સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 80
આકાશમાંથી વરસાદની ધાર સાથે કાળુમેંશ અંધારું વરસી રહ્યું હતું. માથા પર ગાજતા ગોળીઓના સનકારા તોતિંગ ખડક સાથે અથડાઈને ચોમેર ઝીણી કરચો અને મોટા ગચ્ચાઓ ઉડાડતા જતા હતા. સામા છેડેથી ચંદ સેકન્ડનું મૌન પથરાયું એટલે કેપ્ટન ઉલ્હાસના કેળવાયેલા દિમાગે પોતે આક્રમણની સ્થિતિમાં હોવાનો અંદાજ માંડી દીધો હતો. તેના તાલીમબધ્ધ કમાન્ડોને વ્યુહ રચવા માટે આદેશની ય જરૃર ન હતી.
ઉલ્હાસે ત્રણ અલગ અલગ દિશાએ મોરચો બાંધીને ગોળીઓ છોડવા માંડી પણ હવે તેને સામા છેડેથી ફાયર થાય તેની પ્રતિક્ષા હતી. કારણ કે તો જ એ દિશા નક્કી કરી શકે તેમ હતો.
ચહેરા પર વિંઝાતી વરસાદની વાછટ, ખડક પર બાઝેલી માટીને ઓગાળીને નીચે કાંઠા ભણી ઉતારતા પાણીના રગેડા, કાંઠા પર ફસકાઈને હાલકડોલક થઈ રહેલો ડિંગીનો બિહામણો ઓળો અને ગણતરીની બે કે ત્રણ મિનિટમાં જ કારમા ધડાકાઓ પછી ભેંકાર કાંઠા પર તરફડી રહેલો વાંઝિયો સન્નાટો...
પોતાના પ્રહારથી નુકસાન તો થયું છે પણ કેટલાં આદમી માર્યા ગયા અને કેટલાં હજુ ક્યાં લપાયા છે તેનો હજુ ક્યાસ નીકળતો ન હતો.
કેપ્ટને ઈશારો કર્યો એટલે તરત ભેખડની આડશમાંથી બે કમાન્ડો બહાર નીકળ્યા અને ક્રાઉલિંગ કરતા ઉપરની તરફ આગળ વધ્યા. સાધારણ સંજોગોમાં આવી આગેકૂચ વખતે કવર ફાયર આપવું પડે, પણ ખોટી દિશાએ ફાયર કરીને ઉલ્હાસ તેમને પોતાની દિશાહિનતાનું ભાન થવા દેવા માંગતો ન હતો.
આગળ વધેલા બંને કમાન્ડોનો ઈશારો થયા પછી બીજા બે એમ ત્રણેય મોરચા ઉલ્હાસે પહાડના ઢોળાવ પર કાંઠાથી લગભગ દસેક મીટર ઉપર ઉલ્હાસે ખસેડયા. ભેંકારા અંધારા વચ્ચે પહાડની દરેક દિશામાં તેણે તાણી-તાણીને નજર ફેંકી પણ ક્યાંય જરાક સરખોય સંચલ દેખાતો ન હતો.
કેપ્ટનની મુંઝવણ વધી ગઈ. પહેલાં પ્રહારમાં જ બધા ઢેર થઈ ગયા હતા કે શું? અડધી મિનિટ માટે તેણે દરેક દિશાએ તાક્યા કર્યું અને પછી ખભા પર બાંધેલા બેકપેકમાંથી ગ્રેનેડ કાઢ્યો. પાંચ સેકન્ડ પછી પહાડીની દરેક દિશા કારમા ધડાકાથી ગાજી ઊઠી.
***
'હજુ ય તક છે.. તું ભા...' રાઘવનો શબ્દ તેના ગળામાં જ રહી ગયો અને ભીષણ ધડાકાથી ઊડેલી ભીની, ચીકણી મુરમ તેમજ ગંદા પાણીની વેગીલી છાલકે તેને પાછો ધકેલી દીધો. તેઓ લપાયા હતા એ કરાડની બરાબર આગળ જ ગ્રેનેડ ઝિંકાયો હતો.
'તેમણે આપણને લોકેટ કરી લીધા છે...' રાઘવે ચહેરા પર વાગેલી મુરમની કરચ ખંખેરતા દબાયેલા અવાજે કહ્યું, 'આપણે બે તેનો સામનો કરી શકીએ એ શક્ય નથી'
'તો તું એકલો કરી શકીશ, એમ?' ત્વરિતને હજુ ય રાઘવનો વ્યુહ સમજાતો ન હતો.
'અહીં રહીશું તો બધા જ મરશું. બહેતર છે કે તાન્શીને ઊઠાવીને તું પહાડનો ઢાળ ચડી જા. ક્યાંક તને કેસી, હિરનનો ભેટો થઈ જ જશે. મિનવ્હાઈલ, હું આ લોકોને અહીં રોકી રાખું છું.'
'હું આ પહાડમાં પેદા નથી થયો કે...' ત્વરિતના અવાજમાં અવિશ્વાસ પણ હતો, '... આટલા અંધારામાં આવા અડાબીડ જંગલને વટીને એ લોકો સુધી પહોંચી શકું..'
'ઈટ્સ ડિફિકલ્ટ..' રાઘવે બેહોશ તાન્શીના ચહેરા, ગરદન અને પીઠ પર હાથ ફંફોસીને તેની ઈજા તપાસતા કહ્યું, 'બટ નોટ ઈમ્પોસિબલ... તારે કાંઠાની સમાંતરે ચાલવાનું છે અને તાન્શીને ય ફક્ત મૂઢ માર જ વાગ્યો લાગે છે. એ પહાડમાં ઉછરેલી લડાયક છોકરી છે. એ હોશમાં આવશે પછી તને વાંધો નહિ આવે...'
'તો પછી તું તાન્શીને લઈને ઉપર કેમ ન જાય?' ત્વરિત હજુ ય રાઘવ પર ભરોસો કરી શકતો ન હતો, 'હું રોકી રાખીશ એ સૌને, અને તું કેસી, હિરનની મદદ લઈને અહીં આવે એમ પણ થઈ શકે ને?'
'યુ કાન્ટ ફાઈટ વિથ ધેમ'
'વ્હાય? વ્હાય નોટ? હું પણ ટ્રેઈન્ડ શૂટર છું. ભલે તારી જેટલો કેળવાયેલો નથી પણ હું ય ગન ચલાવી જાણું છું.'
'ઈટ્સ નોટ પ્રેક્ટિસ ફ્લોર યાર...' ત્વરિતની એકધારી દલીલોથી રાઘવ હવે છંછેડાયો હતો, 'ઈટ્સ વોર ફ્રન્ટ... ઈટ્સ ડયુઅલ'
'ખુબરાનો જંગ પણ પ્રેક્ટિસ ફ્લોર ન હતો...'
'ધે વિલ કિલ યુ...' રાઘવના અવાજમાં હવે રીતસરની કાકલૂદી ભળી હતી.
'... અને તને નહિ મારી નાંખે? તું સામે ગન ચલાવીશ એટલે તને હારતોરા કરશે?'
'એઝ આઈ સેઈડ...' રાઘવે ઊંડો શ્વાસ લીધો અને આખરી કોશિષ માંડી, 'એ લોકો મારી તલાશમાં આવ્યા છે...'
'યાહ્...' ત્વરિતનો અવાજ હવે બદલાયો, 'એ તારી ગદ્દારી છે...' આટલી તંગદીલી વચ્ચે ય ઉશ્કેરાટમાં તેણે ભોંય સાથે પગ પટકી દીધો, 'સીધી રીતે સ્વીકારી લે કે તારે એમની સાથે છટકી જવું છે અને અમને સૌને સપડાવી દેવા છે'
ત્વરિતના સીધા જ પ્રહારથી બંને વચ્ચે ઘડીભર મૌન પ્રસરી ગયું. ઉશ્કેરાટભેર તેને જોઈ રહેલો રાઘવ નીચે ઝુક્યો. તાન્શીની કિટમાંથી વધારાનું એમ્યુનિશન, ગ્રેનેડ અને ગન તેણે ઊઠાવ્યા અને કહ્યું,
'મારે જવું નથી...' ત્વરિતની સાવ નજીક જઈ તેની આંખમાં આંખ પરોવીને દૃઢ અવાજે ઉમેર્યું, '... અને તમને સૌને જવા દેવા છે'
'એટલે? યુ મિન...' ત્વરિતના અવાજમાં અચંબો હતો, 'ઘડીક પહેલાં શાંગરામાંથી નીકળતી વખતે તું મને નાસી જવા સમજાવતો હતો અને અચાનક...'
'એ ઘડી અને આ ઘડી વચ્ચેથી બીજી ઘણી ઘડી પસાર થઈ છે...' નિર્જન અંધારા વચ્ચે ય રાઘવની આંખોનો ચમકારો ત્વરિતને ભળાતો હતો, 'અને આંખ ખુલવા માટે એક ઘડી પૂરતી હોય છે'
***
શરૃઆતમાં તો કોઈને સમજાયું નહિ કે ડિંગી અચાનક પૂરપાટ વેગે કેમ ભાગી રહી છે.
