સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 93
પહાડી વિસ્તારને લીધે લ્હાસા સહિત સમગ્ર તિબેટમાં વરસાદી પાણી સડસડાટ વહી જતું હતું. પરિણામે જમીનના તળ કોરાં રહી જતા. આથી અહીં રેઈન વોટર હાર્વેસ્ટિંગનો પરંપરાગત મહિમા હતો. તબેલાની ટાંકી સ્ટોરેજ કમ હાર્વેસ્ટિંગ ટેન્ક હતી. વરસાદી પાણીનો અહીં સ્ટોરેજ થાય એ માટે સાત ફૂટ લાંબી, ૧૨ ફૂટ પહોળી અને ૧૦ ફૂટ ઊંડી ટાંકીમાં દરેક બાજુ કોન્ક્રેટિંગ કરી દેવાયેલું હતું. પણ મેનહોલની બરાબર નીચે ત્રણેક ફૂટના ઘેરાવામાં ચારેક ફૂટ ઊંડો ખાડો રાખવામાં આવ્યો હતો, જેની ગોળાકાર દિવાલોને કોન્ક્રેટિંગ કર્યું હતું પણ તળિયું જમીનનું જ રખાયું હતું.
ચારેક ફૂટના એ ખાડા દ્વારા ટાંકીમાં સંગ્રહાયેલું પાણી જમીનમાં ઉતરે અને તળ ઊંચા રહે. જ્યારે બાકીનું પાણી સ્ટોરેજમાં રહે. વહેમાયેલા કેપ્ટને સતર્કતા તો બરાબર રાખી પણ સ્ટોરેજ અને વોટર હાર્વેસ્ટિંગ એવા બે હેતુ એક જ ટાંકીમાં હોય એવું તેણે ચીનમાં કદી જોયેલું નહિ. પરિણામે તેને ટાંકીમાં સાતેક ફૂટ પાણી હોવાનું લાગ્યું એ ખરેખર ચાર ફૂટના ખાડા સહિતની ઊંડાઈ હતી. જ્યારે કે ચારેક ફૂટ ઊંડા એ ખાડાની ત્રણેક ફૂટની ગોળાઈને બાદ કરતાં બાકીની ટાંકીમાં તો ત્રણેક ફૂટ જેટલું જ પાણી હતું અને મેનહોલથી નવેક ફૂટ દૂર પાંચેય જણા સામાનના પોટલા માથા પર ઊંચકીને ભીંતસરસા ચંપાઈને ઊભા હતા.
- અને એ જ હાલતમાં તેમણે આખી રાત અને બીજો અડધો દિવસ વિતાવી દેવાનો હતો. બંધિયાર ટાંકામાં વિતાવેલી એ એક-એક ઘડી એમને જન્માંતર સુધી ભૂલાવાની ન હતી.
***
તિબેટમાં ઠેરઠેર કેસીએ જડબેસલાક નેટવર્ક ગોઠવેલું હતું. તે પોતે સીધી રીતે ગણતરીના લોકોના જ સંપર્કમાં રહેતો હતો. આપણો નેતા કેસાંગ ત્સોરપે છે એ તિબેટનો પ્રત્યેક બચ્ચો જાણતો હતો પણ આ સામે ઊભેલો ફૂટડો જુવાન એ જ એનેરોગ ત્સોરપેનો દીકરો... આપણા શહીદ સરદાર યોદોન ત્સોરપેનો પૌત્ર કેસાંગ... યાને કેસી પોતે છે એવી ઓળખાણ તો જૂજ લોકોને જ હતી.
કેસી પ્રત્યક્ષ રીતે જેમના સંપર્કમાં હોય એવા આઠ-દસ લોકો, એ પ્રત્યેક લોકોના ખાસ વિશ્વાસુ એવા દસેક આદમીની બીજી ટીમ અને એ બીજી ટીમના દરેક આદમીએ વેરવિખેર ગોઠવેલા છૂટાછવાયા સ્લિપર સેલના આદમીઓ અને એ સ્લીપર સેલે પોતાની રીતે ફરતા રાખેલા બાતમીદારો.
