સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 89
'એ બાજુ જોયા વગર એકમદ સહજ રીતે ચાલ્યે રાખ...' હિરને નજર ઘુમાવ્યા વગર, જાણે કશુંક બતાવતી હોય તેમ દૂર ક્ષિતિજ તરફ આંગળી ચિંધીને સ્મિતભેર કહ્યું એ સાથે ઝુઝાર સતર્ક બની ગયો.
રસ્તા પર પહેરો દેતા ફૌજીઓને જોઈને તેનું ધ્યાન ખેંચાયું હતું અને સહજ રીતે જ તે એકીટશે તેને જોઈ રહ્યો હતો. હિરનની ટકોર પછી તરત તેણે ય હિરને ચિંધેલી દિશામાં નજર ફેરવી નાંખી.
સાંજ ઢળવા આવી હતી. વાદળછાયા આકાશમાંથી ચળાઈને આવતો પાછોતરો અજવાસ હજુ ખાસ મોળો પડયો ન હતો. ઝુઝારે એક હાથે આંખ આડે નેજવું કરીને ખભે લટકાવેલ બેકપેક સરખો કરવાના બહાને પીઠમાં ખોસેલી ગન ચકાસી લીધી.
પ્રોફેસર, ત્વરિત અને કેસી ઝેન્પાના મઠ તરફ ગયા એ વખતે તાન્શી અને છપ્પને સ્લિપર સેલની મદદથી બીજા વધુ સલામત રહેઠાણની તલાશ કરવાની હતી અને હિરને ઝુઝારને લઈને પ્રોફેસરની જરૃરિયાત મુજબના સ્થળોની શોધ કરવાની હતી.
ઝેન્પાના મઠમાં રાહુલ સાંકૃત્યાયન રોકાયા હતા અને ત્યાંથી મધરાતે તેમને આંખે પટ્ટી બાંધીને બીજા કોઈ વિહારમાં લઈ જવામાં આવતા હતા. તેનો અર્થ એ થયો કે બીજા વિહાર ઝેન્પાની આસપાસ જ હોવા જોઈએ. ઝેન્પા સરોવર ફરતા નાના-મોટા કુલ સાત મઠ હતા. પાટનગર લ્હાસાથી ૩૦ કિલોમીટર દૂર આવેલું ઝેન્પા કિર્ઝે તહેસિલમાં આવતું હતું અને એ તહેસિલમાં બીજા ય કેટલાંક મઠ હતા. ક્યો મઠ વિશાળ પુસ્તકાલય ધરાવે છે, ક્યા મઠની શું વિશિષ્ટતા છે અને બૌધ્ધ સાધુઓ ધ્યાન-સાધના કે એકાંત અધ્યયન માટે ક્યાં જાય છે વગેરે માહિતી એકઠી થાય તો કદાચ કશીક કડી મળે એવી ગણતરીથી હિરન અને ઝુઝારે સવારથી જ તહેસિલમાં ફરવા માંડયું હતું. કોઈને શંકા ન જાય એ માટે લ્હાસાની બૌધ્ધ વિદ્યાપીઠમાંથી આગલા દિવસે જ એક સ્ટુડન્ટને ગાઈડ તરીકે સાથે લીધો હતો. ચારેક જગ્યાની મુલાકાત પછી ય ખાસ કશું નોંધપાત્ર લાગ્યું ન હતું.
ટેકરીઓ પર લાકડાની આડશ ઊભી કરીને બાંધેલા વિહારનો દેખાવ બહારથી લગભગ એકસરખો જ લાગે. લાકડાના આઠ-દસ પગથિયા ઉપર એક વિશાળ માંચડો, માંચડા પર ડાબે, જમણે પાર્ટીશન પાડીને બનાવેલી નાનકડી કોટડી અને બરાબર સામે ઘુમ્મટ આકારમાં કોરેલા પોલાણમાં જલતા દીવડાંના અત્યંત ઝાંખા ઉજાસમાં ધ્યાન ધરતા ભીખ્ખુઓ...
બૌધ્ધ સાધુઓના ત્રણ કે ચાર સ્તર હતા. સૌથી ઉપર લામા હોય. એક લામા બે-ચાર મઠનો મુખિયા હોય અને તેના શિષ્યો એન્ગ લામા કે નાયબ સાધુ કહેવાય. એન્ગ લામાઓ જેમને દિક્ષા આપે એ પૈકી જેમનો અભ્યાસ પૂર્ણ થાય તે સોહાંગ કહેવાય અને જેમનો અભ્યાસ જારી હોય તે દીમા (ભિખ્ખુ) કહેવાય. દીમાઓ મઠ છોડીને નગરચર્યા કરી શકે. સાધનામાં પરોવાયેલા લામા, સોહાંગ કે એન્ગ લામા માટે ભોજન કે અન્ય પ્રાથમિક આવશ્યકતાઓની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમની ગણાય.
લગભગ દરેક ઠેકાણે તેમને ઉત્સાહભેર માહિતી આપવામાં આવતી હતી. કેટલાંક મઠમાં લામાઓએ પણ એકાંતવાસમાંથી બહાર આવીને બૌધ્ધ દર્શનો વિશે વાતો કરી હતી, પણ પ્રાચીન પુસ્તકાલયો વિશે કે રાહુલ સાંકૃત્યાયને જોયેલા ગ્રંથાગાર વિશે ક્યાંયથી જરાક સરખી ય માહિતી મળતી ન હતી. એક લામાએ તો ચીનના આગમન પછી બધું રફેદફે થઈ ગયું હોવાની ય દહેશત વ્યક્ત કરી હતી.
દિવસભરની રઝળપાટ પછી ય ખાસ કંઈ માહિતી હાથ ન લાગી તેની માયુસી અનુભવતા બંને પરત ફરી રહ્યા હતા. લ્હાસા લઈ જતી પેડલ રીક્ષા સુધી લઈ જઈને ગાઈડ છૂટો પડી ગયો હતો. લ્હાસાની ભાગોળે પહોંચીને બંનેએ ઝડપથી ચાલવા માંડયું.
રસ્તા પર બે ફૌજી મોટર સાઈકલ પર સડસડાટ પસાર થયા. થોડે આગળ જતાં બીજા ય કેટલાંક જવાન ટેકરી પર ઊભા રહીને દુકાનદારોને કશુંક કહી રહ્યા હતા. હિરનને લાગ્યું કે આ બધો કદાચ અહીંનો સહજ ક્રમ હતો પણ એથી આગળ જતાં મુખ્ય સડકમાંથી ફંટાતી નાની-નાની ગલીઓમાં ય તેણે ફૌજીઓને જોયા એટલે તે વહેમાવા લાગી.
લગભગ અડધા કિલોમીટરના રસ્તામાં તેણે ત્રીસેક જેટલાં જવાનોને તેજકદમી કરતા જોયા હતા. આ કદાચ સહજ ક્રમ હોય તો પણ તેમના માટે જોખમી હતો.
'આપણે ઉતાવળ રાખીએ...' આસપાસનો માહોલ ઝુઝાર પણ નિરખતો જતો હતો. તેને ય કશોક અંદેશો આવી રહ્યો હતો.
