હાસ્ય રતન ધન પાયો...! - 2 Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય રતન ધન પાયો...! - 2

પ્રકરણ-૨

જિંદગીની આ જ તો મઝા છે રમેશ

સિતારા આભમાં ચમકે, હું હથેળીમાં શોધ્યા કરું..!

કમળ અને કાદવની રાશિ ભલે સરખી, પણ બંનેના કર્મો અલગ, ને ફળશ્રુતિ પણ અલગ,.! ક્યાં રામ ને ક્યાં રાવણ..? એમ ક્યાં કાદવ ને ક્યાં કમળ..? પણ મંથરા જો કૈકયી સાથે રહી શકતી હોય, કૃષ્ણ જો કંસ વચ્ચે રહી શકતા હોય, ને પ્રહલાદ જો હિરણ્ય કશ્યપ ના ધાકમાં શ્વાસ લઇ શકતાં હોય તો, કાદવ ક્યાં ક્રૂર છે..? કમળની જેમ ખીલવું હોય, લક્ષ્મીજીનું સ્થાપન ઇચ્છતાં હોય તો, કાદવ પણ જરૂરી ને કમળ પણ જરૂરી. કાદવનો પનારો પણ વ્હાલો કરવો પડે દાદૂ.! કાદવ વગર કમળની કલ્પના નહિ થાય, ને કમળ વગર કાદવની કદર પણ નહિ થાય. કાદવના લીંપણથી બંધાતા ગરીબોના ઘરના આર્શીવાદ મળે તો જ, કાદવની કૂખે કમળ જનમ લેતા હોય. કંઈ કેટલાં ગરીબોના ઘર છાણ-કાદવની ગારથી મંડાય જ છે ને..? કાદવ ઘર બાંધવાના કામે આવે, ને કમળ ઘરને સજાવવા કામ આવે. બંને એકબીજાના સહયોગી ને એકબીજાના પૂરક. ગરીબોનાં માથાનું છત્તર ને નિર્ભય આશરાનું સ્થાનક.

આદિત્યને તો એનો અનુભવ પણ ખરો. દાદી કે મા ઘરની દીવાલ ઉપર લીંપણ કરતી, ને આદિત્ય ટોપલે-ટોપલે તળાવમાંથી માટી લાવતો. લીંપણવાળા ભાડેના ઘરમાં, ને સરકારી ધંધે લાગ્યા પછી પોતાના લીંપણવાળા ઘરમાં ઉછરેલા, આદિત્યને ખબર છે કે. લીંપણવાળા ઘરની કાચી દીવાલોના ગાબડાંઓને ઢાંકવા કેવાં કેવાં નુસખા કરવા પડતાં..? ક્યાં તો દેવ-દેવીના ફોટાવાળા જુના-નવા કેલેન્ડરો એની દીવાલને ઢાંકતા. ક્યાં તો પછી, મા કે દાદીમાનો છાણ-કાદવવાળો હુંફાળો હાથ એ કાચી દીવાલ ઉપર ફરતો..!

એ પણ એક ગજબની વાત છે ને..? એક આદિત્ય દેવતા બનીને આકાશમાં મ્હાલે, ને બીજો આદિત્ય બહોળા શ્રમજીવી પરિવારની ગરીબીમાં ઝઝૂમે. કમળના જન્મારાથી કાદવ ભલે અંકાયો કે પંકાયો હોય, પણ કાદવ ક્યારેય સંગેમરમર થવાનું સ્વપ્નું સેવતો નથી. એમ આદિત્ય એની અનેકવિધ સાધનાથી ભલે પાંચમાં પંકાયો, પરિવારે પણ એની હાટડી તોડી મોલ બનાવવાનો વિચાર કર્યો નહિ. કમળ પણ પંકાયું ને કાદવ પણ પંકાયો, ને એનું સ્થાનક પણ પંકાયું. કમળ થઈને ખીલવું હોય તો, કાદવનો પાલવ પણ શુકનિયાળ હોય, એ આદિત્યે સાબિત કરી આપ્યું. બહોળા શ્રમજીવી પરિવારમાં જનમવું, ને જીવન સાથે ઝઝૂમતા પરિવારના પાલવે સંતાયને ઉછરવું, એ પણ એક ભાગ્ય છે. આદિત્ય એ વાતથી અજ્ઞાત ન હતો કે, માનવીની પાયાની પહેલી વિદ્યાપીઠ, એનો પરિવાર હોય છે. આદિત્ય, એમાં ઉછર્યો. કવિ હૃદય જેવાં પિતાની હુંફ ને ઓછું ભણેલી મમતામયી માતાના વાત્સલ્યની હૂંફમાં એ ઝઝુમ્યો, દાદા-દાદીના સંસ્કારી ને વ્યવહારુ વલણની એને ઓથ મળી. આવી પરિવારની પરંપરાને એ પામ્યો, ને પેઢીનું નામકરણ પામી વિસ્તર્યો. જીવનની આ કેવી એક યાત્રા છે. ભાગ્ય હોય તો જ સંબંધોની અનુભૂતિ પણ પમાય. ને સંસ્કરણની સરવાણી મળે. જેમ વેપારી વર્ષ બદલાતાં, આગલા વર્ધની બંધ સીલ્લક ને નવા વર્ષમાં આગળ ખેંચે, એમ આદિત્ય પણ એના ભાઈ-ભાંડુ સાથે પરિવારની પરંપરાને આગળ ખેંચવા લાગ્યો. પરિવાર દ્વારા સંસ્કારનો મળેલો વારસો એટલે એની અમુલ્ય મૂડી. જે એનો એકમાત્ર ખજાનો હતો. આવો એનો ભવ્ય ભૂતકાળ હતો..!