આમ, પાંચસો-સાતસો ચૂનંદા આદમીઓના નેટવર્ક વડે કેસી મહાસત્તા ચીનને પડકારતો હતો. ત્સોરપે ખાનદાન પ્રત્યેનો અદમ્ય વિશ્વાસ, વતનપ્રેમની કસુંબલ ભાવના અને મરી ફીટવાની તત્પરતાને લીધે એકાદ-બે આદમી પકડાય તોય કેસી સુધી પહોંચવું આસાન ન હતું.
સામે મેજર ક્વાંગ યુન પણ ખંધાઈમાં ગાંજ્યો જાય તેમ ન હતો. મુક્તિવાહિનીના બાતમીદાર હોય એવા પાંચ શકમંદો ઓળખીને તેમના પર તેણે નજર રખાવી હતી. એ પૈકી એકને તેણે અત્યંત ખાનગીમાં ઊઠાવીને તેની ભારે મરમ્મત કરી હતી.
ઢોરમાર ખાઈને અધમૂઆ થઈ ગયેલા એ ખબરીએ છેવટ સુધી પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાયા કર્યું હતું. એ બેહોશ થઈ ગયો ત્યાં સુધી ખુદ મેજર યુને તેને ઠમઠોર્યો પણ તેની પાસેથી એક અક્ષર ઓકાવી ન શકાયો.
જીવતા ઉતરડાઈ જશે પણ આ લોકો મોં નહિ જ ખોલે તેની ખાતરી થયા પછી છેવટે મેજરે બીજો દાવ ખેલ્યો. તેણે બીજા શકમંદને ઊઠાવ્યો. તેની એવી રીતે જાહેરમાં અટકાયત કરી કે સૌને ખબર પડે. એ પછી છૂટા ફરતા બીજા તમામ શકમંદોની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી. એ પૈકી એક આદમી તરત મેક્સિયાંગ વિસ્તારમાં એક મોટા દુકાનદારની મરી-મસાલાની વખારમાં પહોંચ્યો હતો. એ વખારમાંથી ત્રણ આદમીઓ યાક પર સવાર થઈને ત્રણ અલગ અલગ જગાએ પહોંચ્યા હતા.
એ કેસીની કાબેલિયત હતી. અહીં તેણે ત્રણ ઠેકાણાના ઓપ્શન આપ્યા હોય અને પોતે એ ત્રણ પૈકી કોઈ એક જગાએ હોય અથવા ન પણ હોય.
વખારમાંથી નીકળેલા ત્રણ પૈકી એક યાક સવાર કુનિયાંગ બજારમાં આવેલ હેન્ડીક્રાફ્ટની એક દુકાને પહોંચ્યો હતો. તબેલાઓથી અડધો કિલોમીટર છેટે તિબેટી ગાલીચાનો ધંધો કરતા હેન્ડીક્રાફ્ટ હાઉસમાંથી વળી બીજો એક આદમી નીકળ્યો અને એ ત્સાર-વો પહોંચ્યો. ત્યાં તે એક ભરવાડને મળ્યો અને એ ભરવાડ ટહેલતો હોય તેમ આ ત્રીજા તબેલા પાસે આવીને ઊભો રહ્યો અને અંદરથી આવેલા એક આદમી સાથે કશીક વાત કરીને ચાલતો થયો.
બીજા બે યાક સવારોનો પીછો કરીને એવી બીજી બે જગા જાણવા મળી હતી. મેજરે ત્રણેય જગાઓના ફોલોઅપ લીધા એથી એ વધુ ગૂંચવાયો. કશું કાચું ન કપાય એ માટે ત્રણેય જગાએ રેડ પાડવાની તેણે યોજના ઘડી કાઢી.
ક્યાંયથી કશું જ મળ્યું નહિ એથી મેજરની હાલત વધારે કફોડી થઈ.
મેજરનું નસીબ એ દિવસે બરાબર વંકાયું હતું. તિબેટની આઝાદીનો મતવાલો, જેની શહાદતના રૌદ્ર ગીતોથી તિબેટીઓના મડદાં ય બેઠાં થઈ જતા એ શહીદ સરદાર યોદોન ત્સોરપેનો વારસ અને મુક્તિવાહિનીનો સૂત્રધાર કેસાંગ ખુદ તેના કબજામાં હતો. દેહાતી પહેરવેશમાં મુફલિસની માફક ગમાર જેવો ચહેરો કરીને ભોંય પર ઊભડક બેઠો હતો અને કોઈ તેને ઓળખતું ન હતું.
