હૈયાને રંગોમાં ઝબોળી..!
“લગાવી ન દેશો વગર પૂછ્યે કોઈને રંગ અજાણ્યો...
તમને ખબર નથી કે આજકાલ પસંદગીનો છે જમાનો..”
હીંચકે કરશન અને કંકુ બેઠાં છે. જોકે હીંચકા પર ઉભા રહેવાનું મોટું જોખમ. એટલે બંને બેઠા છે. બંને વાતો કરે છે. ફાગણ મહિનાનો સમીર ઘેલો બનીને આ બંને જણાની વાતો સાંભળે છે. અને આ પવન ગાંડોતૂર બનીને કેસૂડાંને કહે છે.
વાતની શરૂઆત પતિએ કરી. પૂંછડીયાઓને બેટિંગ અને બોલીંગમાં વારો છેલ્લો જ હોય. કિન્તુ, પરંતુ આજે સ્વામીનાથનો વારો પહેલો હતો. “હું શું કહું છુ..” સ્વામીનાથના નાથ(ઘરવાળી જ સ્તો) હીંચકાને વેગ આપતા બોલ્યાં: “તે આમ વાતમાં મોણ નાખ્યા વગર કહોને શું કહો છો..! તમારે ઓલા સિધ્ધુની જેમ વાતને વળ ચડાવવાની ટેવ બોવ...”
“હું કહું છું કે આ વખતે ધૂળેટીમાં તારી બેનપણી છે ને... અં...અં... શું નામ..! આહ... રાધૂડી... હું એને રંગવાનો છું. એય ને રંગ રંગ ને રંગથી રંગીન કરી મૂકવી છે રાધાડીને... મારા હાથે એના ગાલ રંગાશે...મારા હાથે એના હાથ રંગાશે..... મારા હાથે.....અને...!!!”
“હીંચકાને એક જોરદાર ઠેબું લગાવીને હીંચકો બંધ કર્યો. મો ખુલ્લું કર્યું. સ્વામીનાથની વાત વચ્ચેથી કાપી. “હેં તે હવે સમજાયું કે રાધાડી આવે એટલે પટીયા પાડવા માંડો છો. એની સામે તો લળીલળીને વાત કરવા માંડો છો.. પોપટ જેમ મીઠું મીઠું બોલો છો. કે ‘તમે આવો તો ગમે છે.’ ‘તમે બેસો હું ડ્રીંક્સ લાવું...’ આ...હા...હા... આ અમે આખો જન્મારો કામ કરીને તૂટી ગયા. કામ કરે તે કાલો અને વાત કરે તે વ્હાલો... વ્હાલી રાધૂડી બની ગઈ? રાધૂડીમાં એવું તે શું છે કે મારામાં નથી ? અને હું આટલાં બરાડા પાડું છું તોય હજુ દાંત કાઢો છો... આયા મોટા રાધૂડીને રંગવા વાળા..”
સ્વામીનાથ પત્નીને શાંત કરતા કહે પહેલા મારી પૂરી વાત તો સાંભળ... “રાધૂડીને રંગવાનું એક કારણ નહીં ત્રણ-ચાર કારણ છે. પહેલું કારણ કે રાધૂડી જરા આમ કહું કે ગોરી ગોરી છે.(રાધૂડીના ગાલ સંભારીને હરખાય જવાય છે) અને તું થોડી એની પાસે સહેજ ઓછી ગોરી છે. એટલે મને રાધૂડીની ઈર્ષા થઇ. કે આ દુનિયામાં મારી ઘરવાળીથી કોઈ સુંદર ન હોવું જોઈએ. એટલે જો સાંભળ ગાંડી (ઘરવાળીને ગાંડી કહો એટલે ડાહી કેમ બની જાય છે? વણ ઉકેલ્યો કોયડો) હું આ મારા હાથે ઓલી રાધૂડી ગાંડીને રંગ લગાવું એટલે એમાં તારી જ ભલાય છે. આજ કાલના રંગો આવે છે કેમિકલવાળા. રાધૂડીને ગાલ પર એવો રંગ લગાવું.. એવો રંગ લગાવું કે એના ગાલ બગડી જાય. અને પછી એની સામે તું સુંદર દેખાય... બોલ છે ને ભાઈડાના આઈડિયા.”
