથું સંતાડવા એક ઝુંપડી જ શોધે છે. તે સમયે આલીશાન મહેલ ની કિંમત કરતાં ઝુંપડી ની કિંમત વધારે હોય છે. તો હવે વિચારો મહેલ સારો કે ઝુંપડી?એવું નથી કે મહેલ ની કોઈપણ કિંમત નથી પણ અહિં ઝુંપડી નો સંતોષ મહેલ કરતાં વધારે છે. માટે જ કહેવું પડે છે કે દરેક વસ્તુ માં સંતોષ રહેલો છે. બસ અનુભવ કરવાની વૃત્તિ હોવી જોઈએ.
મોટાં સપનાં જોવામાં પણ શરુઆત તો નાનાથી જ થાય છે. મહેલ પણ એક એક નાની નાની ઈંટો ભેગી થઈને જ બને છે. પણ આપણને બધું તરત,મોટું અને 'ઇન્સ્ટંટ' જોઈએ, તકલીફ ત્યાં છે!
ભારતીય સંસ્કૃતિ માં અનેક મહાપુરુષો થઈ ગયાં જેમની પાસે કઈ જ નહિં હતું. વૈભવ વિલાસ બધું નાશવંત છે. ઘડી ની એક જ ક્ષણ માં બધું નાશ થઈ જાય છે. આજે લોકોને જે વસ્તુ નાશવંત છે એનો જ મોહ વધુ છે. તમારી મોટી મિલકત માં આગળનું સ્થાન છે વિચારો નું. જેવી તમે દુનિયા ને જોશો દુનિયા પણ તમને એવી જ દેખાય છે. આંખ પર કાળા ચશ્માં પહેરીને નીકળો તો દિવસે પણ અંધારું જ લાગે. તમે જે વિચારો છો એવું જ તમને મળે પણ છે.