રિજન્ટ હાઉસમાં લવાયેલા એ સૌએ રડારોળ કરી મૂકી. થોડી જ વારમાં ખામ્પાઓના ટોળા રિજન્ટ હાઉસ પહોંચીને શોરબકોર કરવા લાગ્યા. તબેલાઓ ભાડાપટ્ટે રાખનારા એક જમીનદાર ખામ્પાએ પકડાયેલા સૌ પોતાના માણસો હોવાનું કહ્યું અને તેમની ઓળખના પૂરાવા ય રજૂ કર્યા. મજૂરી કરી ખાતા નિર્દોષોને ચીનાઓએ કોઈ કારણ વિના માત્ર શંકાના આધારે પકડયા છે એવી ભારપૂર્વકની રજૂઆતો પછી પોતાલા પેલેસના બૌધ્ધ સાધુઓએ પણ તેમને છોડી મૂકવા રિજન્ટને અપીલ કરી.
પણ મેજર ટસનો મસ થતો ન હતો.
ત્રણેય જગાએથી કેસી અને તેના પાંચ આદમી સહિત કુલ ૨૧ તિબેટીઓ પકડાયા હતા. જીવ ઉપર આવી ગયેલા મેજરે જાતભાતના સવાલો ખડા કર્યા હતા. દરેકના ઓળખના પૂરાવા, રહેઠાણની ખાતરી, સગાં-સંબંધીની ઓળખાણ, કામકાજના સ્થળ, દર છ મહિને પ્રોવિન્સ ઓફિસમાં લેવાતી હયાતિની નોંધ વગેરે બધુ જ ચકાસ્યું હતું. વગડામાં યાક ચરાવતા ખાનાબદોશ ભરવાડો સિવાય દરેકની હયાતિની નોંધ પણ મળી આવી.
તોય મેજર હજુ ય છાલ છોડતો ન હતો. તેની છઠ્ઠી ઈન્દ્રિય પોકાર કરી-કરીને કહેતી હતી કે જે કંઈ ભેદ છે એ અહીં જ છે. બપોર પછીનો અડધો દિવસ, આખી રાત અને બીજો અડધો દિવસ વીતી ગયો. ખામ્પાઓના શોરબકોર હવે વિધિવત્ત દેખાવોમાં પરિણમવા લાગ્યા હતા. મુખ્ય બજારોમાં ચીનની જોહુકમી સામે બેનરો લાગવા માંડયા હતા.
મેજર વધુ એકવાર બીજા કાફલા પાસે ત્રણેય સંદેહાત્મક સ્થળોની જડતી લેવડાવવાનો વિચાર કરી રહ્યો હતો એ જ વખતે બીજી એક ઘટના બની.
લ્હાસાથી દક્ષિણે ગેન્દોન વિહાર પાસેથી પસાર થઈ રહેલા લશ્કરી કાફલાએ ખુલ્લા ખેતરમાં આઠ-દસ આદમીઓને જોયા. તેમની તલાશી લેવા માટે ઊભા રહેવાનો હુકમ થયો તો એ લોકો નાસવા લાગ્યા. લશ્કરી આદમીઓએ પીછો કર્યો તો એ લોકોએ ફૌજી કાફલા પર આડેધડ ગ્રેનેડ ફેંક્યા તેમાં ચાર ફૌજી માર્યા ગયા અને શકમંદ લોકો નાસી છૂટયા.
એ ઘટનાથી ભરમાઈને મેજરે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તિબેટીઓની નારાજગી વધુ પ્રસરે એ પહેલાં આ લોકોને છોડી મૂકવાનો આદેશ કરી દીધો.
