trirangi books and stories free download online pdf in Gujarati

ત્રિરંગી

ગુજરાતીના એ હિતશત્રુઓને-
0
રવીન્દ્ર પારેખ
0
ગુજરાતીનો એક નાનો વર્ગ છીછરા લોકોનો છે જે નાકનું ટેરવું ચડાવીને ગુજરાતી સાહિત્યની ને ગુજરાતીની ઘોર ખોદવાનું કામ કરી રહ્યા છે.એ લોકોએ ગુજરાતી સાહિત્ય વાંચ્યું પણ નથી પણ એમને ગુજરાતી સાહિત્ય ફિસ્સું લાગે છે.ગુજરાતી લેખકોમાં વિત્ત નથી એવું એમને લાગે છે.માધ્યમોમાં પીરસાતું સાહિત્ય એમને યુવાનોનું સાહિત્ય લાગે છે,ભલે લાગે,સાહિત્યને કોઈ એક લેખક કે સમૂહ ઘડતો નથી.એને સમય ઠરીઠામ કરે છે,પણ પેલો વર્ગ એવી રીતે વર્તે છે કેમ જાણે સાહિત્યનો ઇતિહાસ એ સર્જી રહ્યો છે.આ બાલિશતા છે.હવેનું સાહિત્ય એમની આંગળી પકડીને આવવાનું હોય એવા વહેમમાં આવા લોકો નસકોરાં ફુલાવતા રહે છે,પણ સત્ય જુદું હોઈ શકે છે.એમની પાસે આવનારા સાહિત્યનો કોઈ દાખલો કે માપદંડ નથી,પણ એટલી ખબર છે કે અત્યારનું સાહિત્ય ફિસ્સું છે.એ પોતે રિટાયર્ડ છે,પણ યુવાનોની ધોરી નસ યુવાનોએ એમને ફોલવા આપી છે.આ ભ્રમ સમય સિવાય તો કોણ તોડે?
આજના યુવા ગુજરાતીઓ અંગ્રેજી વાંચે છે અને તે ગુજરાતીને ભોગે વાંચે છે એની કોઈને નાનમ નથી.આ ગુજરાતીઓ ભાષાને ખતમ કરી રહ્યા છે એની કોઈને શરમ નથી ને થોડા છીછરાઓ ગુજરાતીની ઠેકડી ઉડાવે છે.ભલે ઉડાવે ,ગુજરાતી આવા હિતશત્રુઓની મહોતાજ નથી.ગુજરાતીની અન્ય ભાષાઓની જેમ જ અનેક મર્યાદાઓ છે જ,તેનું સાહિત્ય અનેક રીતે ચર્ચાસ્પદ છે તેની ના નથી,પણ એવું તો કઈ ભાષામાં નથી?કોઈ પણ મહાન ભાષામાં એક સરખું સારું સાહિત્ય નહીં જ મળે.એમાં પણ ઘણું નબળું મળે જ છે.પણ પ્રજા તરીકે આપણે એમાંનું જે કૈં સારું છે એને ગાંઠે બાંધી લેવાનું રહે.નરસિંહ,મીરાંથી શરૂ થયેલી ગુજરાતીમાં પણ કોઈ પણ ભાષામાં ટકી શકે એવી મહાન કૃતિઓ છે જ.એને આવા દેખતા અંધો જુએ તો એમનો મત બદલાશે.સંસ્કૃતમાં ફિસ્સું સાહિત્ય જ છે?નથીને,છતાં એ મરવા પડી,કોને લીધે?તંત્રો ને પ્રજાની ઉદાસીનતાને કારણે.એવા દિવસો દૂર નથી કે સંસ્કૃતના પંડિતો જર્મનીથી આવીને આપણને સંસ્કૃત સાહિત્ય શીખવવા આવે.આ સ્થિતિ ગુજરાતીની કરવી છે?
વિચારીએ ને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીને સમભાવથી જોઈએ.
000

ગુજરાતીને-
?
રવીન્દ્ર પારેખ
0
મારે પણ અંગ્રેજીમાં જનમવું હતું
પણ તરત તો રડવું જ આવ્યું
એટલે રહ્યું
સારું છે કે આંસુ
અંગ્રેજી કે ગુજરાતી નથી
બાકી તો
ગુજરાતીમાં જ રડ્યો...
એ ફોર એપલને બદલે
કમળનો ક શીખ્યો
ત્યારે કમળ જોયું નો'તું
પણ એપલ તો ખાઈ નાખેલું
જોકે ગુજરાતી અઘરી બહુ
એટલે કેટલાકે રંદો મારીને
તેને સીધી દોર કરી નાખી
એક દીર્ઘ ઈ
ને એક હ્રસ્વ ઉ થી ચલાવ્યું
જોકે હિન્દી,સંસ્કૃત,મરાઠીમાં
બંનેનો કોઈને વાંધો નો'તો
Centreમાં c નો સ થાય
ને sentence માં s નો પણ સ થાય એ સહેલું હતું
પણ ગુજરાતીમાં તો
બબ્બે ત્રણ ત્રણ
દ અને ડ
ત અને ટ
ત્રણ ત્રણ શ,ષ ને સ
કેટલું અઘરું?
અંગ્રેજો તો બોલી જ ના શકે
એમને માટે પણ
એક દ,એક ત ને એક સ જ રાખવા જોઈએ
એવું થાય તો જ psycho માં આગળ p મૂકવાનું યાદ રહે
જો ગુજરાતી આખી જ નીકળી જાય તો,તો but, put જુદા બોલાય જ
સાલો આપણો તો આદિ કવિ જ
અઘરો નીકળ્યો
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ'
ગાય તો કયો કાકો સમજે?
આવી ગુજરાતી તો ગુજરી જવાને જ લાયક છે ને ન ગુજરી જાય
તો આત્મહત્યાની પ્રેરણા આપનારાની તો ખોટ જ...
000


ધારો કે-
0
રવીન્દ્ર પારેખ
0
એક જમાનો હતો જ્યારે વૈજ્ઞાનિકો ઉંદરો પર જાતભાતના પ્રયોગો કરતા, એવા પ્રયોગો સરકાર હવે પ્રજા પર કરે છે.આવક હોય કે ન હોય પાનકાર્ડ તો જોઈએ જ.બધા ઉંદરડાઓ પાન ખાધા વગર પાનકાર્ડ માટે દોડ્યા.પછી થયું કે દેશના દરેક ઉંદરને આધારકાર્ડ તો હોવો જ જોઈએ ને ઉંદરો અંગૂઠા મારીમારીને આધાર કઢાવીને દરમાં ભરાયા.એટલામાં સરકારને થયું કે ઉંદરો ભરાઈ રહે તે ના ચાલે. એટલે ફતવો બહાર પડ્યો કે આધારને પાન સાથે લિંક કરો.ઉંદરડાઓ પાન સાથે આધાર બઝાડી આવ્યા.પછી તો બેન્ક ખાતાઓનેપણ આધાર બઝાડવાનું ચાલ્યું.ત્યાં પાન વગર ખાતું ન ખૂલે,આધાર તો જોઈએ જ.એવા પાઠ ઉંદરો ભણ્યા.
ઉંદરોએ કહ્યું અમે 60ના થયા.હવે ટેક્સમાંથી મુક્તિ આપો.સરકાર કહે કે મુક્તિ જોઈતી હોય તો શરત પાળો.જુદી જુદી કલમ હેઠળ,આ ફોર્મ,તે ફોર્મ ભરી ભરીને મુક્તિ મેળવો.ઉંદરોએ કહ્યું,અમને અમારી રીતે જીવવા દો,સાહેબ.સરકાર કહે,ફોર્મ ભરો.ફોર્મ 15 h, ફોર્મ 16 એમ ફોર્મ ભરતા જાવ ને મુક્તિ મેળવો.માઈબાપ,અમારે સુખેથી મરવું છે.સરકાર કહે,નનામી સાથે પણ કાર્ડ ને આધાર કાર્ડ બાંધો.કેટલીય લાશો પાન ને આધાર વગર પાછી ફરી છે તે જાણો છો?સારી વાત છે કે તમે મુક્ત થવા ઈચ્છો છો પણ મુક્તિ તમારી રીતે નહીં, અમે અમારી રીતે આપીશું.ઉંદરો કહે,માઈબાપ બીજો કોઈ ઈલાજ નથી?સરકાર કહે ,પાસપોર્ટ છે?ઉંદરો કહે કે છે.તેનું શું કરવાનું? વિજય માલ્યાનું નામ ખબર છે.ઉંદરો કહે,ધન્ય હો પ્રભુ.

હવે ઘણા ઉંદરો વિદેશમાં વસે છે.
000

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED