Break vinani cycle - ek ladki bhigi bhagi si books and stories free download online pdf in Gujarati

બ્રેક વિનાની સાયકલ - એક લડકી ભીગી ભાગી સી...!

એક લડકી ભીગી ભાગી સી...!

વર્ષા ઋતુ. રિમઝિમ બારીશ. પલળવાની ઋતુ. ભીની લટોને ઝાટકવાની ઋતુ. (પરણેલાં દંપતી માટે પત્ની દ્વારા પતિને ઝાટકવાની ઋતુ) ગરમ ચાની પ્યાલીની વરાળ માણવાની ઋતુ. મરીઝના કાફિયાની એ છોરીને પલળવાની ઋતુ. એક બીજામાં ભીંજાવાની ઋતુ. સૌને આ ભીની-ભીની મોસમમાં ગરમ ભજીયા ભાવે. એવી રીતે કોલેજીયન યુવાનોની આંખોને ગરમ દ્રશ્યો પણ પસંદ આવે.

જેમ કે... કૉલેજમાં જતી કોઈ યુવતી વરસાદમાં પલળતી હોય. એ છોકરી પછી વૃક્ષ નીચે ઉભી રહીને કોરી થવા મથતી હોય. વરસાદનું કોઈ તોફાની બિંદુ (બક્ષીબાબુની માફક) છોકરીને ગલીપચી કરતુ હોય. ભીનાં ભીનાં વાળને ઉત્તરથી-દક્ષિણ અથવા પૂર્વથી-પશ્રિમ ફંગોળતી હોય. ફિલ્મના હીરો સમાન એ છોકરા પાસે મોટી ગાડી હોય. (પેટ્રોલની ટાંકી ફૂલ હોય) એ ગાડી તેણીની બાજુમાં ઉભી રાખીને લીફ્ટ આપવા ગાડીનું ડોર ખોલે. પેલી છોકરી પણ રમેશ પારેખની કવિતા જેટલું શરમાઈ અને ગાડીમાં બેસે. છોકરો ગાલીબના શેર જેમ કેફિયતમાં આવે. અને પછી ખાધું-પીધુંને રાજ કર્યું.

જોકે એ છોકરાની કલ્પનામાં આવું દ્રશ્ય છે. આ કાલ્પનિક આદર્શ દ્રશ્ય છે. આવી કલ્પના કરવાની કોઈ ના નથી. બાકી વાસ્તવમાં નથી કોઈ છોકરી કે નથી કોઈ ગાડી. વરસાદને કારણે આવા દ્રશ્યો હવે નથી બનતાં. જેવો વરસાદ આવે એટલે પેલી છોકરી કૉલેજમાં રજા રાખે છે. (કુલ્ફીની માફક મેકપ પીગળે ને..! ખી..ખી...ખી...)

હા, છોકરાઓ કૉલેજના દરવાજા બહાર બેઠા હોય છે. કોઈ આવે કે કોઈ આવે.. અરે ! આ છોકરાઓ પાસે ગાડી તો શું બાઈક પણ માંડ હોય, એ પણ રિજર્વમાં આવી ગયું હોય છે. અરે સારો કહી શકાય એવો ગાભો પણ નથી મળતો. (ભીની સીટ સાફ કેમ કરીશું??) છોકરી જો હા કહે તો પેલીને માંડ માંડ મગફળી (ટાઈમપાસ) ખવરાવવાના જ ફદિયાં હોય છે. ભોગ લાગ્યા આવી કડકાઈના...!

“મારો નાથ આવી ધોમ કડકાઈમાં પ્રેમના દિવસો ન દેખાડે..!”

ખરેખર ! કડકાઈના દિવસોમાં જ આવી પ્રેમની સોલીડ કલ્પનાઓના ઉભરા આવ્યા કરે છે.

કૉલેજ જતા યુવાનને કિશોરકુમાર યાદ આવે.. એનું એક ગીત પણ સાંભરે.. ‘એક લડકી ભીગી ભાગી સી...’ કે કાજોલ કહેતી હોય... ‘મેરે ખ્વાબોમે જો આયે...’ અમિતાભ કહે કે: ‘આજ રપટ જઈએ તો હમે ના ઉઠઈઓ..’ બસ આ એમનું ગરમ દ્રશ્ય. પરંતુ આજે આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. કેમ કે જયારે જયારે કૉલેજનો સમય હોય ત્યારે વરસાદ ન હોય અને વરસાદનો સમય હોય ત્યારે પેલી છોકરી ન હોય. ભાગ્ય ફૂટ્યા કોલીજીયન યુવાનોના.

કોલેજીયન યુવાનો આવી વર્ષા ઋતુમાં પ્રણયમાં લપટવાનું બહાનું શોધતા હોય છે. લપટ્યા પછી ઉભા થવાનું નામ પણ ન લેતા હોય. કારણ આ યુવાનીનો પહેલો પ્રેમ છે. ‘પહેલો પ્રેમ એ પહેલાં વરસાદ પડે અને ધરતીની સોડમ જેવો છે.’ તેનાથી વિપરીત પરણેલાં લોકો આવી ઋતુમાં લપટવાથી દૂર ભાગતાં હોય છે, કારણ એ લોકો લગ્ન કરીને ખૂબ સારી રીતે લપટ્યા હોય છે. પરણેલાં લોકોને લપટયા પછી કોઈ ઉભું કરવા પણ ન આવે. (ઘરવાળી પણ નહી, તેને જ તો ધક્કો માર્યો હોય ભૈયા)

જયારે ખિસ્સામાં ટીકીટ ન હોય ત્યારે ટીકીટ ચેકર આવી ચડે છે, તેમ આપણા ગજવામાં રાતી પાઈ પણ ન હોય ત્યારે જ (ત્યારે ને ત્યારે જ..) આપણી સાથે ભણતી છોકરી આપણી પાસે ટપકી પડે. અને પ્રેમાળ સ્વરે કહે કે: “તમે મને આ બૂકસના અમુક-તમુક પન્નાની કોપિ કરાવી આપશો... પ્લીઝ...! એ છોકરી પ્લીઝ...!(ખલ્લાસ) એવું મીઠું બોલે કે આપણે ગરમ તવા પર મુકેલા બટરની માફક પીગળવા માંડીએ. જુવાન મોળો પડ્યા વગર તેણી પાસેથી બૂક લઈને ઝેરોક્સ કરવવા નીકળી પડે. પછી એ જુવાન મોળો તો ત્યારે પડે, જયારે દુકાને જાય. ખિસ્સામાં કાવડિયાં ન હોય. અને આને પ્રેમની ચાર ધામની જાત્રા કરવી હોય ઝેરોક્ષ કરાવીને... આવા પ્રેમનો અંત ઉધારીમાં જ પરિણમતો હોય છે. દસ દિવસ પછી દુકાનદાર તરફથી કડક ઉઘરાણી તરફ ઢળતો હોય છે.

ખરેખર ! બેકારીમાં પ્રેમ-બ્રેમ ન પોસાઈ. અરે ! પ્રેમ-બ્રેમની કલ્પના પણ નહીં ! બેકારીમાં તો કપાળે બામ લગાડીને બેસાય.. એટલે પ્રેમની કલ્પના ન થાય.. કોઈના પ્રત્યેનો પ્રેમ જેમ જેમ વધે તેમ તેમ હોટેલની ઉધારી વધે.
‘દેવું કરો ને ઘી પીવો’ એવું પેહેલાંના ઘરડાં લોકો કહી ગયાં છે. પરંતુ ક્યાંય એક લસરકો આવો નથી માર્યો કે...
‘દેવું કરો અને પ્રેમ કરો..!’ (ઓઈયા)


એક ટપ્પે આઉટ..!
અક્ષય કુમારની આવક બધાની આંખોને આંજી રહી છે.... ચાલો તેનો એક વિચાર પણ પાંપણ જેમ આંખોના તોરણે બાંધીએ...! અમલ કરીએ...!
“પીને કી કેપીસીટી, જીને કી સ્ટ્રેન્થ.
અકાઉન્ટ કા બેલેન્સ ઓર નામ કા ખૌફ.. કભી ભી કમ નહીં હોના ચાઈએ...!”
Learning…
Be Strong, Visible and Financially Fit, and live Life to the Fullest.
લેખન: નરેન્દ્ર જોષી. (૨૩/૦૮/૨૦૧૯)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED