GEBI GIRNAR - RAHASYAMAY STORY - 14 books and stories free download online pdf in Gujarati

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૧૪ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૪)

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

અગાઉના ભાગમાં તમે જોયું કે ગીરનારમાં આડા રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ. શેરડાઓમાંથી રસ્તો શોધીને ઉતરતી વખતે અમારે અજગર, દીપડી તેમજ ભાવેશનું ખોવાઈ જવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક અજાણી નાની છોકરીની પાછળ અમે ઘૂના પર આવીએ છીએ. ઘૂનામાં નહાતી વખતે મગરનો ભેટો થઈ જાય છે. મગરથી માંડ છૂટકારો મેળવ્યો ત્યાં એક અજાણી અને રહસ્યમય યુવતી ત્યાં આવી ચડે છે. અમે તેની સાથે તેના ઘરે જવા તૈયાર થઈ જઈએ છીએ... હવે આગળ...

બધા તે યુવતીની પાછળ જવા લાગ્યા. અમે પણ ના છૂટકે એમની સાથે જવા તૈયાર થઈ ગયા. અમને બધાને આવતા જોઈને તેણીએ પાછળ ફરીને એક મોહક સ્મિત કર્યું. એનું સ્મિત કોઈ ભેદી રહસ્ય જેવું ભાસી રહ્યું હતું.

તે યુવતીની આસપાસ એક મોહક સુગંધ આવી રહી હતી. જે કોઈ પણને તેના તરફ આકર્ષિત કરી શકે તેવી હતી. આ સુગંધ તેના કપડાંમાંથી નહીં પરંતુ તેનાં શરીરમાંથી આવી રહી હોય એવું લાગી રહ્યું હતું. આવી મનમોહક ખુશ્બૂ આ પહેલાં ક્યારેય જોઈ નહોતી. આમ તો મને અત્તર કે બીજા કોઈ પણ સુગંધી પદાર્થો બીલકુલ પસંદ નહોતાં. હું ક્યારેય કપડાં પર કે શરીર પર એવા સુગંધી દ્રવ્યો લગાવતો નહીં છતાં કોણ જાણે કેમ આ યુવતીની આસપાસ જે સુગંધ આવી રહી હતી તે મને ગમવા લાગી હતી.

અમે બધા તેની પાછળ - પાછળ ચાલી રહ્યા હતા. હું વારંવાર એક જ નિરીક્ષણ કરી રહ્યો હતો. મને હજુ સુધી તે યુવતીના પગ જોવાનો મોકો મળ્યો નહોતો. હું એકદમ તેની પાછળ ચાલી રહ્યો હતો પરંતુ તેણે પહેરેલું ચણિયા જેવું વસ્ત્ર જેટલું સુંદર હતું તેટલું વિચિત્ર પણ હતું. તે ચાલી રહી હતી છતાં પણ તેનાં પગ જોઈ શકાતાં નહોતા.

મારી સાથે ચાલી રહેલા આશિષે મને પૂછ્યું પણ ખરું કે જનાબ નીચે શું જુએ છે? પરંતુ મેં જાણી જોઈને વાત ઉડાવી દીધી કારણ કે મને ખુદને એ નહોતું સમજાઈ રહ્યું કે હું આમ શા માટે કરું છું! મારા મનમાં ચિત્ર - વિચિત્ર ખ્યાલો આવી રહ્યા હતા.

મેં ઘણીવાર પુસ્તકોમાં વાંચ્યું છે કે પહેલાંના સમયમાં એવી માયાવી તાકાતો હતી જે પોતાની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકવા સમર્થ હતી. ઘણાં એવાં લોકો પણ હતાં જે મેલી વિદ્યાઓને આધારે આવું કરી શકતાં હતાં.

મારાં મનમાં ચાલી રહેલા ખ્યાલો પણ ધીમે - ધીમે હવામાં ધુમાડો ઓગળે તેમ ઓગળી ગયા. આવું તે યુવતીના પ્રતાપે થયું કે કેમ તેની તો ખબર નહીં પણ જાણે હવે હર ક્ષણે તે યુવતીના સૌંદર્યના જ વિચારો મન પર હાવી થઈ ગયા હતા.

તે યુવતીએ આંગળી ચીંધીને અમને જણાવ્યું કે, " સામે જે વૃક્ષો દેખાય છે ત્યાં એક ઝૂંપડાં જેવાં ઘરમાં હું રહું છું. થોડાં વર્ષો પહેલાં ત્યાં એક ઝરણું હતું પણ હવે તે સુકાઈ ગયું હોવાથી મારે અહીં સુધી પાણી ભરવા માટે આવવું પડે છે."

અત્યાર સુધી મૌન રાખીને અમે પણ કંટાળી ગયા હતા. તે યુવતીના વાત કરવાને લીધે અમને પણ થોડી રાહત થઈ. હવે વાતોનો દોર ચાલુ રાખવા માટે મેં પણ તે યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી.

માફ કરજો પણ અત્યાર સુધીમાં એક વાત તો પૂછવાની રહી જ ગઈ. બીજું બધું તમે ભલે પછી જણાવો પણ શું અમે તમારું નામ જાણી શકીએ?

આવી રીતે નામ પૂછવાનું તેને ગમ્યું હોય તેમ તેણે પાછળ ફરીને એ જ મોહક સ્મિત સાથે કહ્યું, " હા, કેમ નહીં! મારું નામ કામીની છે."

નામ સાંભળીને અમે પણ અચંબામાં પડી ગયા કારણકે તેના નામ પ્રમાણે જ તેનાં ગુણ હતાં. જેવું એનું નામ હતું એવી જ એની કામણગારી અદાઓ હતી.

" તમે જે ઘૂનાએ પહોંચ્યા હતા તે ઘૂનામા એક મગર પણ રહે છે એ વાત જાણો છો તમે લોકો?? તે યુવતીએ અમને બધાને ઉદ્દેશીને કહ્યું.

" હા. અમે આવીને એ ઘૂનામા નહાયા હતા ત્યારે અમને જાણ નહોતી થઈ પરંતુ અમારામાંથી એક પર તે મગરે હુમલો કર્યો ત્યારે અમને જાણ થઈ હતી. અમે બધાએ ભેગા મળીને તેનો સામનો કર્યો અને મગરથી છૂટકારો મેળવ્યો. ઈશ્વરની કૃપાથી કોઈ ઈજા પણ ના થઈ." મનોજભાઈએ અમારા વતી જવાબ આપતાં કહ્યું.

" તે ઘૂનો વર્ષોથી મીઠાં પાણીથી ભરેલો છે તેમાં પહેલાં કોઈ મગર નહોંતો. કદાચ ચોમાસા દરમિયાન ગીરનાર પર્વતની તળેટીમાં આવેલા તળાવમાંથી તેં અહીં સુધી આવી ચડ્યો હોય એવું લાગે છે." તે યુવતીએ મગર વિશે જણાવતાં કહ્યું.

" તમે આટલાં સુંદર છો તો તમે લગ્ન કર્યા કે નહીં ?? " કલ્પેશભાઈએ ઓચિંતો વિચિત્ર સવાલ પૂછ્યો.

એ સવાલ જાણે તેને ગમ્યો ન હોય તેમ થોડીવાર તેના મુખ પરનું હાસ્ય ગાયબ થઈ ગયું પરંતુ તુરંત જ એક મોહક સ્મિત સાથે કલ્પેશભાઈ સામે જોઈને કહ્યું, " ના, મારાં લગ્ન થયાં નથી અને હું લગ્ન કરવા પણ માંગતી નથી."

" શા માટે તમે લગ્ન કરવા માંગતા નથી? કંઈ કારણ?? એજ ઉત્સુકતાથી કલ્પેશભાઈએ ફરી પૂછ્યું.

" મારે શાંતિ જોઈએ છે. એટલે તો આ વેરાન વિસ્તારમાં આવીને રહું છું."એણે વાતનો જવાબ આપતાં કહ્યું.

વાતાવરણ એકદમ શાંત લાગી રહ્યું હતું. કામીનીએ પગમાં પહેરેલી પાયલનો મધૂર અવાજ અને લયબદ્ધ રીતે ચાલવાને લીધે કેડ પર રાખેલી મટકીના પાણી છલકાવાનો અવાજ જાણે મિશ્રીત થઈ એક રોમાંચિત વાતાવરણ ખડું કરી રહ્યા હતા.

લગભગ ઘૂનાથી વિસેક મિનિટ જેટલું ચાલ્યા બાદ અમે કામીનીના નિવાસસ્થાને પહોંચ્યા. બહારથી જોતાં તે એક મોટા ઝૂંપડાં જેવું જ લાગતું હતું. મોટા લાકડાઓના ટેકાના આધારે છાજ જેવા ઘાસના પૂળાઓથી તે સુવ્યવસ્થિત લાગતું હતું.

બહારનું ફળિયું પણ સુંદર રીતે માટીથી લીપેલું હતું. અમે ત્યાં બહાર બનાવેલા ઓટલા જેવા ભાગ પર બેઠા. કામીની પાણીની માટલી અંદર મૂકીને બહાર કંઈક કામ માટે ગઈ.

મને પાણીની તરસ લાગી હોવાથી હું પાણી પીવાનાં બહાને અંદર ગયો. અંદરની તરફ ઝૂંપડું કોઈ રહસ્યમય મહેલ હોય તે રીતે અલગ - અલગ નાનકડા ખંડમાં વિભાજીત હતું. અચાનક જ મારાં નાકમાં એક અજીબ પ્રકારની તીવ્ર વાસ આવી. મેં આજુ-બાજુ નજર કરી તો ઘરવખરીની અમુક વસ્તુઓ સિવાય મને કંઈ દેખાયું નહીં. ઝૂંપડાંની અંદર અંધારું પડતું હોવાથી કંઈ સુઝતું નહોતું.

અચાનક કામીની અંદર આવી. મને અંદર આવેલો જોઈ તેના ચહેરાના હાવભાવ થોડા બદલાઈ ગયા. મેં તેની પાસે પીવા માટે પાણી માગ્યું.

હું પાણી પીને જેવો બહાર નિકળવા જતો હતો ત્યાં મારા કાનમાં કોઈના કણસવાનો અવાજ સંભળાયો. એ અવાજ ઝૂંપડાંના અંદરનાં ભાગમાંથી આવી રહ્યો હતો.

" અહીં તમારા સિવાય બીજું કોણ રહે છે?? કોણ આ રીતે કણસી રહ્યું છે?? મેં સંદેહ સૂચક નજરે તેને પૂછ્યું.

" એ તો મારી ઘરડી માં છે. અમે બે જ અહીં રહીએ છીએ. મારી માં ઘણાં સમયથી બીમાર છે તો આવી રીતે અવાજ કરે છે." કામીનીએ ઉતાવળે જવાબ આપતાં કહ્યું.

મને એના જવાબથી સંતોષ તો ના થયો પણ છતાં હું બહાર બધા બેઠા હતા ત્યાં વિચાર મગ્ન થઈને બેઠો. ભાવેશના પૂછવાથી મેં આ વાત બધાને જણાવી. બધાને એ વાત સામાન્ય જ લાગી.

કામીનીએ બહાર આવીને કહ્યું કે, "હું બધા માટે કંઈક રસોઈ બનાવી નાખું છું તો તમે થોડીવાર આસપાસ આંટો મારવો હોય તો મારી લો. અહીં અમારે એક નાનકડો બગીચો પણ છે તે પાછળની તરફ છે."

અમને પણ તેની વાત યોગ્ય લાગી. અમે બધા બગીચા તરફ ગયા. અમે ત્યાં જઈને જોયું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બગીચામાં જાતજાતનાં વૃક્ષો અને ફૂલછોડ હતા. કેળ, જાંબુ તેમજ અનેક પ્રકારના ફળનાં વૃક્ષો હતાં.

અમે બધાએ વિચાર કર્યો કે કાલે જતી વખતે આમાંથી થોડાંક ફળ રસ્તામાં ખાવા માટે સાથે લેતા જશું. અમે ત્યાં અંદર ફરતા - ફરતા મજાક મસ્તી કરી રહ્યા હતા. અત્યારે કોઈને એ પણ યાદ નહોતું કે અમે મુસીબતમાં છીએ.

રાહુલ: " આ બગીચામાં આટલાં બધાં ઝાડ છે પરંતુ આસપાસ તે ઘૂના સિવાય ક્યાંય પાણી નથી તો કેવી રીતે આ બધાં ઝાડને પાણી મળતું હશે?? "

કલ્પેશ : " ઝાડનું તો સમજ્યા કે મોટા હોય તો જરૂર ના પડે પરંતુ ફૂલછોડ અને કેળને તો સતત પાણી આપવું પડે."

" તમારી વાત સાચી છે અને વિચારવા જેવી પણ છે. એટલે દૂરથી કંઈ એકલી યુવતી બધાને પાણી ના આપી શકે. નક્કી આમાં કંઈક તો રહસ્ય છે." મેં તેમની વાતોમાં સૂર પુરાવતા કહ્યું.

