Stri Sashakti karan books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સશક્તિકરણ

: Gujarat Today <gujarattodaydaily@gmail.com>


સ્ત્રી સશક્તિકરણ @ લેખક કે લેખિકાએ પોતાની ઉપરવટ જવું જોઈએ? @ રવીન્દ્ર પારેખ

આજે થોડી જુદી વાત કરવી છે.સાહિત્યના શિક્ષિતો ને દીક્ષિતો માટે એવું કહેવાય છે કે તે પરકાયા પ્રવેશ કરી શકે છે.આ ઘણું બધું સાચું છે,પણ મને તે સંપૂર્ણ સાચું લાગતું નથી.પરકાયા પ્રવેશ કરવાની શક્તિ સર્જકમાં ન હોત તો લેખિકા,પુરુષનું નિરૂપણ કરી શકી ન હોત કે લેખક સ્ત્રીનું મન વાંચીને નિરૂપી શક્યો ન હોત.

બીજી વાતોમાં ઊંડા ન ઊતરીએ તો પણ,પરકાયા પ્રવેશ શક્ય ન હોત તો મીરાં, કૃષ્ણને આટલું ચાહી ન શકી હોત કે રાધાનો વિરહ હિન્દી કવિ ધર્મવીર ભારતી ‘કનુ પ્રિયા’માં કે ઓડિયા કવિ રમાકાંત રથ ’શ્રીરાધા’માં આટલી તીવ્રતાથી નિરૂપી શક્યા ન હોત.આમ તો આ બંને કાવ્ય કૃતિઓ છે. વળી બંને આધુનિક કવિઓ છે.બંનેમાં ફરક છે તે એ કે રમાકાંતની રાધા પરકીયા છે,એ જાણે છે કે એના કૃષ્ણ સાથે વિવાહ થઇ શકે એમ નથી,છતાં કૃષ્ણને તે જીવથી વધુ ચાહે છે.બંનેની રાધા ચિરવિરહિણી છે.૬૧ એકોક્તિઓ ‘શ્રીરાધા’ની છે.એવી જ સ્થિતિ લગભગ ‘કનુપ્રિયા’ની પણ છે.બંનેના કવિ પુરુષ છે ને તે રાધાની કાયામાં પ્રવેશે છે.તો,બંગાળી સર્જક સુનિલ ગંગોપાધ્યાય લઘુનવલ જેવા ગદ્યપ્રકારમાં (‘રાધાકૃષ્ણ’) રાધા ને કૃષ્ણ બંનેને જીવે છે.મતલબ કે સ્ત્રી અને પુરુષ બંનેને!એક સાથે સ્ત્રી ને પુરુષને જીવવા-જીરવવાનું-અનુભવવાનું સહેલું નથી,કારણ સર્જક તો એક સાથે એક જ છે.એટલે કે સ્ત્રી કે પુરુષ જ છે.તે સ્ત્રી ને પુરુષ નથી જ!આ સંદર્ભે રઘુવીર ચૌધરીની નવલત્રયી ‘ગોકુળ’,’મથુરા’,’દ્વારકા’પણ યાદ કરવી પડે.આ ઉપરાંત કૃષ્ણ વિષયક કાવ્યોના ગુજરાતી કવિઓ તરીકે હરીન્દ્ર દવે,રાજેન્દ્ર શાહ,ભગવતીકુમાર શર્મા,રમેશ પારેખ જેવા કવિઓ પણ યાદ આવે.

કહેવાનું તાત્પર્ય એ છે કે મોટે ભાગના લેખકો કે લેખિકાઓએ સ્ત્રી કે પુરુષનાં પાત્રો કમસે કમ ભાવકોને સ્વીકાર્ય હોય એવાં તો આલેખ્યાં છે.અપવાદો એમાં હશે જ.એવું બને કે કૃષ્ણકે અન્ય પાત્રો માટેનો લેખકોનો પક્ષપાત પણ છતો થઇ ગયો હોય.એવી જ રીતે પુરુષ પાત્રો માટે લેખિકાઓનો તિરસ્કાર કે સ્નેહ પણ છાનો ન રહ્યો હોય એમ પણ બન્યું છે.

એ હકીકત છે કે અમૃતા પ્રીતમ,તસ્લીમા નસરીન કે કુન્દનિકા કાપડિયા જેવી ભારતીય લેખિકાઓ પુરુષો માટેનો તિરસ્કાર તારસ્વરે પ્રગટ કર્યા વિના રહી શકી નથી.એ એક જુદા જ અંતિમે છે.જો કે એમ થવામાં નારીનું પરંપરાથી ચાલી આવતું શોષણ કેન્દ્રમાં છે એની ના પાડી શકાશે નહીં. અમૃતા પ્રીતમનો સ્વર સંયત છે,પણ તસ્લીમા ને કુન્દનિકા કાપડિયા, પુરુષને પૂર્વગ્રહથી જ જોતાં હોવાનો વહેમ પડે છે.

આવી કૃતિઓમાં સર્જકનો પરકાયા પ્રવેશ કેટલો ને કેવો થાય તે તપાસનો મુદ્દો બને.અપવાદરૂપ લેખનને બાદ કરતાં લેખકનો કે લેખિકાનો પરકાયા પ્રવેશ કેટલો વધારે કે ઓછો થયો એ વાતની ચર્ચા થવી જોઈએ.પૂર્વગ્રહને કારણે પરકાયા પ્રવેશમાં વધઘટ થાય કે કેમ તે પણ વિચારવાનું રહે.

