હાસ્ય રતન ધન પાયો
(પ્રકરણ ૫)
માની મમતા ને દાદા-દાદીનો વ્હાલસોયો
બહોળા અને ભોળા પરિવારનો આસામી હોવાથી મુશીબતો આવતી ખરી પણ ટપલી મારીને ચાલી જતી. આદિત્યને ગરીબીનો અંદાજ નહિ આવે એ માટે, આદિત્ય ઉપર અનેકની હુંફ હતી. જેની જેની નિરંતર છાયા પડેલી એને ક્યારેય એણે નજર અંદાજ કરી નથી. જેમનું-જેમનું આ દુનિયામાં આજે અસ્તિત્વ નથી, એ પણ હજી એના હૈયામાં હજી અસ્તિત્વ ધરાવે છે. અંદર બેઠાં-બેઠા આજે પણ જીવન જીવવાનો દોરી સંચાર કરે છે. એની દાદીમાના વ્હાલપના શબ્દો, ‘ખુબ ડાહ્યો થજે દીકરા’ હજી એના હોઠ ઉપર રમે છે, એટલે આદિત્ય એ દિશામાં દૌડતો રહ્યો છે. એકલહાથે માનવી પોતીકો વિકાસ કરી શકે, પણ સર્વાગ વિકાસ કરવો હોય તો, પરિવારની હુંફ અને સ્નેહ જોઈએ. સગાવાદના કોઈ બંધાનોએ એને બાંધ્યો નથી, કારણ કે સગા કરતા પોતીકા હોવાનો અહેસાસે જ એની વૃદ્ધિ કરેલી. અને એટલે તો આજે પણ પરિવારમાં ગમતી વ્યક્તિઓનું એ પ્રાત: સ્મરણ કરે. ગમતી વ્યક્તિમાં મા લીલાવતી તો ખુબ જ. પિતાજીનો સાહિત્યિક વારસો. નાના રામજીભાઈ નરસિંહભાઈની મા ભાણીબેનનું વ્હાલ, વિદેશ રહેતા મામા-મામી લક્ષમણમામા અને શાંતામામીનો સ્નેહ, દાદા છીબાભાઈ, મોટાબાપા, જગુભાઈ હજી આજે પણ આદિત્યની આંખનો ઉજાસ છે. એટલા માટે કે, એમના વ્હાલ અને સંસ્કાર આદિત્યના જીવન ઘડતરનો મૂળ પાયો હતો, છીબાદાદાનો ખુબ વ્હાલો હોવાથી દાદા આદિત્યને વ્હાલથી ‘ભૂરિયો’ કહેતાં. દાહોદમાં જન્મેલા આદિત્યને તેડવા માટે દાદા દાહોદ આવેલા, અને કહેતા કે, તને તો મેં ડાકોરવાળા ભગવાન (રણછોડજી) ને ધરાવેલો છે. આદિત્યની કોઈપણ માંગણી માટે દાદાનો મીઠો દિવાળી હોય, ઉત્તરાયણ હોય, એને આવકારો મળતો, ને આદિત્યની માંગ પૂરી કરતા, મોટાબાપા, દાદા. જગુભાઈ. અને કારીગરો એક જ દુકાનમાં સાથે કામકરતા હોવાથી આદિત્ય મોટાબાપાનો પણ વ્હાલો હતો. ફોઈના દીકરા જગુભાઈ પ્રા, શાળાના એક ઉત્તમ શિક્ષક હતા. શિક્ષક તરીકે જ જનમ લીધો હોય એમ, સંસ્કારી પણ ખુબ હતાં. જેમનું ૧૯૬૪ ની આસપાસ ટાઈફોઈડમાં સુરત મુકામે અવસાન થયેલું. અને અંતિમવિધિ અશ્વિનીકુમાર (સુરત) તાપી નદીના કિનારે કરેલી. આદિત્યના જીવન ઘડતર પાછળ આ બધાની જ વિચારધારા પડછાયો બનીને રહી. શરીરને ફેસિયલ કરવા માટે તો અનેક પ્રસાધનો હોય, પણ જિંદગીને ફેસિયલ કરવા માટે સંસ્કારી અને વ્હાલપના વધામણા જોઈએ. સર્વાંગ સુંદર જીવન માટે આ બધાં ફેસિયલ કહેવાતાં. આદિત્યની આંખોમાં ઉજાસના વાવેતર આ લોકોએ કરેલા. અનેક ઝંઝાવાતો સામે ઝઝુમવાનો ઈતિહાસ એની આંખોમાં ઢંકાયેલો હતો. જીવન નિર્વાહ અને ભણતર માટે ટ્રેનમાં બુટ પોલીસ કરવા કે, સંઘમાંથી ચીકુના ટોપલા ઊંચકીને અમલસાડ ટેશન ઉપર લઇ જવાના પ્રસંગો આજે પણ એની આંખોમાં દેખાય છે. બે પૈસા વધારે મળે એ હેતુથી પેસેન્જરનાં માલસામાન ઊંચકવાની મજુરી કરવામાં પણ કોઈ ખચકાટ નહિ. પ્રવાસીઓ કદાચ ટ્રેન પકડવામાં મોડા પડતા હશે, પણ મજુરીની લાલચમાં આદિત્ય મોડો નહિ પડતો. ટ્રેન આવવાના સમય પહેલાં અમલસાડ સ્ટેશન ઉપર હાજર થઇ જતો. ટ્રેન આવે ત્યાં સુધી લોકોના બુટ ચમકાવતો, અને ટ્રેન આવ્યા પછી લોકોના માલસામાન નો બોજ ઊંચકતો. બાલ્યાવસ્થાથી જ ગરીબી અને શ્રીમંતાઈના ભેદનો અંદાજ એને મળું ગયેલો. એની ચાલક નજર મજુર શોધનાર પ્રવાસીને શોધી કાઢતી. ને મજુર તરીકે પોતાને રોકવા તેને લલચાવતી. જિંદગીના બોજ ઓછા હોય, એમ માથે વજન ઊંચકીને પ્રવાસીઓના બોજ હળવા કરવાની એની રીતી પછી તો નીતિ બની ગઈ. મજુરીના દામ મેળવવા એ પ્રવાસીને કેવી કાકલુદી કરતો?
સાહેબ, આપની બેગ ઊંચકી લઉં..?
તારા જેવા નાના છોકરાથી બેગ નહિ ઉંચકાય..!
ઊંચકી લઈશ સાહેબ, મને ચાર આના આપજો, એટલે તાકાત આપમેળે આવી જશે.
આદિત્યે બેગ ઊંચકી તો ખરી, પણ માથે બોજ પડે ત્યારે ખબર પડે કે, બોજને ઊંચકી લેવું કેટલું મુશ્કેલ હોય છે..? આદિત્યના માથે ને ભરોસે બોજ ઠાલવીને પ્રવાસી લહેરથી આગળ ચાલતો હતો. ને આદિત્ય બોજને કારણે લડખડાતો હતો. સતત એને થતું કે, ક્યાં તો હું પડી જઈશ, ક્યાં તો માથે લીધેલી બેગ પડશે. પણ મજુરીમાં મળનાર ચાર આનાની કીમત એને સંભાળતી હતી. ભરબજારે માથે મજૂરીનો બોજ ઊંચકીને ચાલનારો, આજે જ્યારે એ જ બજારવાસીઓ વચ્ચે લોકોના માન-સન્માનથી વર્તાય છે, ત્યારે એને મજુરીના ચાર આના ચાંદ જેવા લાગે છે. ચાર આના કમાવા કેટલાં અઘરા હતાં, એ પ્રસંગ એ ક્યારેય ભૂલ્યો નથી.તે દિવસે એને એક અનુભવ પણ મળ્યો કે, બુટ પોલીસના ધંધા સાથે મજુરી કરવાનો ધંધો પણ ચાલે એવો છે..! વેઠેલી ગરીબી ને મેળવેલા અનુભવો ક્યારેય વ્યર્થ જતાં નથી. આજે પણ આદિત્યને પૈસાની કીમત સમજાય છે. ખર્ચ કરવાનો આવે ત્યારે માથે ઊંચકેલો બોજ આંખ સામે તરી આવે છે. આવી મુશીબતમાં પણ આદિત્યને સંયુક્ત કુટુંબમાં રહેવાનો આનંદ હતો. આજે કુટુંબો વિભક્ત થતા જાય છે, એટલે જ સમૂહજીવનના સંસ્કારોમાં ઉણપ આવતી જાય છે. વડીલોની રહેણીકરણી-આદાન-પ્રદાનનો અનુભવ અ\ને એમની વ્યવહાર શૈલીના શિક્ષણ તો સાથે રહીએ તો જ મળે દાદૂ..! જે વ્યક્તિ પરિવારની હુંફ મેળવીને મોટો થયો છે, એને દુનિયાદારીના પાઠ ભણાવવા પડતા નથી. ગમે એવી મુશીબત સામે એ ટકી શકે છે. આદિત્ય પાસે અનુભવની આવી અણમોલ મૂડી હતી. ગરીબીની ઓથના કારણે ભલે એ ઝાઝું ભણી નહિ શક્યો પણ જેટલું ભણ્યો, એના પ્રમાણમાં ઘડતર ખુબ પામ્યો. મુશ્કેલીઓ સામે લડનાર એ લડવૈયો હતો.
આદિત્યના કુળવંશીઓને પણ જાણવા જેવાં છે. દાદા છીબાભાઈના પિતાશ્રી ઉકાભાઈ દુર્લભભાઈનું સાસરું કલવાડામાં શ્રી નથ્થુભાઈને ત્યાં હતું, એટલે આદિત્યના દાદા છીબાભાઈનું મોસાળ કલવાડા કહેવાતું, ને દાદા છીબાભાઈની મા નું નામ ભાણીબેન હતું, જે કલવાડા શ્રી નથ્થુભાઈની દીકરી કહેવાતી. ભગા છીબા અને તોરણગામ વાળા જીવણ છીબા એ દાદાના પિતરાય ભાઈ થાય. અને ફિલ્મ અભિનેત્રી નિરૂપારોય એ ભગા છીબાની દીકરી થાય. એક વાત નોંધવા જેવી છે કે, આ સંબંધે નિરૂપારોયએ એકવાર આદિત્યના પિતાને પણ ફિલ્મમાં કામ કરવા પત્ર લખેલો. પણ સમાજના ડરથી તેઓ ગયેલા નહિ. આ બાજુ આદિત્યના દાદીમા ડાહીબેનનું પિયર તલાવચોરા હતું. અને ઝીણા મકન એની દાદીમાનો દીકરો હતો, દેલાવડાવાળા નર્મદાબેનની મા વિજય બેન એ એના દાદીમાની સગી ભાભી પણ થતી. જે મૂળ ઘેજના વતની હતા, ગણદેવાના ભગાભાઈ કુન્વાર્ભાઈ એ આદિત્યની દાદીના મામાનો છોકરો થતો. એની દાદીના માં-બાપ નાનપણથી ગુજરી ગયેલા હોવાથી, શ્રી ભગાભાઈ કુન્વાર્ભાઈ દાદીમાને નાનપણથી ગણદેવા લઇ ગયેલા. અને દાદીમા ત્યાં જ મોટા થયેલા. આ થઇ આદિત્યના પૂર્વજોની ઝાંખી. આદિત્યે અનેકના મૃત્યુ જોયા. ને અનેક ઝંઝાવાતો જોયા. પણ જેનામાં જીવન જીવવાની ઝીંદાદિલી હોય, એ મુશીબતમાં પણ પોતાનો ધોરીમાર્ગ બનાવીને દૌડતો જ હોય. ધીરે ધીરે આદિત્ય યુવાન બનતો ગયો, અને પરિવારના વડીલોએ દુનિયા છોડવા માંડી. બાંધા કાંઠાનો દેખાવડો આદિત્ય, અનેકના હૈયામાં વસવા લાગ્યો. પ્રસિદ્ધિનો મોહ હોવાથી ૧૫-૧૬ વર્ષની ઉમરે તો પ્રતાપ-નુતન ગુજરાત છાપા અને સમાજના સામાયિકમાં એ આવડે એવી કવિતાઓ, બાળ-કોયડા લખતો અને છાપામાં નામ આવે એટલે હરખાતો...! સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરવાનો તો એને નાનપણથી જ શોખ. રંગતરંગ, ગુજરાત મિત્ર, સંદેશ, પ્રતાપ, હિતેચ્છુ, માં એ જુદા જુદા વિષયો ઉપર લખતો. પ્રજા સમાચાર, દક્ષીણ ગુજરાત પ્રવાસીમાં હાસ્યલેખ લખતો. ગુજરાત સમાચારમાં પણ હાસ્યના પ્રેમપત્રો લખતો. જેના પાયામાં મુશીબતના ચણતર થયાં હોય, એ કળા અને સાહિત્યક્ષેત્રે ખુબ આગળ વધી શકે છે, એનો પુરાવો એટલે આદિત્ય..!
પછી તો, મુશીબતના અનેક મોજાઓને હલેસા મારી-મારીને એ યુવાનીના ભેખડ સાથે અથડાયો.
(વધુ હવે પછી)
------------------------------------------------------------------------------------------------------------------