બડે પાપા-નવલકથા - પ્રકરણ - ૨૬ Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

બડે પાપા-નવલકથા - પ્રકરણ - ૨૬

એક તરફ તે જ્ઞાની હોવાનો દાવો કરતો હતો . અને બીજી તરફ ? સામાન્ય વાત પણ માનવા તૈયાર નહોતો .

તેના મગજમાં જેે વિચાર આવતો હતો , ક્ષિતિજ એને જ સચ્ચાઈ માનીને ચાલતો હતો . તે અન્ય કોઈનો પણ વિશ્વાસ કરતો નહોતો . આ કારણે ઘરમાં સતત વિવાદ , કંકાસનું વાતાવરણ છવાયેલું રહેતું હતું . મા દીકરા વચ્ચે ૩૬નો આંક હતો . વાતવાતમાં તેઓ વિવાદ કરતા હતા . એક બીજાને ઉતારી પાડતા હતા . અને સત્યમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી . તે ઘરમાં મિનિટે મિનિટે ઉભો થતો સિનારિયો નિહાળી ત્રાહિમ ત્રાહિમ પોકારી જતો હતો . તેને ઘણી વાર ભાગી જવાનો વિચાર થઈ આવતો હતો . પણ તેે પોતાના પરિવાર પ્રતિ બેહદ લાગણી ધરાવતો હતો . તેથી એવું કોઈ જ પગલું ભરી શકતો નહોતો .

ભગવાન કોઈને એક ઇન્દ્રિય ઓછી જરૂર આપે છે પણ સાથોસાથ બાકીની ઇન્દ્રિયો એટલી સબળ આપે છે કે એક ઇન્દ્રિયની કમી વર્તાતી નથી . સત્યમ વારંવાર તેના દીકરાને આ વાત સમજાવવા મથતો હતો . પણ ક્ષિતિજ કોઈ વાત માનતો કે સાંભળતો નહોતો . તેની નકારાત્મક સોચ જ તેની વેરી બની ગઈ હતી . તેણે પોતાની આસપાસ નકારાત્મક વિચારોની વાડ બનાવી લીધી હતી જેમાંથી તે બહાર નીકળતો જ નહોતો .

આ દુનિયામાં ભગવાને કોઈને એટલો લાચાર કે કમજોર નથી બનાવ્યો . માનવી ચાહે તો બધું કરી શકે છે . બસ તેને માટે ઈચ્છા , ધગશ તેમ જ ઉત્સાહની આવશ્યક્તા હોય છે . ભગવાને દરેકની ભીતર શક્તિનો ભરપૂર ખજાનો ભર્યો છે . બસ તેને બહાર કાઢવાની , તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર હોય છે . આ શક્તિ બજારમાં વેચાતી નથી મળતી . સત્યમે તેના દીકરાને આ વાત સમજાવવાની કોશિશ કરી હતી . પણ તે તો હારીને, બધું છોડીને બેસી ગયો હતો . આ હાલતમાં કોણ તેની મદદ કરી શકે ?

તેના વ્યવહારથી ઘરમાં સદૈવ તંગદિલીનું વાતાવરણ છવાયેલું રહેતું હતું . તેની જિંદગી એક ચેક પોસ્ટ બનીને રહી ગઈ હતી . તે એક એક ક્ષણનો હિસાબ રાખતો હતો . માં બાપની પ્રત્યેક હરકત પર ચાંપતી નજર રાખતો હતો . દરેક વસ્તુને પોતાની રીતે કરવાની જીદ કરતો હતો . ' લેટ ગો ' , ' ચાલશે ' , ' વાંધો નહીં ' આવા શબ્દો તેની ડિક્સનરી માં નહોતા . તે દરેક ચીજ પર સંભાષણ કરતો હતો . દરેક ઘટનાનું પોસ્ટ મોર્ટમ કરતો હતો . દરેક શબ્દના જવાબ આપતો હતો . તે સાચો છે તેવું ઠસાવવાનો પ્રયાસ કરતો હતો . તેનો વિરોધ થતાં ગાળાગાળી પર ઉતરી આવતો હતો .

તેને અંધ શાળામાં દાખલ કર્યો હતો . એ ધારત તો ફિજીયોથેરાપિસ્ટ બની લોકોની સેવા કરી શક્યો હતો .પણ આ બાબત ન તો તેણે કોઈ કોશિશ કરી હતી ન તો કોઈ વિચાર . શાળામા તેને ગૃહ ઉદ્યોગની અમુક ચીજો જેવા કે અગરબત્તી , ફીનાઇલ , કાગળની થેલી ઇત્યાદિ બનાવતા શીખવાડ્યું હતું . તે ખાલી ચીજો બનાવતો હતો . બાકી તેના વેચાણ માટે સત્યમને ભાગાદોડી કરવી પડતી હતી .આ હાલતમાં તેમને આ કામ બંધ કરવું પડ્યું હતું .

બીજું તો ખાસ ક્ષિતિજ શીખ્યો નહોતો પણ સોબતમાં ગંદી ગાળો બોલતાં જરૂર શીખ્યો હતો .

તે ઘરમાં બેસીને તેની મા ની દરેક પ્રવૃતિમાં માથું મારતો હતો . ૨૪ કલાક કિચનમાં ભરાઈને તેને સલાહ આપતો હતો , ટકોર કરતો હતો . વાતવાતમાં તેને ઉતારી પાડતો હતો .

' તારામાં અક્કલ નથી ! તું માં નથી ડાકણ છે . રાક્ષસ છે . '

તેનામાં ધીરજનો પણ અભાવ હતો . તેનો પડ્યો બોલ ઝીલવો જ રહ્યો . તેવી તેની હાલત કરી નાખી હતી . માતાને મદદ કરવાના બહાને તેને મગરની જેમ સતત પાણીમાં રહેવાની આદત પડી ગઈ હતી . દિવસમાં સો વાર તે સાબુથી હાથ ધોતો હતો . દરેક ચીજને પણ પાણીથી ધોતો હતો એટલું જ નહીં તેના માં બાપને પણ તેના પગલે ચાલવાની ફરજ પડતો હતો . પચાસ વાર ઘર ભીંનું કરતો હતો અને પછી હોટેલના વેઇટરની જેમ પોતા માર્યા કરતો હતો .

આ કારણે તેની હથેળી પર છાળા પડી ગયા હતા . તેના હાથ સડી ગયા હતા . છતાં તેની સાન ઠેકાણે આવતી નહોતી . તે વાતવાતમાં સત્યમને ગુસ્સો કરાવી તેને લોકોની નજરમાં બદનામ કરતો હતો . તે બધી રીતે અસહ્ય બની ગયો હતો . તે ક્ષિતિજને ફરીથી તેના ભાવિ માટે અંધ શાળામાં ભરતી કરવા માંગતો હતો . પણ તે કોઈ પણ રીતે માનતો નહોતો . તે ભણેલો ગણેલો હતો પણ તેની સોચ એક નાનકડા બાળકને પણ શરમાવતી હતી . તેની વાત સાંભળી સત્યમ ચકિત રહી ગયો હતો .

' તમને હું ગમતો નથી . મને નફરત કરો છો તેથી જ મને આ રીતે દૂર કરવા માંગો છો ! '

સત્યમ તેના પર ગુસ્સો કરતો હતો . આથી તેના દિમાગમાં આવી ગ્રંથી બંધાઈ ગઈ હતી . ભણ્યો હતો છતાં તે એટલું સમજતો નહોતો કે આપણે જેને પ્રેમ કરીએ છીએ જેના પ્રતિ લાગણી ધરાવીએ છીએ તેના પર જ ગુસ્સો કરીએ છીએ . પ્રેમ અને ગુસ્સો એક સિક્કાની બે બાજુ જેવા હોય છે .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રોશની લોહીનો ધંધો છોડી ઉજળી દુનિયામાં પાછી ફરવા માંગતી હતી . તેની પાસે આવતો એક ઘરાક તેને પ્રેમ કરવાનો દાવો કરતો હતો . તેની જોડે લગ્ન કરવા માંગતો હતો . પણ તેના સંચાલન કરતા લોકો તેની મોટી કિંમત માંગતા હતા . રોશનીએ પોતાની સમસ્યા સત્યમને બયાન કરી હતી . અને તેણે કરાટે ટીમની મદદ લઇ રોશનીને આ નરકમાંથી મુક્તિ અપાવી હતી .

