Stri sashaktikaran @રવીન્દ્ર પારેખ
ઘરવાળી મળે,પણ કામવાળી...
@
ઘણા કહેશે કે સાચીવાત છે,ઘરવાળી તો કદાચને મળી પણ જાય,તે ય પોતાની,પણ કામવાળી પોતાની,સોરી,કામવાળી તો બીજાની જ હોય,પણ નસીબ હોય તો જ મળે છે.કામવાળી બીજાની હોય,પણ આપણે ત્યાં કામ કરે એટલા પૂરતી પણ આપણી તો ન જ ગણાય એ સમજી લેવાનું રહે.ઘણા કામવાળી પોતાની ને ઘરવાળી બીજાની શોધતાં હોય છે,પણ છેલ્લે ‘વાળી’કોઈ રહેતી નથી ને બધું વાળીઝૂડીને સાફ કરી જતી હોય છે.મારું તો માનવું છે કે સ્ત્રી સશક્તિકરણનું સાચું ઉદાહરણ કામવાળી છે.
આજે તો જમાનો બદલાયો છે,પણ એક સમય હતો જયારે મા ઢસરડો કરીને છોકરો મોટો કરે ને પરણવાનો થાય ત્યારે એક જ આશા હોય કે ઘરનું કામ કરવાવાળી આવે. એટલે કે સારા શબ્દમાં વહુ આવે.એમાં ઘણી વખત વહુ તો આવતી,પણ કામવાળી બહાર રહી જતી ને મા જ કામવાળી તરીકે ચાલુ રહેતી.દીકરો વહુઘેલો નીકળે તો આ સ્થિતિ આવતી.એવું ના થાય તો મા વહુ પર એકચક્રી શાસન ભોગવતી ને વહુ ચકરડી ભમરડી ખાતી ચકરી ને ચાકરીમાંથી જ ઊંચી ના આવતી.
માબાપ પણ કામ કરતાં જ હોય છે,પણ તે દેશમાં નહીં,વિદેશમાં.દેશમાં તો એ પણ હુકમો જ છોડતા હોય છે ને તે ત્યાં સુધી કે વહુ-દીકરો એ બંનેને ના છોડી જાય.સાસુને કામવાળી જોઈતી હોય છે ને એ પાછી બીજે નોકરી એ કરતી હોય.એ સ્થિતિમાં સાસુ માં થાય તો વહુ પણ દીકરી થઈને સેવા કરી શકે.વિદેશમાં કામવાળીઓ હોતી જ નથી એટલે અહીંથી ગયેલા દીકરાઓને માબાપ કામવાળા કરતાં પણ સસ્તાં પડે છે એટલે વિદેશ બોલાવી લે છે.માબાપ પણ વિદેશ ફરવાને બહાને બહાર જાય છે,પણ ઘણું ખરું તો સ્વદેશ પાછા ફરે છે ત્યારે જ ઘર બહાર નીકળવા પામે છે.
આપણને માબાપ ને બાળકો બહુ પરવડતાં નથી એટલે બાળકો ઘોડિયાંઘરમાં ને માબાપો ઘરડાંઘરમાં મોટાં થાય છે.એટલે જ કદાચ હવે કામવાળા બહુ મળતાં નથી ને મળે છે તો મોંઘાં મળે છે.પહેલાં ઘરવાળી,કામવાળીનો ઈન્ટરવ્યૂ લેતી,હવે કામવાળી,ઘરવાળીને સવાલો પૂછીને પોતાની શરતો મૂકે છે,’જો બેન,હવે કચરાપોતાં,વાહણકૂહણ,રાંધવામૂકવાનાં અલગ પૈહા લેવા.રવિવારે ને વારતહેવારે રજા પાડા ને પગાર પૂરો લેવા. પિયર જવાની ઓય તો અગાઉથી અરજી મને આલવી પડહે.એ વખતે તારો ઘરવાળો,મારો ઘરવાળો થવા જહે તો પાટાપિંડીની જવાબદારી એની રેહે ને એમાં મને કંઈ થઇ ની જાય એટલે વીમો લેવો પડહે.તારી કે મારી હુવાવડ વખતે ચાલુ પગારે ઉં ની આવા.પગાર મહિનાની પેલ્લી તારીખે આપી દેવાનો.એમાં મોડું થહે તો રોજના હો લેખે દંડ લાગહે.લગનમાં કે મરણમાં હાડી તો આપવાની જ પણ હોળી,દિવાળીએ હો એક એક હાડી ને બોનસ લેવા....’આવું આવું તો એટલું મંગાય કે આપણે દેવાદાર હોઈએ એવો વહેમ પડે.
એકવાર મહામહેનતે મારી ઘરવાળી કામવાળીને સમજાવી,પટાવીને શોધી લાવી.પત્નીને કામવાળી મળી જતાં ચહેરા પર એટલો આનંદ હતો કે એટલો તો એને લગ્ન વખતે ય નો’તો.એમાં એનો વાંક નથી મને પણ ક્યાં હતો!પણ તેને ફાળ એ વાતે પડતી હતી કે કામવાળીને હું ભગાડી ન લઇ જાઉ,સોરી,ભગાડી ન મૂકું.એ જોકે એની માન્યતા હતી.કામવાળીને ભગાડી મૂકીને હું કુહાડા પર પગ મારું એવો મૂરખ ન હતો.કામવાળીના આવવાથી મને જ વાસણ-કપડાંથી રાહત મળવાની હતી એટલે બધું કરું,પણ કામવાળીને તો નાં જ ભગાડું.
ઘરમાં આવતાં જ કામવાળીએ મને જોયો.બોલી,’લે બેન ,તારે તો ઘાટી હો ઘરમાં જ દેહું ને! પછી મારી હું જરૂર છે.!’પત્ની સમજી ગઈ,પેલી વધારે ન બાફે એટલે તેણે ભારે ખુલાસો કર્યો,’એ ઘાટી નથી,માટી છે.’હું મનમાં બબડ્યો,’માટીમાં જ મળવાનો છું.’કામવાળી જરા ગલવાઈ ગઈ,’માફ કરજે,હેઠ,તારા દીદાર જોઇને જરા વટાઈ ગિયું.,’પછી પત્ની તરફ જોઇને બોલી,’પેલ્લીવાર ઘેરે આઈવી છું તો ચા હો ની પાહેકે?’પત્ની કામવાળીની જેમ રસોડામાં ગઈ ને કામવાળી મારી સાથે કામે વળગી,’હેઠ,તું હું કરે?તું કઈ કરે બી કે બૈરી જ બધું કઇરા કરે?’હવે એને કેમ કહું કે બ્હાર માસ્તર ને ઘરમાં પ્લાસ્ટર હું જ છું,પણ ભૂખ નો’તી તો ય ગમ ખાઈ ગયો,’ના,ના,હું તો વિદ્યાસહાયક છું.’કામવાળી કિમામવાળું હસી,’એટલે પેલો પાંચ હજાર રપૈડીવાળો જ કે?’હું પણ રડવા જેવું હસ્યો,’હા,એ જ!’કામવાળી ઊભી થતાં બોલી,’ખરા છે કારભારીઓ હો! અભણ ને દામ ને ભણેલાને ડામ!’ત્યાં પત્ની ચા લઈને આવી,’લે,આજે મારા હાથની પી લે,તારા હાથની કાલથી હું પીશ !’ચા પીતાં પીતાં કામવાળી બોલી,’બેન,ઉ તો ની આવવાની.તું મને હમજાવીને લાઈવી તો છે,પણ મને મહિને આઠ અજાર આલહે કાંથી?’મારો પિત્તો ગયો.ઘરવાળીને કહ્યું.’તને કંઇ ભાન છે કે નહીં,પાંચ હજારના આઠ હજાર ક્યાંથી બનાવવાની છે?’કામવાળી પણ માણસ તો ખરી જ ને,બોલી,’હેઠ,હાચું કે’ય છે.મારો પગાર તને ની પોહાય. મારું માનેને હેઠ,તો તું હો માસ્તરની નોકરી પર દિવાહળી મૂક ને મારી હાથે કામ કરવા ચાલ,ચાર ઘરના કામ તો ઉં આમ અપાવી દેવા.બાર પંદર અજારમાંથી તો ની જહે.વિચાર ઓય તો કે’જે.ચલ આવજે બેન !’
-ને કામવાળી ગઈ.
આવું જ ચાલે છે એવું નથી,પણ આવું નથી જ ચાલતું એવું ય નથી.એ જ કારણ છે કે ઘરવાળી પોષાય,પણ કામવાળી પોષાતી નથી ને અગાઉ ક્યારેય ન હતી એટલી જરૂર હવે કામવાળીની પડે છે.કામવાળી એટલું તો શીખવી ગઈ કે નવા જમાનામાં ભણવું તે કામ નથી,પણ કામ તે જ ભણવું છે.
આટલું બબડીને હું રાબેતા મુજબ વોશિંગ મશીનમાં કપડાં નાખવાં માંડ્યો...@@@
@@@