હું મારી શોધમાં... Kinjal Dipesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું મારી શોધમાં...

આજ હું મારી જાત પર ખૂબજ મહેરબાન છું, નથી ખબર કેમ??? પણ ઘણા સમયે મને મારી જાતને મળવાનું મન થયું. આમ તો હું મારી જાતને રોજ સવારે બે મિનિટ પણ મળી જ લઉં છું પણ આજે આખો દિવસ મારે મારી સાથે વિતાવવાનું મન થયું. એથી ખભે ઝોલો ભેરવી નીકળી પડી છું. ઝોલા માં શું લીધું એમ?? થોડી ખુશી, થોડે ગમ બીજું શું??? હમણાં હમણાં જાણે કે હું મને ભૂલી ગઈ છું . આજે સવારથી જ મન પ્રફુલ્લિત હતું. થયું તેલ લેવા ગઈ દુનિયા હું તો આ ચાલી. કયાં? એ ખબર નથી પણ કશે તો જવું જ છે. અને થોડા દિવસો પહેલા જ મેં મારા મિત્ર ના આર્ટીકલ માં વાંચ્યું કે,

"ક્યાંક પહોંચવા માટે કયાંક થી નીકળવું જરુરી છે."


એટલે ઘરેથી નીકળી તો ખરી. ઊંચા પર્વતો ઉપર જઈને બેસું કે સાગર કિનારે, મને બધે જ ગમે. આમતો હું ખાસ કરી ને દરિયા કિનારે જ બેઠી હોઉં કારણ એ વિશાલ દરિયો મારો પ્રિયતમ છે. પણ થયું ચાલ આજે હિમાલય તો નય પરંતુ એકાદ ડુંગરો ખૂંદતી આવું. મેં મારી હું ની શોધ આરંભી. ઘરેથી નીકળી ત્યારથી મારા અતીત અને વર્તમાન બંને પીછો કરતા હતાં મને એકલી પડવા જ ન દે. સાથે સાથે જ આવે એ પણ છેક ડુંગરાની ટોચ સુધી મારી સાથે આવ્યા.

પણ જેવી હું ટોચ ઉપર પહોંચી ત્યાં મારી આજુબાજુ વિટળાયેલ બધું જ ગાયબ. જાણે છુમંતર થઈ ગયું. હું મસ્ત એક ઊંચા પથ્થર પર જઈને પલાઠી વાળીને બેસી ગઈ.

આહહહાઆઆ ખુશનુમા સવારનું સૌંદર્ય જાણે કે આખી રાત સૂતી હોય અને હમણાં જ જાગી હોય એવી અપ્સરા. આજ ની સવાર ની તો અદા જ નિરાળી છે. પંખીઓનો કેકારવ આ શાંત વાતાવરણ માં જાણે કે કોઈ સમૂહ ગીત ગાતુ હોય એવું લાગતું હતું. અને દૂર ધોધનો અવાજ જાણે કે એમાં સંગીત ના સૂર પુરાવતા હોય એવો એહસાસ થતો હતો. અને વાદળા તો મને વીંટળાઈ વળ્યા. આજ હું મારી શોધમાં નીકળી છું અને જાણે આ આખી કાયનાત મને મારા થી મેળવવા તત્પર બની.

થોડા સમય પહેલાં જ હું મન ત્રિવેદી નું પુસ્તક વાંચતી હતી "હું કૃષ્ણ છું " જબરજસ્ત પુસ્તક છે જીવનમાં એક વાર વાંચવા જેવું છે. જીવન જ બદલાઈ જશે.
ત્યારે એમાં મેં વાંચ્યું હતું, ચોક્કસ શબ્દો તો યાદ નથી પણ એમાં કૃષ્ણ કહે છે, તું ખુદ જ તારો તારક બન, તને તારા સિવાય કોઈ જ મદદ ન કરી શકે. આપણે જ આપણી જાતની મદદ કરવી.

કહેવાય છે કે એક નાનો અમસ્તો નિર્ણય સફળતા નું કારણ બની શકે છે એ જ નિર્ણય કદાચ મેં આજે લીધો છે.

મારું મન અને ચિત્ત બંને જાણે શાંત થઈ ગયા. મારા વિહવળ હૈયે હામ આવી હોય એવો એહસાસ થતો. શાંત વાતાવરણ અને ઠંડા સમીરની લહેરખી જાણ કે મારા વાળમાં હાથ પસરાવતી મારા મનને શાંત કરી રહી. મારી આંખો જાતે જ બંધ થવા માંડી. બહારની ઠંડક મારા આતમ ને ટાઢક આપી રહી હતી. મારું અસ્તિત્વ જ જાણે કે ભૂલાઈ ગયું. અને એકાએક મને અડી ને કોઈ બેઠું હોય એવો એહસાસ થયો. બીજું કોણ હોય??? હું અને માત્ર હું જ. મને મારા સિવાય કોણ જાણી કે સમજી શકે. અને હંમેશા થી જ હું મારા માં અનહદ વિશ્વાસ રાખતી આવી છું.

ગમે એ પરિસ્થિતિ હોય, હું બધાં માંથી બહાર આવી શકું એ હવે તમે મારી કળા કહો કે પછી મારો અડગ આત્મવિશ્વાસ. મને કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેતાં આવડે છે .. પછી એ મહેલ હોઈ કે નાનું ઝૂંપડું, મારી ખુશીમાં લેસ માત્ર ફરક આવતો નથી. આ મને મારા માધવ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. એથી જ તો હું મારા પપ્પા ની દિકરી નહીં દીકરો છું. પપ્પા કાયમ કહેતાં "કાળા માથા નો માનવી ધારે એ કરી શકે, હિંમત કેવી ખોવવાની?? કોઈ પણ બાબતમાં ગભરાવું નહીં જો આપણે સાચા હોઈએ તો ભગવાન સાથ આપે આપે ને આપે જ. તમે પથ્થર માથી પાણી કાઢવા જેવો પરિશ્રમ કરો તો એ અચૂક એનું ફળ ચૂકવે ચૂકવે ને ચૂકવે જ.


હું હંમેશા મારી જાતને કહું છું, "હું જ કૃષ્ણ છું, હું જ રાધા છું અને જરુર પડ્યે હું જ મારો સારથી છું, કારણ અર્જુન જેવા મારા ગુંચવાતા મન મારા મનને સાચા માર્ગે દોરુ છું. બસ આજ એહસાસ મને મારી સમીપ લઈ જાય છે.

હા હું સ્વપ્ન જોઉં છું એમાં રાચુ પણ છું.. હા તો... યાર હું પણ માણસ માં જ આવું છું. પરંતુ હું વાસ્તવિકતામાં માનું છું. અને જે સપનું જોઉં છું એ પૂરું કરવાની ત્રેવડ પણ છે મારા માં. એટલે જ તો હું મને ચાહું છું. હું નાસ્તિક નથી અને ભગવાનના ભરોસે પણ નથી બેસતી. મહેનત કરી અને હકથી એની પાસે માંગું છું. હું ભગવાન પર લોટો ભરીને પાણી કે દૂધ ચડાવી એને ગૂંગળાવવામાં નથી માનતી. હું એના જ સંતાનો ના પેટના ખાડા પૂરવામાં માનું છું. એ જ દૂધ કોઈ ગરીબ ના પેટમાં પડશે તો એની આંતરડી ઠરશે. મને હંમેશા મારો માધવ સાથે હોવાનો ડગલે ને પગલે એહસાસ થયા જ કરે છે.

હમણાં કબીર નું ભજન યાદ આવે છે..
" मोको कहां ढूँढे बंदे,में तो तेरे पास में
में तो तेरे पास में रे,,
में तो तेरे पास में ।"

મારા ખ્યાલથી આપણે દરેકે જ પોતાની શોધ એકવાર તો કરવી જ જોઈએ. આ ભાગદોડ વાળી જીંદગીમાં જાણે આપણું અસ્તિત્વ જ ખોવાઈ ગયું છે. વિચારી એ શું, ને થાય શું. આથી પોતાના માટે પણ થોડો સમય જીવવું અંત્યત જરુરી થઈ ગયું છે. આપણે પોતાની જ જાતને ન ઓળખશું તો આપણી આજુબાજુ માં રહેલા માણસો ને આપણા સ્વજનોને કેમ કરી ને ઓળખશું.? ન તો આપણે એમને સમજી શકીશું ન તો એમને પ્રેમ કરી શકીશું. તો સૌ પ્રથમ પહેલા પોતાની જાતને મળો, પોતાની જ જાતને ઓળખો, પોતાની જાત ને ચાહો. જ્યારે આપણે આ શીખીશું ત્યારે સ્વની ખોજ પૂરી થશે.

હવે આ સ્વ ની ખોજ એટલે ઋષી મુનીઓ કરે એવી નઈ. કારણ આપણે તો સંસાર માં આશક્ત રહેવા વાળા હિમાલય માં ધામા નાખી ને રહી ન શકીએ, ફક્ત હિમાલય જોઈ, ફરી અને એનું આહલાદક સૌંદર્ય માણી શકીએ. હા થોડી વાર માટે આપણા જીવને શિવ સાથે મેળવી જરુર શકીએ.

ન તો મેં ગીતા વાંચી છે કે ન તો મેં રામાયણ અને મહાભારત... મને બસ માધવ સમજાય એટલું જ બસ છે.
આજે હુંં વચન આપું છું મારી જાતને કે હંંમેશા મારા પર વિશ્વાસ રાખીશ. હંમેશા મારી જાત ને સાથ આપીશ.

-કુંજદીપ ?
જયશ્રી રાધા કૃષ્ણ સૌને