એવો આરોપ પણ આવી શકે, સર્જક પર કે રાધાનો વિરહ એટલી ચરમસીમાએ ખરેખર નથી ને તે સર્જકનું વિશફુલ થિન્કીંગ જ વધારે છે.એવી જ રીતે પુરુષ માટેના પૂર્વગ્રહ વિશે પણ કોઈ આરોપ મૂકે તો તેનો એકડો કાઢી ન શકાય.એક વાત નક્કી કે ટકાવારીમાં વધઘટ હોય તો પણ એ સ્વીકારવું પડે કે સ્ત્રી કે પુરુષ પૂર્ણપણે સંવેદન શૂન્ય નથી જ.શોષણ છતાં, સ્ત્રીને આખી જિંદગી દરમિયાન પુરુષ માટે નફરત જ રહી હોય એ સંપૂર્ણ સત્ય ન પણ હોય,એવી જ રીતે પુરુષ પણ આખી જિંદગી દરમિયાન ખુશામત જ કરતો રહ્યો હોય એવું પણ નથી.બને કે રાધાની આડમાં લેખક કે કવિએ પોતાનો વિરહ ગાયો હોય ને બીજી તરફ લેખિકાને એ તત્વ અનુભવાયું જ ન હોય કે ઓછું અનુભવાયું હોય.એટલે એટલું સ્વીકારવું રહે કે પરકાયા પ્રવેશ દરેક વખતે પૂર્ણ કક્ષાએ થાય જ એવું નથી.એવું થાય તો સારી વાત છે,પણ બને જ એવું દરેક વખતે ન પણ બને.

દાખલા તરીકે માતૃત્વ દરેક સ્ત્રીને સ્વીકાર્ય ન હોય એમ બને. જે વરદાન હોય તે અભિશાપ પણ બની શકે,પણ ઘણી સ્ત્રીઓને એ સ્વીકાર્ય હોય પણ ખરું. એવું જ બધા પુરુષ પહેલવાન હોય જ એવું ન પણ હોય, એમ જ જેમ કોઈ હોય પણ! હવે કોઈ લેખિકા માતૃત્વની વિરોધી હોય ને તેની અનુભૂતિ ને અભિવ્યક્તિ મહત્તમ સચ્ચાઈને વરેલી હોય તો તેને પણ સ્વીકારવાની રહે.એનાથી મોટે ભાગની સ્ત્રીઓને માતૃત્વ સ્વયંભૂ: સ્વીકાર્ય લાગતું હોય તો તેનો છેદ ઊડી જતો નથી.એવી રીતે કોઈ અપવાદરૂપે મહામાનવ સર્જે તો તે અપવાદ પણ સ્વીકારવો પડે ને એ સાથે જ પેલા સહજ સાધારણ મનુષ્યોનો છેદ ઊડી જતો નથી એ હકીકતને નકારી શકાય નહીં.

એ પણ જોવા જેવું છે કે સ્ત્રીને પુરુષ સામે કે પુરુષને સ્ત્રી સામે પતિપત્ની સંબંધે જેટલો વાંધો છે એટલો અન્ય સંબંધોમાં નથી.આમ તો પતિપત્ની સંબંધ સ્નેહનો ને કદાચ શોષણનો પણ વિશિષ્ટ સંબંધ છે.એ નિમિત્તે જ અન્ય સંબંધોમાં પણ મૂકાવાનું બને છે,સૌથી સફળ સંબંધ પ્રેમી,પ્રેમિકાનો છે.એમાં મુક્તિ વધારે છે,પણ એનું આયુષ્ય ટૂંકું હોય છે.એમાં શોષણ ને સાહસ છે,પણ સ્નેહ સૌથી વધુ છે.એમાં તસલીમા કે કુંદનિકા કાપડિયાને છે એવા વાંધા લગભગ હોતા જ નથી.વાંધા પતિપત્ની બનવાથી શરૂ થાય છે ને એમાં સૌથી વધુ વાંધા પતિને પત્ની સામે કે પત્નીને પતિ સામે હોય છે એટલા વાંધા સસરા,દિયર, જેઠ,સાસુ,દેરાણી,જેઠાણી સામે કે પિયરપક્ષે મા,બાપ,ભાઈ,કાકા,કાકી,બહેન વગેરે સામે પણ હોતા નથી.તો, જે વિશિષ્ટ સંબંધ છે એ પતિપત્નીનો સંબંધ જ વાંધાજનક છે કે એને નિરૂપનારો સર્જક કોઈ પૂર્વગ્રહથી પીડાય છે એમ માનવું?વિચારીએ.

હવે ભાવક પક્ષે વિચારીએ.એની સામે તો કૃતિ જ છે ને એને એણે એ જ રીતે જોવાની રહે,કારણ દરેક વખતે સર્જક હાથવગો ન પણ હોય,હોય તો પણ તેણે તો કૃતિ જ માણવાની છે.સર્જકની જાણકારી તેને બહુ ઉપકારક ન પણ નીવડે.આ સ્થિતિમાં સર્જકની કૃતિ સંતર્પક નીવડે તો તેનો આનંદ જ પ્રગટ કરવાનો રહે.એ માપદંડે જો મીરાંનાં પદો,’કનુપ્રિયા’,’શ્રીરાધા’,’રાધાકૃષ્ણ’ને સ્વીકૃતિ મળી હોય તો સર્જકના પરકાયા પ્રવેશથી સંતોષ લેવાનો રહે. બરાબર એ જ રીતે તસ્લીમા નસરીન,કુન્દનિકા કાપડિયાની કૃતિઓને સ્વીકૃતિ મળી હોય તો તેનો પણ સંતોષ લેવાનો રહે.

પણ,મારો મુદ્દો એટલો જ છે કે પરકાયા પ્રવેશ એ પૂર્ણની નજીકનો પ્રવેશ હોઈ શકે છે,પણ તે પૂરેપૂરો શક્ય નથી જ.અસ્તુ!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED