Break vinani cycle - Gharvadine kai kahevaay books and stories free download online pdf in Gujarati

બ્રેક વિનાની સાયકલ - ઘરવાળીને કંઈ કહેવાય ?

ઘરવાળીને કંઈ કહેવાય ?

ભેરુડાંઓ ભેળાં મળીને ગરબે ઘૂમતા હતા. જુવાની હિલોળે ચડીને ગરબે રમતી હતી. ત્યારે જીગલાના પડોસમાં રહેતાં ગોલુકાકા નિવૃત્તિ પછી જ્યોતિષ જોવાનું પુસ્તકમાંથી શીખતા હતા. અધૂરો ઘડો છલકાય એ ન્યાયે ગોલુકાકા વાંચેલી વાતો પ્રમાણે જે મળે તેને ત્રિકાળ જ્ઞાન આપતા રહે. આજે રાત્રે ગરબે ઘૂમતા ગોલુકાકાને જીગલો હાથ લાગ્યો.. જીગલા સામે તાકી તાકીને જોયા પછી બોલ્યાં: “મને જીગલા તારી ભ્રુકુટી નિહાળ્યા પછી તારા ૩૦૦ વર્ષ પહેલાનું અનુસંધાન થાય છે. ત્રણસો વર્ષ પહેલાં તું શું કરતો હતો એની ભનક મને વર્તાવવા લાગી છે. ત્યાં જ ઉભો રહેજે. આ બધી વાત આજે અને અત્યારે જ છતી કરું છું.”
જીગલો કહે: “મારા ત્રણસો વર્ષ પહેલાનું જવા દો. મારું ત્રણસો વર્ષ જાણીને શું ફાયદો? તમે અત્યારનું કંઈ કહી શકો ગોલુકાકા ?”
ગોલુકાકા: “અત્યારનું ? અત્યારે તો તું મારી નજર સામે ગરબે ઘૂમે છે. એમાં શું કહેવાનું?”
જીગલો: “તો લ્યો હું અત્યારનું કહું... અત્યારે તમે એકલા છો. અને તમારી સાથે આવેલા તમારો લાડલો બહાર બેસીને સિગારેટ ફુંકે છે. તેની ભનક વર્તાય છે તમને?” બસ ત્યાંથી ગોલુકાકા અદ્રશ્ય ભવ્..!
તમારા ભાણાંની ઉડાવોને. આ વાતને આવા ગોલુકાકા જેવા કેટલાય લોકો સમજતા નથી. બીજાની વાતો કરવાની જીભને આવતી ખજવાળ ગામનો વહીવટ કરવા મજબૂર બને છે.
ગામને ઓટલે બેઠાં બેઠાં ટાઢા પહોરની મેથી મારવાની મજા જોરદાર હોય છે. એમાં વળી છાપામાં આવ્યું કે કેરીનું અથાણું જેટલું જુનું એટલી એની કિંમત વધારે હોય. ગોલુકાકા કહે: “મારા ઘરે દસ વર્ષ પહેલાનું કેરીનું અથાણું છે. આપણા ગામમાં મારી પાસે જ સૌથી જુનું અથાણું હસે. બીજા કોઈ પાસે નહી હોય.” ગોલુંકાકાની વાતની હવા કાઢવા જગલો તૈયાર જ ઉભો હોય. જગલો કહે: “ગોલુકાકા મારા ઘરે તો સત્તર વર્ષ જુનું અથાણું છે. તમારાથી પણ જુનું. લ્યો બોલો હવે?”
ગોલુકાકા: “તો દીકરા એક કામ કર. મારા માટે ચાખવા લેતો આવ.” જીગલો ફરી પાછો હવામાં ગોળીબાર કરતા બોલ્યો: “જો હું આ રીતે બધાને ચખાડતો રહું તો અમારું કેરીનું અથાણું જુનું કઈ રીતે બને?”
ગોલુકાકા ઘરે પહોચ્યા. અને જમવા બેઠા. જમ્યા પછી એની ઘરવાળીને કહે: “સાંભળ્યું કે? આ મારા શર્ટના ખિસ્સામાંથી તારો લાલો રૂપિયા ચોરી ગયો છે.”
કાકી કહે: “આ..હા.. તમારા ખિસ્સામાંથી કઈ આપણો લાલો જ રૂપિયા લે એવું થોડું છે? હું પણ રૂપિયા લઇ શકું છું.”
ગોલુકાકા: “ભાગ્યવાન તને કોણ ના પાડે છે. (હિંમત પણ નથી) પણ આતો આપણા લાલીયાએ મારા ખિસ્સામાંથી થોડા જ રૂપિયા લીધા છે. બાકી તું જો મારા ખિસ્સા તરફ ડાકુગીરી કરે તો બધા રૂપિયા સાફ કરી દે. આવા અનુમાનને કારણે કહું છુ કે લાલીયો જ હોવો જોઈએ.”
ગોલુકાકા જેવી હાલત કેટલાય હસ-બંધની છે. ઘરવાળીના આંખોના ઈશારે વળી જાય. ગોલુકાકા આજ્ઞાંકિત ગણાવી શકાય. “એ..ય... તમને કહું છું..!” અને ગમે તેવા સંગઠનનો પ્રમુખ હોય. એની ઘરવાળીના ઈશારા સામે પાણી ભરે. આજે દર ત્રણ ગાડીએ ચાર ગાડી પર ફલાણા ઉર્ફ ઢીકણા પ્રમુખ. બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી. અને તે પણ લાલ પટ્ટી પર. પ્રમુખનું ઉત્પાદન ગુણાકારમાં વધે છે. આમ પ્રજાજનો આજે અલ્પસંખ્યકમા છે. પ્રમુખ બહુમતીમાં છે. આંખો કી ગુસ્તાખિયા યા.. માફ હો..!
ગોલુકાકા એના ભાણીયાને મળવા મુંબઈ ગયા. કાકાએ સાંભળ્યું હતું કે અહી ખિસ્સા કાતરુંઓ બહુ હોય છે. એટલે તેમને શુટ-બૂટ પહેરીને બધા ખિસ્સામાં છુટા રૂપિયા અને સિક્કાઓ રાખ્યા. અને પછી તો આખો દિવસ મુંબઈ ફર્યા. રાત્રે ઘરે આવ્યા તો ગોલુકાકાનું ખિસ્સું કોઈએ કાપ્યું નહોતું. પણ હા તેમના ખિસ્સામાં એક ચિઠ્ઠી હતી. જેમાં લખ્યું હતું કે “એ લુખ્ખા અંકલ. આમ માગ્યા શૂટ-બૂટ પહેરવાથી બાબુ નથી બની જવાતું. ફરીવાર મુંબઈ આવો તો થોડા વધારે રૂપિયા ખિસ્સામાં રાખજો. આટલા રૂપિયામાં તમે સલામત છો.”
ખરેખર, આ મુંબઈ શહેર છે. જો ગામડાંમાં પંદર રૂપિયાની નોટ છપાય. તો શહેરમાં સાત સાત રૂપિયાના છુટ્ટા આપવાવાળા જરૂર મળી આવે. ગોલુકાકા શેર છે, તો પેલા અજનબી ખિસ્સા કાતરું સવા-શેર છે.
મુંબઈ બીચ ઉપર બે પ્રેમી પંખીડા વાતો કરી રહ્યાં હતા. પ્રેમી પ્રેમિકાને લગ્ન માટે મનાવી રહ્યો હતો. પ્રેમિકા: “હું તને લગ્ન માટે શી રીતે હા પાડું? મને રસોઈ બનાવતા કઈ નથી આવડતું. હા, રસોડામાં મને ચક્કર આવે છે. પસીનો આવે છે, પણ રસોઈ બનાવતા નથી આવડતું. હું કેમ હા કહું?”
પ્રેમી ઠંડે કલેજે કહે: “પ્રિયે.. બસ આટલી અમથી વાતમાં મુંજાય ગઈ. મારા ઘરે રસોડામાં એવું કઈ નથી કે તું રસોઈ કરે..!” ગોલુંકાકા તો આવી વાતોથી ચકરાવે ચડી ગયા. ખરેખર આ પ્રેમી પંખીડાઓની વાતો તો આપણને ધનુર ઉપડે તેવી હોય છે.

રાવણ...!
મેં તો માત્ર એક સીતાજીનું અપહરણ કર્યું અને મારી આવી હાલત થઇ.
(કહેવાતા) સજ્જન લોગ જરા તમારો વિચાર કરો. તમે રોજ રોજ કેટલાય અપહરણ કરો છો...!

લેખન. નરેન્દ્ર જોષી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED