સફર (એક અજાણી મંજિલની) - 19 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર (એક અજાણી મંજિલની) - 19

(આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો નાના-મોટા રહસ્યોનો સામનો કરતા બર્મુડા ટ્રાયંગલમાં મુસાફરી આગળ વધારે છે.હવે વધુ આગળ જોઈએ ...)





વધુ એક દિવસની મુસાફરી બરાબર ચાલી. સ્ટેફન સરસ મજાનો કપ્તાન હતો. આગળના જહાજથી એક સલામત અંતર જાળવી એ અમારા વહાણને હંકારી રહ્યો હતો. દેવ જહાજની સાફ-સફાઈ કરી રહ્યો હતો. અબાના ડેક પર બેઠો બેઠો દરિયાને નિહાળી રહ્યો હતો.

સ્ટેફન વારંવાર આકાશ તરફ જોઈ રહ્યો હતો. વાતાવરણ થોડુ બગડ્યુ હતુ. કાળા ડીબાંગ વાદળો જાણે આ તરફ જ આવી રહ્યા હતા. દેવે અચાનક અમારુ ધ્યાન દોર્યુ કે હોકાયંત્ર કામ કરતુ બંધ થઈ ગયુ હતુ. અમે પણ ચોંકી ઉઠ્યા. સ્ટેફનના માથે ચિંતાની લકીરો સ્પ્ટતાપૂર્વક જોઈ શકાતી હતી.અમે સાંભળ્યુ હતુ એમ જ થઈ રહ્યુ હતુ. હોકાયંત્ર એક સાથે ઘણી બધી દિશાઓ બતાવી રહ્યુ હતુ અને એ વારંવાર બદલાઈ રહી હતી. આ જગ્યા પર ચોક્કસપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક કંઇક ખામી હતી. મે ક્યાંક વાંચ્યુ હતુ કે પૃથ્વી પર અમુક જગ્યાઓ એવી હતી જ્યાં વિચિત્ર પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવસ હોય છે અને આ જગ્યા પણ એમાંની જ કદાચ એક હતી.


અમે આ અવઢવમાં ફસાયેલા હતા ત્યાં અબાના દોડતો અંદર આવ્યો. એને અમારુ ધ્યાન આગળના જહાજ તરફ દોરવ્યુ. એ તો ડૂબવા લાગ્યુ હતુ !! દરિયામાં તોફાન હવે સ્પષ્ટ દેખાતુ હતુ. અમને એમ હતુ કે સ્ટેફન પાછો ગભરાઈ ઉઠશે. પણ આ વખતે તે શાંત જણાતો હતો. જોકે થોડો ભાવુક હતો.મને આશ્ચર્ય થયુ કે આગળનુ જહાજ ડૂબવા લાગ્યુ હતુ અને ત્યાં રીતસરની અફરાતફરી મચી ગઈ હતી પણ સ્ટેફન એકદમ શાંતિથી કેમ ઉભો હતો.!!!



થોડીવારમાં અમારુ જહાજ પણ ડૂબવા લાગ્યુ. જાણે મોત હવે સામે જ દેખાઈ રહી હતી. અમે એકબીજાના હાથ પકડી લીધા. સ્ટેફન સ્વસ્થ થઈને ઉભો થયો. અમે લીધેલા સેટેલાઇટ ફોન વડે એને અમેરિકન નેવીને અમારા ચોક્ક્સ સ્થાનની માહિતી આપી દીધી. ફટાફટ ચાર લાઇફ જેકેટ અને એક બોટ કાઢી. "તમે આમાં બેસીને ફટાફટ કિનારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. અમેરિકન નેવીને મેં જાણ કરી દીધી છે. એ તમારી મદદ માટે પહોંચી જશે. આગળના જહાજનુ ડૂબવુ નક્કી છે અને કદાચ અતિઆત્મવિશ્વાસ કે ભાગવાની ઉતાવળ જે હોય પણ તેઓ લાઇફબોટ કે જેકેટ લેવાનું ભૂલી ગયા છે. તમે કિનારે પહોંચી તમારી જાણ બચાવી લો." " અને તુ ? " મેં એની સામે જોયુ. " લક્ષ્ય હું તો આ જહાજ સાથે જ જળસમાધિ લઈશ. મારી જિંદગીનો મોટાભાગનો સમય મેં આ જહાજમાં વિતાવ્યો છે.અને મારા જીવનનો અંત પણ હું અહીં જ લાવીશ ." આંખમાં આંસુ સાથે હસતા મોઢે એ બોલી ઉઠ્યો.



હું તો એનો હાથ પકડીને ત્યાં જ બેસી ગયો. થોડા આવેશમાં આવીને મેં એને કીધુ કે જો તે અમારી સાથે આવશે તો જ અમે જઈશુ. તેને ઝટકાથી મારો હાથ છોડાવ્યો અને થોડા ગુસ્સામાં અને ભાવુક થઈને બોલ્યો , "લક્ષ્ય , આ સમય ભાવુક થવાનો નહિ પણ સમજદારીથી કામ લેવાનો છે. આ ફ્રિક વેવસ છે. કદાચ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની ક્ષતિઓને કારણે આ વેવસ રચાય છે. આજ સુધી સાંભળ્યુ હતુ આજે એ જોઈ પણ લીધુ અને કદાચ આ જ સાચુ રહસ્ય છે બર્મુડા ટ્રાયંગલનુ. આજ કારણે અહીંથી અચાનક વહાણો ગાયબ થઈ જાય છે.તમે અહીંથી નીકળી જાઓ. આવા કોઈ કપરા સમયને ધ્યાનમાં રાખીને જ મેં લાઇફબોટ,જેકેટ અને ખાસ તો આ સેટેલાઇટ ફોન સાથે લીધા હતા.હવે વિલંબ કર્યા વગર જલ્દી કિનારે પહોંચી જાઓ."



અમે સ્ટેફનને છોડીને જવા માંગતા નહોતા પણ ક્યારેક જીવનમાં એવી ક્ષણો પણ આવે છે જ્યારે ભાવુકતા છોડીને દિમાગથી કામ લેવુ પડે છે. એ એના નિર્ણયમાં મક્કમ હતો અને જો અમે આ જહાજ તરત ન છોડીએ તો અમારા સૌનુ પણ ડૂબવુ ચોક્ક્સ હતુ. અમે વારાફરતી સ્ટેફનને ભેટી પડ્યા. એને અમારી બોટ ધીમેથી દરિયામાં ઉતારી આપી. મારા હાથમાં સેટેલાઇટ ફોન આપ્યો. જહાજને લાગેલી સીડીની મદદથી અમે નીચે ઉતર્યા. આગળનુ જહાજ હવે લગભગ બિલકુલ ડૂબી ગયુ હતુ. રહેમાન મલિકને અંતિમ સમયે મોત સામે વલખા મારતો હું જોઈ રહ્યો. કદાચ એને કરેલા કૃત્યોનુ યોગ્ય પરિણામ એને મળ્યુ હતુ.


અમે લાઇફ બોટની મદદથી ધીમે ધીમે કિનારા તરફ આગળ વધવા લાગ્યા. દરમ્યાન આમારુ જહાજ પણ ડૂબવા લાગ્યુ હતુ. સ્ટેફન ડેક પર ઉભો રહીને હાથ હલાવી રહ્યો હતો. થોડીવારમાં એ દેખાતો બંધ થઈ ગયો. જહાજ હવે સંપૂર્ણ ડૂબી ગયુ હતુ. અમારામાંથી કોઈ કંઈ પણ બોલી શક્યુ નહિ. સેટેલાઇટ ફોન દ્વારા હું સતત અમેરિકન નેવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દરમ્યાન બંને જહાજ સંપૂર્ણ જળસમાધિ લઈ ચૂક્યા હતા !!!



( આના પછી આવનારો ભાગ આ રોમાંચક સફરનો અંતિમ ભાગ રહેશે , ક્યાં પહોંચશે લક્ષ્ય અને એના સાથીદારો એ જોઈશુ વધુ આવતા અંકે )