સ્ત્રી સશક્તિકરણ - 2 Ravindra Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સશક્તિકરણ - 2

કેટલાંક કામ પ્રેમને કારણે જ થાય છે @ રવીન્દ્ર પારેખ

નોકરો દ્વારા થતાં કામ પગાર કે મજૂરીથી થાય છે ને નફો કે ખોટ પણ એમને જ આભારી હોય છે,પણ કેટલાંક કામ સો ટકા ખોટનાં કામ છે.જેમાં વળતરની કોઈ ખાતરી નથી,પણ એ થાય છે ને એના ઉપર જ આ દુનિયા ટકેલી છે.માબાપ સંતાનોને ઉછેરે છે તે એટલા માટે કે ભવિષ્યમાં એમના તરફથી કંઈ વળતર મળવાનું છે?આજેતો માબાપો ઘરડાઘરમાં કેવી રીતે રહેવું તેને માટે સંતાનો મોટેભાગે ઉછેરે છે ત્યાં,સંતાનો માબાપને રાખે કે ઘડપણમાં તેમની સંભાળ લેવાય એવી આશાથી કોઈ મા કે બાપ સંતાનોને ઉછેરતાં નથી.દીકરી મોટી થઈને સાસરે જવાની છે તો ,માબાપે તેને શું કામ ઉછેરવી જોઈએ?એવો સવાલ માબાપને કદી થતો નથી.પત્ની પતિને ચાહે છે કે પતિ, પત્ની માટે કંઈ કરે છે ત્યારે કોઈને લાગણી કે પ્રેમ સિવાય ભાગ્યે જ કોઈ મતલબ હોય છે. આ વાત સમજવાની આજે તાતી જરૂરિયાત છે.

આજે જમાનો બદલાયો છે.હવે દરેક સંબંધમાં સ્વાર્થ ને સંપત્તિનો પ્રભાવ વધ્યો છે.એમાં પતિપત્ની પણ આવી જાય,પણ સંતાનોનો ઉછેર હજી પણ કોઈ અપેક્ષા વગર થાય છે .એવું ન હોત તો કોઈ બાળક મોટું થવા ન પામ્યું હોત.તો શું કામ ઉછેરે છે માબાપો સંતાનોને?એનો એક જ જવાબ છે,પ્રેમ.પ્રેમ ન હોત તો કોઈ બાળક યુવાન ન થયું હોત.એટલે પ્રેમ વિશે બધું જ લખી વળવા જેવું નથી.એમાં પણ માનો,એક સ્ત્રીનો પ્રેમ આ દુનિયાના સંચાલન અને સંતુલનમાં મોટો ભાગ ભજ્વે છે. એ પ્રેમ કુદરતમાં છે.પશુપંખીમાં છે.સૂર્યે,પ્રકાશના બદલામાં બિલ મોકલ્યું હોત તો?નદીએ પાણીનું બિલ મોકલ્યું હોત તો?ઓક્સીજન પૂરું પાડવા બદલ હવાએ ટેક્સ વસૂલ્યો હોત તો?સફરજનની કીમત વૃક્ષે વસૂલી હોત તો?તેના માલિકને આશા છે કે વધારે સફરજન પાકે ને વધારે કમાણી થાય,પણ વૃક્ષને એવી કોઈ આશા નથી.એ પ્રકૃતિ છે,સરકાર નથી.ને આપણે એ પ્રકૃતિનો કેવો દુરુપયોગ કરીએ છીએ તે નથી જાણતા?વાનર તેના બચ્ચાને કઈ આશાએ છાતીએ વળગાડીને ફર્યા કરે છે?ચકલી તેનાં બચ્ચાની ચાંચમાં શું કામ કણ મૂકે છે?તે કમાવી લાવશે એટલે?ના,એવું નથી.જગતમાં પ્રેમનું તત્વ એવું છે કે કેટલાંય કામો કોઈ પણ ગણતરી વગર કેવળ પ્રેમને કારણે થાય છે.એમાંનું એક કામ છે ઘરકામ-