તે છોકરાનું નામ સુજીત હતું . તેના માતા પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા . આ હાલતમાં પણ તેણે રોશની જોડે લગ્ન કર્યા હતા અને માતા પિતાનું ઘર છોડી દીધું હતું . સંપત્તિનો હકક પણ જતો કર્યો હતો અને નવેસરથી જિંદગી શરૂ કરી હતી . સુજીત શેર બજારમાં દલાલીનું કામ કરતો હતો , સાથમાં એસ્ટેટ એજેન્ટનું પણ કામ કરતો હતો .

રોશની તેને ભરપૂર સ્નેહ લાગણીથી નવાજતી હતી . આ જ કારણે સુજીતે તેનું નામ બદલીને સ્નેહા રાખ્યું હતું . તેનું નામ માત્ર સુજીત માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું હતું . તેના પગલાં શુકન વંતા સાબિત થયાં હતાં . અને તેમને સારા દિવસો જોવાનો લ્હાવો મળ્યો હતો .

સ્નેહા તેના પતિને મદદ કરવા માંગતી હતી . પણ સુજીત તેને બહાર મોકલવા માંગતો નહોતો .

પણ એકાએક સંજોગો બદલાઈ ગયા . એકાએક સુજીતની બંને કિડની ખરાબ થઈ ગઈ . ત્યારે સ્નેહા ગર્ભવતી હતી . તે ના છૂટકે પોતાના પતિને લઈ સાસરે ગઈ હતી . તેના સાસુ સસરાએ તેને અપમાનિત કરી હતી . દીકરાની હાલત માટે સ્નેહાને જવાબદાર ગણી હતી . તેઓ એક જ શરતે દીકરાને પાછો ઘરમાં લેવા તૈયાર હતા . મદદ કરવા તૈયાર હતા .

' તું મારા છોકરાને છોડી દે ! '

પોતાના પતિની જીંદગી માટે તે સતી સાવિત્રી બનવા તૈયાર હતી .

તેની વાત સાંભળી સુજીત ભડકી ગયો હતો .

તેણે કોઈ પણ સ્થિતિમાં માતાપિતાના બારણે ન જવાના સોગંદ લીધા હતા . સ્નેહાને પણ સોગંદ આપ્યા હતા . આ સ્થિતિમાં સ્નેહાએ હિંમત રાખી કમર કસી પોતાની પડોશમાં રહેતી મહિલાને કામ શોધી આપવાની ભલામણ કરી . આ મહિલા જોગાનુજોગ મ્યૂઝિકાની મમ્મી હતી . જે અનાયાસ સત્યમને રસ્તામાં મળી ગઈ હતી . અને તેણે પોતાની અંગત જવાબદારી પર સ્નેહાને કામે રાખી લીધી હતી .

સુજીતને કિડની દાતાની જરૂર હતી . પણ તેને માટે ના તો પૈસા હતા ના તો તેની માંસ પેચી સાથે મેચ થાય તેવી કિડની ઉપલબ્ધ હતી . સત્યમ પોતાની કિડની આપવા તૈયાર હતો
પણ તે ખુદ એક જ કિડની પર જીવી રહ્યો હતો . આ હાલતમાં તે કિડની દાન કરી શકે તેમ નહોતો . સ્નેહની કિડની પણ કામ આવે તેમ નહોતી .

આ હાલતમાં સ્નેહા અને આવનાર બાળકની જવાબદારી સત્યમને સોંપી સુજીતે સદાય માટે આંખો મીંચી દીધી હતી !

' તમે ચાહો તે રીતે સ્નેહના ભવિષ્યનો નિર્ણય કરજો . તેને મહિલા રોજગાર અને કલ્યાણ સંસ્થામાં દાખલ કરાવી દે જો . તે ફરીથી પરણવા માંગતી હોય તો પરણાવી દે જો. તેના સ્નેહ પ્રેમે મને સુંદર મોતની લહાણી કરી છે . '

તેના મોતે સત્યમની આંખો ચુઈ પડી હતી .

શરુઆતમાં સુજીતને તેની પત્ની સાથેના સત્યમના સંબંધોને સ્વીકાર્યા નહોતા . પણ પછી તેની એક વાર્તા વાંચ્યા બાદ તેણે સંબંધની સચ્ચાઈ કબૂલી લીધી હતી . તેમના પવિત્ર સંબંધની ગરિમા જાળવી હતી .