'વધારે પડતી ઉતાવળી ચાલ પણ શંકા પ્રેરી શકે...' સાંજની ઠંડકથી બચવા હિરને ચહેરા પર સ્કાર્ફ બાંધવા માંડયો, 'રસ્તો નિર્જન છે. આપણે પેડલ રિક્ષા કરીને મુખ્ય બજારમાં પહોંચી જઈએ. ત્યાં ભીડમાં ભળી ગયા પછી ખાસ વાંધો નહિ આવે'
વીસેક ડગલાં પછી એક ગલીના નાકેથી ઉતાવળે ભાગી રહેલા પેડલ રિક્ષાવાળાને રોકવાનો ઝુઝારે પ્રયાસ કર્યો પણ હાથથી જ નનૈયો ભણીને તેણે સીટ પરથી ઊભા થઈ જોરથી પેડલ મારતાં ઢાળ ચડવા માંડયો. થોડે આગળ બીજો રિક્ષાવાળો ય ઝુઝારની હાક સાંભળીને તેમની તરફ જોવા છતાં મુખ્ય સડક પરથી ગલીમાં વળી ગયો.
'કંઈક લોચો છે...' ઝીણી આંખે આસપાસનું નિરીક્ષણ કરી રહેલી હિરન તંગ ચહેરે બબડી ગઈ. રિક્ષાવાળા થોભતા નથી. દુકાનોના ઓટલા પર પણ લોકોના છૂટક ટોળા ઊભેલા વર્તાય છે.
છેવટે મુખ્ય સડક પર એક દુકાનમાં શણના પોટલા ઉતારીને પરત ફરી રહેલા એક રિક્ષાવાળાને જોઈને તરત ઝુઝાર દોડીને ચડી જ ગયો. એ કશું સમજે કે આનાકાની કરે એ પહેલાં તો હિરન પણ બેઠકની ઉપર બનાવેલા પતરાના છજાનો હાથો પકડીને અંદર ચડી બેઠી.
'બોરોમ... બોરોમ' ઝુઝારે બજારની દિશામાં હાથ લંબાવીને કહી દીધું.
બોરોમ એ લ્હાસાના ચાર મુખ્ય બજારોને જોડતો વિશાળ ચોક હતો. અહીં તેમને મુક્તિવાહિનીનો આદમી મળવાનો હતો અને નવા રહેઠાણ તરફ એ લઈ જવાનો હતો.
રસ્તામાં પણ કેટલેક ઠેકાણે ચાઈનિઝ આર્મીના રાતાં ડગલાં પહેરેલાં ચૂંચી આંખો વાળા કરડા જવાનો જોવા મળ્યા. એક દુકાન પાસે લશ્કરી જીપ પાર્ક થયેલી હતી અને અંદર કોઈક ઉગ્ર અવાજે બરાડા પાડતું હોય તેવું ય લાગ્યું. હિરને બેઠકના છજાની બહાર સ્હેજ પાછળ નજર તાણીને દુકાનનું પાટિયું જોયું. તિબેટી ભાષામાં લખાયેલા પાટિયાની નીચે અંગ્રેજી લિપિમાં લખ્યું હતું, 'ઈન્ડિયન ગુડ્ઝ સ્ટોર'...
'વ્હોટ હેપન્ડ?' પેડલ રિક્ષાવાળો અંગ્રેજી સમજવાનો નથી તેની ખાતરી હોવા છતાં તેણે દુકાન તરફ ઈશારો કરીને છેવટે પૂછી જ લીધું.
જવાબમાં તેણે કશુંક કહ્યું. દેહાતી તિબેટી ભાષામાં બોલાયેલા તેના શબ્દો તો સમજી શકાય તેમ ન હતા પણ પહેલાં તેણે લશ્કરી ગાડી તરફ હાથ લંબાવ્યો પછી દુકાનના પાટિયા તરફ આંગળી ચિંધી અને પછી ઝુઝાર-હિરનના ચહેરા તરફ જોઈને હુલિયાનો ઈશારો કર્યો એ સાથે હિરનના પેટમાં ફાળ વિંટળાઈ વળી.
એ કદાચ એમ કહી રહ્યો હતો કે, ચાઈનિઝ લશ્કરના આદમીઓ કોઈ અજાણ્યા ભારતીયોને શોધી રહ્યા છે!
ઝુઝારે અવઢવમાં હિરનની તરફ જોયું પણ તેને ચૂપ રહેવાનો ઈશારો કરીને હિરને સ્કાર્ફ તળે ચહેરો વધુ સંકોરવા માંડયો.