આજ સુધી કેટલાંક કામો સ્ત્રીનાં ને કેટલાંક પુરુષોનાં, એવા વિભાગ સમાજમાં પડી ગયેલાં છે.રાંધવાનું,કપડાં,વાસણ ધોવાના,બાળ ઉછેર જેવાં કામો સ્ત્રીને ભાગે આવ્યાં છે તો કમાવાનું,સુરક્ષા શિક્ષણ જેવાં કામો પુરુષને ફાળે છે.ઘણા વર્ષો સુધી આમ ચાલ્યું છે,પણ હવે વાત બદલાઈ છે.સ્ત્રીઓ ભણતી,કમાતી ને સ્વતંત્ર રીતે વિચારતી થઇ છે.ઘણા એવાં ક્ષેત્રો છે જેમાં પુરુષોનો ઈજારો હતો,પણ હવે સ્ત્રીઓ સરહદપર,અંતરિક્ષમાં,વિજ્ઞાનમાં સક્રિય થઇ છે ને કમાલ જૂઓ કે રસોડું,વાસણકૂસણ તો તેને માથે જ રહ્યાં છે.એનો ય વાંધો નથી.સ્ત્રી માત્ર હાઉસવાઈફ હોય તો આ જવાબદારીનો ય વાંધો નથી,પણ તે કમાવા બહાર જતી હોય ને ત્યાં પણ કામ જ કરતી હોય તો ઘરકામ ઘટવું જોઈએ.એવું થતું નથી.કેટલીય સ્ત્રીઓ એવી છે જે ઘરકામને નોકરી સાથે સાથે જ કરે છે.એ રીતે તેનો બોજ બમણો થાય છે.પતિપત્ની એક જ સંસ્થામાં સરખું કામ કરતાં હોય, પણ નોકરીએથી ઘરે આવે ત્યારે પાણીનો ગ્લાસ તો પત્નીએ જ ધરવાનો આવે છે.કેમ એને થાક નથી લાગતો?આ ઠીક નથી.કોઈવાર પતિ પણ પત્નીને પાણીનો ગ્લાસ ધરે તો શું બગડી જાય?ઘણા ઘરોમાં હવે ફેર પડ્યો છે,પણ તેની ટકાવારી ઓછી છે.

એમ થવાનું કારણ છે.છોકરી અને છોકરાનો ઉછેર ભેદભાવથી થાય છે. રસોઈ છોકરીએ જ શીખવાની.નાના ભાઈનો ચાનો કપ મોટી હોવા છતાં બહેને જ ઉપાડવાનો.એવું શું કામ?નાનપણથી જ ભાઈને રાંધવાનું ને બહેનને કમાવાનું પણ શીખવાય તો આ ભેદ ન રહે.રસોઈ સ્ત્રીને જ સારી આવડે ને રૂપિયા તો પુરુષો જ કમાઈ શકે એવું નથી.મોટાં રસોડાં પુરુષો સંભાળે જ છે.વાળ પુરુષો જ કાપે એવું ક્યાં છે હવે.બ્યુટી પાર્લરો મોટે ભાગે સ્ત્રીઓ જ સંભાળે છે ને ઉત્તમ રીતે સંભાળે છે તેની ના પડાય એમ છે?એટલે બધાં જ કામ બધાં કરી શકે એ વાત હવે સ્વીકારવાની રહે છે.

બીજી માનસિકતા બદલવાની રહે છે તે ઘરકામ અંગેની.ગૃહિણીનું કામ ,કામ ભાગ્યે જ ગણાય છે. તે એટલા માટે કે તેનું વળતર મળતું નથી.કમાતી સ્ત્રીઓ કરતાં માત્ર ઘરકામ કરતી ગૃહિણીને બીજા ઓછું મહત્વ આપે છે,અરે,ગૃહિણી પોતે લઘુતા અનુભવે છે,કારણ તે કમાતી નથી.આ માન્યતા ધરમૂળથી ખોટી છે.દામ વગરનું કામ,કામ ન ગણાતું હોય તો તે બરાબર નથી. જરા વિચારીએ કે રસોઈ,રસોઇઆ પાસે કરાવીએ,કપડાં લોન્ડ્રીમાં આપીએ,બાળકને ઉછેરવા આયા રાખીએ, સાફ સફાઈ માટે માણસ રાખીએ, અનાજપાણી લાવવાં બાઈ રાખીએ તો તે કામ મફતમાં થશે?તેના એટલા પૈસા લાગશે કે પગાર ટૂંકો પડી જાય.એ બધાં કામ સ્ત્રી કેવળ લાગણી અને પ્રેમને કારણે એમ જ કરી નાખે છે ને તેનો ઉપકાર એ વર્તાવા પણ દેતી નથી.બીજી તરફ આપણે તેની વખતો વખત ગમ્મત કરતા રહીએ છીએ એ વાજબી નથી. કમ સે કમ ઘરકામને હીણું કે ઓછું કામ ના ગણીએ.બધી જ વસ્તુ પૈસાથી ન તોલીએ.કેટલાંક કામ એવાં છે જે પ્રેમ અને લાગણીને કારણે જ થાય છે ને એ એવાં કામ છે જેના પર દુનિયા ટકેલી છે.અસ્તુ!