ઓફિસમાં લોકો અને ખાસ કરીને જરીવાલો તેમના સંબંધ પર આંગળી ઉઠાવતા હતા . તેની નજર હજી પણ સ્નેહા પર હતી . તે હજી પણ સ્નેહાનુ પડખું સેવવાની ખેવના ધરાવતો હતો . તેના પતિના મોતે તેનો માર્ગ મોકળો બની ગયો હતો . તેવી માન્યતામાં જીવતો હતો . પણ સત્યમ તેની પડખે ઉભો હતો . આથી તેની દાળ ગળતી નહોતી . તે વારંવાર સત્યમને કટાક્ષ કરતો હતો .

' તમને તો જલસા થઈ ગયા . '

જરીવાલો શું કહેવા માંગતો હતો ?

સત્યમ તેનો સૂર પામી ગયો હતો . એક પળ તેને જરીવાલાની જીભ ખેંચી કાઢવાનું મન થયું હતું . પણ તેણે પોતાની જાતને વાળી લીધી હતી . તે ઉકરડો હતો . તેમાં હાથ નાખવાથી ગંદકી જ હાથ લાગે તેમ હતી . આ હિસાબે તેણે ચુપકીદી ધારણ કરવી મુનાસીબ લેખ્યું .

સત્યમ સ્નેહાને દીકરી માનતો હતો . પણ તેની પત્ની તેમજ ક્ષિતિજ આ વાત સ્વીકારી શકે તેમ નહોતા . આમ પણ તેના ઘરમાં વિસંવાદિતા તેમ જ વિવાદનું વાતાવરણ હતું . આ હાલતમાં તેણે સ્નેહાને ' માં ના ઘર ' નામની સંસ્થામાં ભરતી કરી દીધી હતી . જે જોગાનુજોગ ગરિમા ચલાવી રહી હતી .

વરસો બાદ સ્નેહાને કારણે બંને ફરી આમને સામને થયા હતા .

સત્યમે પોતાના વર્તન બદલ ફરી વાર ગરીમાંની માફી માંગી હતી . તેથી ગરિમાને નવાઈ લાગી હતી . કમ સે કમ બે દાયકાથી વિશેષ સમય વીતી ગયો હતો . છતાં સત્યમ આ વાત ભૂલી શક્યો નહોતો . તે બદલ ગરિમાએ સહૃદયી બની તેને ભલામણ કરી હતી .

' હું તો આ વાત ભૂલી ગઈ છું . તમે પણ સદાય માટે આ વાતને તમારા દિલોદિમાગમાંથી કાઢીને બહાર ફેંકી દો . મને કે મારા પતિને તમારા પ્રત્યે કોઈ ફરિયાદ કે શિકાયત નથી . તમે તો જાણો છો . હું માનસ શાસ્ત્રની સ્ટુડન્ટ છું . તમે કઈ સ્થિતિમાં આવી વર્તણુક કરી હતી . તેની મને જાણ હતી . તમે બદમાશ કે ખલનાયક નીવડ્યા તો રાખડી બાંધી તમારું હદય પરિવર્તન કરવા માંગતી હતી . પણ તમે તો મારી સગાઈ થયાની વાત જાણ્યા બાદ મને બહેન ગણી માથે હાથ મૂકી શપથ લઈ તમારી સાચી પહેચાન આપી હતી . આ હાલતમાં રાખડી બાંધી તમારી ઇમાનદારીનું અપમાન કરવા માંગતી નહોતી . તેથી જ રાખડી કઠેરા પર મૂકી જતી રહી હતી . '

' તમારા ગયા બાદ મેં મારી માતાને સવાલ પૂછ્યો હતો . ' ગરીમાએ મને રાખડી કેમ ના બાંધી ? ' તેના જવાબમાં માતાએ આવી જ વાત કરી હતી ! '

' તમારી મધર તમને ખૂબ જ ચાહે છે . તમારી હાલતને કારણે તેઓ કેટલા ચિંતિત થઈ ગયા હતા , ગભરાઈ ગયા હતા . તેમની બોડી લેંગ્વેજે મને આ વાત સમજાવી દીધી હતી .'

