64 સમરહિલ - 67 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 67

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 67

'ક્યા હૈ યે?'

'ક્રેમ્પોન્સ...'

'શું કામમાં આવે છે?'

'આરોહણ વખતે ચટ્ટાન પર પગની પકડ મજબૂતીથી જકડાઈ રહે એ માટે..'

'ગીવ ધ ડેમો...'

રોજ દિવસમાં બે વારનો આ ક્રમ હતો. સવારે આગલા દિવસનું લેસન જાણે મોં-પાટ લેવાતી હોય તેમ ફટાફટ પાક્કું કરાવીને બીજા દિવસની ટ્રેનિંગનો આરંભ થતો હતો અને અંધારુ ઘેરાય ત્યારે થાકીને લોથપોથ થઈ ચૂકેલા સૌને હારબંધ ઊભા રાખીને જે કંઈ શીખ્યા તેનું પુનરાવર્તન કરાવાતું હતું.

ત્વરિતને પગમાં ક્રેમ્પોન ચડાવવાનો ડેમો આપતો છોડીને તેણે છપ્પન તરફ એક ચીજ ફેંકી,

'ક્યા હૈ યે?'

'જી યે...' છપ્પને વજનદાર મેટલના વિશિષ્ટ પ્રકારના હૂકને આમતેમ ફેરવ્યો. જાતભાતના હૂક અને તેના ઉપયોગ કાલે શીખ્યા હતા. આરોહણ વખતનો હૂક એસેન્ડર અને અવરોહણ કરતી વખતે શરીરની પછડાટને કન્ટ્રોલ કરવા માટે વપરાતો ડિસેન્ડર નામનો વળી બીજો હૂક.

'અરે બોલ ના... લૌંડિયા હૈ કિ ઘૂર રહા હૈ?' તેણે તોછડાઈભેર છપ્પનને ખભેથી પકડીને હલબલાવી નાંખ્યો, 'ક્યા હૈ?'

'યે... વો..' મગજ કસી રહેલા છપ્પનને શી વાતે ય યાદ આવતું ન હતું.

'કેરબિનર હૈ યે... પહાડ ચડતી વખતે ચટ્ટાન પર ક્યાંય હાથ-પગ ટેકવવાની જગ્યા નહિ મળે ત્યારે ફિક્સ્ડ રોપ સાથે આ કેરબિનર જ તને બચાવશે. ઈટ્સ યોર લાઈફ... ભૂલી કેવી રીતે શકે છે?'

'મેપાંગ...' તેણે એક સહાયકને હાક મારી, 'બેકપેક પહનાઓ ઉસકો...' પછી છપ્પન તરફ ફરી, 'દસ વખત આ ચટ્ટાનની ચડ-ઉતર કર... નો રોપ, નો હૂક... જસ્ટ અ પ્લેઈન ક્લાઈમ્બિંગ. બાપનું નામ ભૂલી જઈશ પણ કેરબિનરનો ઉપયોગ જિંદગીમાં કદી નહિ ભૂલે. ગો...'

*** *** ***

રોજ સવારે પહેલાં યોગાસન અને પ્રાણાયામનું સેશન રહેતું. એ પછી નજીકના પહાડો પર ક્લાઈમ્બિંગ અને રેપ્લિંગની પ્રેક્ટિસ થતી. દોરડા કઈ રીતે બાંધવા, વિવિધ પ્રકારના હૂકનો ઉપયોગ કેવી રીતે કરવો. ઊંચાઈ પર ઓક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે શરીરની જરૃરિયાતનો તાલમેલ કઈ રીતે મેળવવો.. બે દિવસની બેઝિક ટ્રેનિંગે જ દરેકને એવા પસ્ત કરી દીધા હતા કે સાંજ ઢળે એ પહેલાં થાકીને ચૂર થઈ ગયેલી આંખો પર બોઝિલ પાંપણો આપમેળે ઢળી જતી.

એ છોકરી કોણ હતી, તેનું નામ શું હતું એ કોઈને ખબર ન હતી. એ માત્ર ખપ પૂરતી જ વાત કરતી અને મોટાભાગે સૂચનાઓ જ આપતી. એ વખતે તેના અવાજમાં ડારો અને આંખોમાં તરી આવતો કમાન્ડ અછતા રહેતા ન હતા.

એ બોલવામાં બેફામ હતી અને વર્તનમાં એટલી જ આકરી. અતિશય ઉગ્ર સ્વભાવની એ છોકરીની તોછડાઈ ક્યારેક વાગકણી ય બની જતી. ટ્રેનિંગમાં જરાક સરખી ય કચાશ ન રહેવી જોઈએ એવો તેનો હઠાગ્રહ અને જરાક ચૂક થાય ત્યાં આકરી સજા ઠોકી દેવાની આદત ક્યારેક હિરનના કાફલાને કઠી પણ જતી હતી.

