કાશ તેં મને કહ્યું હોત….
પ્રકરણ - ૪
નિલાક્ષીને નવમો મહિનો બેસી ચુક્યો હતો. બીજી તરફ પ્રશાંતે જણાવ્યું હતું કે એની નાદુરસ્ત તબિયત અને પેટનાં દુ:ખાવા માટે એની એક માત્ર કિડની જે ખરાબ થઈ ચૂકી છે એ જવાબદાર છે. જેનાં માટે એને યોગ્ય કિડની ડોનર જોઈશે અને ટ્રાન્સપ્લાટેશન કરાવવું પડશે. એનો ખર્ચ આશરે પાંચ લાખ જેટલો છે.
ત્રીજું બાળક જે હજી જન્મ્યું પણ ન હતું એને દત્તક આપી નાણાંની વ્યવસ્થા કરવાની વાત નિલાક્ષીને ગળે કેમેય ઉતરી ન હતી.
'પ્રશાંત, મને ઓફિસમાંથી લોન મળી જશે. હા, એ પૂરતાં નહીં થઈ રહે. પણ એ માટે મેં બીજો વિકલ્પ પણ વિચારી લીધો છે.'
પ્રશાંત પ્રશ્નાર્થ નજરે નિલાક્ષીને જોઈ રહ્યો.
'વન બેડરૂમ - કિચનવાળુ મારું મીરાંરોડ પરનું એપાર્ટમેન્ટ ! જે મમ્મી -પપ્પા મારાં નામે કરી ગયા છે. એને વેચી નાખીશું.આરામથી ૪ લાખ જેટલા મળી જશે. એટલે એનાં દસ્તાવેજવાળી ફાઇલ કાલે લોકરમાંથી લાવી રાખજે. કેમ કે એ માટે મેં બે બ્રોકરને પણ કહી રાખ્યું છે ' નિલાક્ષીએ આગળ કહ્યું.
પ્રશાંત પરેશાન થઈ ગયો. શું કહેવું નિલાક્ષીને ? એ એપાર્ટમેન્ટ ગિરવી મુકાઈ ગયો છે.એનાં પર ત્રણ લાખની લોન લેવાઈ ચૂકી છે એ બાબત એને શી રીતે જણાવવી?
નિલાક્ષી માથે આભ ફાટ્યું હતું. જ્યારે એને એપાર્ટમેન્ટની સાચી હકીકત જાણવા મળી હતી.
એક તરફ એ પ્રશાંત પર ગુસ્સે થઈ હતી તો બીજી તરફ એનાં માટે પ્રેમ ઉમટતો હતો અને ત્રીજી તરફ વિવશતા અનુભવી રહેલ.
'સૉરી બેના, માફ કરજે. પ્રશાંત જીજુ પાસે મેં જ્યારે તારાં ભત્રીજાને અમેરિકા ભણવા જવા માટે મદદ માંગી ત્યારે એમણે કહ્યું કે એમની ખુદની આર્થિક પરિસ્થિતી નાજુક છે, પણ તારાં થકી એ મદદ કરી શકે છે...'રાત્રે આવેલ નિલાક્ષીનો મોટાભાઈ નિલાક્ષીને કહી રહેલ.
'ત્રણ વર્ષ પછી તારો ભત્રીજો કમાવા લાગશે એટલે તારી રકમ વ્યાજ સહિત પાછી આપી દઈશ...'તરતોતરત એ વાક્ય ઉમેરાયું હતું.
શું બોલવું એ નિલાક્ષીને સમજ નહોતી પડી રહી. ઘણા વર્ષોથી એનાં ખુદના એનાં મોટાભાઈ સાથેનાં સમ્બન્ધ સામાન્ય નહોતાં રહ્યાં. એની ભાભીનાં વિચિત્ર સ્વભાવને લીધે એનો ભાઈ વર્ષોથી કુટુંબથી દૂર ધકેલાઈ ગયેલો.એટલે સુધી કે ગુસ્સામાં નિલાક્ષીનાં માતા-પિતા એમનું એપાર્ટમેન્ટ દીકરાનાં બદલે દીકરીનાં નામે કરતાં ગયા હતા. જે માટે પ્રશાંત -નિલાક્ષી ચર્ચા કરી ચૂકેલાં કે ભવિષ્યમાં ગમે ત્યારે, સમય આવ્યે તેઓ નિલાક્ષીનાં ભાઈને એ એપાર્ટમેન્ટ પરત કરશે કેમ કે એની સ્થિતિ ઘણી સામાન્ય હતી.
નિલાક્ષીનાં એની ભાભી તરફનાં અણગમાથી પ્રશાંત સારી રીતે વાકેફ હતો. એ ઉપરાંત, પોતાની તબિયત અને કથળેલી આર્થિક સ્થિતિની ચિંતાગ્રસ્ત સગર્ભા નિલાક્ષીની નાદુરસ્ત તબિયત રહેતી હોઈ એ એક વધુ જૂની વાત ઊખેળી વાતાવરણ વધુ ડહોળાય એમ ઈચ્છતો ન હતો.એટલે એણે નિલાક્ષીને અજાણ રાખી બધો કારભાર કરેલો.
