64 સમરહિલ - 74 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 74

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 74

કાંઠા તરફથી ફાયર થયો એટલે કેસી ઘડીક ચોંક્યો હતો.

આવનારા લોકોએ અહીંની ભૂગોળને બરાબર સમજીને ઘેરો ઘાલ્યો હતો. બખોલનો છેડો પર્વતની ટોચે ખૂલે છે, ત્યાંથી અડાબીડ જંગલ વટાવીને બ્રહ્મપુત્રના બીજી દિશાના કાંઠા તરફ જઈ શકાય છે તેની પાકી માહિતી તેમની પાસે હતી. એટલે જ એક ટીમે બખોલમાં હુમલો કર્યો અને બીજી ટીમે જંગલ તરફના કાંઠાને દબાવી રાખ્યો હતો.

મતલબ કે, તેઓ સ્થાનિક હતા અથવા તો સ્થાનિક સ્તરેથી તેમને માર્ગદર્શન મળતું હતું. એકપણ સ્થાનિક અલગતાવાદી ગેંગ સાથે કેસીને દુશ્મની ન હતી.

તેમણે એલએમજી પ્રકારની ગન ચલાવી હતી. આવી ગન બોર્ડર ફોર્સ પાસે હોય, પણ બોર્ડર ફોર્સ સાથે તો પોતાને ઘરોબો હતો. એ લોકો કશું પૂછ્યા-કારવ્યા વિના કેસીના આદમીઓ પર સીધો હુમલો કદી ન કરે.

તો આ લોકો કોણ હતાં? અહીં સુધી કેવી રીતે પહોંચ્યા હતા? પોતાનો કોઈ આદમી ફૂટે એવું આજ સુધી કદી બન્યું ન હતું. એનો અર્થ એ થયો કે આવનારા હિરનના કાફલાએ જ ગદ્દારી કરી હોય.

પરંતુ ખુદ હિરને પોતે કેટલું જોખમ ઊઠાવીને ફાયર કર્યું એ તો કેસીએ ય જોયું હતું. જો તેણે જ આ હુમલાખોરોને નોંતર્યા હોય તો સ્વયં કેસીને અને તાન્શીને જ એ આબાદ નિશાન બનાવી શકે તેવી પોઝિશનમાં હતી. તેને બદલે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ફાયર કરવાનું ચાલુ રાખ્યું એટલે જ કેસી-તાન્શી ઓવારા સુધી જઈને પોતાના આદમીઓને બચાવી શક્યા.

હિરન તો હોઈ ન શકે.

તો પછી કોણ? કેમ? કેવી રીતે?

કાંઠા પર કેટલાં આદમીઓ હતા તેનો અંદાજ ન હતો. બખોલમાં હુમલો લઈને આવેલા લોકો પીછો કરતા આવે તો તેઓ બે બાજુથી ભીંસાઈ જવાના હતા. આ બે સિવાય ત્રીજા કોઈ મોરચેથી પણ હુમલો આવી શકે કે કેમ એ ય ખબર ન હતી.

હવે કેસીના ગેરિલાઓ માટે બે જ વિકલ્પ બચતા હતા.

યા તો જંગલમાં આથડીને ભીંસાઈ મરવું અથવા તો કાંઠાનો રસ્તો દબાવીને બેઠેલા લોકો પર મરણિયો હુમલો કરીને એ છટકબારીએથી નાસી જવું.

ગૂંચવાયેલો કેસી ગણતરીની સેકન્ડ માટે થંભ્યો. એટલી જ વારમાં તેણે નિર્ણય લઈ લીધો. તાન્શી અને હિરન તેની લગોલગ આવી ગયા એટલે તેણે ગળામાંથી શિયાળવાની લારી જેવો કારમો ચિત્કાર કાઢ્યો અને અંધારાની કે આરપાર વિંધી નાંખતાં સરુના પાનની પરવા કર્યા વિના પૂરપાટ ઝડપે કાંઠા ભણી ભાગ્યો.

કેસીએ કાઢેલો અવાજ પારખીને તાન્શીએ પણ હિરનને આગળની તરફ ખેંચીને એ દિશામાં દોટ મૂકી. તિતરબિતર થઈ ગયેલા તમામ લોકોને એક જગ્યાએ એકઠા થવાનો એ સંકેત હતો.

કાંઠા પર ગનના ધડાકા ચાલુ હતા. કાંઠા સુધી પહોંચવા આવેલા મુક્તિવાહિનીના બે લડાકુઓ ઢળી ચૂક્યા હતા. બાકીના લુંગીધારીઓ ગનનો જવાબ વાળવા પોઝિશન શોધે એ પહેલાં કેસીનો સંકેત હવામાં ઘૂમરાઈ ચૂક્યો હતો.

સામેથી ધણધણતી ગનનો જવાબ વાળવાને બદલે તેમણે પોતાના સાથીઓની ઢળી પડેલી લાશને ઊઠાવી લીધી અને પારોઠના પગલા ભરવા માંડયા.

કાંઠા સાથે એકરૃપ થઈ જતી ખાઈનો ઢોળાવ શરૃ થતો હતો ત્યાં ઉજમ, પ્રોફેસર, છપ્પન અને મુક્તિવાહિનીના અન્ય આદમીઓ લપાયેલા હતા. કાંઠા પરથી ગોળીઓ છૂટયા પછી બીજો કોઈ સંચાર જણાતો ન હતો. બખોલની માફક અહીં પણ આગ ભડકાવવામાં આવે કે ગ્રેનેડ ફેંકવામાં આવે તેવી જુક્તિથી બચવા સૌ ખાઈના ઢોળાવની સમાંતરે સલામત અંતરે પોઝિશન લેવા લાગ્યા.

એ જ વખતે પહેલાં રાઘવ તેમજ ત્વરિત પહોંચ્યા અને તેમની બરાબર પાછળ ઝુઝાર પણ આવી ગયો. વિચિત્ર અવાજ તેમણે ય સાંભળ્યો હતો પણ એ સંકેતનો અર્થ તેઓ તારવી શકે તેમ ન હતા. મેઘલી રાતના કાળાડિબાંગ અંધારામાં મુક્તિવાહિનીના ગેરીલાઓએ રાઘવ, ત્વરિત, ઝુઝાર, પ્રોફેસર અને ઉજમને બરાબર વચ્ચે રાખીને વર્તુળાકાર પોઝિશનમાં પીછેહઠ કરવા માંડી.

જંગલની ગીચોગીચ ઝાડીઓ વચ્ચેથી છલાંગભેર કૂદી આવેલા કેસીએ તેના આદમીઓ પાસેથી વિગતો મેળવી. પછી તેમની વચ્ચે કશીક સંતલસ થઈ અને અચાનક બે-ચાર આદમીઓ સામાનના કોથળા ફંફોસવા માંડયા. ઝુઝાર અને હિરન પણ તેમની મદદમાં જોતરાયા.

છપ્પન અને પ્રોફેસરને કાંઠાની ડાબા હાથની દિશાના ઢોળાવ તરફ લપકતા આદમીઓ ભણી ધકેલી દેવાયા હતા.

'યાર...' ત્વરિતે સાથેના ગેરીલાઓને ખ્યાલ ન આવે એ રીતે સાવ ધીમા અવાજે રાઘવને કહ્યું, 'હજુ ય તક છે... જો એ તારા આદમીઓ હોય તો પ્લિઝ રોક એમને...'

'પણ કેવી રીતે?' રાઘવનો અવાજ ધીમો હતો પણ તેમાં કશ્મકશ સ્પષ્ટ વર્તાતી હતી, 'આઈ એમ નોટ સ્યોર... કદાચ એ...' તેની જીભ થોથવાઈ રહી હતી, 'મારા માણસો હોય તો ય આટલા વહેલા આવી ચડે અને આટલી ભેંકાર જગ્યાએ આપણને શોધી કાઢે એ મને ય ગળે નથી ઉતરતું...'

તિબેટ જવા માટે હિરન પાસે શું પ્લાન છે તેનો રાઘવને છેક ગૌહાતી પહોંચ્યા ત્યાં સુધી કોઈ અંદાજ આવી શક્યો ન હતો. તેને એમ હતું કે હિરન ભલે તે પોતે, પ્રોફેસર અને ઉજમ એમ ત્રણ જ હોવાનું કહે પણ આ આખાય ષડયંત્રમાં બીજા ય આદમીઓ હોવા જ જોઈએ. તિબેટ કંઈ એમ ને એમ સરહદ ઓળંગીને ન જઈ શકાય.

ગૌહાતી પછી તરત ક્યાંક આખી ય ટીમ એકઠી થવાની હશે એવે વખતે જો પોતાના માણસો પહોંચે તો આખું ય કારસ્તાન પકડી શકાય. આવી ગણતરીથી રાઘવે પોતાનો છેલ્લો મેસેજ મળે તેના ૪૮ કલાક પછી એક્શનમાં આવવાની સૂચના આપી હતી.