જન્મ્યો ક્યાં, ભણ્યો ક્યાં, સચવાયો ક્યાં, મ્હેક્યો ક્યાં, એના કોઈ નકશા-અંદાજ નહિ, છતાં અસ્તિત્વ સામે ઝઝૂમતા રહેવાનો ધ્યેય એને માઈલ સ્ટોન સુધી દોડાવતો રહ્યો. બે પાંદડે ભલે ભેગો થયો હોય, છતાં બાલ્યાવસ્થામાં ઉઠેલા તોફાન અને ગરીબીની ડમરીઓ હજી પણ એના મગજમાં ઘૂમરી લે છે. શાંત થઇ જ નથી. આદિત્યને હજી ટાઢક જ નથી આવી કે, હું હવે અદનો માણસ નથી. પણ જગતે જેની નોંધ લેવી પડે, એવાં કદનો માણસ છું. એટલે જ એ નિરાભિમાની પણ છે. જગતમાં ભૂતનું અસ્તિત્વ છે કે નહિ, એના વિવાદમાં પડવું નથી, પણ આદિત્યનો ભૂતકાળ આજે પણ એની પાછળ ભૂતની માફક પડેલો છે. વિચારોના વંટોળમાં નિંદર જ્યારે હકુમત જમાવી દે, ત્યારે એને મોંઘા ખાટની ખોટ નથી પડતી. ઝબકીને જાગે ત્યારે દુનિયાની ભયાનકતા ભરડો નાંખે, ને સુતો હોય ત્યારે મા ની મમતાએ એને પાલવમાં ઢાંકી પોઢાડયો હોય એવી સ્વર્ગીય અનુભૂતિ ને શાંતિ પામે છે.

બાલ્યાવસ્થામાં જ એક વિચાર ઝબકે, કે ભાઈ-ભાંડુઓ સાથે પરિવારના આર્થિક સહયોગી થવા કંઈક બનવું તો છે જ. ભણવું પણ છે, ભણાવવું પણ છે, ને પેટના ખાડા પૂરવા માટે મારે પણ કંઈક અભિદાન આપવું તો જોઈએ. રામાયણ કાળની પેલી ખિસકોલી યાદ આવેલી. રામ-સેતુ બાંધવા જો વાનર-સેના આટલી મહેનત કરતી હોય તો, મારે પણ મારા શ્રી રામ માટે કોઈ સહયોગ આપવો જોઈએ. એવો વિચાર આવતાં એની ક્ષમતા પ્રમાણે ખિસકોલી પણ રામ-સેતુમાં માટી નાંખવા મંડેલી. આદિત્ય પણ એના કુળના ધંધે ચઢી, ભણતા ભણતા બુટ-પોલીસની થેલી ખભે ચઢાવી. ક્યારેક દુકાનના ઓટલે, તો ક્યારેક નજીકના અમલસાડ રેલ્વે સ્ટેશન ઉપર બુટ-પોલીશ કરવાના રવાડે ચઢેલો, આ બધું એને યાદ આવવા માંડ્યું. એ પ્રસંગને રવાડે ચઢવામાં, એ ક્યારે ઝોકે ચઢી ગયો એનો એને અંદાજ પણ નહિ આવ્યો.

મહેનત કર્યા વિના મહાજન નહિ બનાય, એ પદાર્થ-પાઠ એને નાનપણમાં જ મળેલો. સમય સમયના આ બધાં સરવાળા હજી એના દિમાગમાંથી ભૂંસાયા નથી. તાંત્રિકો ભૂતની વ્યાખ્યા ભલે ગમે તે આપતા હોય, પણ સાચો ભૂત એટલે માનવીનો ભૂતકાળ..! આખર તો માણસે ભૂત-ભવિષ્ય ને વર્તમાન કાળના તાણાવાણામાં જ જીવન ગૂંથવાનું હોય. નામ હોય એનો નાશ થાય એ વાત સાચી, પણ ભૂતકાળનો નાશ તો, સ્વયંનો નાશ થયાં પછી પણ લોકજીભે જીવંત રહેવાનો. એટલે જ અમુક મુકામ સુધી પહોંચ્યા પછી પણ, આદિત્યના મગજમાં હજી આજે પણ, બાલ્યાવસ્થાની કઠોર સમસ્યાઓ ઘૂમરી લે છે. મગજમાં અભિમાનને એ માળો બાંધવા દેતો જ નથી. કોઈ તણખલું નાંખવા મથે તો પણ એને વિખેરી નાંખે. એટલે તો મંદિરોમાં કેદ થયેલા દેવ-દેવીઓ કરતાં આદિત્યને એનો પરિવાર ને મા-બાપ દેવ તુલ્ય છે. હવાની આવન-જાવન માટે છત્તના નળિયાં ને ઊંચકીને નીંદર લેતાં આદિત્યને, એસીવાળા છત્તરપલંગમાં એનો ભૂતકાળ ઝબકાવીને જગાડી દે છે. એ સંપૂર્ણ સભાન છે કે, જગત ખરબચડાઓનો પ્રેમી નથી એ સૌંદર્યનો આશિક છે. મનગમતા આકારનો ચાહક છે. વજનના ધડા માટે વપરાતો ખરબચડો પથ્થર એનો ગમતો નથી. પણ અથડાય, કુટાઈ, ઘસાઈ ને ગોળ બનેલો એ પથ્થર જ્યારે શિવલિંગનું સ્વરૂપ ધારણ કરે, ત્યારે એ પોતીકો બની જાય..! સાંપ્રત સમયનો આ વ્યવહાર છે, એનાથી એ ક્યાં અજાણ છે મામૂ..? પથ્થર એક જ વાર મંદિરમાં જાય ને દેવ બની જાય, પણ માણસ રોજ મંદિરમાં જાય છે, છતાં પથ્થરનો પથ્થર રહે, એની એને ખબર..!

આજે, વર્ષો પછી એજ અમલસાડના રેલ્વે સ્ટેશન ઉપર એ ઉભો છે. ખભે બુટ-પોલીસની થેલી ભેરવી સ્ટેશનના બાંકડે-બાંકડે એ પોલીશ કરાવવા માટે લોકોને એ કેવો રીઝવતો..? ક્યારેક કેવો હડધૂત થતો, એ બધું જ આંખ સામે ફરવા લાગ્યું. સ્ટેશનના પ્રત્યેક બાંકડા ને દીવાલોમાંથી એના જ બોલેલા શબ્દો સંભળાવા લાગ્યા....

- બુટ પોલીસ બનાવું સાહેબ...?

- કેમ જોતો નથી, બુટ પોલીશ તો કરેલાં છે..? હજી કેવાં તું ચમકાવીશ..?

- ( કહેવાની ઈચ્છા તો એવી થઇ આવતી કે, ‘સાહેબ, આપના બુટ અને આપનો દીદાર તો ચમકેલો જ છે. બે પૈસા મળે તો એ બહાને મારું નશીબ ચમકે એટલે પૂછું...! ) ના..સાહેબ, આનાથી પણ વધારે ચળકાટવાળા કરી આપું. હજી આપની ટ્રેનને અડધો કલાકની વાર છે. બેસો સાહેબ, આ બાંકડે બેસો. મારી પાસે મારા થેલામાં આજનું છાપું છે, એ વાંચો એટલે બુટ-પોલીશ તૈયાર..!

- વાહ...! બહુ હોંશિયાર લાગે છે..? સામામાં રાજીપો લાવવાના નુસખા પણ તું જાણે છે.