સુકાન સંભાળતા આદમીના ચહેરા પર ગ્રેનેડની ધારદાર કરચ સોંસરવી નીકળી ગઈ હતી અને બીજા આદમીને પડઘામાં ઘા વાગ્યો હતો. આગળની હરોળના બેય જવાનો ઘવાયા હતા પણ બિહામણા અંધારું, બ્રહ્મપુત્રનું તોફાની વહેણ અને પૂરપાટ વેગે હાલકડોલક થઈને ભાગતી બે-લગામ ડિંગી... એ સ્થિતિમાં કોઈને એકમેકની ખબર લેવાના હોશ ન હતા.
સુકાન સંભાળવા એક આદમી વચ્ચેથી ઊભો થયો એ જ વખતે ડિંગી એક ધારદાર વળાંક પર કાંઠાની નજીક સરકીને ખડક સાથે તિરછી અથડાઈ. અથડામણની પછડાટથી સંતુલન વગરનો એ જવાન ઉછળીને નદીમાં ઝિંકાયો.
તરાપા નજીક આવતા હોવાનું ધારીને, આ હાલતમાં ય સતર્ક રહેવા મથતા જવાનોએ બેફામ ફાયરિંગ તો ચાલુ કરી દીધું પણ આંધળા ગોળીબારથી કોઈ હેતુ સરવાનો ન હતો. એ જ વખતે ઘાંઘી બનેલી બિરવાએ બેફામ ચિત્કાર સાથે બૂમો પાડવા માંડી, 'રાઘવ.... રાઘવ... રાઘવ....'
અંધારી રાત, સાંકડા પટમાં સામેથી ધસમસતું આવતું નદીનું વહેણ, બંને દિશાએથી ઝળુંબતા કાળમુખા પહાડોના તોતિંગ પડછાયા અને બિરવાના ગળામાંથી ફાટી રહેલી ચીસ...
કેસીએ સમયસુચકતા દાખવીને બેય કાંઠા તરફ ખસેડી લીધેલા તરાપાઓ ક્યારે પસાર થઈ ગયા તેનો ય કોઈને ખ્યાલ ન આવ્યો અને ઉપરવાસના ઘાતકી વળાંક પર ડિંગીએ પહેલો ઉથલો માર્યો એ સાથે ડાબી તરફ ઝળુંબતો વધુ એક આદમી નદીમાં ફેંકાયો.
'મેડમ લાઈફજેકેટ સમ્હાલો...' વચ્ચેના હુડ પર ઢિંચણભેર સરકીને સુકાન તરફ લપકવા મથતા જવાને જોરથી બુમ પાડી.
ડિંગી જરાક કાંઠા તરફ ફંટાય તો કૂદકો મારીને હજુ ય બચી શકાય તેમ હતું. ચુસ્તતાના આગ્રહી ઉલ્હાસે મુસાફરીની શરૃઆતથી જ સૌને લાઈફજેકેટ પહેરાવ્યા હતા. બે આદમી ઉથલી પડયા હતા અને નદીનું વહેણ વધુ ભયજનક બન્યું હતું. હોડીમાં હવે બે જવાન અને બિરવા હજુ હોશમાં હતા.
હુડ પર સરકવા મથતો જવાન હજુ સુકાન કે એન્જિનના નોબ તરફ હાથ લંબાવે એ પહેલાં જ ડિંગી એક ઘૂનામાં પ્રવેશીને ગોળ-ગોળ ઘૂમરાવા લાગી એ સાથે સહુનો સાદ ફાટી ગયો. જો અહીં ઘૂનામાં જ પછડાવાનું થાય તો લાઈફજેકેટ પણ કશા કામનું ન હતું.
મહાપરાણે સંતુલન જાળવી રહેલા એ જવાને હુડ પર લેટેલી હાલતમાં જ હાથ ફંફોસીને ફરકડીની માફક ઘૂમરાઈ રહેલો પ્રોપેલરનો દાંડો પકડયો પણ નીચે પ્રોપેલરનો કચ્ચરઘાણ કાઢી રહેલા વમળનું જોર એટલું પ્રબળ હતું કે શી વાતે ય દાંડો હાથમાં રહેતો ન હતો. છાતીમાં ઊંડો શ્વાસ ભરીને એ જવાન કમરને હૂડ સાથે જોડેલી રાખીને ધડમાંથી ઊંચકાયો અને ધનુરાસનની મુદ્રામાં બેય હાથે મજબૂતીથી પ્રોપેલરનો દાંડો પકડયો ત્યારે માંડ એન્જિનનો ઘૂઘવાટ કાબૂમાં આવ્યો.
