સંબંધ નામે અજવાળું
(20)
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું !
રીસાયેલ સાયબાને શોધવા નીકળેલી નવોઢાનું ગીત
રામ મોરી
ગોધુલીવેળા થઈ ગઈ છે. આથમતી સાંજના શુકનવંતા રતાશભર્યા અજવાસમાં વઢિયારા બળદના ઘમ્મરિયાળા ગાડામાં બેસીને જાન ગામમાં પ્રવેશી ચુકી છે. જાનડીયું લાંબા સાદે વહુની આગતાસ્વાગતની ઠઠ્ઠામશ્કરીના ગીતો ગાઈ રહી છે. એ ગીતોને તાલ પુરાવતા હોય એમ બળદને શણગારેલા ભરતના છેડે હારબંધ ગુંથાયેલી ઘુંઘરીઓ રણકી રહી છે. ધ્રબાંગ ધ્રબાંગ ધ્રબાંગ ધ્રબાંગ ઢોલ પર હરખઘેલી દાંડી પીટાઈ રહી છે. લાલલીલી બંગડીઓ પહેરેલા મહેંદીવાળા કન્યાના હાથ ઘરચોળાના ઘુંઘટને સહેજ ઉંચો કરી પહેલી વખત પોતાના સાસરિયાને જોઈ રહી છે. ફૂલદડોને ઓખણ પોખણની વિધિ પૂરી થાય છે. નવોઢા કંકુ પગલા પાડીને ઘરમાં પ્રવેશી. કૂળદેવીને લાપસીના નૈવેદ્ય ઘરાવાઈ જાય છે અને ગઢાગલઢેરાઓ વરઘોડિયાને આશિર્વાદ આપી દે છે. આજ આખા કટંબને ડેલીમાં જમવાનું નોતરું અપાયું છે. કટંબની જેઠાણી દેરાણી નવી નવી પરણીને આવેલી બાઈનો ચહેરો જોઈને ઓવારણા લેતી જાય છે અને હાથમાં દસ દસ રૂપિયાની નોટ પકડાવતી જાય છે. વડસાસુ ખાટલીમાં બેઠા બેઠા ત્રીજી પેઢીના સૌથી નાના વહુને જોઈને હરખઘેલી ભીની આંખોને રાતા સાડલાના પાલવથી લૂંછી લે છે. કુટુંબના દેરીડાઓ ભાભીને આગ્રહ કરી કરીને કંસાર ઘી જમાડે છે. સમજદાર બાયું દેરીડાઓને ટોકતી બોલે છે કે ભમરાળાઓ, આજ એને બહું જમાડી ન દેવાય..થોડી ભૂખી રહેશે તો રાતે જાગશે. બાયુંના ટોળામાં હસાહસ અને નવોઢાને લાજી મરવા જેવું લાગે છે. શરમની મારી એ તો ઉપર નજર કરીને કોઈ સામે જોતી જ નથી. નણંદો નવોઢા ભાભીને મેડીવાળા ઘરની ઉપરના ઓરડામાં મૂકી આવે છે અને ઠઠ્ઠામશ્કરી કરતી દરવાજો બહારથી બંધ કરીને નીકળી પડે છે. આખા ઓરડામાં પરણેતર નજર ફેરવે છે. આજ પછી આ ઓરડો એનો સંસાર છે. ભારેખમ ઘરચોળાના ઘુંઘટને માથા પરથી અળગો કરી બારી પાસે મુકાયેલા મોટા કોડિયામાં બળતા દિવા પાસે એ આવે છે. દિવાને બંને હાથની હથેળીઓનો ખોબો કરી ખોબામાં લઈ સામની દીવાલે લાગેલા અરીસામાં પોતાને જુએ છે અને દરવાજો ખૂલે છે. લાડીલો વરરાજિયો પોતાની પરણેતરને ખોબામાં દિવો લઈને ઉભેલી જુએ છે. વરરાજિયાને લાગે છે કે હવે તો એનું આખું જીવતર જળાહળા. વરરાજિયો લાડીના જમણા હાથને કોણીના ભાગથી પકડીને નજીક ખેંચે છે. બેય મધુરજનીના જીવતરની વચ્ચે નાનુ કોડિયું શરમની રાતી શેડ્યું એની દિવેટમાં ઘોળે છે. વરરાજિયો એના કેડિયાની ખીસીમાંથી પીળા ધમરખ સોના જેવા ગલગોટાના ફૂલ કાઢે છે અને પરણેતરની કાનની ઉપર અંબોડે લગાવે છે. લાડી શરમાઈને દિવો બારી પાસે મૂકીને તકિયો ખોળામાં લઈને પડખું ફેરવીને બેસી જાય છે. ઘીમો ઘીમો ભેજવાળો પવન ખુલ્લીબારીએથી ઓરડામાં પ્રવેશ્યો. દિવાની જ્યોત ફરફરી. નવોઢા ઉભી થઈ અને એણે દિવાને હાથમાં લીધો ત્યાં તો ખૂલી બારીએથી વરસાદના ફોરાંએ એને ભીંજવી દીધી. દિવાની જ્યોત એક હાથથી ઢાંકીને એ બંધ આંખે વરસાદને ઘડી બે ઘડી માણતી રહી. એની પીઠ પર વરરાજિયાના હાથનો હળવો સ્પર્શ થયો. એ ડરીને પડખું ફરી. દિવો હાથમાંથી નીચે પડ્યો અને ઓરડામાં અંધારું ઉતરી આવ્યું. ધોધમાર વરસાદ બેય જણાની અંદર વરસી રહ્યો છે. બંને જણા ભીંજાઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે થતી વીજળીના ઝબકારમાં વરરાજિયો લાડીનો શરમાઈને બે હથેળીમાં ઢંકાયેલા ચહેરાને જોઈ લે છે. પથારીમાં ચોળાયેલા ગલગોટાના ફૂલ સોડમ પાથરી રહ્યા છે. ઢોલિયા પર સૂતેલા વરઘોડિયા આવનારા સમયની મીઠી વાતો કરી રહ્યા છે. એ વાતચીતમાં લાડીથી કંઈક વધારે પડતી મશ્કરી થઈ જાય છે અને વરરાજિયાને માઠું લાગી જાય છે. પોતાના સાયબાને માઠું લાગી ગયું એ જાણીને એ વધુ હસી પડે છે. આખરે રીસાઈને વરરાજિયો કેડિયાની કસુને બાંધતો ઓરડાની બહાર નીકળી જાય છે. વરસાદ બંધ થઈ જાય છે. વાદળો ખસી ગયા એટલે અડઘી રાતનો પૂરો ચંદ્રમા આકાશમાં કળા કરીને પથરાઈ બેઠો. નવોઢા ક્યાંય સુધી વાલમની રાહ જોઈને બેસી રહી. ઘેરાતી ખૂટતી જાય છે અને વાટ ખૂટતી નથી. આખરે પ્રાગડનો સમય થઈ જાય છે. આખરે એને સમજાયું કે ઠઠ્ઠામશ્કરી કાંઈક વધારે પડતી થઈ ગઈ અને સાયબો તો સાચે જ રીસાઈને જતો રહ્યો. હવે એ મુંઝાણી કે આમને શોધવા ક્યાં ? આખરે એ ઉભી થાય છે અને ચાંદાના અજવાસમાં કોડિયું શોધીને કોડિયુંમાં દિવો કરે છે. રાતનો કુંકવરણો અજવાસ ઘરચોળાની ચોળાયેલી ભાતમાં લીંપાયો છે એ ઘરચોળાને શોધીને પહેરી લે છે. દિવાના અજવાસમાં ગલગોટાની સોડમથી ચોળાયેલા દીદારને જોઈ એ ફરી શરમાઈ જાય છે. એક હાથે કપાળ પર ચાંદલાને ફરી ચોટાડીને પોતાના ઓવારણા લઈ લે છે. એ પછી રાતા ઘેરા ઘરચોળાનો લાંબો ઘુંઘટ કાઢે છે અને કોડિયાને એ ઘુંઘટમાં રાખીને પોતાના સાયબાને શોધવા મેડીના દાદરા ઉતરીને શેરીમાં નીકળી પડે છે. લાંબા ઘુંઘટમાં કોડિયું રાખ્યું છે જેથી અજવાસમાં રસ્તો જોઈ શકાય અને ઘુંઘટમાં કોઈ ઓળખી ન શકે કે આ ક્યા ડેલાના વહુ છે. શેરીના છેવાડે રેડિયો ચાલું છે અને એ રેડિયોમાં ગીત પ્રાગડવાસમાં આખા ગામમાં સંભળાય છે. એ ગીતના શબ્દો નવોઢાને કાને પડે છે. ગીત છે ‘ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું’...આટઆટલી મુંઝવણ વચ્ચે પણ નવોઢાના ચહેરા પર સ્મિત રેળાય છે અને એ ધીમા પગલે ઘુંઘટ વચ્ચે કોડિયાના અજવાસને લઈને સાયબાને શોધવા નીકળી પડે છે. આ સુંદર કલ્પન મને ગુજરાતી ગીત ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું...સાંભળીને સ્ફૂરી આવ્યું. ચતુર્ભુજ દોશી અને અવિનાશ વ્યાસની જોડલીએ લખેલું આ ગીત 1960માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’માં ફિલ્માવાયું છે અને લતા મંગેશકરે ગાયું છે.
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
હું તો નીસરી ભર બજાર જી
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
હે લાજી રે મરું મારો સાયબો ખોવાણો
કોને કહું આવી વાત જી
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
ટોડલે ટોડલે મેં તો તોરણ બાંધ્યા
મારી મેડિયું જાકજમાળ જી
હે જોબન ઝરૂખે રૂડી ઝાલર્યું વાગે
ઝાંઝર ઘુંઘરમાળ જી
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
રાત ઢળીને ઘેરા ઘડિયાળા વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યા દોરજી
તોય ન આવ્યો મારો સાયબો સલુણો
જાગી આઠે પ્હોર જી
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણ અભિનિત મૂળ ફિલ્મમાં તો અલગ પરિસ્થિતિમાં આ ગીત ફિલ્માવાયું છે પણ અહીં આપણે એક નવી પરિસ્થિતિમાં ગીતની કથાની કલ્પના કરી છે. યુટ્યુબના સરનામે લતાજીના અવાજમાં આ ગીત માણવા જેવું છે. ગુજરાતી ભાષામાં લખાયેલા આવા સુંદર ગીતો વાંચીએ ત્યારે સમજાય કે ખરેખર આપણી ભાષામાં આવી અનેક ઉત્તમ રચનાઓ રચાઈ છે જેના થકી ભાષા લાપસીમાં ઘી રેડાય એમ શુકનવંતી બની રહી છે.
***