“હારું હારું રાધૂડીને રંગજો ભલે... પણ મનમાં ને મનમાં મજા નૈ લેવાની ઈ આપડી શરત...! અને હું કહું કે હવે રંગ લગાડવાનું બંધ કરો એટલે બંધ કરવાનું ઈ આપડી શરત બોલો છે મંજુર?”
કરશન બોલ્યો: “જી હજૂર... તારી શરત મંજુર”
શકુની પછી જો કોઈ કરામતકાર હોય તો આ કરશન...કરશન જન્મથી જ કલાકાર. પહેલા મિત્રોને પટાવી લેતો હવે એની ઘરવાલીને... કે ઘરવાળી પાસે જ એની બેનપણીને રંગે રમવાની એન.ઓ.સી. મેળવી લે. હવે આવવા દો રંગોનો તહેવાર... નટખટ કરશન રાધૂડી હાર્યે રંગે રમશે અને ઘરવાળી બેઠી બેઠી જોશે. દે તાલ્લી... બૂરા મત માનો હોલી હૈ...!
બાકી આજકાલ મોબાઈલને કારણે રંગો... ધીંગા મસ્તી.... પિચકારી.... પકડમ પકડી.... અને નાચગાન... વિસારતું જાય છે. ફિક્કું પડતું જાય છે. બધાય રંગો સમેટાયા છે ટચ સ્ક્રીનમાં.. ભૂલી રહ્યાં છે બધા લોકો હોળીનો રંગ... ઉમંગ... તરંગ અને હૈયાનો ઉલ્હાસ...ને...!!
અદાલતમાં એક કેસ આવ્યો... જજસાહેબ: “એ મિસ્ટર શું તમે તમારી ઘરવાળી ઉપર હાથ ઉપાડ્યો? એને મારી? શા માટે આવું કૃત્ય કર્યું? તમને ખબર નથી આજે કાયદાઓ કેટલાં કડક છે..? કેમ મારી તમારી ઘરવાલીને? હવે તારે દંડ ભરવો પડશે.. ત્રણ સો ને વીસ રૂપિયા...”
પતિ: “સર હમણાં મારો મિત્ર આવેલો હતો; ત્યારે એની પણ આજ મેટર હતી કે એને પત્ની પર હાથ ઉપાડ્યો.. તો એની પાસેથી ત્રણસો જ રૂપિયા દંડ લીધો હતો. આ ઉપરના વીસ રૂપિયા શાના?”
જજસાહેબ: “એ વખતે મનોરંજન કર નહોતો. હવે એડ થયો છે. એટલે વીસ રૂપિયા મનોરંજન કરના છે.”
બૂરા મત માનો હોલી હૈ...!
બે મિત્રો પરણ્યા એટલે પતી ગયા એવા ભેગા થયા. એક મિત્ર બીજાને કહે: “આ દુનિયામાં તું કોણે ભાગ્યશાળી નથી માનતો?”
બીજો મિત્ર કેફથી બોલ્યો: “જેના ભાગ્યમાં સાળી ન હોય એ ભાગ્યશાળી નથી...!”
બૂરા મત માનો હોલી હૈ...!
એક સ્ત્રી એની બહેનપણીને કહે કે: “તું તારી માંગમાં લીલા રંગનું સિંદુર કેમ પૂરે છે? ખરેખર તો માંગમાં લાલ રંગનું સિંદુર પૂરવાનું હોય..!”
તો બીજી સ્ત્રી શરમાતા બોલી કે: “મારા ઈવડા ઈ છે ને.. હે ને... રેલ્વેમાં નોકરી કરે છે. મારી માંગમાં લાલ રંગનું સિંદુર જોઇને ઘરે નથી આવતા. દરવાજે થી પાછા વળી જાય છે. મારી માંગમાં લીલા રંગનું સિંદુર જોઇને જ ઘરે આવે છે.”
ધંધો મગજમાં ઘર કરી જાય તે આનું નામ..
લેખન નરેન્દ્ર જોષી.