બોરોમનો ચોક આવે એ પહેલાં જ મુક્તિવાહિનીના ગેરિલાએ અગાઉથી નક્કી થયા પ્રમાણે રસ્તો ક્રોસ કરતાં જઈને સંકેત કરી દીધો. ઝુઝારે ખિસ્સામાંથી પર્સ કાઢીને પાંચ યેનનો સિક્કો તેના હાથમાં થમાવ્યો એટલી વારમાં હિરન ઝડપથી ચાલતી આગળ વધી ગઈ.
બોરોમ પાસે તો મામલો વધુ તંગ જણાતો હતો. ચોકની ડાબી તરફ હારબંધ આવેલા બેઠા ઘાટના મકાનો સામે તિબેટીઓના ટોળા એકઠાં થયેલા હતા. એક આદમી મરણતોલ ઈજાગ્રસ્ત થઈને ભોંય પર ચત્તોપાટ પડયો હતો. એક ઓરત છાતી પીટતી હૈયાફાટ રૃદન કરી રહી હતી. અઢી-ત્રણ વર્ષનું એક બાળક તેના પગે વિંટળાઈને અવાક્પણે આમતેમ જોઈ રહ્યું હતું અને ટોળું ઉશ્કેરાટભર્યા અવાજે ચીસો પાડી પાડીને અધિકારી જેવા લાગતા એક દમામદાર ફૌજી સમક્ષ કશુંક કહી રહ્યું હતું.
'યે ક્યા હો રહા હૈ?' હિરને અત્યંત ધીમા અવાજે ગરદન ઝૂકાવેલી રાખીને કેસીની ટીમના આદમીને પૂછવા માંડયું.
'પતા નહિ.. એક ઘંટે સે કુછ ગરબડ હૈ...' ગેરિલાએ ચોકના ત્રીજા વળાંક પર ઊભા રાખેલા ગુડ્ઝ વ્હિકલ તરફ પગ ઉપાડતા કહ્યું, 'લોજિંગ-બોર્ડિંગ ચલાવતા એક ઢાબા પર ચાઈનાના ફૌજી તલાશી કરવા ગયા અને ઢાબાવાળાએ કશીક આનાકાની કરી તેમાં ફૌજીઓએ તેને ઢોર માર માર્યો છે. લોકો ય ઉશ્કેરાયેલા જણાય છે...' ઊંડો નિઃશ્વાસ નાંખીને તેણે નાનકડી લોડિંગ રિક્ષા જેવી ગાડી સ્ટાર્ટ કરવા માંડી, 'યહાં તો યે સબ રોજાના બન ગયા હૈ...'
હિરન રિક્ષાની પાછળના ફાલકામાં ચડી ગઈ હતી પણ ઝુઝાર હજુ ય બોરોમના એ મકાન તરફ જોઈ રહ્યો હતો. મકાનની સામે એકઠું થયેલું ટોળું, ટોળાની સામે દમ ભીડી રહેલો ફૌજી અફસર, અફસરના પગે પડીને કાકલૂદી કરી રહેલી ઓરત અને ઓરતના પગે વીંટળાઈને હવે રડવા લાગેલું માસૂમ ભૂલકું...
'જલ્દી અંદર આવી જા...' હિરને દબાયેલા અવાજે કહ્યું પણ ઝુઝાર હજુ ય એકીટશે ત્યાં જ જોઈ રહ્યો હતો.
પેલો અફસર હવે પગે પડી રહેલી ઓરતને બહુ ઘાતકી રીતે લાતો મારી રહ્યો હતો. મકાનમાંથી બહાર આવેલા બીજા કેટલાંક ફૌજીઓએ ટોળામાં આગળ ઊભેલા લોકોને બંદૂકના કૂંદા ફટકારવા માંડયા હતા. બે ફૌજી પેલા ઘાયલ આદમીને જાણે મરેલું ઢોર ઢસડતાં હોય તેમ બેય હાથે ખેંચીને વાન ભણી લઈ જતા હતા.
'શું કરે છે ઝુઝાર..?' અકળાયેલી હિરને ફરીથી સ્હેજ ઊંચા અવાજે કહ્યું પણ એ હજુ ય વિસ્ફારિત આંખે જોતો જડની જેમ ત્યાં જ ખોડાઈ રહ્યો હતો.
રડતી-કકળતી, કાકલૂદી કરતી ઓરતને હવે એ અફસરે વાળ ખેંચીને ઊભી કરી હતી અને જોરથી ધક્કો મારીને પાડી દીધી હતી. ઓરતને ફંગોળી દીધા પછી એ જંગલી માણસે બેફામ રડી રહેલાં માસૂમ બાળકને ય અડબોથ લગાવીને પછાડી દીધું હતું. વજનદાર લપડાક ખાઈને ભોંય પર પછડાયેલું એ બાળક શાંત થવાને બદલે ઘાયલ બાપ અને લોહી નીંગળતી માને જોઈને વધુ કારમું કલ્પાંત કરવા લાગ્યું હતું.
'ઝુઝાર, ઈટ્સ રિસ્કી...' રિક્ષાના ફાલકાથી આગળ વધીને છેક ચોક તરફ જઈ રહેલા ઝુઝારને જોઈને હિરનને પારાવાર ગુસ્સો આવતો હતો. આ માહોલનો લાભ લઈને વહેલી તકે તેમણે અહીંથી છટકી જવું જોઈએ તેને બદલે આ અડબંગ આદમી...
વાન ભણી ઘસડાતા મરણતોલ ઘાયલના બેબાક ઊંહકારા, લાચાર ઔરતની એકધારી રડમસ વિનવણી અને અણસમજું બાળકનું તીણું રૃદન...
ચાઈનિઝ ફૌજનો અત્યાચાર જોઈને ટોળાના ચહેરા પર તંગદીલી વધતી જતી હતી, દેકારો વધવા લાગ્યો હતો એ પારખીને પેલો જંગલી અફસર વધારે ભૂરાયો થયો. પહેલાં તેણે ટોળાની સામે આંખો કાઢીને ડોળા તગતગાવ્યા. ટોળાએ તેનાંથી ડર્યા વગર હુરિયો બોલાવવાનું ચાલુ રાખ્યું એટલે તેણે કમરબંધમાંથી સિસમની જાડી બેટન કાઢી અને ટોળા સામે ઉગામી. તોય ટોળાએ હુરિયો ચાલુ જ રાખ્યો એટલે ગિન્નાયેલા અફસરે બેહુદા અવાજે ભદ્દો ચિત્કાર નાંખ્યો અને પછી અઢી-ત્રણ વરસના માસુમ બાળકના બરડામાં બેટન ઝિંકી દીધી.
સ્તબ્ધ ટોળું, સિસકતી ઓરત, કણસતો આદમી અને વજનદાર બેટનનો કારમો પ્રહાર ખાઈને ઊંધેકાંધ પટકાયેલા માસૂમ બાળકની ફાટી ગયેલી આંખોમાંથી નીતરતો બેબાકળો આઘાત...
અફસરની જંગાલિયતથી હબકી ગયેલું ટોળું કશું સમજે, ઘાયલ તિબેટીને હજુ ફૌજીઓ વાનમાં ધકેલે, ભાન ભૂલેલો અફસર પોતાના રાક્ષસી અત્યાચારનો અર્થ હજુ પામે એ પહેલાં ચોકના ત્રીજા વળાંક તરફથી એક બિહામણો ઘાંટો પડઘાયો, ભયાનક તાકાતથી ફેંકાયેલો પથ્થર ટોળાના માથા કૂદાવીને અફસરની છાતી પર ઝિંકાયો અને વામન કદના તિબેટીઓ, ચીનાઓની સરખામણીએ ક્યાંય વધારે ઊંચા-પહોળા લાગતા એક આદમીએ ઓચિંતા ધસી આવીને એ અફસરને પછાડી દીધો.
