સબંધની સમજણ - ૨ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સબંધની સમજણ - ૨

મનમાં એક ખુશી સળવળતી હતી,
તારા આગમનનીએ અનુભતી હતી!

નેહાનો પ્રસુતિનો સમય નજીક આવી ગયો હતો. નેહાના ગાયનેક ડૉક્ટર તહેવારની રજાઓમાં બહાર ગામ ગયા હતા. હવે આગળ..

નેહાએ પોતાના મમ્મીને જાણ કરી કે હવે મને અસહ્ય દુખાવો થાય છે, ડૉક્ટર પાસે જવું પડશે.

દિનાંક : ૩૧/૧૦/૨૦૦૩

રાત્રે ૧૧ વાગ્યા જેવું થયું હશે, નેહા, નેહાના માતાપિતા અને મિલન હોસ્પિટલ ગયા હતા. નેહાના ડૉક્ટર હાજર ન હોવાથી ત્યાં રાતપાલીના નર્સ સ્ટાફે નેહાને પ્રસુતિ રૂમમાં ખસેડી હતી. નેહાની પ્રસૂતિમાં કોઈ જાતની તકલીફ નર્સ સ્ટાફને ન જણાતા સ્ટાફે અંદરોઅંદર નેહાની ડીલેવરી જાતે કરાવી લેવાનું નક્કી કર્યું હતું. આ બધી જ વાતથી નેહા અને નેહાનો પરિવાર અજાણ હતો.

નેહાના સાસુસસરા પણ હવે હોસ્પિટલ આવી ગયા હતા. પોતાના કુલદીપકની રાહ આતુરતા પૂર્વક તેઓ પણ જોઈ રહ્યા હતા.

કેવી હોય છે એ કુદરતની કઠિન પરીક્ષા,
એક જીવને જન્મ દેતી હોય છે જયારે જનેતા..

નેહાની પ્રસુતિની પીડાની ચીસો બહાર સંભળાય રહી હતી. રાત્રીના ૩ વાગી ચુક્યા હતા. મિલને સ્ટાફને પૂછ્યું કે, "હજુ ડૉક્ટર કેમ આવ્યા નહીં?"

નર્સે કહ્યું કે," હમણાં આવે જ છે."

મિલને એક વિનંતી કરી કે, "હું પણ ડૉક્ટર જ છું, જો મને તમે અનુમતિ આપો તો જ્યાં સુધી બીજા ગાયનેક ડૉક્ટર ન આવે ત્યાં સુધી હું નેહા સાથે રહું?"

નર્સે જવાબ આપ્યો કે, "બહારની કોઈ જ વ્યક્તિને અંદર પ્રવેશની અનુમતિ નથી. આથી તમને અંદર પ્રવેશ ન મળી શકે."

નેહાનું શરીર હવે પીડા સહન કરવા સક્ષમ લાગતું નહોતું. બધી જ નર્સ હવે ગભરાણી હતી, ૧૧ વાગ્યાથી વહેલી સવારના ૪:૩૦ સુધી નોર્મલ પ્રસુતિ વારો કેશ ગુચવાયેલ જણાતા નર્સ સ્ટાફે હવે બીજા ગાયનેક ડૉક્ટરને નેહાની માહિતી ની જાણ કરી હતી. અને ડૉક્ટરને તુરંત હોસ્પિટલ હાજર થવાનું કહ્યું હતું.

ડોક્ટર ૪:૪૫ સુધીમાં ઝડપભેર હાજર થઈ ગયા હતા. એમને નેહાની હાલત જોય તુરંત ફોરસેપ કરીને બાળકનો જન્મ કરાવ્યો હતો. નેહાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો. એક નર્સ નેહાના પરિવારને આ ખુશી સમાચાર ૫:૦૫ મિનિટે આપીને તુરંત અંદર જતી રહી હતી.

નેહાના બહાર બેઠેલા પરિવારને જે સ્ટાફ દોડાદોડી કરી રહ્યું હતું, એ જોઈને થોડી ચિંતા થવા લાગી હતી. વળી, બાળકનો રોવાનો અવાજ પણ હજુ આવ્યો ન હતો. અને ડૉક્ટર પણ હજુ બહાર મિલનને મળવા આવ્યા નહોતા. હવે દરેકના સમય વધવાની સાથે જીવ ઉંચક થઈ ગયા હતા. કંઈક તો ઠીક નથી જ એ ચોક્કસપણે પરિવાર જાણી ગયો હતો. બહાર બેઠા દરેક નેહા અને એના બાળક માટે પ્રાર્થના કરી રહ્યા હતા. બધું જ ઠીક જણાતું પળ ભરમાં અસ્તવ્યસ્ત જણાઈ રહ્યું હતું, પણ શું થયું છે એ હજુ જાણી શકાયું નહોતું.

૫:૫૫ જેવું થયું હશે ત્યારે બાળકનો રોવાનો અવાજ આવ્યો હતો. પણ હજુ સ્ટાફની કોઈ વ્યક્તિ કે ડૉક્ટર બહાર ફરક્યા નહોતા. મિલનને ડૉક્ટર હોવા છતાં અંદર ન જવાની વાત પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો. એની ધીરજ હવે ખૂટી ગઈ હતી. એ અંદર જવાનું નક્કી કરી રહ્યો હતો ત્યાં જ ડૉક્ટર બહાર આવ્યા હતા.

ડૉક્ટર ને જોઈને અનેક સવાલો પરિવારે કરી લીધા હતા. નેહાને કેમ છે? બાળક ઠીક છેને? ૧ કલાક થી વધુ ટાઈમ થયો હજુ બાળકનું મોઢું અમને કેમ દેખાડ્યું નહીં? વગેરે પ્રશ્નો ૩૦ સેકન્ડમાં જ બધાએ પૂછી લીધા હતા.

ડૉક્ટરે પરિસ્થિતિ સમજીને ખુબ શાંતિથી કીધું કે, અત્યારે બન્નેને સારું છે. બાળક ૪.૫ kg નું અને પ્રમાણમાં સારું હેલ્ધી હોવાથી મુખ ખુલી જવા છતાં નોર્મલ પ્રસુતિ શક્ય જ નહોતી આથી ફોરસેપ થી બાળક બહાર લઈએ ત્યાં સુધીમાં બાળક અંદરની મેલી પી ગયું હતું જેના હિસાબે બાળકમાં ઝેર ચડી જવાથી એ આખું ગોરું હોવા છતાં લીલું જનમ્યું હતું. બાળકને ઝેર મુક્ત કર્યા બાદ કુત્રિમ શ્વાસ આપ્યા બાદ એ રોયું, આથી પરિસ્થીતી ખુબ ગંભીર હોવાથી અમે તમને બાળક દેખાડી શક્યા નહીં. અત્યારે બાળક અને માતા બંને સ્વસ્થ છે, પણ બાળકને તમે શક્ય એટલા વહેલા જામનગર બાળકના પ્રખ્યાત ચિકિત્સક પાસે લઇ જઈને બાળકની તપાસ કરાવી લેવી જરૂરી છે.

દિનાંક : ૧/૧૧/૨૦૦૩

એક જ સમયે સુખ અને દુઃખની લાગણી અનુભવી હતી નેહા અને તેના પરિવારે..

નેહાના પરિવારને અત્યારે ડૉક્ટર કે સ્ટાફને કંઈક કહેવું ઉચિત ન લાગતા અત્યારે બાળક અને નેહામાં ધ્યાન આપવું જરૂરી લાગ્યું હતું.

નેહાના પરિવારને ડોક્ટરએ બાળક હાથમાં સોંપ્યું, ખુબ સુંદર પુત્રને જોઈને મિલનનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. ગોરું, વાંકડિયાળાં વાળ, મસ્ત ગટ્ટુ પટ્ટુ બાળક, અને એમાં એના કૂણાં કૂણાં હાથના સ્પર્શ એ મિલન પોતાના કુળના વારસદારને જોઈને ખુબ ખુબ હરખાય રહ્યો હતો. થોડી જ વારમાં મિલન, નેહા, અને પોતાના માતાપિતા તથા સાસુસસરા એમ બધા બાળકને જામનગર લઇ જવા માટે નીકળી ગયા હતા.

મિલન ખુદ ડૉક્ટર હોવાથી એણે ફોન દ્વારા બધી જ માહિતી બાળકના ડૉક્ટરને આપી દીધી હતી. આથી ડૉક્ટરે જે જરૂરી સારવાર હોય એમની બધી જ તૈયારી કરી રાખી હતી, બસ બાળકના આવવાની જ રાહ હતી.

નેહાના મનમાં ઉત્પાત થયા કરતો હતો. ઘડીક બાળક રડે ને ઘડીક ઊંઘી જતું હતું, પણ નેહાને જયારે બાળકોના ડૉક્ટર જોડે વાત થાય ત્યારે જ ચેન પડે એમ હતું. નેહા ખુબ ચિંતામાં હતી કે પોતાના બાળકને કઈ થશે તો નહીંને? નેહાના મનની સ્થિતિ એના સાસુ સસરા સમજી ગયા હતા. તેમણે નેહાને હિમ્મત રાખવા કહ્યું, અને બધું જ સારું થશે ચિંતા ન કરવાની સહાનુભૂતિ પણ આપી હતી.

જામનગર સારામાં સારા ડૉક્ટર પાસે બાળકની ટ્રીટમેન્ટ લગભગ ૧૧ વાગ્યાની આસપાસ ચાલુ થઈ ગઈ હતી. ડોક્ટરે હજુ કોઈ જ જવાબ આપ્યો નહોતો.

અમુક કલાકો બાદ ડૉક્ટર નેહા અને મિલનને વાત કરવા બોલાવે છે. ડૉક્ટર એ કહ્યું કે," બાળકની હાલત ખુબ નાજુક છે. સ્વસ્થ દેખાતું બાળક પેટમાં ખુબ ગુંગળાયું છે, થોડું વેલુ ફોરસેપ થયું હોત તો કદાચ આટલી મુશ્કેલી ન થાત! પણ અમે પ્રયત્ન કરીયે છીએ કે બધું ઠીક થાય, તમે પ્રભુને પ્રાર્થના કરો કે બાળક સ્વસ્થ જલ્દી થાય."

નેહા વાત સાંભળીને ખુબ ઢીલી થઈ ગઈ હતી. મિલનને હિમ્મત રાખવા સિવાય કોઈ રસ્તો નહોતો.

મિલને ડૉક્ટરને પૂછ્યું કે, "શું તકલિફ છે અમારા બાળકને?"

ડોક્ટરે કહ્યું કે, ધબકાર ધીમા છે, આંચકી આવી રહી છે, બીજા બાળકોના પ્રમાણમાં મગજ બરાબર કામ ન કરે એવા એંધાણ અત્યારે દેખાય રહ્યા છે. વધુ ૭૨ કલાક બાદ તમને ચોક્કસ પણે જણાવી શક્યે.

ઘરના દરેક સભ્ય ખુશી મનાવે એ પહેલા જ ચિંતામાં સપડાય ગયા હતા.

નેહાના સાસુએ નેહાને ઘરે આરામ કરવા માટે જવાનું કીધું. બાળકને આમપણ મેડિકલ ટ્રીટમેન્ટ જ આપવાની હોવાથી તાજી પ્રસુતિ માંથી ઉભી થયેલ જનેતાને પણ આરામની જરૂર હોય! આખી રાત ઊંઘતો ઠીક પણ પીડા સહન કરીને તું પણ થાકી હશે, તું વગર ચિંતા કર્યે ઘરે જા.. નેહાના મમ્મીને પણ કીધું કે તમે નેહાને રાબ અને શિરો ખવડાવવા ઘરે જાવ.

નેહાના સાસુના સહાનૂભિતિ વાળા શબ્દો નેહાના મમ્મીના આંખમાં ખુશીના આંસુ લાવી ગયા. નેહાના મમ્મીને ડર હતો કે વેવાણ કંઈક મેણાં મારશે તો શું જવાબ આપવો? પણ ખુબ સમજદારી નેહાના સાસુ સસરાએ દાખવી હતી.

