Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેક વિનાની સાયકલ - આજ કાલ અંબોડા ઓછા દેખાય છે...

આજ-કાલ અંબોડા ઓછા દેખાય છે...!
અલ્પસંખ્યક કેશ ધારણ કરનાર પુરુષોને (સીધે સીધું જ કહોને.. ટાલીયા પુરુષોને) અભિનેત્રી રેખા જેવા કેશ ધારણ કરનારી નારી... બેશક પસંદ આવે છે. જે રીતે બોખલા લોકોને વારંવાર ખારીશીંગ ખાવાનું મન થયા કરે તેમ. પુરુષો માટે તો હેરસ્ટાઈલના વિકલ્પ ખૂબ ઓછા છે. વિશ્વ-કપની ભાષામાં કહીએ તો મિડ-ઓર્ડર, ઓફ સાઈડ અને લેગ સાઈડ; બાકીના બધાં પેટા પ્રકાર છે. બાકી સ્ત્રીઓ પાસે તો સ્વીસ બેન્કના નાણા કરતા પણ વધારે હેર-સ્ટાઈલ હોય છે. હોય ભાઈ હોય ! કોઈકના મહેલ જોઇને આપણા ઝૂંપડાને ફૂંકી ન મરાય..!
અમારી બાજુમાં રહેતા ભોલું અંકલ વારંવાર કાકીને કહે...
“કાંકરે કાંકરે પાળ બંધાય; અને ટીપે ટીપે સરોવર ભરાય એવું સાંભળ્યું હતું. પણ આ બ્યુટી-પાર્લરે... બ્યુટી-પાર્લરે... પગાર ખાલી થાય..! ‘ઈ તો તારી હાઈરે ઘર માંડ્યા પછી ખબર પડી.. તું બ્યુટીપાર્લરમાં જઈને જે હેર-સ્ટાઈલ બદલે છે; અને મોં પર લપેડાં લગાવે છે... એ પછી તું ઘરે આવે છે; તો હું તને ઓળખવમાં થાપ ખાઈ જાઉં છું...! તને ખબર છે ગાંડી... (ખબર નહિ પરંતુ પતિ પત્નીને જયારે ગાંડીનું સંબોધન કરે ત્યારે ડાહી ડાહી વાતો કરવા માંડે છે, ઉપરથી એના લટકા લટકામાં. અહીં આ વાત ખતમ.) આ બ્યુટી પાર્લરવાળા તારા કેશકર્તન કરવામાં મારા કેસ (ફદિયાં) લૂંટતા રહે છે. પહેલાંના જમાનાની જેમ ડાકુઓ હવે ઘોડે ચડીને નથી આવતાં. આધુનિક ડાકુઓ આવે છે; બ્યુટી-પાર્લરના બોર્ડ લગાવીને. અને આ ડાકુઓ પાસે લુંટાવા (રૂપિયા ઉડાવવા) પણ આપણે (આપણે નહિ તારે) જવાનું??!! અરે આ બ્યુટી પાર્લરવાળા જાદુ કરે છે જાદુ...! હે ઈશ્વર !!! આ મારી ઘરવાળીના એકવીસમી સદીના બ્યુટી પાર્લરના ખર્ચાથી મને બચાવી લે.. એનાં ખર્ચા મને વસમાં લાગે છે.” વળી કાકા ગરમીના કારણે થોડું પાણી પીધાં પછી ફરી આગળ વધે છે...
“એ તું સાંભળ... આ ભાતભાતની હેર-સ્ટાઈલ કરાવીને આપણા ખિસ્સા તળિયાજાટક થાય છે. એના કરતા તું અંબોડો લઇ લેતી હોય તો? સાચું કહું... કોઈકના સમ ખાઈને કહું છું... (કૉલેજમાં મારી સાથે ભણતી અને મને ખુબ ગમતી કંકુડીના સમ ખાઈને કહું છું. અલબત્ત કૉલેજનાં અંતિમ વર્ષે મને ગુપ્તચરો દ્વારા જાણવા મળ્યું કે કંકુને હું દીઠોય ગમતો નથી... એટલે એના સમ) તું જયારે જયારે અંબોડો લે છે ત્યારે ત્યારે મને ખુબ ગમતી લાગે છે. (બ્યુટી પાર્લરના રૂપિયા બચાવવા પત્નીના વખાણ કરવા... “અંબોડો લે ને મારા દુશ્મન” આવું ન કહી શકાય.. ઉપદેશ પૂર્ણ)
જનાબ આદીલ મન્સૂરી કેશ પર લખે છે કે...
“એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ..
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ..!”
પરંતુ આ અંબોડાને ધ્યાને રાખીને કહીએ તો...
“એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ..
એ અંબોડો ગૂંથે અને બંધાય ગઝલ..!”
અંબોડા પર એક જોક સાંભળેલી... એક બહેનનો ખુબ મોટો અંબોડો હતો.. કોઈએ પૂછ્યું: “કે આટલો મોટો અંબોડો કેમ થયો..??”
પેલા બેન કહે: “અંબોડોમાં મારા ઘરવાળાનું ટીફીન છે. હું એના ઓફિસે ટીફીન આપવા જાઉં છું. આતો હાથમાં ટીફીન ન રાખવું પડે એટલે અંબોડામાં ફીટ કર્યું છે..” આજકાલ આવા અંબોડા પણ ક્યાં જોવા મળે છે...
ભગવતી કુમારની વાળ અને ઘડપણ ઉપરની આ કવિતા ગલીપચી ચોક્કસ કરાવશે..
વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?
રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !
ખબર નહિ પરંતુ આ અંબોડાને બહુધા કવિ લેખકોએ પેલાં તોફાની છોકરાની જેમ ખૂણામાં બેસાડી રાખ્યો છે. એ રીતે કહીએ તો સાહિત્યમાં કવિ લેખકોની નજરે છેલ્લી બેંચે બેઠેલો, કદી હોમવર્ક ન લાવતો અને તોફાની બારકસ વિદ્યાર્થી જેવો છે.... આ અંબોડો. ખેર, જેવા આ અંબોડાના ભાગ્ય..!
એક રીતે કહીએ તો આ અંબોડા સાથે સાહિત્ય સર્જકોને અબોલા છે. આ કિટ્ટા ક્યારે થયા એની કોઈને જાણ નથી. પરંતુ કવિ શ્રી કાલીદાસે અંબોડા વિષે ક્યાંય આલેખ્યું નથી. અને આધુનિક યુગમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ધર્મ પત્ની પણ અંબોડામાં જોવા નથી મળ્યા...
ટ્રમ્પ પરથી એક વાત યાદ આવી...
આપણાં એક નેતા અમેરિકા ગયા. ત્યાં તેમની મુલાકાત ટ્રમ્પ સાથે થઇ. ત્યારે પેલા નેતાજી કહે: “ટ્રમ્પભાઈ આ તમારી સોકરી તો બહુ મોટી થઇ ગઈ છે. હવે તો ઈની હાટુ મુરતિયો ગોતતા હશોને ?”
ટ્રમ્પ કહે: “એ ય મિસ્ટર એ મારી સોકરી નથી. એ મારી પત્ની છે. હું પોતે જ એનો મુરતિયો છું.” (જોક ખત્મ)
આમ પણ અંબોડો શબ્દ એ પુરુષવાચક છે. હવે તમે જ કહો કોઈપણ સ્ત્રી અંબોડાને (પુરુષવાચક શબ્દને) માથે ચડાવે ? બસ તો પછી... અંબોડા ચકલી અને વૃક્ષોની જેમ ઘટે જ...!
એક ટપ્પે આઉટ..!
કોઈ તાજા-માજા સર્જકે.. ‘અંબોડા’ પર હાઈકુ નથી લઈખું..
જો અંબોડા પર હાઈકુ લખાય તો ???
બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી જેવું થાય.. કદાચ એટલે નહી લખાયું હોય... સાચું ખોટું રામ જાણે...!
લેખન નરેન્દ્ર જોષી. (૦૭/૦૫/૨૦૧૯)