'વાંધો નહીં ભાઈ, મારો ભત્રીજો અમેરિકા પહોંચી ગયો એનો મને આનંદ છે. આજે નહીં તો કાલે એ ઘર મારે તમને જ આપવાનું હતું. ' વર્ષો પછી મોટાભાઈને પોતાની સમક્ષ લાચાર સ્થિતિમાં જોઈ નિલાક્ષી પાછલું બધુ ભૂલી ગઈ હતી.
એને કહ્યાં વગર પ્રશાંતે એપાર્ટમેન્ટ ગિરવી મૂકી જે કારભાર કર્યો હતો એની પર એણે રાજીખુશીથી સંમતિની મહોર મારી હતી.
પ્રશાંતનું એક આ અસામાન્ય રૂપ હતું, જે નિલાક્ષી જાણી ચૂકી હતી.પણ, આ જ પ્રશાંતનું એક બીજું રૂપ હતું, જે અતિ
સામાન્ય હતું અને નિલાક્ષી જાણતી ન હતી.
????????
નિલાક્ષી વિચારોએ ચડી ગયેલી. આખરે એનાં નહીં જન્મેલ ત્રીજા સંતાનનું ભાવિ શું હતું ? એ અંતે એનાં પરિવારને ઘેરી વળેલી આર્થિક કટોકટીને પહોંચી વળવા પોતાનાં ત્રીજા સંતાનને દત્તક આપવા કબૂલ થઈ ગયેલી. બીજો કોઈ રસ્તો પણ નહોતો બચ્યો. ખાસ તો પ્રશાંતનાં કિડની ટ્રાન્સપ્લાનટેશનનાં અણધાર્યા ખર્ચને પહોંચી વળવા મજબૂર થઈ સંમત થયેલી.
નિલાક્ષી એની ગૃહસ્થીની પળોજણમાં એવી ગૂંચવાઈ ગઈ હતી કે એનાં જીવનને વણઉકેલી ગૂંચ બનાવીને મૂકી દેનાર એ વરસાદી માઝમ રાત એ તદ્દન વિસરી ચૂકી હતી.
જો કે એ રાત્રે એની અને મિહિર વચ્ચે જે થયું હતું એ અણધાર્યુ અને અકલ્પનીય હતું.
????????
એ રાત્રે મિહિર અને નિલાક્ષીએ સાથે મળીને બટાટાવડા બનાવ્યાં અને નાસ્તો કરવા બેઠા હતા.
'બટાટાવડા તો તારાં જેવા જ સ્વાદિષ્ટ બન્યાં છે નીલુ..' મિહિરે બોલ્યો.
'ચલ હવે, છેડછાડની એ તારી જૂની ટેવ હજી ગઈ નથી.' નિલાક્ષી થોડી ખીજવાઈ, માત્ર દેખાવ ખાતર !
'અહા..તું ગુસ્સે થાય છે ત્યારે બહુ સુંદર લાગે છે હં..!' મિહિરનો સ્વભાવ પહેલેથી ટીખળખોર હતો. નિલાક્ષીએ ખોટો ગુસ્સો દર્શાવતા મિહિર તરફ હાથ ઉગામ્યો અને મિહિરે તે પકડી લીધો.
ઋણભાર - ધનભાર ધરાવતા વાયરના બે છેડાના અછડતા સ્પર્શથી પણ તણખા ઝરે જ છે, એમ મિહિરનાં ગરમ અને નિલાક્ષીનાં નરમ દેહ અજાણતાં, અનાયાસ જ સ્પર્શ પામ્યાં અને એમાં રાત્રિનાં એ એકાંત અને બહાર ધોધમાર વરસતા વરસાદે પૂરતો ભાગ ભજવ્યો હતો.
પત્નીનાં લાંબા સમયનાં વિયોગને કારણે ન મિહિર પોતાને રોકી શક્યો તો નિલાક્ષી પણ ન જાણે કેમ તેનું ભાવિ એને ભુલાવતું હોય એમ પૂરતો વિરોધ ન કરી શકી.
????????
આખરે એ દિવસ આવી પહોંચ્યો હતો, જે ક્યારેય ન આવે એમ નિલાક્ષી ઝંખતી હતી . ઊંચા ટકાના વ્યાજે લાવેલ રકમથી નિલાક્ષીની ત્રીજી ડિલીવરી અને પ્રશાંતનું ઓપેરેશન પાર પડી ગયા હતા. એટલે,આજે એમનાં સંતાનને પસન્દ કરી, એમને જોઈતી રકમ આપી - દત્તક લઈ જવા માટે જે દંપતિ આવી રહ્યું હતું,એની રાહ આતુરતાથી જોવાઇ રહેલી, અલબત્ત ફકત પ્રશાંત દ્વારા!
ક્રમશ :
વાંચો પ્રકરણ - ૫, શું આવનાર કપલને નિલાક્ષી બાળક દત્તક આપવા રાજી થાય છે કે નહીં …
***