રાતનાં ૧૧ વાગ્યાની આસપાસ ડૉક્ટરએ ફરી મિલનને વાત કરવા બોલાવ્યા હતા. ડોક્ટરએ કીધું કે, "બાળકની પરિસ્થિતિ માં કોઈ ફેર જણાતો નથી ૨ વાર ફરી આંચકી આવી ગઈ છે, હવે જો આંચકી આવશે તો બાળક કદાચ મંદબુદ્ધિનું થઈ જશે. બ્લડ પ્રેશર પણ નોર્મલ નથી આથી ખુબ ગંભીર હાલત બાળકની છે. પ્રાર્થના કરો કે બાળક સ્વસ્થ થઈ જાય. બધું જ ભગવાન પર નિર્ભર છે."

મિલન પણ હવે હિમ્મત હારી ચુક્યો હતો. ૧ દિવસ પણ નહોતો થયો ત્યાં પોતાના બાળકને ICU માં અનેક ટ્રીટમેન્ટ માં જોઈને એને પણ ખુબ દુઃખ થતું હતું. એક પિતા કેવા સ્વ્પ્ન જોતું હોય જયારે લેબર રૂમની બહાર હોય, પણ અહીં મિલનના દરેક સ્વ્પ્ન તૂટતાં જણાઈ રહ્યા હતા.

બાળકની પ્રથમ રાત હોસ્પિટલમાં અનેક ટ્રીટમેન્ટ માં પુરી થઈ હતી. છતાં હજુ એ ગંભીર હાલતમાં જ હતો.

સતત ડૉક્ટરની દેખરેખમાં આજની બીજી રાત્રી પણ પુરી થઈ ગઈ હતી. ત્રીજા દિવસની સવાર કંઈક ખુશી લાવશે એ આશાએ બધા ડૉક્ટરની રાહ જોઈ રહ્યા હતા. ડૉક્ટર આવ્યા અને કહ્યું કે," બાળકને આંચકીના હિસાબે તેનું અડધુંઅંગ પેરાલિસિસનો શિકાર બન્યું છે, આંખમાં પણ ઝાખપ આવવાની શક્યતા લાગી રહી છે, અને જ્ઞાનતંતુ ને નુકશાન થવાથી બાળક માનસિક અસ્વસ્થ હોય એવું લાગી રહ્યું છે."

ડૉક્ટર હજુ વાત કરી જ રહ્યા હતા ત્યાં એક નર્સ દોડતી આવી અને એટલું બોલી કે ઇમર્જન્સી છે, ડૉક્ટર ખુબ ઝડપે ત્યાં દોડી ગયા. બાળક ઉછળતું હતું, એને શ્વાસમાં તકલીફ પડતી હતી. કંઈક વિચિત્ર અવાજ એના મુખમાંથી આવતો હતો જે સાંભળનારને ભયભીત કરી દે એવો અવાજ હતો.

ડોક્ટરએ તરત એક ઈન્જેકશન એના હૃદયમાં માર્યું અને પોતાના હાથેથી તેના ર્હદય પર ભાર મુક્યો હતો. બાળકને ઈન્જેકશનની તુરંત અસર થઈ હતી. તે ઉછળતું બંધ થઈ ગયું હતું. કુમળા બાળક સાથે આમ થતા જોવે એ અચૂક ગભરાય જ જાય! એવી જ સ્થિતિ નેહાના પરિવારની હતી. એ કાચમાંથી દેખાતી બાળકની સ્થિતિ રૂબરૂ બહાર ઉભા નિહાળી રહ્યા હતા.

તકદીર પણ અજબ ગજબના ભાવ ભજવે છે,
જિંદગી અને મોતમાં બાળકને પણ વલોવે છે!!!

શું બાળકની થશે જીત કે એક માઁ ની કોખ રહેશે ખાલી?

શું હશે એક શિક્ષિત ઘરની સમજદારી?
આ દરેકના જવાબ મળશે તમને પ્રકરણ : ૩ માં