હું પણ તેમને ખૂબ ચાહતો હતો . તેઓ મારા સ્ટેપ મધર હતા છતાં મને સગા દીકરાની જેમ રાખતા હતા . તેમના મોતે હું સાવ નિરાધાર અટૂલો બની ગયો હતો . તેમને અંતિમ ઘડીમાં ના મળાયું , કોઈ વાત ના કરવા પામ્યો તેનો સતત અફસોસ થાય છે . '

' શું તેઓ બીમાર હતા ? '

' આમ તો તેમને ટી બી થયો હતો . પણ તેઓ સાજા પણ થઈ ગયા હતા . પણ એકાએક તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું અને તેઓ બેભાન બની ગયા હતા અને ત્રીસ કલાકમાં જ ઉકલી ગયા હતા ! '

સાંભળીને ગરિમાએ દુઃખની લાગણી અનુભવી .

ત્યાર બાદ સ્નેહાને મળવાને બહાને અનેક વાર સત્યમ ગરિમાને મળ્યો હતો . બંને સાચા અર્થમાં ભાઈ બહેન બની ગયા હતા . તેના પતિ ગૌરવે પણ દરિયાદિલી દાખવી તેમના સંબંધને માન્યતા આપી હતી .

ક્ષિતિજના મામલામાં સત્યમે બધી જ આશ છોડી દીધી હતી . ત્યારે ગરિમા અંધારામાં દીવો લઇ તેની સામે ઉભી રહી ગઈ હતી . ક્ષિતિજ તો કોઈ પણ રીતે આશ્રમમાં જવા તૈયાર નહોતો . ત્યારે ગરિમાએ આંતરિક સૂઝ દાખવી ક્ષિતિજને પોતાના દ્વારા જ સંચાલિત અંધ શાળામાં ભરતી કરી દીધો હતો !

અને આમ સ્નેહા અને ક્ષિતિજ વચ્ચે વાતચીતનો સેતુ બંધાયો હતો ! ધીમે ધીમે તેમનો પરિચય વધી ગયો હતો . બંને એકમેકને પસંદ કરવા લાગ્યા હતા . ક્ષિતિજ સત્યમનો દીકરો હતો તે જાણી સ્નેહા તેનો વિશેષ ખ્યાલ રાખતી હતી .

માં ના ઘરમાં આશરો લીધા બાદ ત્રીજે મહિને સ્નેહાએ એક બાળકને જન્મ આપ્યો હતો . ક્ષિતિજ પણ સ્નેહાના બાળકમાં માનો લીન થઈ ગયો હતો .

બાળકને કારણે સ્નેહા અને ક્ષિતિજ પણ એકમેકની નિકટ આવી ગયા હતા . ક્ષિતિજને શું ગમતું હતું ? ભાવતું હતું ? સ્નેહા તેનું ધ્યાન રાખતી હતી . બંનેમાં એક સામ્યતા હતી . તેમને ગાવાનો શોખ હતો . બંને પોતપોતાના રૂમમાં તેમને ગમતા ગીતો ગણગણાવતા હતા . ગીતોની ચોઇસ પણ બહુધા મળતી આવતી હતી !

ઘણી વાર એવું બનતું હતું . બંનેની રૂમમાંથી એક જ ગીત સંભળાતું હતું . ગરિમાને આ વાતની જાણ થઈ ત્યારે તેને અચરજની લાગણી જન્મી હતી . કુદરતની આ કારીગરીમાં તેને કોઈ શુભ સંકેત દેખાયો હતો .

એક ક્ષણ તેના દિમાગમાં એક સવાલ ઝબુકયો હતો !

આ બંને એક થઈ જાય તો ?

બંનેને કોઈ સહારો મળી જાય !

સ્નેહા સત્યમના ઘરમાં તેના દીકરાની વહું બનીને જાય તો ઘણી બધી સમસ્યા આપોઆપ દૂર થઈ જાય .

સત્યમે પણ અનેક વાર તેમના વચ્ચેની આત્મીયતા સગી આંખે નિહાળી હતી . તે પણ પોતાના દીકરાને પરણાવવા માંગતો હતો , પોતાનો વંશ વેલો આગળ ધપાવવા માંગતો હતો . અને વાત તે દિશામાં આગળ વધી રહી હતી . તે જોઈ સત્યમના હૈયામાં આશાનો નવલો સંચાર થયો હતો .તે વખતે તેના કાનમાં સુજીતની વાત પડઘાઇ રહી હતી .

' સ્નેહા ફરી લગ્ન કરવા ચાહતી હોય તો તેને રોકશો નહીં ! '

આ બાબત સત્યમ હકારાત્મક રીતે વિચાર કરવા લાગ્યો હતો . પણ ક્ષિતિજનું બદલાયેલું વર્તન તેને આ બાબત વિચાર કરતા રોકી રહ્યું હતું . એક માં બાપ પોતાના દીકરાને બરદાસ્ત કરી શકતા નહોતા . તો પછી પારકી છોકરી પાસેથી શું આશા રાખી શકાય ?

સ્નેહા પર ખૂબ જ વીતી હતી . સત્યમ તેને વધારે દુઃખ આપવા માંગતો નહોતો .

એક વાર મોકો જોઈ ગરિમાએ આ ટોપિક છેડયો હતો .

સત્યમે તેની લાગણી ભાવનાનો સ્વીકાર કર્યો હતો . પણ ક્ષિતિજનું દિમાગ બિલકુલ કટાઇ ગયું હતું . આ હાલતમાં તે સ્નેહાને સુખી નહીં કરી શકે તે સંભાવનાનો સ્વીકાર કરતો હતો . આથી જ તે ગરિમાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં ખચકાટ અનુભવી રહ્યો હતો . તેના બીમાર દિમાગની વાત પર ગરિમાએ સત્યમને ધરપત આપી હતી :

' મને તમે ત્રણ મહિનાનો સમય આપો ! હું તમારા દીકરાને નોર્મલ કરી દઈશ ! '

અને સત્યમે તેના પર ભરોસો મૂકી ગરિમાને મહેતલ આપી હતી .

ક્ષિતિજને માનસિક ચિકિત્સા આપ્યા બાદ તેનામાં અદભુત પલટો આવ્યો હતો . તે એક નોર્મલ વ્યકિતની માફક વાત કરી રહ્યો હતો ! તે સ્નેહાનુ તેના મૃત પતિ સુજીત કરતા પણ વિશેષ ધ્યાન રાખતો હતો . તેને ક્ષિતિજમાં પોતાનો ખોવાયેલો પતિ દેખાવા લાગ્યો હતો .

સ્નેહા એક જમાનામાં દેહનો વ્યવસાય કરતી હતી . તે જાણી નિરાલી પણ તેના પ્રત્યે સુગ ધરાવતી હતી . ક્ષિતિજ પણ તેને ગંદી માનતો હતો . તેના પિતા સઘળું જાણતા હતા . છતાં તેની સાથે સંબંધ રાખતા હતા . તેને દીકરી માનતા હતા . આ વાતથી તે નારાજ રહેતો હતો . તેના પિતા પર મનફાવે તેવા આળ ચઢાવતો હતો . એક વાર તો તેણે હદ જ કરી નાખી હતી !

' આ ઉંમરે તમને આવા ધંધા કરતા લાજ નથી આવતી ! '

હકીકત જાણ્યા પછી તે સ્નેહાને ધિક્કારશે . તેને નફરત કરશે . એ જ સ્નેહા સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો છે . તે જાણી તે તરત જ લગ્ન કરવાની ના પાડી દેશે . સત્યમને ભય લાગી રહ્યો હતો .

આ હાલતમાં ગરિમા અને સત્યમે એક જુઠાણું હાંકવાની તૈયારી કરી લીધી . પોતાના દીકરાને સ્નેહાની પ્રેમ લાગણીએ ઠેકાણે આણ્યો હતો . તે જાણી નિરાલી દીકરાના લગ્ન સ્નેહા સાથે કરવા તૈયાર થઈ ગઈ હતી . તે જૂઠાણાંમાં સાથ આપવા તૈયાર થઈ ગઈ હતી .

ક્ષિતિજ વોઝ ગુડ ફોર નથિંગ , તે કોઈ કામનો નહોતો . આ જ કારણે લાંબા ગાળે તેણે ત્રીજા બાળકની અપેક્ષા રાખી હતી . તે પુત્રને ચાહતો હતો . તેની આ આશ એક ગીત બનીને સત્યમના મોઢે ત્રીજી પ્રસુતિ વખતે ગુંજી રહી હતી . પણ તેને દીકરી જન્મી હતી . આમ તો તે દીકરો હોય કે દીકરી તેમાં કોઈ ફરક જોતો નહોતો . જન્માષ્ટમીના દિને તેના ઘરે દીકરી જન્મી હતી અને સત્યમે તેનું નામ કૃષ્ણા રાખ્યું હતું .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ક્રમશ : .