પ્રોપેલરની ઘૂમરાટી તો કાબૂમાં આવી પણ એન્જિન હજુ ય ધણધણતું હતું. જો ડિંગી હજુ ય આગળ વધે તો વમળનો ચકરાવો ડિંગીને ફૂલસ્પિડમાં ફરતા પંખાની માફક ફેરવીને ક્યાંય ફંગોળી નાંખે. મરણિયો બનેલો એ જવાન પ્રોપેલરના દાંડાના ટેકે જ હાથ ભીડીને કમરમાંથી ઊંચકાયો. આખાય શરીરનું વજન તેણે દાંડા પર ભીંસીને એક હાથ છૂટો કર્યો અને એન્જિનનો નોબ ખેંચ્યો ત્યારે માંડ એન્જિન બંધ થયું.
ડિંગી જરાક સ્થિર થઈ એટલે બીજો જવાન અને બિરવા ય તેની મદદમાં જોડાયા. કમરે બાંધેલું દોરડું પ્રોપેલરના દાંડા સાથે મજબૂતીથી બાંધીને તેના સહારે પહેલાં બિરવા પાણીમાં ઉતરી, પછી બેય જવાને પણ વમળના ચકરાવા ભણી ડિંગીને ખેંચાતી છોડીને નદીમાં ઝંપલાવી દીધું.
બાર-પંદર મીટરના દોરડાના સહારે ગમે તેમ કરીને ઘૂનો પસાર કર્યા પછી લાઈફજેકેટ વડે જિંદગીનો આ ભયાનક અનુભવ પાર કરી જવાની તેમની ગણતરી હતી.
***
કેસીએ ફાટી આંખે એન્જિન ધણધણાવતી ડિંગીને ઉપરવાસ ભણી ધસી જતી જોયા પછી બેય તરાપાને ડાબી તરફના કાંઠે જ થંભાવી દીધા હતા. અહીંથી આગળ વધવું એટલે મોતના મુખમાં પ્રવેશવા બરાબર હતું.
કાંઠા પર માલસામાન અને આદમીઓને ઉતાર્યા પછી તરત તેણે હિરન સાથે મસલત કરી લીધી.
હિરન, પ્રોફેસર સહિતનો કાફલો ડેવિલ્સ બેડ તરફ આગળ વધે અને પોતે બે ચુનંદા આદમીઓ સાથે તાન્શીના કાફલાની સહાયતા માટે પહાડના રસ્તે પાછો ફરે એવી તેની ગણતરી હતી.
ડેવિલ્સ બેડ એ ભારત અને તિબેટની સરહદને જોડતો છેલ્લો પહાડ હતો. લગભગ દોઢસો મીટરના પથરાવામાં સમથળ પલંગ જેવો ભાસતો હોવાથી સ્થાનિકો તેને દૈત્યની પથારી તરીકે ઓળખતા. ૧૯૬૨ના યુધ્ધમાં ચીની સૈન્ય ડેવિલ્સ બેડ ઓળંગીને તવાંગ સુધી પહોંચ્યું એ પછી પહેલીવાર ભારતને સરહદના આ ભેંકાર વિસ્તારનું વ્યુહાત્મક મહત્વ સમજાયું હતું. એ પછી લગભગ પંદર-વીસ વર્ષ સુધી અહીં સીમા સુરક્ષા દળની હથિયારબંધ ચોકીઓ રહી.
ભારતને ગેરમાર્ગે દોરવવાની ચીનની એ આબાદ ચાલ હતી. હકિકત એ હતી કે અડાબીડ જંગલ, તોતિંગ પહાડો અને ખાસ તો બ્રહ્મપુત્રના અત્યંત તોફાની વહેણ પાર કરીને આ રસ્તે આખા સૈન્યને આગળ વધારવું બેહદ મુશ્કેલ હતું. ફક્ત ભારતનું ધ્યાન અહીં ખેંચીને સરહદના બીજા સરળ મોરચે છીંડું પાડવાનું ચીનનું કારસ્તાન હતું.
બે દાયકા સુધી ભારતે સરહદનો આ પટ્ટો ચુસ્ત બનાવ્યો ત્યાં ચીને ત્સે-લા અને પોશિંગ-લાના નિર્જન પહાડોમાં છીંડા પાડી દીધા. ૧૯૯૩માં દેશ જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્થ થયા પછીના રમખાણોમાં ગરકાવ હતો ત્યારે ચીને ત્સે-લા, પોશિંગ-લાના રસ્તે સૈન્ય મોકલીને અરુણાચલનો વિસ્તાર દબાવવા માંડયો.
એ હકિકત ધ્યાનમાં આવ્યા પછી ભારતે ફરીથી ભૂલ સુધારી. હવે ભારતીય દળોનું મુખ્ય ધ્યાન ત્સે-લા વિસ્તારમાં મંડાયેલું રહેતું હતું અને ડેવિલ્સ રોક વિસ્તારમાં હેલિકોપ્ટર વડે અઠવાડિયે એકાદ રાઉન્ડ મારવાનો ધારો પડી ગયો હતો. ચોમાસામાં તો એ ઉપરછલ્લી હવાઈ પહેરેદારી ય બંધ થઈ જતી હતી.
શિયાળામાં ભુતાનના પગરસ્તે લ્હાસા ભણી સંપર્ક રાખતા મુક્તિવાહિનીના ગેરિલાઓ મોટી ઘુસણખોરી માટે ચોમાસાની રાહ જોતા કારણ કે આ રસ્તો ઘુસણખોરી માટે સૌથી સલામત હતો.
ડેવિલ્સ બેડ ઉતર્યા પછી લગભગ ત્રણેક કિલોમીટર સુધી ઊંડી, લીલીછમ્મ ખાઈ આવતી હતી અને ખાઈ ઓળંગ્યા પછી તિબેટની પહાડી બંજર જમીનનો આરંભ થતો હતો. ભારતે ચોકી ખસેડી લીધી એ પછી ચીન પણ અહીં બેધ્યાન હતું.
હિરન, પ્રોફેસર અને ઝુઝાર, છપ્પન સહિતના કાફલાએ ડેવિલ્સ બેડ પહોંચીને કેસી વગેરેની રાહ જોવાની હતી.
***
એક જ ડિંગી ઉપરવાસ ભણી ફેંકાઈ હતી મતલબ કે બીજી ડિંગીના આદમીઓને તો તાન્શીની ટીમે રોક્યા જ હતા. પહાડછોરુ જેવા કેસી અને તેના મરજીવાઓએ ચટ્ટાન પર પહોંચ્યા પછી રીતસર દોટ મૂકી હતી. કાંઠાથી તેઓ ખાસ્સા ઉપર હતા એટલે હવે નીચે ધડાકા થાય તો પણ તેમને સંભળાવાના ન હતા.
અંધારું, લપસણા ખડક કે જંગલની ગીચતા વચ્ચેથી રસ્તો કરતા જઈને તેઓ આગળ ધસી રહ્યા હતા અને અચાનક સૌથી આગળના આદમીએ રોકાઈ જવાનો સંકેત કરી દીધો. વરસોની આદત અને સઘન તાલીમને વશ એ દરેકે તરત ઝીગઝેગ પેટર્નમાં જમીન પર લેટીને પોઝિશન લેવા માંડી. દૂર કશીક હલચલ હતી. કોઈકના પગલાનો અવાજ સંભળાતો હતો. આ રસ્તે, આવા વખતે આવનારા લોકો પોતાના જ હોય તેવી ખાતરી છતાં અકારણ જોખમ લેવાનો કેસીનો સ્વભાવ ન હતો.
જમીન પર ક્રાઉલિંગ કરીને તેઓ એક ઊંચા ઢાળ પર પહોંચ્યા ત્યારે સ્હેજ નીચાણમાં વિચિત્ર આકારનો ઓળો વર્તાયો. તેની આગળ વધવાની સ્પિડ અત્યંત ધીમી હતી. ક્ષિતિજ અને જમીન વચ્ચેના નૈસર્ગિક રંગફેરમાં વર્તાતી તેની છાયા પણ કઢંગી લાગતી હતી. ગન તૈનાત કરવાનો આદેશ આપીને કેસી ધ્યાનથી તેને નીરખતો રહ્યો અને થોડી જ સેકન્ડમાં તેના મોંએથી ડચકારો નીકળી ગયો.
એક આદમી કોઈકને જેમતેમ ખભા પર ઊંચકીને ધોધમાર વરસાદ વચ્ચે મહાપ્રયત્ને પહાડનું આકરું, લપસણું ચઢાણ ચઢવા મથતો હતો.
એ ત્વરિત હતો.
***
પેન્ટના નેફામાં ગ્રેનેડ અને શર્ટની ઝોળીમાં મેગેઝિન્સ ખોસીને રાઘવે ઘડીક માટે આંખ બંધ કરી. તેની બંધ આંખોની ભીતર બહુરંગી છાયામાં ઝિલમિલાતું દૃશ્યપટ ઉપસી રહ્યું હતું.
ડિંડોરીના દેવાલયમાં મૂર્તિ ચોરાઈ એવી ફરિયાદ મળી ત્યારે જ તેના એસપીએ તેને ટોક્યો હતો. મંત્રીજીનો વિસ્તાર છે માટે ઉપરછલ્લી તપાસ કરવાની છે એવી સ્પષ્ટ સૂચના છતાં તે ઊંડો ઉતર્યો હતો.
દુર્ગાશંકર શાસ્ત્રીએ ય તેને વાર્યો હતો.
'નાહં મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ ચ...'
તેના કાનમાં શાસ્ત્રીજીનો સ્હેજ ધ્રૂજતો સ્વર સંભળાઈ રહ્યો હતો. તેની ગરદન આપોઆપ સ્હેજ ઝૂકી ગઈ અને ચહેરા પર હતાશ સ્મિત ઊભરી આવ્યું.
બંધ આંખોની ભીતર તેને શાસ્ત્રીજી કહી રહ્યા હતા, 'જો હું એમ કહું કે હું જાણું છું તો હું ખોટો છું અને જો એમ કહું કે હું નથી જાણતો તો ય હું જુઠું બોલું છું... એ શાસ્ત્ર, એ વિદ્યા, એ પંથ, એ ઉપાસના છે એ મને ખબર છે... પણ મને એ ય ખબર છે કે એ મારા માટે નથી... એ તારા માટે પણ નથી...'
ત્યારે જ તેણે અટકી જવું જોઈતું હતું. નીચે જોઈને તેણે ગરદન ધૂણાવી નાંખી.
હરિયાણાના પેલા ઈન્સ્પેક્ટર અહલાવતે તો કેસ સોલ્વ કરવાનો આસાન રસ્તો ય તેને બતાવી દીધો હતો પણ એ ય તેને જચ્યું ન હતું.
ફરજ... તેના ચહેરા પરનું સ્મિત વધું પહોળું થયું અને આદતવશ ગૌરવભેર યુનિફોર્મના સ્ટાર જડેલા હોય એ શોલ્ડર બ્લેડ પર તેણે હાથ પસવારી દીધો.
શું માત્ર અને માત્ર ફરજની સભાનતાને લીધે જ તે આવડું મોટું જોખમ ઊઠાવવા પ્રેરાયો હતો?
તેનું જાગૃત મન સતત ફરજપરસ્તીનું ગાણું ગાતું હતું પણ તેનાં અજાગૃત મનને બરાબર ખબર હતી કે વામમાર્ગની ઉત્સુકતાનો દોરવાયો જ તે અહીં સુધી ધસી આવ્યો હતો.
પ્રોફેસરે તેનું માનસ બરાબર પારખ્યું હતું.
'મને બરાબર ખબર છે, એકવાર આ વામપંથીના ચક્કરમાં પડે એ માણસ તેનાંથી પીછો છોડાવી શકતો નથી. તું પણ મારી માફક પોઈન્ટ ઓફ નો રિટર્ન સુધી આવી ચૂક્યો છે...'
એ છેલ્લી તક હતી...
- અને ત્યાંથી ય એ પાછો ન વળ્યો એટલે હવે...
બહાર શરૃ થયેલા એકધારા ફાયરિંગથી તેની તંદ્રા તૂટી. એ લોકો ખાસ્સા આગળ વધી ગયા લાગે છે. ફાયરિંગના અવાજની તીવ્રતાના આધારે રાઘવે મનોમન અંતરનો ક્યાસ કાઢ્યો. આડશમાંથી બહાર નીકળીને સૌથી પહેલાં તેણે ગ્રેનેડનો બ્લાસ્ટ કરવાનો હતો. તેને પાક્કી ખાતરી હતી કે તેણે એકસાથે ત્રણ કે ચાર દિશાએથી થતા હુમલાને ખાળવાને છે. ઓછામાં ઓછા એક કલાક સુધી આવનારા લોકોને તેણે અહીંથી ચસકવા નથી દેવાના.
બહુ જ મુશ્કેલ હતું પણ તે હવે પારાવાર મક્કમ હતો. તેના કારણે જ અહીં સુધી પીછો કરીને આવી ગયેલા લોકોને તેણે જ હવે આગળ વધતા રોકવાના હતા.
તેણે ફેફસામાં ઊંડો શ્વાસ ભર્યો એ સાથે તેના જડબા તંગ થયા. શરીરને ધનુષની પ્રત્યંચાની માફક ખેંચીને તેણે નિર્ધાર દૃઢ કર્યો અને આડશમાંથી બહાર આવીને જ્યાં સૂઝ પડી ત્યાં ત્રણ ગ્રેનેડ ઝીંકી દીધા.
સતત આડશ બદલતા રહીને ફાયર કરતા જવાનો તેનો વ્યુહ હતો, જેથી અહીં અનેક લોકો હોવાનો ભ્રમ તે સર્જી શકે. ગ્રેનેડ ફેંકીને તેણે લાંબી ડાંફ ભરી અને ખાસ્સી પહોળી કરાડ કૂદી ગયો. ગ્રેનેડના ધડાકા હજુ શમે એ પહેલાં તેણે કરાડ પાછળથી બેય હાથ લંબાવીને અલગ અલગ દિશાએ ફાયર કરી નાંખ્યું.
મોરચા પર ખાસ્સો સમય શાંતિ પ્રવર્તી એટલે કેપ્ટન ઉલ્હાસ વહેમાયો જ હતો. જવાનોને આગળ વધતા રોકવા કે ફરીથી ફાયરિંગ જારી કરવું તેની કશ્મકશમાં એ કશો નિર્ણય લે એ પહેલાં અચાનક જ એ લોકોએ વળતો હુમલો કર્યો હતો.
રાઘવે ભલે આડેધડ ઘા કર્યા હતા પણ એ પૈકી બે ગ્રેનેડ બરાબર નિશાન પર ઝિંકાયા હતા અને ઉલ્હાસના બે આદમી તેનો ભોગ બન્યા હતા.
ગ્રેનેડ ફેંકાવાની દિશા સમજાય એ પહેલાં ઉલ્હાસની પોઝિશનથી લગભગ ૪૫ અંશના ખૂણેથી ફાયર થયા હતા. એ જ વખતે ઉલ્હાસની જમણી તરફનો તેનો એક આદમી ય વિંધાઈ ગયો હતો. રાઘવે ડાબા હાથે ચલાવેલી ગનનું એ પરિણામ હતું.
એ પછી ફરીથી ફાયરિંગ થયું. દિશા સ્હેજ ઉપરની હતી પણ ગોળીઓ બે તરફ છૂટતી હતી. ફરીથી એવી જ પેટર્નમાં બે ગ્રેનેડ ઝિંકાયા.
ભરમાયેલા ઉલ્હાસે પહેલાં તો બે મોરચા રચીને ફાયરિંગનો ઓર્ડર આપ્યો પરંતુ સામેથી થતા ફાયરની દિશા ઝડપભેર બદલાતી હતી. લગભગ અડધી કલાક સુધી નિયમિત અંતરે સામસામે ગોળીઓ છૂટતી રહી. સામેનો મોરચો ઊંચાઈ પર હતો. તેમને ક્ષિતિજના જરાતરા ઉજાસનો ય થોડોક લાભ મળતો હતો અને ઉલ્હાસને પહાડના કાળમીંઢ અંધારા વચ્ચે નિશાન તાકવાનું થતું હતું. પરિણામે તેના આદમી એક ડગલું ય ચસકી શકતા ન હતા.
ક્યાંય સુધી પહાડની નિર્જન સ્તબ્ધતા ગોળીઓની બૌછાર વચ્ચે સિસકતી રહી. ક્યાંય સુધી બેય પક્ષ એકબીજાને મચક આપ્યા વગર, પોતાનો મોરચો છોડયા વગર સ્પષ્ટ નિશાન વિના જ ફાયર કરતા રહ્યા.
છેવટે ઉલ્હાસે વ્યુહ બદલ્યો. પોતે કાફલાથી છૂટો પડીને એક આડશ પાછળ લપાઈ ગયો અને ધ્યાનથી ફાયરિંગની દિશા નિરખવા લાગ્યો.
પહેલાં ડાબે, પછી જમણે પછી ઉપર એ પેટર્નમાં ફાયરિંગ થતું હતું. વળી, ગોળીઓ છૂટતી હતી ત્યારે બંને તરફની દિશા વચ્ચે માંડ ૫૦-૬૦ અંશનો ફાંસલો રહેતો હતો.
દસ-પંદર મિનિટ સુધી એકધારું નિરખ્યા પછી તેના ચહેરા પર કરડાકીભર્યું સ્મિત આવ્યું.
સિનાઈના રણમાં ઇઝરાયલી લશ્કર સાથે સંયુક્ત કવાયતમાં તાલીમ લઈ ચૂકેલા કેપ્ટન ઉલ્હાસને બત્તી થવા માટે આટલું કાફી હતું.
એક જ આદમી અંધારાનો લાભ ઊઠાવીને સતત જગ્યાઓ બદલતો રહે છે અને બે હાથ વડે અલગ અલગ દિશાઓમાં ફાયરિંગ કરીને બે-ત્રણ મોરચા હોવાનો ભ્રમ સર્જી રહ્યો છે.
ઉલ્હાસના હોઠ દૃઢતાથી બિડાયા. તેના વધુ બે આદમી માર્યા ગયા હતા અને એક ઘવાયો હતો. હવે તેને વધુ નુકસાન પાલવે તેમ ન હતું. તેણે ચપળતાથી ક્રાઉલિંગ કરીને યોગ્ય પોઝિશન શોધી લીધી. ફાયરિંગ કર્યા પછી એ આદમી ડાબે, જમણે, ઉપર એવી પેટર્નમાં ખસતો હતો તેવું ધારીને તેણે ત્રણેય ટાર્ગેટ પર ગન ચલાવવા માંડી.
ઉલ્હાસની સતર્કતા અને અંતઃસ્ફૂરણા એ રાઘવની કમનસીબી સાબિત થઈ.
ફાયર કર્યા પછી આડશમાંથી બહાર નીકળવા તેણે છલાંગ લગાવી એ જ ઘડીએ છૂટેલી ગોળીએ તેનું ડાબુ પડખું વિંધી નાંખ્યું. મહાપરાણે તેણે ચીસ દબાવીને લંગડાતા પગલે જગ્યા બદલી.
આડશ પાછળ છૂપાઈને તેણે ઘાવ ચકાસ્યો. પડખામાંથી લોહીની ધાર વછૂટતી હતી. તેણે મેગેઝિન્સ નીચે મૂકીને શર્ટ ઉતાર્યો અને કચકચાવીને ઘાવ પર બાંધ્યો. પોતે ઘવાયો છે એવો ખ્યાલ ન આવે એ માટે એક હાથે ગન ચલાવવાનું ય ચાલુ રાખ્યું. શર્ટ બાંધીને તેણે ફરી છલાંગ લગાવી. ફરીથી વધુ એક ગોળી તેના સાથળમાં ઘૂસી ગઈ અને તે અડબડિયું ખાઈને ખડક પર પછડાયો.
તેની આંખોમાંથી પાણી ઝમી રહ્યું હતું અને કાજળઘેરા અંધારામાં ય લાલ, પીળા, ચળકતા રંગો ઊભરી રહ્યા હતા. ભારે પછડાટ ખાવાથી તેના જમણા હાથમાં ય ઈજા થઈ હતી.
તેણે કિચડથી ખરડાયેલા હાથની કોણી ઘસીને આંખ સાફ કરી. લંગડાતા પગે ખડક પાછળ લપાઈને ડાબા હાથે બે ગ્રેનેડ ફેંક્યા. ફરીથી ગન ઊઠાવીને નાળચું ઊંચક્યું...
- પણ હવે તેના હાથની રેખાઓમાંથી તેનું તકદીર છટકી ચૂક્યું હતું.
સામેથી બિલકુલ તેની જ દિશામાં ગન ધણધણી રહી હતી. એક ગોળી તેના ખભાને વિંધી ગઈ હતી અને બીજી ગોળી ક્યાં વાગી તેનો ખ્યાલ સુધ્ધાં આવે એ પહેલાં તે પાછળની તરફ ક્યાંય ફંગોળાઈ ગયો હતો.
એકધારા શ્રમ અને તણાવમાં આટલી જીવલેણ ઈજાઓ ય ભળી હતી પણ હજુ ય તે મચક આપતો ન હતો. સંકોરાઈ રહેલા દિવાની વાટ જેવું તેનું દિમાગ હવે કેટલો સમય થયો તેનો ક્યાસ કાઢવામાં ય થીજી જતું હતું. તેણે શૂન્યવત્ત પેન્ટમાં ખિસ્સામાં હતા એટલા તમામ ગ્રેનેડ પગ પાસે પાથર્યા અને એક પીછી એક નીચે ગબડાવવા માંડયા.
બે જ મિનિટમાં એક પછી એક ફાટતા ગ્રેનેડથી પહાડીમાં ખળભળાટ મચી ગયો. છેક સુધી આગળ ધસી રહેલા ઉલ્હાસના કાફલાએ ફરજિયાત આડશ શોધવી પડી.
અચાનક થયેલા પ્રહારથી ઓઝપાયેલા કમાન્ડો આડશ શોધી રહ્યા હતા ત્યારે ચટ્ટાનની છાતી માથે બેસીને રાઘવ લોહીયાળ ચહેરે બેય હાથ સીધમાં લંબાવી રહ્યો હતો. ઘડીક તેને લાગતું હતું કે તેનો ડાબો હાથ જમણાં હાથ કરતાં લાંબો છે... ઘડીક તેને લાગતું હતું કે તેની ડાબી છાતી પર વાગેલી ગોળીએ ઈજા નથી કરી પણ એ ગોળી કશોક વામપંથી સંકેત કોતરી ગઈ છે... ઘડીક તેને લાગતું હતું કે તેના ગળામાં મૂંડમાળા છે અને...
તેણે ગન ચલાવી દીધી...
તેના અંતરચક્ષુ સમક્ષ મોટા અવાજે ગાઈ રહેલો દુબળી સંભળાતો હતો...
સુમેધા અમૃતોક્ષિતઃ... અમૃત થકી અભિષેક પામેલો હું જ સંસારમાં સૌથી બુધ્ધિમાન છું...
તેના લોહીયાળ ચહેરા પર પહેલાં સ્મિત તરી આવ્યું અને પછી એ ખડખડાટ હસી પડયો...
- અને ત્યાં જ ફસકાઈ ગયો.
(ક્રમશઃ)