સંબંધ નામે અજવાળું
(2)
ફિર લે આયા દિલ મજબૂર ક્યા કીજે
રામ મોરી
‘’ હું બધ્ધું ભૂલાવીને મારા જીવનમાં આગળ વધી ગયો છું/વધી ગઈ છું. વિતેલા સમયની કોઈ યાદ મારી છાતીમાં સંઘરી નથી રાખી. પાછળ રહી ગયેલો સંબંધ કાયમ માટે પાછળ છોડી દીધો છે. એ સંબંધમાં હોવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મને હવે એ વ્યક્તિ સાથે જોડાયેલી એક પણ બાબતમાં રસ નથી !’’ આવું કદાચ આપણે બધા ક્યારેક કોઈક તબક્કે બોલી ગયા છીએ, જીવી ગયા છીએ કે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. સડસડાટ એક શ્વાસે બોલી જવાતા આ શબ્દો પછી પણ જો ક્યાંય ખાલીપો અંદર અથડાયા કરે છે તો એ ખાલીપો પેલી ગમતી વ્યક્તિની ખોટ છે ! તો કદાચ માની જ લેવાનું કે આ દૂર રહેવાનું નાટક આપણે બહુ લાંબો સમય ભજવી ન શક્યા. રાસ ન આયા રહેના દૂર ક્યા કીજે....
તમને ખબર છે કે આપણી પ્રોબ્લેમ શું છે ? આપણે માણસ છીએ. જીવનમાં બધા જ લોકો આપણને સમજે અને સમજીને સ્વીકારે એ શક્ય નથી જ અને એ વાત સનાતન સત્ય છે એ જાણતા હોવા છતાં પણ વારંવાર આપણને કોઈ સમજતું નથી એ વાતનું રોણું સતત ચાલતું રહે એ બતાવે છે કે આપણે માણસ છીએ....લાગણીથી ધબકતા અને અપેક્ષા ઉપેક્ષાના લોલક સાથે હાલક ડોલક થાતા માણસ છીએ...કોઈ જાત ન્યોછાવર કરવા તૈયાર હોય અને તેના પ્રત્યે આપણને સહેજ પણ ભીનાશ ન હોય અને કોઈ આંખ મીલાવવા પણ રાજી ન હોય તો પણ તેની પાછળ જાત ઘસી નાખીએ એટલા વિચિત્ર આપણે કેમકે માણસ છીએ...મનને મનાવતા શીખવું જ પડશે એવું વારંવાર જાતને સમજાવ્યા પછી પણ મનથી એકની એક પરિસ્થિતિમાં વારંવાર હારી જવા તૈયાર થતા રહીએ છીએ કેમકે માણસ છીએ..મક્કમ અને સક્ષમ હોવાની સખ્ત દીવાલ ચણીને જીવતા આપણે, એ જ દીવાલ સાથે માથુ પટકી પટકીને રડીએ છીએ કેમ કે માણસ છીએ...લાગણીથી ધબકતા અને અપેક્ષા ઉપેક્ષાના લોલક સાથે હાલક ડોલક થાતા માણસ છીએ....
માણસ સમય સાથે આગળ વધી જાય છે. વિતેલા દિવસોને, સંબંધને અને યાદોને કાયમ માટે પટારામાં તાળું મારીને બંધ કરી દે. પણ એવી ક્ષણો આવે જ જ્યારે એ બંધ પટારાના તાળાને કાટ લાગે. ધીમે ધીમે તાળું તુટે, પટારો ખૂલે અને ગડીવાળીને કાયમ માટે સંકેલીને મુકી રાખેલી એક એક ક્ષણ બહાર ડોકાઈ આવે. એ દરેક યાદમાં ફિક્કાશ કે પીળાશ નથી હોતી, સમયના ચોક્કસ ખંડમાં બંધાયેલા નાજુક સંબંધમાં લાગણી નામની કપૂરની ગોટીએ કેટલીક ક્ષણોને સાચવી લીધી હોય છે. તમારી આંખોની સામે વિતેલા દિવસોની યાદ ફિલ્મની રીલની માફક ફરવા લાગે ત્યારે ભાગી જવું ક્યાં એ મહા અવઢવ હોય છે. કોઈ સંબંધથી, કોઈ વ્યક્તિથી, કોઈ યાદોથી દૂર ભાગવું હોય તો કેટલું ભાગી શકાય ?
અરીસામાં જાતને જોતી વખતે શરીર પર, મન પર એણે રોપેલા સ્પર્શની કુંપળ સમય જતા ફરી ફરી કોળી ઉઠે છે. આંખો બંધ કરીને ઉંડા શ્વાસ લઈએ તો એની સુગંધનો દરિયો છાતીમાં ભરાઈ જાય છે, ભૂતકાળમાં તમને ગમેલા કોલરની કે દુપટ્ટાની સુગંધ નાકમાંથી વર્ષો પછી પણ મહોરી ઉઠે છે, તમારા વાળમાં વર્ષો પહેલા ગુંચવાયેલા આંગળાઓ અને એમાં અટવાઈને ખેંચાયેલા વાળનું આઉચચચ આટલા વર્ષો પછી પણ સંભળાય, જ્યાં તમે વર્ષો પહેલાં માથું મુકીને કલાકો આંખો બંધ રાખી હતી એ પીઠ સાંભરી આવે, કોઈ હથેળીમાં છૂટી પડી ગયેલી ભીનાશ અત્યારે આંખોમાં તરી આવે, ગુલાબી હોઠોની વચ્ચે વર્ષો પહેલા હૂંફાળા શ્વાસમાં અથડાયાની કૂણી ઘટના ફૂટી આવે ત્યારે એ નામ અને સંબંધ આખમાં ભીનાશ બની છલકાયા કરે...વીતી ગયેલો સંબંધ અને એ વ્યક્તિ તમારી આસપાસ ધબક્યા કરે છે.પછી પ્રશ્ન થાય કે શું વર્ષો પહેલાં લીધેલો એ નિર્ણય કે ‘હવે હું પાછું ફરીને નહીં જોઉં...ઈટસ ઓવર !’ એ બરાબર કર્યું કે નહીં ? હવે કદાચ અહીંથી પાછા વળવું તો કઈ રીતે ? અને એ રીતે પાછા વળવાની આખી ઘટના મનમાં ગુંગળાયા કરતી રહે છે.
કદાચ પાછા ફરીને, દોડીને એનો હાથ પકડીને કહી શકાતું હોય કે, ‘’ નહીં જીવી શકાય આ રીતે, જીવાતું નથી જીવવાનું નાટક થઈ રહ્યું છે. તને ભૂલવાના અને તારાથી ભાગી છૂટવાના બધા જ પ્રયત્નો કરી લીધા છે પણ હવે થાક લાગ્યો છે, મને તારી યાદ નથી અને મને તારા ન હોવાથી કોઈ ફરક નથી પડતો એવો દેખાડો સતત કરતા રહેવાનો થાક લાગ્યો છે, હા હું સ્વીકારું છું કે મારી ભૂલ હતી અને છે, મારાથી દૂર રહેવું હવે શક્ય નહીં બને, બહું બધી ઘટનાઓ તારાથી દૂર રહીને ગુમાવી દીધી છે, તારાથી અલગ થયા પછી મેં માત્ર સમય પસાર કર્યો છે, જીવાયું નથી....હવે તારી હથેળીઓ પર હથેળી રાખીને તારી છાતીમાં માથું મુકીને, એકમેકના શ્વાસ એક થઈ જાય અને કાયમ માટે શ્વાસ ખૂટી જાય એ ક્ષણ સુધી અળગું નથી થવું. મને તારી સાથે રહેવા દે !’’ આ બોલી શકાશે ? અરીસામાં જોઈને હજારો વાર પ્રેક્ટિસ કર્યા પછી પણ જ્યારે એ વ્યક્તિ તમારી સામે આવીને ઉભી રહેશે તો આમાંથી એક પણ શબ્દ જડશે ખરો ?
કોઈની યાદ આવવી એ કાંઈ ગુનો નથી. યાદ એ અનાયાસે ફૂલોની પાંદડી પર બાઝી જતા ઝાકળ જેવું છે. એને સાચવી નથી શકાતું એમ છતાં સમયાંતરે પાંદડીઓ જેવી આપણી આંખોમાં યાદોની ઝાકળ ધુંધળાશ બની છલકાયા કરે છે. કોઈએક સમયે એક રસ્તે હાથમાં હાથ પરોવી સાથે ચાલ્યા હશો એ રસ્તા પરથી ફરી પસાર થતા તો જાણે એવું લાગે કે ફરી પેલા પગલા તમારી સાથે ચાલી રહ્યા છે. એ તમારી સાથે આજે અત્યારે નથી એ વાતની નોંધ જાણે કે સૌ કોઈ લઈ રહ્યા છે એવું સતત તમને લાગ્યા કરે. એની સાથે ગાયેલા ગીતની પંક્તિઓ ફરી ક્યાંક સંભળાય કે તરત એની યાદ આવે, એની સાથે બેસીને કોઈ જોક કે શો પર પેટ પકડીને હસ્યા હતા એ જૉક કે શૉસનો ફરી ક્યાંક ઉલ્લેખ થાય તો તરત એ યાદ આવે, એને ભાવતી વાનગી, રંગ, તહેવાર, જગ્યા, સ્વાદ, ગંધ આ બધાથી કઈ રીતે દૂર ભાગી શકાય ? કઈ રીતે અને ક્યા સુધી નાટક કરી શકાય કે બધું ઓલરાઈટ છે..ભીની આંખે ! યાદ આવવી અને એ ક્ષણે સામેની વ્યક્તિને કહી દેવું એનાથી એક ટાઢક ભીતર છવાઈ જાય છે. પણ કોઈને યાદ કરીને એને કહી ન શકવાની પીડા છાતીમાં કાળી લાહ્ય બની ચચરતી રહે છે. ખબર નહીં કયો ઈગો, કઈ વાત આપણને આપણી લાગણીઓ સતત દબાવી રાખવાની ફરજ પાડે છે. આપણે ભૂલી જઈએ છીએ કે કોઈપણ ઝઘડામાં, મતભેદમાં ઈગો કરતાં સંબંધ અગત્યનો છે.
પાછા ફરીને જોવામાં પણ સુખ છે. શું ખબર વર્ષોથી એ વ્યક્તિ એ જ જગ્યાએ ઉભી છે જ્યાંથી તમે છૂટા પડ્યા હતા. તમે અહીં ઉભા ઉભા એની રાહ જુઓ છો અને એ ત્યાં ઉભા ઉભા તમારી રાહ જુએ છે, આ અંતર વચ્ચે કશું છે તો છે પથરાયેલી યાદો. ક્યાંક એકદમ ગુલાબી, સુંવાણી, ભીના ઝાકળ જેવી, પારીજાતની શીતળતા જેવી તો ક્યાંક લોહીલુહાણ કરી નાખે એવી તીક્ષ્ણ ધાર સાથે તરફડિયા ખાતી ને ઉનાળાની ભરબપોરની લાહ્ય જેવી સ્મૃતિઓ, બીજું કશું નહીં !
***