અચાનક મારી નજર એક પીપળાના મોટા ઝાડના થડ પર પડી. તેના થડમાં એક વિચિત્ર નકશી કરેલી હોય એવું લાગ્યું. ધ્યાનથી જોતાં એવું લાગે કે કોઈ દરવાજો હોય એવી રચના હતી. મેં બધા મિત્રોને પણ એ વિચિત્ર નકશી બતાવી.

અંધારું પણ હવે થવા આવ્યું હતું. અમે લોકો જેવા એ પીપળાના વૃક્ષ તરફ જવા પગ ઉપાડ્યા કે દૂરથી કામીનીએ અમને બૂમ પાડી. અમે લોકો ના છૂટકે પાછા ફર્યા.

અમે બધા હાથ ધોઈને બહાર જમવા બેઠા. કામીનીએ કાચા કેળાનું શાક બનાવ્યું હતું. અમે એને જમવાનું પૂછ્યું તો તેણીએ કહ્યું કે, " પોતે પછી જમી લેશે. હજુ માં માટે પણ કંઈક બીજું બનાવવું પડશે. તે આવું કંઈ ખાશે નહીં."

મનમાં ઘણાં બધાં સવાલો ઉઠી રહ્યા હતા પરંતુ તેના જવાબ મેળવવા પણ એટલા જ અઘરા હતા. શા માટે તે અમારી સાથે ન જમી તેમજ એની માં શું ખાતી હશે?? એના માટે બીજું વળી શું બનાવશે??

ઝૂંપડાંની બહાર જ એક થોડુંક ઊંચું ચોગાન જેવું હતું. ત્યાં એક મોટું કંતાન પાથરીને અમે બધા આડા પડ્યા. વાતાવરણમાં એક અજીબ પ્રકારની શાંતિ હતી. કામીની તેનાં કામમાં વ્યસ્ત હતી. નવાઈની વાત એ પણ હતી કે જ્યારથી અમે અહીં આવ્યા હતા ત્યારથી તેની મોહક અદાઓ અને સ્મિત જાણે ગાયબ જ થઈ ગયું હતું.

આખા દિવસની હેરાનગતિ અને થાકને લીધે કોઈને પણ નકામી વાતો કરવાનું મન ના થયું. બધા પોતપોતાની રીતે સુઈ ગયા. મારી પણ આંખો મીચાતી હતી. મારા થેલામાંથી શાલ કાઢીને મેં ઓઢી અને હું પણ સૂઈ ગયો.

રાતના લગભગ બે વાગ્યા આસપાસ રાહુલનો અવાજ સાંભળીને ઊંઘ ઉડી ગઈ. ઊઠીને જોયું તો કલ્પેશ અને આશિષ ત્યાં નહોતાં. મનોજભાઈ ઉઠી ગયા હતા. અમે ભાવેશને પણ ઉઠાડી દીધો.

પણ આ શું?? શરીરમાં જાણે તાકાત જ નહોતી. આંખો પણ આપમેળે મીંચાઈ જતી હતી. જાણે કે કોઈ અજીબ પ્રકારનો નશો અમે કર્યો હોય એવી અમારી બધાની હાલત હતી.

અમે આશિષ અને કલ્પેશને બૂમ પાડી કે કદાચ આસપાસ બાથરૂમ માટે ગયા હોય પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતાં અમને ચિંતા થઈ. ઊભા થયા તો અમારાં દરેકના પગ લથડતા હતાં. હવે અમને કંઈક અજુગતું બનવાનો અહેસાસ થયો.

મેં લથડતા પગે ઝૂંપડીમાં જોયું. ઝૂંપડીમાં ભેંકાર અંધારા સિવાય કંઈ નહોતું. કામીની અને તેની માં કોઈ પણ નહોતું. આસપાસ તપાસ કરી પરંતુ તેમનો કોઈ પત્તો નહોતો. આખરે એ લોકો ક્યાં ગયાં હશે? અમે એકદમ રઘવાયા થઈને એકબીજાને જોઈ રહ્યા હતા...( વધુ આવતા અંકે )

આશિષ અને કલ્પેશ ક્યાં હશે?? તેમની સાથે શું બન્યું હશે?? કામીની અને તેની માંનું રહસ્ય શું છે? પેલી નાનકડી છોકરી કોણ હતી?? અમે સહી સલામત નીકળી શકીશું કે કેમ?? જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી આ ગેબી યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED