કેટલા જોયા હતા સ્વ્પ્નએ ધૂંધળા થયા,
કસોટીમાં જ તો પોતિકાના પારખા થયા!
નેહાનો પુત્ર હવે પ્રભુચરણ પામ્યો હતો, નેહા સહીત આખા પરિવારને આ બનાવ એક ધ્રાસ્કો આપી ગયો હતો. હવે આગળ..
નેહાને મિલને એના પિયર ૧૫દિવસ આરામ કરવા માટે મોકલી હતી. અને આ જે અણધારી પરિસ્થિતિ હતી એમાં એના પિયરમાં થોડા દિવસોએ રહે તો વધુ અનુકૂળ રહી નેહા આ સ્થિતિમાંથી જલ્દી બહાર આવી શકે એ વિચારથી નેહાને મિલન ખુદ મુકવા ગયા હતા. ૨/૩ દિવસ પોતે પણ રોકાણ કરી અને પછી એ સાવરકુંડલાની પોતાની હોસ્પિટલમાં એનું મન પરોવવા જતા રહ્યા હતા. હા, મિલન પોતે શારીરિક રીતે જ ત્યાં નહોતા, તેનું મન નેહામાં જ હતું!
મિલન પણ આ સ્થિતિમાં પોતાને ઢાળવા પ્રયત્ન કરતા હતા પણ દુખતો એમને પણ નેહા જેટલું જ થતું હતું.
બદલાવ લેવો જરૂરી છે દોસ્ત!
જયારે સમય પારકો બને છે;
બદલાવ અઘરો જરૂર છે દોસ્ત!
ત્યારે જ દુઃખએ સુખ બને છે!
હવે વાત એ નર્સ સ્ટાફની કે જેમણે વધુ પડતો આત્મવિશ્વાશ રાખીને નેહાની આસ્થિતિ બનાવી દીધી હતી. નેહાના પપ્પાએ ડૉક્ટર અને એ સ્ટાફનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. એ લોકો સુધી બાળકના સમાચારતો પહોંચી જ ગયા હતા, છતાં એક વખત એમની જોડે વાત કરવા માટે ગયા હતા.
નેહાના પપ્પાએ પોતાની વાત એમની સમક્ષ રજુ કરતા કહ્યું કે, અહીંથી જામનગર બાળકના ડૉક્ટર પાસે અમે બાળકને લઇ ગયા હતા, ત્યારબાદ ૪ દિવસ જે પણ બાળકની સાથે થયું એ પણ જણાવ્યું હતું. અને બાળક હવે આવી કર્મપીડા જ ભોગવી પ્રભુચરણ પામેલ છે એટલું કહેતા એમની આંખમાં આંસુ આવી ગયા હતા. આટલી વાત કહી તેઓ ત્યાંથી ઘરે જવા પરત ફર્યા હતા. ડૉક્ટર અને સ્ટાફને ફક્ત સ્થિતિ જ જણાવી પણ એમને એક પણ અપશબ્દ કે ઝગડો ન કર્યો આથી એ લોકોને પોતાના દ્વારા થયેલ ભૂલનો ખુબ પસ્તાવો થયો હતો.
હોસ્પિટલમાં આવા જયારે પણ બનાવ બને ત્યારે ખુબ અપશબ્દ સ્ટાફ અને ડૉક્ટર સાંભળતા હોય છે, એ પણ એમનો કોઈ વાંક કે કાર્યમાં ત્રુટિ ન હોય તો પણ.. જયારે નેહાના પપ્પા ખુબ શાંતિથી વાત કરીને જતા રહ્યા. એ કઈ જ વધુ ન બોલ્યા એની વધુ ગહેરી અસર સ્ટાફને થઈ, જબરજસ્ત પસ્તાવો એમને થઈ રહ્યો હતો. પણ પૂર આવ્યા બાદ પાડ બાંધવાનો સો મતલબ?? એમના થકી એક કુમળું બાળક ગુંગળાવાથી ખુબ તકલીફ ભોગવીને અંતે તો એ મૃત્યુ પામ્યું હતું એ વાત એમના મનને ખુબ સતાવી રહી હતી.
કહેવાય છે ને કે ભૂલનો સ્વીકાર કરી લઈએ તો મનનો ઉત્પાત થોડો શાંત થાય છે, એવું વિચારી તે દિવસે જે સ્ટાફમાં નર્સ હતી એમણે નેહાને પોતાના દ્વારા થયેલ ભૂલનો પસ્તાવો જણાવ્યો અને નેહા પાસે માફી પણ માંગી હતી.
નેહાએ ખુબ સારી રીતે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, જે થયું એ મારા ભાગ્યમાં હશે, પણ હવે તમે ક્યારેય આવી રીતે જાતે નિર્ણય ન લેતા...
નેહાના સાસુસસરા પણ નેહાને દિવસમાં ૨ વાર ફોન કરી વાત કરતા હતા. એમના નણંદ પણ ખુબ ધ્યાન રાખતા કે નેહાને કોઈ વાતનું દુઃખ ન પહોંચે. નેહાના સાસુએ નેહા માટે લાડવા પણ બનાવીને મોકલ્યા હતા કે નેહા ફરી તંદુરસ્ત ઝડપથી થઈ જાય. એટલું જ નહીં પણ ૧૫ દિવસ બાદ નેહા ફરી સાસરે ગઈ તો એના માટે સેક અને માલિશની વ્યવસ્થા પણ કરાવી રાખી હતી. નેહાની પ્રથમ સુવાવડ હતી આથી તેઓ એને કહેતા કે તને અનુભવ ન હોય પણ આ સુવાવડનો સમય સરખો ન સચવાય તો આજીવન અમુક દુખાવા રહી જાય, કેટકેટલું ધ્યાન એમના સાસુ દ્વારા રખાયું હતું! આ અચરજ એટલા માટે થાય કારણ કે ઘણા કિસ્સામાં પ્રસુતિ બાદ વહુની જરાપણ દેખભાળ સાસરી પક્ષથી રખાતી નથી હોતી જયારે અહીં તો એ ખાશ ધ્યાન રખાતું હતું કે નેહાને માનસિક ખુબ થાક હોય આથી એ મૂડમાં પણ ન હોય તો શક્ય એટલું એને આનંદિત રાખે એવું વાતાવરણ રખાતું હતું.
છતાંપણ એક માઁ કે જેને સતત ૯ મહિના પોતાના અંશનો અહેસાસ મેળવ્યો હોય એ એમ થોડી તરત એને એ નથી એ સ્વીકારી શકે!! દરેક એની ચિંતા કરે એ યોગ્ય જ હતું પણ નેહા માટે એકએક લાડવાનું બટકું ગળે ઉતારવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું લાગતું હતું, કારણ કે એની આંખ સામેથી એ હોસ્પિટલના દ્રશ્ય સરળતાથી હટી શકે એ હજુ શક્ય જ નહોતું. દિવસમાં કેટલીયેવાર એ ખાલી પડેલી ગોદડીને જોઈને આંખ ના આંસુ એકાંતમાં સારી લેતી હતી.
સમય દરેક પરિસ્થિતિ માંથી બહાર કાઢી જ દે છે, એમ નેહા અને એના પરિવારને પણ સમયે સાચવી લીધા હતા. ધીરે ધીરે દિવસો અને મહિનાઓ એમ સમય વહેવા લાગ્યો હતો. નેહા ફરી ગર્ભવતી બની હતી.
શું થશે જયારે ફરી એજ અંતિમ ક્ષણ નેહા સમક્ષ આવશે?
કેવી હશે નેહાની માનસિકસ્થિતિ?
તેના જવાબ તમને મળશે પ્રકરણ : ૫ માં...