કાશ તેં મને કહ્યું હોત…. - 5 Urvi Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ તેં મને કહ્યું હોત…. - 5

કાશ તેં મને કહ્યું હોત….

પ્રકરણ - ૫

પ્રશાંત - નિલાક્ષીનું એ ત્રીજું બાળક દત્તક લેવા બીજું કોઈ નહીં ખુદ મિહિર એની પત્ની તૃષા સાથે આવ્યો હતો.

મિહિરને જોઈને નિલાક્ષી સ્તબ્ધ હતી. કેવી વિચિત્ર વિડંબના હતી એના જીવનની કે કોઈક સમયે જેને બેહદ ચાહ્યો હતો એ જ પ્રેમી તેની પત્ની સાથે તેનાં સંતાનને દત્તક લેવા ઇચ્છતો હતો, એય એક સોદારૂપે !

રૂપિયા પાંચ લાખની સામે એ એનું સંતાન દત્તક આપવાની હતી. આમ તો આવી વ્યવસ્થા મિહિરને કયારેય મંજૂર ન હોય પણ એનાં જીવનમાંય એક એવી વિચિત્ર દુર્ઘટના ઘટી ગયેલી કે એ બાળકને દત્તક લેવા મજબૂર બની ગયેલો.

નિલાક્ષીને સ્વપ્નેય આશા ન હતી કે હજી મહિના પહેલાં જ જે બાબત માટે એણે ઘસીને ના પાડી દીધી હતી, એ જ બાબત માટે પ્રશાંત મિહિરને નિમંત્રસે અને આ રીતે મળવાનું થશે.

????

'વેલ, નિલા, લેટ મી ઇન્ટ્રોડયુસ ધીઝ કપલ ! મિસ્ટર એન્ડ મિસિસ મિહિર બર્વે. ' પ્રશાંતે પત્નીને મિહિર અને તેની પત્નીની ઓળખાણ કરાવી.

નિલાક્ષી માંડ એમની તરફ સ્મિત ફરકાવી શકેલ.મિહિર તો એની સાથે નજર એક કરવાનું ટાળી રહેલો. તૃષા ધ્યાનથી માપતી નજરે નિલાક્ષીને જોઈ રહેલી.

'નિલા, સાચું કહું તો આપણું આ થર્ડ બેબી ગર્લ ખાલી ક્યુટ જ નહીં જોરદાર લકી પણ છે. લોકો આખી જિંદગી અમેરિકા જવા માટે તરસી જાય છે,જ્યારે આ તો જન્મતાની સાથે જ અમેરિકા...'

એકાએક પ્રશાંતની વાત અડધેથી અટકાવતા મિહિરની પત્ની તૃષાએ વાતનો દોર સંભાળેલો, ''યસ, યુ આર એબસોલ્યુટલી રાઈટ મિસ્ટર પ્રશાંત ! હું બોર્ન અમેરિકન સિટીઝન છું.એટલે બેબી અમેરિકન જ ગણાશે.બાય ધ વે, અડોપ્શનનો પ્રોસીઝર પ્રોસેસ થાય એ પહેલાં મારે મિસિસ પ્રશાંત એટલે કે તમારાં વાઈફ સાથે મારે એકલા વાત કરવી છે, ઈફ યુ ડોન્ટ માઈન્ડ....'

એ ક્ષણ પૂરતી, પ્રશાંત તો ઠીક મિહિરનાં ચહેરા પર પણ હવાઈ ઉડવા લાગેલી.

'સ્યોર...સ્યોર...શા માટે નહીં !!' પ્રયત્નપૂર્વક પ્રગટપણે બોલી રહેલ પ્રશાંતને અંદરખાનેથી ફડકો પડેલ કે ન જાણે આ બાઈ કોથળામાંથી કયું બિલાડુ કાઢશે !

જ્યારે મિહિરનાં મનમાં નિલાક્ષી સાથે થયેલી છેલ્લી તાજેતરની મુલાકાત તરવરી રહેલ. એ વખતની નિલાક્ષીની મક્કમતા અને મજબૂતાઈ યાદ આવતાં એને અત્યારે પણ પ્રસ્વેદ વળી ગયો.

????

થયું એવું હતું કે મહિના પહેલાં જ પ્રશાંતની દાદર ખાતે મિહિરનાં એપાર્ટમેન્ટમાં રહેતી માસિયાઈ બેન શીલાનાં ઘરે એક નાનકડું ફંકશન હતું.તદ્દન સામેનાં જ ફ્લેટમાં રહેતા મિહિરને પણ પાડોશી તરીકે સપરિવાર નિમ્નત્રણ અપાયેલું.

શીલા અને એનો પતિ બન્નેય પ્રશાંત - નિલાક્ષીને ઘરે આવી તેમનાં ઘરે રખાયેલ ફંકશનમાં આગ્રહપૂર્વક નિમંત્રી ગયેલા એટલે ત્યાં જવું પડે એમ હતું.

નિલાક્ષીને છેલ્લાં દિવસો જઇ રહેલાં.મિહિર સ્તબ્ધપણે કંઇક આશ્ચર્યથી નિલાક્ષીને ટિકી રહેલો.નિલાક્ષી એની આંખ, એનાં ચહેરાનાં ભાવ સમજી ગયેલી. તેણે એ પછી એની અને મિહિરની દ્રષ્ટિ એક ન થાય એની કાળજી રાખેલી.થાકી ગઈ હોવાથી એ આરામ કરવા શીલાના બેડરૂમમાં ગઈ તો મિહિર એની પાછળ પાછળ ધસી આવેલો.

' નીલુ...' ઢગલો આતુરતાથી મિહિરે એને સંબોધી.

'તું આગળ એક શબ્દ બોલીશ નહીં. હું તારી સાથે કોઈ જ વાત કરવા નથી માંગતી.' ધીમા પણ મક્કમ સ્વરે નિલાક્ષી કહી રહેલ.

પેલી લપસણી વરસાદી સાંજે મિહિરે વાત વાતમાં જાણ્યું હતું કે નિલાક્ષી બે સંતાનોની માતા છે અને હવે તે અને તેનો પતિ ત્રીજું સંતાન ઇચ્છતાં નથી. તેથી આજે નિલાક્ષીને ગર્ભવતી જોતાં એનાં મનમાં જે શંકા ઉદ્દભવી હતી, એનાં ખુલાસા માટે એ નિલાક્ષીનું પગલે પગલું દાબતા દોડી આવેલો.

'પ્લીઝ નીલુ, ચાલ - હું તને કંઈ જ નહીં પૂછું પણ ભગવાનને ખાતર મને સાંભળ તો ખરી ! ' ટીખળખોર મિહિરનો આવો આજીજી ભર્યો સ્વર નિલાક્ષીએ પ્રથમવાર સાંભળ્યો હતો. એ મૌન રહી. એનાં મૌનને મિહિરે સંમતિ માની પોતાની વ્યથા ઠાલવી દીધેલી.

'આઈ લોસ્ટ માય ચાઈલ્ડ..! ' મિહિરનો સ્વર ગળગળો બની ગયેલો.

ગળું ખોંખારી એ આગળ બોલ્યો ' આપણે વર્ષો પછી જ્યારે મળ્યાં ત્યારે મારી વાઈફ તૃષા ડિલીવરી માટે એનાં પિયર ગઈ હતી. હકીકતે, અમે સિંમતની વિધિ માટે અમેરિકાથી અહીં આવેલાં. કમનસીબે,તૃષાની ડિલીવરી બગડી. એવી બગડી કે મેં ન ફકત મારું બાળક ગુમાવ્યું પણ તૃષા બિચારી તો જિંદગીભર 'મા' બનવાનું સુખ પણ એની કૂખ કાયમ માટે ગુમાવતા ખોઈ બેઠી છે.'

નિલાક્ષી માંડ બોલી શકી,' વેરી સૉરી...હું તારું દુઃખ સમજી શકું છું મિહિર. '

થોડી ક્ષણો રૂમમાં શાંતિ પ્રસરી ગઈ.

નિલાક્ષીએ આગળ મિહિરને કહયું,' જો મિહિર, નિયતિ પાસે કોઈનું કંઈ ચાલ્યું નથી અને ચાલવાનું નથી. એવું હોત તો આપણે છૂટા જ ન પડ્યા હોત !!' નિલાક્ષીની નજર સમક્ષ એનો ભૂતકાળ તરવરી ઉઠ્યો.

સાત વર્ષ પહેલાં મિહિર અને નિલાક્ષી પાર્લાની મીઠીબાઈ કોલેજનાં સહાધ્યાયી હતા.

મિહિર બર્વે મરાઠી જ્યારે નિલાક્ષી પરીખ ગુજરાતી વણિક યુવતી હતી.સાયન્સ કોલેજનાં પહેલાં વર્ષમાં તેઓ એકબીજાનાં પ્રેક્ટિકલ પાર્ટનર હતા. કોલેજજીવનના વર્ષો પૂરા થતાં સુધીમાં એકબીજાને લાઈફ પાર્ટનર તરીકે ચાહતાં થઈ ગયેલા. એકમેકનો જીવનભરનો સાથ નિભાવવાનો કૉલ આપી બેઠેલાં.

પણ દરેક 'પ્રેમ ' લગ્નમાં નથી પરિણમતો. એવું જ કંઈક એમની સાથે પણ થયેલું. મિહિર પ્રખર અને મેધાવી કહી શકાય એવી પ્રતિભા ધરાવતો હતો. યુનિવર્સિટી ફર્સ્ટ આવતાં એ આગળ અભ્યાસ માટે અમેરિકાની સ્કોલરશીપ પામી શકેલ. એ સમયે એનાં માટે એની કારકિર્દી ઘણી મહત્વની હતી. ઇચ્છવા છતાં એ નિલાક્ષીને પરણી શકે એવા સંજોગો ન હતા.

બીજી તરફ, નિલાક્ષી રૂઢિચુસ્ત વણિક પરિવારમાંથી આવતી હતી. એનાં પિતા હાર્ટ પેશન્ટ હતા. એટલે એ આ બાબતે આગળ વધવાની હિંમત કરી શકે એમ નહોતી. સરવાળે અંતિમ મુલાકાતમાં સમય અને સંજોગો સામે સમાધાન -શરણાગતિ સ્વીકારી તેઓ એકમેકને પ્રેમનાં -લગ્ન કરવાનાં કોલકરારમાંથી મુક્ત કરી ભારે હૈયે છૂટા પડેલાં.

બંનેને એકમેક માટે કોઈ દ્વેષ કે ધિક્કાર ન હતો.બલ્કે સમજદારીપૂર્વક એકમેકના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ વાંછી છૂટા પડેલાં હોઈ, આજે બન્નેય પોતપોતાનાં દાંપત્યજીવનમાં સુખી હતા.

?????????

'આઈ બેગ યુ નિલાક્ષી, આયમ ડૅમ સ્યોર કે આ બેબી મારું છે. તું મને મારું ચાઈલ્ડ દયાભાવે, દાનરૂપે, કોઈ પણ રીતે, કોઈ પણ કિંમતે આપ. હું તારો એ ઉપકાર કયારેય નહીં ભૂલુ અને જીવનભર તારો ઓશિંગણ રહીશ.' ભિખારીની માફક મિહિર નિલાક્ષી પાસે એ અજન્મા બાળકની ભીખ યાચી રહેલો.

કૉલેજજીવનના ભૂતકાળની યાદોમાંથી નિલાક્ષી પાછી વાસ્તિવક્તાની ભૂમિને સ્પર્શી ચૂકેલ.

'પ્લીઝ, શટ અપ નૉવ મિહિર . તારે જે કહેવું હતું એ કહી દીધું અને મેં સાંભળી લીધું. મારાં ચાઇલ્ડનો બાયોલોજિકલ ફાધર જે હોય એ ! પણ એની 'મા' માત્ર હું અને હું જ છું. મારૂં સંતાન હું કોઈ કાળે, કોઈ કિંમતે મારાથી અલગ નહીં જ કરું...'થોડી તમતમી ઉઠેલી તો કંઈક ઉશ્કેરાટ અનુભવી રહેલી નિલાક્ષીનો સ્વર સ્હેજ ઉંચો થઈ ગયેલો.

એ બન્નેય એ બાબતથી બેખબર હતા કે એમની આ વાતચીત કોઈક દરવાજાની આડશે અક્ષર:સ સાંભળી રહયું છે. પેલી વરસાદી માઝમ રાત પછીનો...કાશ,આ દિવસ પણ નિલાક્ષીનાં જીવનમાં ન આવ્યો હોત !

ક્રમશ:

પ્રકરણ - ૬નો ઇન્તજાર કરશો.

***