અધૂરું જીવતર,
સ્કૂલેથી ઘરે આવ્યો,રોજની માફક ઝડપથી પગથિયાં ચડ્યો ત્યાંજ બારીમાંથી કોઈ અજાણ્યો અવાજ સંભળાયો, રુદનમીશ્રીત અસ્પષ્ટ અવાજ જેણે મારા શ્વાસ અને ધબકારાની ગતિને વેગમાં લીધા. મેં જારી ખોલીને અંદર જોયું ત્યાં મારી સામે નજર કરી, અમારી ખુરશી પર એક આધેડ ઉંમરની સ્ત્રી બેઠી હતી. હું ઓળખતો નોહતો,એમણે આંખો લૂછી અને હું જવ ?..એમ બોલી જવાનું કરતાં, ત્યાં મમ્મીએ એમને રોક્યા. મેં મારી મમ્મી સામે તે કોણ છે એ પૂછવા સારું જોયું અને અંદર ગયો.
એ બાઈએ પોતાનો ચહેરો બદલી પૂછ્યું "આ તમારો મોટો બાબો" ( એમણે મારી લાંબી કાઠી અને મોટી દાઢી જોઈને એમ વિચાર્યું હશે )
ના, આ નાનો, મોટો તો ઓફીસ... સાંજે આવશે. આ સ્કૂલમાં નોકરી કરે...છૂટી ગયો.
( હું અંદર એ લોકોની વાતો સાંભળતો )
પૈણાયેલો.. ?
ના..બાકી છે લગન હજુ...કોઈ હારી વાત હોય તો બતાવજો આ વર્ષે કરવાનું જ છે.
એક-બે વાત છે, પણ તમારા ઘરને શોભે એવી હશે તો કહીશ.
( હું હાથ પગ ધોઈને આવ્યો.)
તમે ખૈ લો હું જવ...
જવ ..એટલે.....જમીને જાવ. એમ તો થોડીને જતુ રે'વાય...બેસો.
ના,..મારાથી નૈ ખવાય..મેં હમણાં જ નાસ્તો કરેલો. ( કોઈ સ્ત્રી પોતાના આંસુ બધાને જાહેર નથી કરતી.કદાચ એટલે જ આગ્રહ પછી પણ એ જમવા તૈયાર ન જ થયા. મમ્મીનું તો જાણે કોઈ યુદ્ધમાં હાર ના થઈ હોય, એવું વિલું મોઢું થઈ ગયું.)
હારુ,ફરી જતાં ના રે'તા આવજો હો...
જતી વેળા મેં એમની આંખો જોઈ જેમાં ફરિયાદો જ ફરિયાદો.., પણ કોની ..?
મમ્મી : બવ ચિંતા ના કરો ભગવાન બધું સારું જ કરશે.
એ બેન ઘરમાંથી નીકળ્યાં મમ્મીએ હાથ ધોઈ જમવાનું પીરસતાં એમની ઓળખાણ આપી.
આ આપણી સામે વાળા મનીષભાઈની નાની બેન.. હું પરણીને આવી એના ત્રીજા કે ચોથા દિવસે જ એમના લગ્ન થયેલાં,જાન આવેલી..પણ એ લગન બવ ચાલ્યા નૈ. ને ફરી બીજે ઓરાવી.એમને બે દીકરી છે એકે લવમેરેજ કર્યું નાનીએ અને મોટી ખેડા પૈણાંવી. એમનો ઘરવારો રીક્ષા ફેરવતા શરૂઆતમાં તો સારો હતો પણ પાછળથી દારૂના રવાડે ..આજકાલ કરતા છ-સાત વર્ષ પહેલાં જ ગુજરી ગયા. રહેવાને નળિયાવાળુ ઘર છે આ ચોમાસામાં ચુવા પડે એટલે એ ઘરમાં દિવસ કે રાત જાય કેમના ?
( હું સ્તબ્ધ હૃદયથી સાંભળતો )
બેવ છોકરીઓ સાસરે એટલે છોકરીનું તો ખવાય નહી,તો કરે શુ એટલે આટલી ઉંમરે કોઈ ફેકટરીમાં જઈને મજૂરી કરી પેટ રડે છે. બીમાર થયેલાં અને દવાનો પૈસોય નોહતો એટલે આવ્યા છે. એમને ઘરે કોઈ સંભાળ રાખે એવું નથી, અહીંયા ભાઈ બધા ભાભીઓના થઈ ગયેલા જોયા....બિચારી..
" શું નામ એમનું " મેં પૂછ્યું.
સવિતા.
મનીષભાઈથી તો બવ નાની પણ કેવી થઈ ગઈ...! ભઈ-બોન, હગા-વાલા બધુ કેવાની વાતો...
એ રડતાતા કેમ ? મારાથી ઉતાવળે પુછાયુ.
તો, રડે જ ને...! માણસ શું કરે બીજું ..?
મમ્મી શાંત થઈ ગઈ..,જમવાનું થોભી ગયું..પાણી પીધું...,પે'લાં લગન કરેલું એ એમને ગમતું. લાગનના થોડાં દિવસ પછી એમને તેડી લાવેલાં,લગનનું અઠવાડિયું ર'યા હશે, પણ,આપણાંમાં તો રિવાજ હોય ને કે પંદર વીસ દિવસ ફરી પાછું તેડી જાય પણ એમનો સંબધ કરેલો એમની પાસે સગવડ નૈ હોય વેવાર કરવાની તે તેડવા વે'લા ના આયા.
તે એટલામાં ફરગતી કરવાની મેં ગુસ્સે થઈને મમ્મીને પૂછી લીધું...
ના. લ્યા.. પણ થયું એવું કે...નવા નવા લગન હતા ને બવ દિવસ સુંધી તેડવા ના આવ્યા અને એ વખતમાં તો આવો ફોન-બોન કે એવું કશું હતું નૈ. તે એ ભય સ્કુટર લઈને આમને જોવા આયા કરે..,કંઈ..?
હું વાત માં જ પરોવાયેલો હતો.
પેલા તો કોઈના ઘેર નળ નોહતા એટલે કાંહે (નહેરે) કપડાં ધોવા જતાં ત્યાં.... આ ભૈ ત્યાં આમની રાહ જોતો બેસી રે..ગામમાં ને ફળિયામાં બધા ને ખબર પણ કોઈ શુ બોલે કે કેય નૈ, લગન તો કરેલાં જ હતા ને. બે ત્રણ મહિના થઈ ગયા કોઈ આમને લેવા આવતું નહિ એટલે આ બેન તો એક દિવસ એમની સાથે જ તેડ્યાં વગર સાસરીમાં ગયા...ઘરે કોઈને કીધું કે પૂછ્યું નૈ, આબાજુ ઘરે બધાએ શોધ કરી સવિતા આવી કેમ નૈ ? તપાસમાં જાણવા મળ્યું કે સાસરીમાં ગઈ છે. એમના બાપાએ તેડ્યાં વગર છોકરીને મોકલાય નૈ એમ સમજી પાછી બોલાવી લીધી. થોડાક દિવસ પછી ફરીથી એવું જ થયું.
પેલાં ભૈ સ્કૂટર લઈને ગામની આજુબાજુ ફર્યા કરે, સવિતાને જોવા...એક દિવસ ફરી પાછા સવિતા ભાગી ગયા...ફળિયામાં ને ગામમાં હોવા..થઈ ગયો, સવિતા ફરી એનાં સાસરામાં જતી રહી. ફરી પાછું સવિતાને લૈ આવ્યા. બે દિવસ પછી બંને ગામના લોકો ભેગા થયા ફરગતી કરવા.
તમારી દીકરી જાતે જ આવી જાય છે અને અમારે સમાજનું ને ગામ લોકોનું સાંભળવું પડે છે એવો આક્ષેપ સવિતા પર મુકાયો.
તમારો છોકરો રોજ રોજ અમારા ગામમાં સ્કુટર લઈને ફરે છે સવલી પોતે નહિ આવી એને તો તમારો છોકરો ભગાડી લાવે છે...આવા આક્ષેપો નાં અંતે છુટાછેડા થયાં..
એ બે ને તો કોઈએ કૈં પુછ્યુય નૈ.
આવું થયું ને થોડા જ દિવસમાં મનુભાઈ જોડે સવિતાને ઓરાવી દીધા..મનુભાઈ રીક્ષા ફેરવતાં પણ દારૂના લીધે ગુજરી ગયા..બે છોકરીઓ છે એકના લગન કર્યાં, પરાણે - પરાણે અને બીજીએ જાતે જ લગન કરી લીધા..હવે એકલા જ ઘરમાં રહે છે કોઈ એમનું ના રહ્યું..બીમાર હતા ને દવા લેવા ગયા ત્યાં પેલો ભાઈ જેની જોડે પે'લાં લગન કરેલા એ ભૈ મલ્યો હશે, એ ભૈ જ ત્યાં સારી પોસ્ટ પર કામ કરે, સવિતાને ઓળખી લીધી, અને જલ્દી કેસ કાઢી આપ્યો, દવા કરાવી, બેવ બેઠા તો વાત થઈ બેવને આજે પણ સુખ નથી બેવ પોત પોતાની જવાબદારી માં બંધાઈ ગયા...,બેવે દુઃખ એકબીજાને કીધું ને છુટા પડ્યાં સવિતાની પરિસ્થિતિ જોઈને પેલો ભૈ રડી પડ્યો..એ બધું એમને યાદ આવે છે. કેવું જીવન ક્યાં વેડફાયું !,સવિતાના હાથમાં બંધ મુઠ્ઠીમાં પૈસા આપી દુઃખ વહેંચ્યું..
એટલે એ રડતાતા...
મારા બાપે મારી વાત ના જાણી મારુ જીવન....એમ યાદ કરીને રડતાં હતા.
મેં એમનો ચહેરો જોયેલો..મારી અંદર બધું સ્તબ્ધ હતું.મમ્મી સામે હતી એટલે જમી તો લીધું પણ એનો આનંદ બધો મારી પરવાર્યા ..મમ્મી વાસણ લઈને બહાર ચોકડીમાં માંજવા ગઈ, હું મારી રૂમમાં પ્રશ્નોથી ઘેરાઈ પડ્યો. એક બાપ તરીકે બધુ સારું જોઈને મોકલેલ દીકરી આજે ઓશિયાળી બની ગઈ, વર્ષો પછી એજ માણસ નજર સામે ઉભો થઇ હતો.એક શિખર હતું જ્યાં પોહચવાનું હતું પરંતુ બેવ કોઈ અલગ અલગ યાત્રા પર નીકળવાની ફરજ પડી. શિખર પગ નીચે હતું કે સામે... ? યાત્રી જો શિખર સર ના કરી શકે તો યાત્રા અધૂરી રહી જાય.પ્રવાસનું સુખ હોય પણ શિખરનો આનંદ ક્યાં ? સુખ મળે કિન્તુ આનંદ ન મળે તો જીવતર અધૂરું છે.
- પરેશકુમાર કનુભાઈ રોહિત