જબલપુર પોલીસ બોર્ડર ફોર્સને માહિતગાર કરે. બોર્ડર ફોર્સ ખરાઈ કર્યા પછી એક્શન સ્ટાર્ટ કરે. વળી અહીં તેને લોકેટ કરવાનું એટલું આસાન પણ ન હતું.

પોતે બોમ્ડિ-લા સુધીના સંકેત આપ્યા હતા અને પછી પેશાબની ગંધનો સુરાગ મૂક્યો હતો. પરંતુ બ્રહ્મપુત્રમાં હોડીમાં બેઠા પછી તે બેય બાજુ પથરાયેલા ઘનઘોર જંગલમાં ક્યાં ગાયબ થયા એ શોધવું પારાવાર મુશ્કેલ, કહો કે, લગભગ અશક્ય જ હતું અથવા તો રાઘવને એવું લાગતું હતું.

તેને બદલે પાંચમા દિવસે તો આ લોકો આવી પણ પહોંચ્યા?

'બિલિવ મી...' ત્વરિતને હજુ ય સમજાતું ન હતું કે આટલા લોકોના જીવ પારાવાર જોખમમાં મૂકી દેનારી આ કટોકટીમાંથી હેમખેમ બહાર કેમ નીકળવું. તે રાઘવનો વિશ્વાસ જીતવાના પ્રયત્નો સતત ચાલુ રાખતો હતો, 'આમાં તું સંડોવાયેલો છે એવી જરાક સરખી ય ગંધ હું કોઈને નહિ આવવા દઉં. તારે પોતાને છટકી જવું હોય તો તેનો ય રસ્તો આપણે કાઢીશું બટ...' તેના અવાજમાં હવે ઢીલાશ હતી, 'આ અથડામણ રોકી દે, પ્લિઝ...'

જવાબમાં રાઘવ ક્યાંય સુધી નજર વડે ભોંય ખોતરતો રહ્યો. એક તરફ તેને પોતાને વામમાર્ગી મૂર્તિથી માંડીને માઈન્ડ કમ્યુનિકેશનની આ આખી ય વાતમાં અપાર ઉત્સુકતા જાગી હતી. પ્રોફેસરે કરેલી તમામ દલીલો સાથે એ તાર્કિક રીતે સંમત થતો હતો. બીજી તરફ તેની ફરજ તેને રોકી રહી હતી. આવી કોઈ પ્રાચીન વિદ્યા હોય તો પણ એ રાષ્ટ્રની માલિકી છે. દેશને તેની જાણ કરવી જોઈએ અને તેના પર દેશનો જ અધિકાર હોવો જોઈએ. એ સિવાયના દરેક પ્રયાસ ક્રાઈમ છે એવું એ દૃઢતાપૂર્વક માનતો હતો.

'આર યુ સ્યોર...' તેણે અંધારામાં હાથ ફંફોસીને ભાવપૂર્વક ત્વરિતનો હાથ ભીંસ્યો, 'હિરને તને જે કહ્યું એ સાચું હશે?'

ત્વરિત થોડો તેની નજીક સરક્યો. અંધારામાં ય તેને જોવાનો પ્રયાસ કરતાં તેણે ધીમેથી જવાબ વાળ્યો, 'હિરનની મને ખબર નથી પણ પ્રોફેસરની સંવેદનશીલતા પર મને ભરોસો છે.'

રાઘવના ડાબા હાથ પર પોતાનો હાથ મજબૂત રીતે પસવારીને ત્વરિત તેને વિશ્વાસ અપાવવા મથતો હતો. આકાશમાં ઘેરાયેલો મેઘ ટીપે ટીપે વરસવાનો ચાલુ થઈ રહ્યો હતો. ખાઈના ઉપરવાસમાં કેસીના આદમીઓની ચહલપહલ વધી હતી. કાંઠા તરફ હજુ ય ખાસ અણસાર ન હતો.

- અને એ વખતે રાઘવ પારાવાર કશ્મકશ વચ્ચે જમણા હાથના આંગળા વડે પોચી, ચીકણી ભોંય ખોતરી રહ્યો હતો. નિર્ણય લેવાની બેહદ નાજુક ધાર પર તે ઊભો રહી ગયો હતો... તદ્દન અગડગ... તદ્દન હાલકડોલક...