- હા, સર એટલે તો હું સાથે રોજનું છાપું પણ રાખું. આપનાથી છાપું પણ વંચાય જાય ને, મારું કામ પણ થઇ જાય...!

- તારામાં તો ધંધાકીય સૂઝ પણ ગજબની છે ને કંઈ...? શું લે છે, બુટ પોલીશનું..?

- સાહેબ ભાવ તો સોનાચાંદીની દુકાને પૂછાય, અમારા જેવાં ગરીબ માણસની મહેનત મજુરીના તે વળી શું વધારે ભાવ હોય..?

- ઠીક છે, પણ બરાબર ચમકાવજે હંઅઅકે..?

- હા સાહેબ, ચમકાવીશ તો જ તો મને, એમાં મારું મોઢું દેખાશે ને..?

- જે બાંકડે બેસાડીને લોકોના જૂતાં ચમકાવતો હતો, એ જ આદિત્ય, ગુજરાતના વરિષ્ઠ હાસ્ય કલાકાર તરીકે આજે લોકોને હાસ્યના રવાડે ચઢાવી બેઠો. વિચારોના વંટોળમાં આદિત્ય ક્યારે ઝોકે ચઢી ગયો, તેની ખબર શુદ્ધાં એને નહિ પડી. અચાનક એના કાને અવાજ અથડાયો....

- “ સાહેબ પોલીશ બનાવું., ચકચકાટ કરી આપું તો જ પૈસા આપવાના. આપના હાથની બોણી કરવી છે સાહેબ, બનાવું...?

ગાજવીજના ચમકાટ વિના તૂટી પડેલા વરસાદ જેવો ઓતાના જેવો જ અવાજ પોતાના કાને અથડાતાં, આદિત્યથી ઝબકી જવાયું હતું. એકવાર તો એનાથી પણ બોલી જવાયું, “લે ચમકાવી નાંખ..! શું લેશે બુટ પોલીશનું...? આજનું છાપું લાવ્યો છે..? “ ને...એની આંખ ભીની થઇ ગઈ....! આદિત્યને એની સ્વ. મા યાદ આવી ગઈ. આ એ જ સ્ટેશન હતું. જેના ઉપર ચીકુના ટોપલા ઊંચકીને મેળવેલી મજુરી કરેલી. દંડો બતાવીને સ્ટેશન ઉપરથી ભગાડતી પોલીસની જોહુકમી યાદ આવી ગઈ. ને ખમણ સાથે ચટણી મફત મળતી હોવાથી, ખમણ કરતાં ચટણી વધારે મંગાવીને ભાંગેલી ભૂખની ક્ષણો યાદ આવી ગઈ...! ને, બે પૈસા વધુ કમાવવા ટ્રેનના ડબ્બામાં બુટ-પોલીશ માટે વિના ટીકીટે કરેલી રઝળપાટ આવી ગઈ..!

આદિત્ય આજે ભલે રેડિયો-ટીવી-સ્ટેજનો એક પ્રતિષ્ઠિત હાસ્ય કલાકાર હોય, છતાં ટ્રેનમાં મુસાફરી કરતી વેળા, જ્યારે બુટ-પોલીશવાળાને જુએ છે, ત્યારે એને એનો ભૂતકાળ પણ જાણે સહ પ્રવાસી બની જતો હોય, એમ બધું યાદ આવવા માંડે. મા યાદ આવે, પિતાએ લખેલી કરુણ કવિતાઓ યાદ આવે, દાદાની વ્યવહાર કુશળતા, પૌત્ર-પ્રેમ અને દાદીમાની ‘પાઘડી-બળ્યા’ જેવી મધુરી ગાળો યાદ આવી જાય. ને આંખની કોરે સરવરિયાં વહેવા માંડે..!

અમલસાડનું રેલ્વે સ્ટેશન એટલે એના બાળપણની સ્મૃતિનો ખજાનો. ગ્રાહક મળે તો પોલીશ કરવાનું, ને ભૂખ લાગે તો તડબુચ ખાયને કોઈએ રસ્તે ફેંકેલા તડબુચના સુકા બિયાંને વણી લાવી, ફોડીને ખાવાના. બુટ-પોલીશનું બ્રશ જમીન ઉપર ઠોકતાં જવાનું, ‘તડબુચના બિયાં ખાતાં જવાનું..! ને ‘પોલીઈઈઈશ..પોલીશ...બોલતાં જવાનું....!!

(ક્રમશ:)

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------