બીજા જ દિવસે તેમને એક નાનકડી પણ તદ્દન ઊભી કરાડ પર આરોહણની તાલીમ આપવામાં આવી હતી. અણિયાળા ખડકો પર ક્યાં દોરડું બાંધવું, ક્યાં એક્સ ખોસવી, ક્યા પ્રકારના હૂકનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એમાં જ સૌ અટવાઈ પડયા.

થાકીને ઠુસ થઈ ગયેલો ત્વરિત એક જગ્યાએ લટકી પડયો ત્યારે 'ડૂબ મર સાલા' એમ તુચ્છકારભેર કહેતી એ છોકરી આખી ચટ્ટાન જાણે દિવાલ પર ગરોળી સરકતી હોય તેવી સલૂકાઈથી ચડી ગઈ હતી.

પણ એ પછી ત્વરિતને બરાબર માઠુ લાગી ગયું હતું અને 'હુ ધ હેલ યુ આર.. ભાડમાં જાય તારી ટ્રેનિંગ' કહીને પગ પછાડતો નીચે ઉતરી ગયો હતો. એ વખતે હિરને અને પ્રોફેસરે માંડ તેને મનાવ્યો હતો.

અડબંગ ઝુઝારને તો એક છોકરી આવી રીતે જોહુકમી કરે એ જ સોરવતું ન હતું, જ્યારે અહીં તો હિરન પછી આ બીજી જોગમાયા તેના પર દાદાગીરી કરતી હતી. બીજા દિવસે પ્રાણાયામના સેશનમાં શી વાતે ય શ્વાસની રોક-થામ સમજી ન શકતા ઝુઝારને બરડામાં ગંજાવર ધબ્બો મારીને તેણે ત્રીસ કિલો વજન સાથે પાંચ કિલોમીટર દોડાવ્યો હતો. ગિન્નાયેલા ઝુઝારનું બબડવાનું ત્યારથી જ ચાલુ થઈ ગયું હતું. એમાં ત્રીજા દિવસે હાર્નેસ પહેરવામાં ગોટે ચડેલા ઝુઝારને તેણે ફરીથી સજા ઠપકારી ત્યારે ચંબલના મલ્હાનનો પિત્તો છટક્યો હતો. કમરે વિંટાળેલા દોરડા ફગાવીને તે રીતસર મારવા ધસ્યો હતો. એ વખતે ય હિરન અને રાઘવે દોડીને તેને વાર્યો હતો.

કેસી પણ ટ્રેનિંગ પ્રોગ્રામ પર બરાબર નજર રાખતો હતો. ટ્રેનરની જોહુકમીથી અને એકધારા મુશ્કેલ શ્રમથી બે જ દિવસમાં વાજ આવી ગયેલા આ શહેરીઓને એ રમૂજથી જોતો હતો.

ટ્રેનર છોકરી ઉપરાંત હિરન અને પ્રોફેસર સિવાય એ ભાગ્યે જ બીજા કોઈ સાથે વાતચીતમાં જોડાતો પરંતુ તેનો પ્રભાવ આખા ય કેમ્પ પર જાદુઈ અસર છોડતો હોવાનું સ્પષ્ટ વર્તાઈ આવતું હતું.

રોજ સવારના બેઝિક સેશનમાં કેસી અને તેમના કેટલાંક સાથીદારો પણ જોડાતા. પ્રાણાયામ પત્યા પછી ક્ષિતિજ પર સુરજનો હળવો ઉજાસ લહેરાય એ સાથે એ સૌ ઉત્તર દિશા તરફ મોં કરીને ઢીંચણભેર બેસી જતાં અને ધીરગંભીર અવાજે કશોક પાઠ રટવા લાગતાં.

તેમની બંધ આંખોની ભીતર પ્રજ્વલિત શ્રધ્ધાનો ઉજાસ તેમના દૃઢ અને ભાવસભર ચહેરા પર તરી આવતો. તિબેટને તેઓ પરમ પવિત્ર ભૂમિ માનતાં હતાં અને એ પવિત્ર ભૂમિ પર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે તેનો અહેસાસ પ્રત્યેક ક્ષણે તેમના હૈયામાં તીવ્રપણે ભભૂકતો રહેતો.

કેસીની સેના ય ગજબ હતી. ભાગ્યે જ કોઈ એકબીજા સાથે વાત કરતા હતા. સતત બધા શિસ્તબધ્ધ રીતે કામે વળગેલા હોય. એકમેક સાથેનો તેમનો વણકહ્યો તાલમેલ પણ અજબ હતો.

જીવહિંસા ન થાય એ માટેની બેહદ ચીકાશભરી તકેદારી અને માતૃભૂમિ પર મંડરાતા આતતાયીઓને મારી હટાવવાની તાલાવેલી, દલાઈ લામા માટેનો અપૂર્વ શ્રધ્ધાભાવ અને ચીન પ્રત્યેનું પારાવાર ખુન્નસ... બે અંતિમો પર ઊભેલા તિબેટ મુક્તિવાહિનીના આ સૈનિકો મૌન સ્થિતપ્રજ્ઞા અને ઝનુનના લબકારાનો વિરોધાભાસ પચાવી ચૂક્યા હતા.

કેમ્પ સાઈટ તદ્દન અવાવરુ જગ્યાએ હતી. બ્રહ્મપુત્રના તોફાની પ્રવાહે સદીઓ સુધી માથા પછાડીને પહાડની હારમાળા વચ્ચે કોતરી કાઢેલી વિરાટ બખોલ જેવી જગ્યાએ તેમણે તંબુ તાણ્યા હતા. કંઈક અંશે સમથળ અને ઊંડા મેદાન જેવી એ નૈસર્ગિક બખોલને સ્થાનિકો શાંગરા તરીકે ઓળખતા હતા. બખોલની ઉત્તરે જંગલી સરૃના વન ફેલાયેલા હતા એટલે સ્થાનિકો આ બખોલને પુલામા શાંગરા તરીકે ઓળખતા.

પુલામા શાંગરા એવી અજાયબ જગા હતી કે જો આ વિસ્તારથી વાકેફ ન હોવ તો પંદર ફૂટ છેટેથી હોડીમાં પસાર થઈ જનારા લોકોને ય ખબર ન પડે કે અહીં એંશી-સો લોકોનો આખો કાફલો પનાહ લઈ રહ્યો છે.

૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધ વખતે અરુણાચલ પ્રદેશ પર આક્રમણ લઈ આવેલા ચીનાઓ છેક તવાંગની ભાગોળ સુધી ધસી આવ્યા હતા. એ વખતે ભારતીય લશ્કરના સરફિરા જવાનો મહામુશ્કેલીએ બ્રહ્મપુત્ર પાર કરીને પુલામા શાંગરા સુધી પહોંચ્યા હતા. અહીંથી જંગલી સરૃના વન વળોટીને તેમણે જીવ સટોસટની લડાઈમાં ચીનાઓને પાછા ધકેલ્યા હતા.

એવી અડાબીડ, ભેંકાર અને નિર્જન જગાએ આશરો લીધા પછી નદીનો સાંકડો પટ ઓળંગીને સામેની પહાડીઓ પર કાફલાની તાલીમ ચાલતી. દિવસભર તેઓ ચટ્ટાનો પર હાથ-પગ કૂટતા રહેતાં હતાં ત્યારે શાંગરામાં આખો દિ' કશીક પ્રવૃત્તિ ચાલતી રહેતી.

બ્રહ્મપુત્રના વેગીલા વહેણ પર લાંગરતી હોડીઓ, સામાનના કોથળાઓની ભેદી આપ-લે, દૂર ક્યાંક અજાણી પહાડીઓમાં એક્સ્પ્લોઝિવ્સ અને વેપન પ્રેક્ટિસના બિહામણા ધડાકા અને મોડી સાંજે થતી સમૂહ પ્રાર્થના વખતે બ્રહ્મપુત્રના ઓવારા પર હારબંધ પ્રગટતા માખણના દીવડાના અલૌકિક ઉજાસ વચ્ચે ઊઠતો ધીરગંભીર રવ...

ઓમ મણિ પદ્મે હુમ્...!

*** *** ***

'તને શું લાગે છે, આ કેસી એન્ડ કંપની આપણને શા માટે મદદ કરી રહી હશે?' બે કેમ્પિંગ વચ્ચેના ગેપમાં જો ભરચક હાંફી લીધા પછી ય થોડોક ટાઈમ બચે તો તેઓ એકમેકને પોતાને થતી તકલીફોની ફરિયાદ કરી લેતા હતા. આજે રાઘવે ત્વરિત સમક્ષ પોતાની ઉત્સુકતા પ્રગટ કરી દીધી.

'સીધી વાત છે યાર...' ઊંડા શ્વાસ લઈને હાંફ રોકવા મથતા ત્વરિતે કહ્યું, 'ચાઈના એમનું દુશ્મન છે...'

'પણ સવાલ એ છે કે આપણે, આઈ મિન હિરન એન્ડ પ્રોફેસર તેના દોસ્ત કેવી રીતે થઈ ગયા?'

આટલું થાક્યા પછી ય રાઘવ પોતાનું પોલિસપણું છોડી ન્હોતો શકતો તેનાંથી ત્વરિતને આશ્ચર્ય થતું હતું.

'મગજ ન ખા યાર...' તેણે સજ્જડ થઈ ગયેલા બાવડા વાંકાચૂંકા કરતાં અણગમાના ભાવ સાથે જવાબ વાળ્યો, 'તારી આ રાની મુખર્જી પૂરતી છે'

'કમ ઓન યાર... મને ય એટલો જ થાક લાગે છે અને ક્યારેક તો શરીર એવું કળે છે કે ઊંઘ પણ નથી આવતી...'

'તો આ રાનીના સપના જોવાના શરૃ કર... એકદમ અવર ગ્લાસ છે...' ત્વરિતે હાથ વડે હવામાં તેનું ફિગર તરાશ્યું.

'નન ઓફ માય બિઝનેસ...' રાઘવે હાર્નેસ સાથે બંધાયેલા રોપ સાથે રમત કરતા જવાબ વાળ્યો.

'હા... મારા મગજની મેથી મારવી એ તારો બિઝનેસ હોય તો...' ત્વરિતે રમતિયાળપણે તેની સામે બે હાથ જોડી દીધા, 'પ્લિઝ પાર્ડન... તું અને તારો પેલો લઠ્ઠો દિમાગની કુસ્તી કરી ખાવ. હું તો આ પહાડો સાથેની કુસ્તીમાં જ ચૂર થઈ જાઉં છું.'

'યસ... બટ આઈ કાન્ટ ફોલો ધેમ બ્લાઈન્ડલી...' પછી તેણે પરાણે ઊભા થતા ઉમેર્યું, '... લાઈક યુ'

'એટલે?' ઝેરકોચલા જેવા રાઘવના વ્યંગથી ત્વરિત બરાબર ઉશ્કેરાયો હતો, 'આઈ એમ ફોલોઈંગ બિકોઝ ઈટ વૂડ બી અ મિરેકલ ઈફ વી સક્સિડ. એ આખા ય દેશ માટે અપાર ગૌરવની ક્ષણ હશે. હું નોલેજ માટે, આપણાં વિચક્ષણ પૂર્વજોએ મૂકેલા વારસાને પાછો મેળવવા જોડાયો છું...' પોતાનો થાક અને સાંધાનું કળતર અને સ્નાયુઓનો દુઃખાવો વિસરીને એ પણ સપાટાભેર ઊભો થઈ ગયો, 'તારી જેમ ચિક્કાર રૃપિયાની લાલચમાં નથી જોડાયો...' પછી તેણે તુચ્છકારભરી નજરે જોયું અને પગ ઉપાડતાં પહેલાં કહી દીધું, 'અ ટિપિકલ ખાખી...'

'યસ આઈ એમ...' ત્વરિતે જરાક વધારે પડતું બોલી નાંખ્યું એટલે ઉશ્કેરાયેલા રાઘવે પણ તેનું બાવડું પકડી લીધું, 'અ ટિપિકલ ખાખી... એ છોકરી નોલેજનો આ બધો વારસો બથાવી પાડવા માંગે છે. તેં જ એનો વિરોધ કર્યો હતો, યાદ કર... તેં જ કહ્યું હતું કે એ તો રાષ્ટ્રનો દ્રોહ ગણાશે, યાદ છે ને?'

આગળ વધવા જતા ત્વરિતને તેણે ઝાટકાભેર રોકી પાડયો, 'હું રૃપિયાની લાલચમાં નથી જોડાયો પણ એ ક્રાઈમ રોકવા માટે મારો જીવ જોખમમાં મૂકી રહ્યો છું... સાવ એકલપંડે' પછી તેણે એટલા જ ઉશ્કેરાટથી તેને ઠોંસો મારી દીધો, 'કારણ કે હું ખરા અર્થમાં ટિપિકલ ખાખી છું'

ત્વરિત થોડીક તાજુબીથી, થોડાક ઉશ્કેરાટથી તેનો આક્રોશ જોઈ રહ્યો અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. ખડખડાટ હસવા માટે તેના હોઠ ખુલ્યા...

- અને એ જ ઘડીએ તીણા અવાજે વ્હિસલ વાગી. સામે ચટ્ટાન પર ઊભેલી પેલી જોગમાયા બેય હાથ કમર પર ટેકવીને તેમને તાકિદ કરતી હતી.

(ક્રમશઃ)