નેહા નાનપણથી જ બધીજ વાતની ચીવટ રાખતી હતી. કોઈ પણ કામ કરે પણ એને પુરતા ધગશથી પાર પાડતી હતી. એના કામમાં ક્યારેય કઈ કહેવા પણું રહેતું નહીં. નેહાના પરિવારમાં તેના માતાપિતા, તેનાથી નાની એક બેન, એક ભાઈ એમ નાનો પરિવાર હતો.
અભ્યાસ પૂરો કર્યા બાદ એના લગ્ન એક સુખી અને સુશીલ પરિવારના એકના એક પુત્ર સાથે થયા હતા.
નેહાના પતિનું નામ મિલન હતું. મિલન આયુર્વેદિક ડૉક્ટર બનીને સાવરકુંડલા પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવતો હતો. નેહાના સાસરે એના સાસુસસરા, કાકાજી સસરા અને ૨ નણંદ હતા. મોટા નણંદના લગ્ન થઈ ગયા હતા. આમ સાસરું પણ નાના પરિવાર વારુ જ હતું. આથી નેહા ખુશખુશાલ જિંદગી જીવી રહી હતી.
લગ્નને ૧ વર્ષ થયું હશે ત્યાં નેહાના જીવનમાં એક નવું અનમોલ બાળક આવવાનું હતું. આ વાત સાંભળી નેહા ખુબ ખુશ થઈ ગઈ હતી, હા એ ગર્ભવતી બની હતી. એ પોતાની ખુશી સમેટી શક્તિ નહોતી.
એક સ્ત્રીમાં કંઈક અલગ જ અનુભૂતિ થતી હોય છે,
જયારે પોતાના જીવમાં બીજો જીવ અનુભવતી હોય છે...
નેહા પોતાના સીમન્તોસ્તવ બાદ પિયર આવી હતી. નેહાની પ્રસુતિ એના પિયરમાં જ કરવાની હોવાથી એ પિયર પહોંચી ને પેલું કામ એણે પોતાના ગાયનેક ર્ડોક્ટરને મળવાનું કર્યું હતું. ગામમાં સારી એક જ મલ્ટીસ્પેસ્યાલીસ્ટ હોસ્પિટલ હતી. આથી ત્યાં નેહાએ પોતાના નામની નોંધણી કરાવી લીધી હતી. અને ર્ડો ને મળીને બધા જુના રિપોર્ટ્સ અને જે દવાઓ ચાલુ હતી એ વિશે પણ જાણકારી નવા લેડી ર્ડોક્ટરને નેહાએ આપી હતી. ડોક્ટરએ બધું ચેક કર્યા બાદ નેહાને કીધું કે, "તમારી તબિયત ખુબ સરસ છે. બાળકનો ગ્રોથ પણ સારો છે. તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ફરી ૧૫ દિવસ પછી ચેકઅપ માટે આવજો."
નેહા ડૉક્ટરની વાત સાંભળી ખુશ થઈ ગઈ હતી. નેહાએ હોસ્પિટલથી નીકળતી વખતે ર્ડોક્ટરને પૂછ્યું હતું કે, મારી ડીલેવરી દિવાળીની આસપાસ હશે તો ત્યારે તમે હાજર તો હશોને? તમે બહારગામ તો નથી જવાનાને? ડોક્ટરે કીધું કે, હું દિવાળી પછી બહારગામ ૧૦ દિવસમાટે જવાની છું, પણ તમે ચિંતા ન કરો જો હું રજા પર હોવ અને લેબર પેઈન શરૂ થાય તો બીજા ગાયનેક તમને સારવાર આપશે.
નેહાને ખબર નહીં પણ કંઈક ડર લાગતો હતો, બીજા ડૉક્ટર પાસે ડીલેવરી કરાવવાનો! પણ હજુ ઘણો સમય બાકી હોય નાહકની ચિંતા શું કરવાની એવું વિચારી પોતાના વિચારને એને પડતો મુક્યો. પણ મનમાં સંદેહ હતો જ. નેહાએ ડૉક્ટરનો આભાર માન્યો અને એ પોતાના ઘરે પાછી આવી ગઈ હતી.
નેહા ૧૫ દિવસ બાદ ફરી ડૉક્ટરને મળવા ગઈ હતી. ડોક્ટરે સોનોગ્રાફી કરી જણાવ્યું હતું કે, બધું જ ઠીક છે, કોઈ જ ચિંતા જેવું નહીં. ફરી ૧૫ દિવસ પછી આવજો, અને તબિયત ઠીક ન હોય એવું લાગે તો તરત આવી જવું. નેહાએ હસતા મોઢે ત્યાંથી વિદાય લીધી હતી.
બધું જ ખુબ સરસ હતું. દિવસો ઝડપથી જઈ રહ્યા હતા. દિવાળી બહુ ઝડપથી આવી ગઈ હતી. મિલન નેહાને મળવા આ ૧.૫ મહિનામાં ૩જી વાર આવ્યો હતો. ખુબ પ્રેમ હતો બંને વચ્ચે આથી દિવાળી કરવા પણ અહીં જ રોકાય ગયો હતો. બધા હરવા ફરવામાં, તહેવાર ઉજવવામાં મશગુલ થઈ ગયા હતા. આ વખતના તહેવારની મજા કંઈક અનોખી જ હતી. તહેવારની ખુશી સાથે આવનાર બાળકની ખુશીએ બધા ખુબ ઉત્સાહિત હતા. બધા નેહાની ખુબ કાળજી લેતા હતા. નેહાનું મનપસંદનુ ભોજન નેહાના મમ્મી બનાવી આપતા હતા. નેહા સાથે ચાલવા માટે તેની બહેન અથવા મમ્મી જતા હતા. સમયસર દવા, આરામ વગેરે જેવી સૂચના તેના મમ્મી આપીને તેની નેહા માટેની લાગણી જણાવી દેતા હતા. આટલી કાળજી મેળવી નેહા ખુબ ખુશ થતી હતી.
દિવાળી પતિ ગઈ હતી એને ૬ દિવસ થઈ ગયા હતા. આજ ફરી નેહાને હોસ્પિટલ ચેકઅપ માટે જવાનું હતું. એ ડૉક્ટરને મળી, એમણે દર વખતની જેમ બધું જ ઠીક છે એવું જણાવ્યું હતું, અને વધુ એટલું કીધું કે હું કાલથી રજા પર જાવ છું, જો તકલીફ જેવું લાગે તો બીજા ગાયનેક ડૉક્ટર કે જે આપણી હોસ્પિટલમાં છે, એ તમને સારવાર આપશે. વળી, નર્સ પણ બધી હવે તમારી જાણીતી જ છે આથી ચિંતા કરશો નહીં.
નેહાની ૬ દિવસ બાદ થોડી તબિયત બગડી હતી, પણ નેહાના ડૉક્ટર હજુ ૪ દિવસ બાદ હાજર થવાના હોવાથી હવે નેહા મુંજાણી હતી.
શું થશે નેહા સાથે?
બીજા ગાયનેક ડૉક્ટર નેહાની પ્રસુતિ સફળ બનાવી શકશે કે થશે પ્રસુતિ દરમિયાન કોઈ તકલીફ??
એના જવાબ તમને મળશે પ્રકરણ- ૨માં...