***
પૂરા સત્યાવીસ કલાક પછી હિરન, પ્રોફેસર, ત્વરિત, છપ્પન અને ઝુઝારનો છૂટકારો થયો ત્યારે એ દરેકની હાલત અત્યંત કફોડી હતી. છાતી સમાણા પાણીમાં ઊભા રહીને ચામડી ફદફદી ગઈ હતી. વર્ષોથી બંધ રહેલાં બારણાના સજ્જડ થઈ ગયેલા મિજાગરાની માફક દરેકના સાંધામાંથી કડેડાટી બોલી રહી હતી. અપૂરતા ઓક્સિજનને લીધે ફેફસાંને આકરો શ્રમ પડયો હતો અને શ્વાસનળી પર સોજો ચડી જવાથી દરેકને સૂકી ખાંસી શરૃ થઈ ગઈ હતી.
કેસી અને ગેરિલાઓ સાથે જ ઝડપાયેલો ઉજમ પાછો ફરીને તરત એ સૌની સારવારમાં લાગી ગયો હતો. બહાર હજુ પણ જાપ્તો હટયો ન હતો એટલે રોજિંદી પ્રવૃત્તિ જેવો જ દેખાવ કરીને સૌની હાજરી છાવરવાનું ભારે કસોટીભર્યું હતું.
એ દિવસે માંડ સાંજ ઢળી. જડતી દરમિયાન કેપ્ટન ફેંગ લ્યુના કાફલાએ ઘાસની ગંજીઓ આડેધડ ફેંદીને ખોલી નાંખી હતી. પાણી અને માટીમાં ખરડાયેલી ગંજીનો વહેલી તકે નિકાલ કરી દેવો જરૃરી હતો એમ કહીને જાપ્તાના આદમીઓની હાજરીમાં જ હાથલારી પર ઘાસના પૂળા ગોઠવાવા લાગ્યા. બે ગાડી ભરાતી જોયા પછી ફૌજી ય તડાકે ચડયા અને એમ હાથલારીના કુલ આઠ ફેરા થયા ત્યારે માંડ ઘાસનો નિકાલ થયો.
***
'એની ક્લ્યુ?' હિરને ઉચાટભર્યા અવાજે પૂછી લીધું.
ભારે ફફડાટ અને હામ તોડી નાંખે તેવા તીવ્ર તણાવના પાંત્રીસ કલાક પછી છૂટકારો થયો હતો તોય નવા પડાવ પર પહોંચીને આરામ કરવાને બદલે પ્રોફેસર કામે લાગી ગયા હતા અને ત્વરિત તેમની સહાયમાં જોડાયો હતો.
ઘસઘસાટ ઊંઘી ગયેલી હિરન થોડી થોડી વારે ઝબકીને જાગી જતી હતી અને પ્રોફેસર તરફ આશાભરી નજર ફેરવી લેતી હતી.
'ઈટ્સ નોટ ધેટ મચ ઈઝી, માય ગર્લ...' અહીં સુધીની કારમી દડમજલ, એક પછી એક બનતી જતી તોફાની ઘટનાઓ, તીવ્ર તણાવ અને પારાવાર સંઘર્ષ વચ્ચે પ્રોફેસરનો ચહેરો વધુ ફિક્કો લાગતો હતો પણ તેમની આંખોમાં હજુ ય એવી જ આગ તગતગતી હતી.
- અને હવે તેમાં આનંદની પહેલી લહેરખી ય ભળી હતી.
તેમનું અનુમાન સાચું જ હતું. આદ્ય શંકરાચાર્યે લખેલ શ્વેતાશ્વતર ઉપનિષદ વિશેનું ગાયબ થયેલું મનાતું ભાષ્ય આખરે તેમણે ખોળી કાઢ્યું હતું, પણ એ તેમનો ઉદ્દેશ ન હતો. એ તો ઉદ્દેશ ભણી લઈ જઈ શકતો સંભવિત સંકેત હતો કદાચ...
અત્યંત મુશ્કેલ સંસ્કૃતમાં લખાયેલા શ્લોકોને તેમણે ક્રમાનુસાર ગોઠવવા માંડયા. મોટાભાગના શ્લોકોની ભાષા, સ્ફૂટ થતો અર્થ તત્વચિંતન સંબંધિત જ હતો પરંતુ કેટલાંક શ્લોક તેમને અસંબધ્ધ લાગતા હતા. સિત્તેરેક જેટલા જર્જરિત પાનામાં વચ્ચેના બે પાના એવા હતા જેની ભાષા પ્રાચીન સંસ્કૃતની ગૂઢતાની સરખામણીએ થોડીક હળવી બનતી લાગતી હતી. છંદબધ્ધ શ્લોકના સ્થાને અહીં સપાટ વાક્યો વધુ હતા.
પ્રોફેસરની સુચનાને અનુસરતો ત્વરિત પણ આ ભેદથી તાજુબ થતો હતો.
શક્ય છે કે એ મૂળ હસ્તપ્રતનો ઉતારો કરનાર લહિયાની ભૂલ હોય. શક્ય છે કે એ બે પાના આ હસ્તપ્રતના હોય જ નહિ અને ગફલતથી આ બાંધામાં મૂકાઈ ગયા હોય.
પ્રોફેસરે શંકાસ્પદ શ્લોકોની અલગ નોંધ કરીને હસ્તપ્રતનું બીજું પોટલું ખોલ્યું એ સાથે તાજુબીનું ય નવું પ્રકરણ ખુલ્યું.
આજથી છવ્વીસ સો વર્ષ પહેલાં થઈ ગયેલા મહાન અવકાશભૌતિકશાસ્ત્રી વરાહમિહિરે લખેલ બૃહદ્સંહિતાના ગાયબ થયેલા ત્રણ પ્રકરણોની નોંધ તેમાં હતી. આ હસ્તપ્રતોનો કોઈકે અભ્યાસ કર્યો હોય તેવું ય લાગતું હતું કારણ કે કેટલાંય શ્લોકની નીચે પેન્સિલથી અત્યંત ઝાંખી અન્ડરલાઈન ક્યાંક દેખાતી હતી. ક્યાંક તિબેટી ભાષામાં કશુંક નોંધાયેલું હોય તેમ પણ લાગતું હતું. મેગ્નિફાઈંગ લેન્સ વડે પ્રોફેસર હસ્તપ્રતના અત્યંત પૂરાણા કાગળનો એક-એક અક્ષર ચકાસી રહ્યા હતા. અચાનક એ અટક્યા. ફાટી આંખે ત્વરિતની સામે જોયું. ફરીથી લેન્સ ધર્યો.
'કેસીઈઈઈઈઈ....' તેમના ચહેરા પર અફાટ ઉન્માદ તરી આવ્યો અને સ્થળ-કાળનું ભાન ભૂલીને ગળામાંથી ચીસ નીકળી ગઈ.
બહાર પડાળીમાં તાન્શી અને બીજા ગેરિલાઓ સાથે બેસીને કશીક ચર્ચા કરી રહેલો કેસી હાંફળોફાંફળો અંદર ધસી આવ્યો ત્યારે પ્રોફેસર હસ્તપ્રતનું ફીંડલું લઈને તેની સામે જ ઊભા રહી ગયા હતા.
'આ શું છે, વાંચ તો...' પ્રોફેસરે તેની સામે હસ્તપ્રત ધરી દીધી.
'આ તો...' કેસીએ સ્હેજ અજવાસમાં હસ્તપ્રત ખસેડીને ઝીણી આંખે જોયું, 'મને ક્યાંથી આવડે, આ તો સંસ્કૃતમાં છે...'
'એ નહિ...' પ્રોફેસરે મેગ્નિફાઈંગ લેન્સ ધરીને કેટલીક લાઈન પર આંગળી ચિંધવા માંડી, 'આ જો... આ પેન્સિલથી કરેલા ઝાંખા માર્કિંગ... આ કેટલીક ફૂટનોટ જેવી નોંધ... મને લાગે છે કે એ તિબેટી ભાષામાં છે'
'હા...' વધુ એકાગ્રતા કેળવવા જતા કેસીની ભુ્રકુટી તણાઈ આવી, 'છે તો તિબેટી ભાષા જ પણ લિપિ જૂની છે. અહીં એક જગાએ રિ. યુ. એવી કોઈક મિતાક્ષરી સહી જેવું લાગે છે.'
'ઓકે...' પ્રોફેસરે તરત ત્વરિતને એ મિતાક્ષર નોંધવા ઈશારો કર્યો અને મેગ્નિફાઈંગ લેન્સ સ્હેજ ઉપર ખસેડયો, 'આ શું લખ્યું છે?'
'ઝેત્સેંલેન્ગ દોઈલુગ્ઝુબ કાઉ સા રિન્દેમ ગ્યા ફુન્દામ' કેસી નવા નીશાળિયાની માફક એક-એક શબ્દ છુટ્ટો પાડીને બોલી રહ્યો હતો, 'રિન્દેમ મઠ સિવાય પ્રત્યેક માટે આ પ્રતિબંધિત કરવું'
'અને આ...?' કેસીના ભાષાંતરના એક-એક શબ્દે પ્રોફેસરના અવાજનો કંપ ઊંચકાતો જતો હતો.
'શ્યે ત્સાં સુદ નોર્બુલિંગ્કા... તમામ ગ્રંથો નોર્બુલિંગ્કા ખાતે કોઈ એક જ જગાએ ખસેડવા અને નોર્બુલિન્ગકામાં શ્ત્સેલિંગ્કા ખાતે...'
'એટલે?' ઉન્માદનો લાલઘૂમ રંગ પકડી રહેલા પ્રોફેસરના ગોરા, ફિક્કા ચહેરા પર કશ્મકશ તરી આવી.
'એટલે...' કેસીએ ફરીથી એ લાઈન વાંચી, 'અહીં એવું કંઈક કહેવાયું છે કે બધા જ ગ્રંથો નોર્બુલિંગ્કા ખાતે મૂકવા'
'નોર્બુલિંગ્કા એટલે?'
'નોર્બુલિંગ્કા એટલે...' કેસીની આંખો ઘડીક મિંચાઈ. તેના હોઠ ઘડીક ફફડયા. 'એ પરમપવિત્ર દલાઈ લામાનો મહેલ છે, જ્યાં...' ફરીથી તે ખચકાયો. તેની આંખો મિંચાઈ અને ફરીથી અસ્ફૂટપણે કશુંક બબડીને તેણે પ્રોફેસરની સામે જોઈને ઉમેર્યું, 'જ્યાં પવિત્ર ધર્મસત્તાના પ્રતીક સમો દલાઈ લામાનો ક્રાઉન અને છડી રાખવામાં આવ્યા છે.'
'તો આ બીજો શબ્દ શ્ત્સેલિંગ્કા શું છે?'
'એ...' પ્રોફેસર કેસીને એકધારા તાકી રહ્યા હતા. તેમની નજરના તાપથી કેસી ઘડીક થોથવાઈ ગયો, 'ઈટ્સ પ્યોર તિબેટી વર્ડ. આઈ કાન્ટ એક્સ્પ્લેઈન એક્ઝેક્ટ મિનિંગ પણ તેનો અર્થ એવો થાય કે ઉનાળાની ગરમી વખતે ઠંડક આપતી ટેકરી... યાને સમરહિલ'
'અને એ પછીનું વાક્ય?'
'એ કશીક કવિતા જેવું લાગે છે... જેનો અર્થ મને કદાચ નહિ આવડે... કદાચ.. ' કેસીએ થોથવાતા અવાજે તિબેટી વાક્ય વાંચ્યું અને બોલવા માંડયું, 'આખી દુનિયાનું વૃક્ષ મારામાંથી નીકળે છે... મારી ફેઈમ યાને પ્રતિષ્ઠા પર્વત જેવી છે... બહુ વિચિત્ર ભાષા છે આ..' કેસીએ કંટાળાના ભાવે પ્રોફેસરની સામે જોયું. હિરન હજુ ય પ્રોફેસરના દિમાગમાં ઝડપભેર બદલાતા ભાવ પકડવા મથતી હતી. ત્વરિત હજુ ય દંગ થઈને ફાટી આંખે જોઈ રહ્યો હતો.
- અને પ્રોફેસરે મોટા અવાજે નાના બાળકની માફક ખુશહાલ અવાજે બોલવા માંડયું, 'જ્ઞાનનો પ્રકાશ મારું રક્ષણ કરે છે... સુમેધા અમૃતોક્ષિત'
કેસી તાજુબીભેર જોઈ રહ્યો અને પ્રોફેસરે બેય હાથ હવામાં આકાશ તરફ ફેલાવીને બંધ આંખે ગરદન ઊંચકી દીધી.
(ક્રમશઃ)