એ ઝુઝારસિંઘ મલ્હાન હતો.
અચાનક પહેલાં પથ્થર વાગ્યો અને પછી પેઢુમાં લાત પડી એથી ચોંકેલો અફસર જમીન પર પછડાયો. એ હજુ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં મલ્હાન તેની છાતી પર ચડી બેઠો અને તેણે બેફામ ગાળો બોલતા જઈને રાઠોડી પંજાના અધમણિયા પ્રહારો વડે તેનું જડબું તોડી નાંખ્યું.
પોતાના ઓફિસર પર હુમલો થયાનું પારખીને બે ફૌજીઓ ઝુઝાર તરફ ધસ્યા તો ઝુઝારે આડેધડ હાથ વિંઝીને એ બેયને ય પછાડી દીધા અને પછી એ જ બેટન ઊઠાવીને તેણે આંખ મીંચીને અફસરને ઠમઠોરવા માંડયો.
સ્થાનિકોનો અવાજ જરાક સરખો ય ઊંચકાય તે પણ સાંખી ન લેતા ચીની ફૌજીઓ માટે આ દૃશ્ય પરમ આઘાતજનક હતું તો હંમેશા ફૌજના અત્યાચારો મૂંગા મોંએ સહી લેતાં તિબેટીઓ માટે એ જ દૃશ્ય પરમ સુખકારી હતું.
ઝુઝારને ઝબ્બે કરવા વાનમાંથી ફૌજીઓ વછૂટયા કે તરત ટોળાએ તેમને ઘેરી લીધા અને જેમ ફાવે તેમ ગડદા-પાટુ ઝિંકવા માંડયા. ટોળાની બિહામણી કિલકારી, ઝુઝારની બેટનના આડેધડ વિંઝાતા ફટકા, અધમૂઆ થઈ ગયેલા અફસરની ચીસ અને અચાનક ક્યાંકથી આવી ચડેલી લોડિંગ રિક્ષાની ઘરઘરાટી...
આખા મોં પર ભૂરા રંગનો લાંબો પટકો બાંધેલું કોઈક ઉતર્યું અને પહાડી ઝુઝારને બગલમાંથી ખેંચીને રિક્ષાના પાછળના ફાલકામાં ફંગોળ્યો ત્યારે ય એ રાતીચોળ આંખો ફાડી ફાડીને હવામાં હાથ ઉગામી રહ્યો હતો અને તેના ચહેરા પર પારાવાર ઉન્માદ નીતરતો હતો. શરીરથી એ તિબેટમાં હતો, લ્હાસામાં હતો, બોરોમના ચોકમાં હતો...
- પણ મનથી એ બે દાયકા પહેલાંના ગ્વાલિયરમાં હતો, પુરાની કોઠી વિસ્તારના મારવાડી શેઠના બંગલામાં હતો.
ટોળાની ચિચિયારી વિંધતી રિક્ષા પૂરપાટ વેગે ત્રીજી ગલીમાંથી ભાગી એ જ ઘડીએ લ્હાસાની છાતી માથે હેલિકોપ્ટરની ફડફડાટી વિંઝાવા લાગી હતી. છદ્મવેશે ભારતની સીમા પરથી અજાણ્યા આદમીઓ લ્હાસામાં ઘુસ્યા હોવાનું પારખીને બરાબર ઘૂરીએ ચડેલો મેજર ક્વાંગ યુન પરત આવી રહ્યો હતો.
એ રાત લ્હાસા માટે બહુ આકરી જવાની હતી... અને એ રાત પછીના કેટલાંક દિવસો પણ.
(ક્રમશઃ)