***

બખોલમાં હુમલો લઈને આવેલા આદમીઓ પીઠ પાછળથી ધસી આવે અને પોતે બેય તરફથી ભીંસાઈ જાય એ પહેલાં જ કાંઠા પર મરણિયો હુમલો કરી નાંખવાનો કેસીએ નિર્ણય લઈ લીધો હતો.

કોથળામાંથી જાતભાતનો સામાન પાથરીને ત્રણ-ચાર આદમીઓ તાન્શી અને કેસીની સુચના મુજબ કામે લાગી ગયા હતા. હિરન અને ઝુઝાર પણ નીચે ઝળુંબીને તાજુબીપૂર્વક આ નવતર ચીજને નિહાળી રહ્યા હતા.

હેવી મેટલના લગભગ પાંચ સેન્ટિમીટર વ્યાસના નળાકારને કાળજીપૂર્વક એકબીજા સાથે જોડવામાં આવ્યા. એ રીતે લાંબા ભૂંગળા જેવી પાઈપ તૈયાર થઈ એટલે પાતળા, લાંબા ગેસ સિલિન્ડર સાથે તેને જોડવામાં આવ્યો. ગેસ સિલિન્ડર એક આદમીના હાથમાં રહે, પાઈપ બીજો આદમી ઊઠાવે. પાઈપના આગળના હિસ્સામાં લાંબા ફણાનો ક્લચ હતો. એ ટ્રિગરનું કામ કરે.

એસેમ્બ્લિંગ જોબ પત્યા પછી આખો ય માંચડો તૈયાર થયો એ જોઈને હિરનના મોંમાંથી ડચકારો નીકળી ગયો. તેણે તાજુબીભેર ઘડીક તાન્શીની સામે તો ઘડીક કેસીની સામે જોયા કર્યું પણ અત્યારે સવાલ જવાબ કરવાનો સમય ન હતો.

મુક્તિવાહિનીનું આ એવું બ્રહ્માસ્ત્ર હતું, જે કેસાંગ ત્સોરપેના ખામ્પા પૂર્વજોની દેણ ગણાતું હતું અને તદ્દન અનિવાર્ય સંજોગ હોય ત્યારે જ તેનો ઉપયોગ થતો હતો.

આજે વેલ, એ અનિવાર્યતા કાંઠા સુધી આવી પહોંચી હતી.

***

રાઘવે પેલા કોન્સ્ટેબલને કવર થમાવીને કહ્યું હતું, 'એડિશનલ કમિશનર ઓફિસમાં રૃબરૃ જ આપી આવજે અને કહેજે કે મારી મંગેતર જોડે હતી એટલે મળવા આવી શક્યો નથી'

રાઘવે જો એ ચાલાકી ન દાખવી હોત તો મધ્યપ્રદેશ પોલીસનો ભોજીયોભાઈ પણ રાઘવની શોધમાં અહીં સુધી લાંબો થયો ન હોત.

હિરનની મારકણી આંખો અને નશીલા સ્મિતને યાદ કરી રહેલાં શહાણેએ તો 'સાલો માહિયા ફાવી ગયો' એવા ભાવ સાથે રિપોર્ટ વાંચવાની તસ્દી સુધ્ધાં લીધા વગર ફાઈલ કરી દીધો હતો અને ફાઈલ પર ઈનવર્ડ નંબર નોંધી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસમાં પહોંચાડી દીધી હતી.

એસપીને તો રાઘવે મળી જ લીધું હતું એટલે એસપી પણ ફાઈલ ચકાસવાની કે એક-એક લીટી વાંચવાની દરકાર કરવાના ન હતા. સરવાળે, સરકારી તુમારશાહીમાં ફાઈલોના ઢગલા વચ્ચે રાઘવે ઊઠાવેલા પારાવાર જોખમનો સંકેત ક્યાંય દબાઈ જવાનો હતો.

રાઘવને ય આવું થવાની શંકા હતી જ. એટલે જ તેણે એક કોપી બિરવા અસનાનીને મોકલી હતી. કેસના ઈન્વેસ્ટિગેશન માટે રાઘવે દિવસો સુધી બહાર જવાનું થાય પરંતુ આવ્યા પછી ય એ બિરવાને ન મળે એટલે એ તેને અજુગતુ તો લાગવાનું જ હોય.

એ દિવસે બિરવા ય ટૂર પર હતી. બીજા દિવસે તેના પીએ મારફત તેને જાણવા મળ્યું કે પોલિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસમાંથી કોઈ કોન્સ્ટેબલ તેને કશુંક કવર આપવા આવ્યો હતો પણ બિરવા હાજર ન હતી એટલે 'રૃબરૃ જ આપવાનું છે' એમ કહીને જતો રહ્યો હતો.

'હમ્મ્મ્મ્...' બિરવાએ મનોમન કશોક વિચાર કરીને જવાબ વાળ્યો હતો, 'બોલાવ તેને...'

સાંજે કોન્સ્ટેબલ આવ્યો અને બિરવાની ચેમ્બરમાં પ્રવેશીને અદબભેર ટેબલ પર કવર મૂક્યું, 'એસીપી સા'બને ભેજા હૈ, આપ કે લિયે...'

'એસીપી સાહબ ટૂર પર સે કબ આયે?' રાઘવ આવીને તરત મળવાને બદલે, ફોન કરવાને બદલે આ કવર મોકલે તેનાંથી બિરવા મનોમન ગિન્નાતી હતી પણ કોન્સ્ટેબલની હાજરીમાં તેણે સંયમ રાખ્યો.

'જી, કલ હી આયે ઔર લંબી છુટ્ટી પર નિકલ ગયે...'

'ક્યા???' બિરવાના ચહેરા પર આશ્ચર્ય અને આઘાતનો ધ્રાસ્કો વિંઝાઈ ગયો. ના, રાઘવે કે તેણે એકબીજાને કોઈ પ્રપોઝલ કરી ન હતી. બંનેને એકમેકની કંપની ગમતી હતી. બેયના મનમાં મનોમન સંબંધ હજુ ઘૂંટાઈ રહ્યો હતો પણ તોય રાઘવ આમ કશું જ કહ્યા વિના લાંબી રજા પર જતો રહે...

'જી, સા'બ આપકો મિલને આનેવાલે થે પર ઉનકી મંગેતર સાથ મેં થી તો...' એ પછી તેણે જે કંઈ કહ્યું એ બિરવાના લમણાંમાં પથ્થરની જેમ ઝિંકાતું રહ્યું.

ભલે બંને વચ્ચે કોઈ કમિટમેન્ટ ન હતું પણ... સગાઈ કરે એ પહેલાં જાણ તો કરવી જોઈએ ને? શું બેય વચ્ચે એટલી ઘનિષ્ઠ દોસ્તી ન હતી? શું લાગણીની એટલી ઉત્કટતા ફક્ત બિરવાના પક્ષે જ હતી? રાઘવ પોલિસ અફસર તરીકે તેને સૌજન્યશીલ, શરમાળ અને સ્ટ્રેઈટ ફોરવર્ડ લાગ્યો હતો. તેને બદલે....

મનોમન બેહદ ધૂંધવાતી બિરવાએ જેમતેમ કરીને કોન્સ્ટેબલને રવાના કર્યો અને રાઘવે કવરમાં શું મોકલ્યું હશે તેની ઉત્સુકતા સાથે કવર ખોલ્યું.

સરકારી ભાષામાં વેપન, એમ્યુનિશન અને ચાર્જમાં આવતી બીજી ચીજવસ્તુઓની સોંપણીનો એ રિપોર્ટ હોવાનું સમજીને પહેલાં તો એ ગડમથલમાં મૂકાઈ. આવો રિપોર્ટ પોતાને મોકલવાની શું જરૃર હોય?

ઘડીક તો તેણે રિપોર્ટના બેય પાના ત્રણ-ચાર વાર ઉથલાવ્યા કર્યા. હજુ ય તેના મનમાં 'રાઘવની મંગેતર' ધૂંધવાતી હતી. એ ધૂંધવાટ હેઠળ બીજા-ત્રીજા પેરેગ્રાફના ફૂદડીવાળા મુદ્દા પર તેની નજર ગઈ. તેણે ચોંકેલી આંખે વાંચવા માંડયું. પહેલા પાના પર સત્તાવાર રિપોર્ટની વચ્ચે લખાયેલા સાત-આઠ વાક્યોમાં મેસેજ આપવાની રાઘવની તરકિબ પારખીને તેને કમકમા આવી ગયા. તેનું હૈયુ ઉછળીને જાણે ગળા સુધી આવી રહ્યું હતું. ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ મોંઢે માંડીને તેણે ઉશ્કેરાટભેર પર્સ ઊઠાવ્યું.

(ક્રમશ:)