padkar books and stories free download online pdf in Gujarati

પડકાર

પડકાર
રોમે રોમમાં મગરુબી ભરી, કિનારે જોશબંધ ટકરાઈને વિખરાઈ જતાં મોજાં આજ વધારે જોશીલાં લાગ્યાં. દરિયાકિનારાની ભેખડોને રૂઆબભેર પડકારતાં એ મોજાંઓ બુંદ બુંદ બની હવામાં ઊછળતાં, હવા સાથે વાતો કરતા અને ફીણ ફીણ થઈને છંટાઈ જતાં. દૂર દૂર સુધી ફેલાયેલી હારબંધ ભેખડો જાણે યુગોથી આ રીતે જ માથા પર થન થન નાચતા મોજાંનો માર સહન કરીને રૂંવે રૂંવે ઘવાઈ ગઈ હોય એમ સાવ ખડબચડી થઈ ગયેલી. જ્યાં લગી નજર પહોંચતી ત્યાં સુધી આતીશી આંખો કાઢતો અરબસાગર કોઈ ભૂવાની માફક ધૂણતો લાગે.
ઉગામણી દિશાથી વીંજાતો શીળો વાયરો હળવેકથી દેવલીની લાલ જર્જરિત ઓઢણીને ધૂજાવતો ચાલ્યો ગયો. આમ જોઇએ તો છેલ્લાં પાંચેક વર્ષથી દેવલીનો આ જ નિત્યક્રમ. તે રોજ આ એક જ પથ્થર પર આવીને બેસી જતી. કદાચ ક્યારેક સૂરજની સવારી મોડી પડે પણ દેવલી નહીં ! આજે પણ તે ઊગતા અર્ક સામે આંખો કાઢતી ઊભી. રોજની જેમ. ઘડીક સવારના ઠંડા સૂરજને, તો ઘડીક ઘૂઘવતા ખારાપટને તે ક્યાંય સુધી તાકી રહી. દૃષ્ટિ જાણે દરિયાને પેલેપાર જવા મથી રહી હોય એમ ક્યાંય સુધી સૂના સીમાડાને નજરથી વીંધી લેતી. કેમ જાણે દરિયા ઉપર અંકાયેલા એ ધૂંધળા પટ્ટા પાછળથી કોઈ હમણાં જ નીકળવાનું હોય ? વળી પાછુ કોણ જાણે કેમ પણ કતરાતી આંખે તે સહેજ મોઘમ હસતી. એ સૂતેલા સાગર સામે, પેલા શાંત સિમાડા સામે તો ઘડીક સળગતા આ સૂરજ સામે.
સંવેદનાઓના સૂર તૂટક તૂટક વહેતા હોય એમ વળતી પળે દિમાગ પાછું શૂન્યમાં સરી પડતું. હજી ક્ષણ બે ક્ષણ વીતે ન વીતે ત્યાં વળી અંધારિયા આકાશમાં એકાએક વીજળી ઝબકી જાય એમ એની સૂકી આંખોમાં ઝળઝળિયાં ડોકાઈ જતા. એ ઊભરાયેલા ઝળઝળિયાં શોકના હતા, ગુસ્સાના હતા કે મૂંઝવણના એ સ્પષ્ટ નહોતું કળાતું. કદાચ એ ખુદ પણ નહોતી જાણતી.
વર્ષો પહેલાની નટખટ દેવલી, હવે એ દેવલી જ નહોતી રહી. કોઈ કોઈ તો હવે ઓળખી પણ નહોતું શકતું. એ કાળે એની આંખોમાં તરવરતી મસ્તીની રોનક હવે મુખ પરથી મૂરઝાઈને મરી ગઈ હતી. એની ઝીણી ઝીણી બદામડી આંખોમાં હવે સહેજ ઝાંખપ આવી ગયેલી. ઊંડી ઊતરી ગયેલી આંખોમાં છલકતો ભીનો દરિયો, હવે તો આ સામે હોંકારા ભરતાં દરિયા કરતા પણ ક્યાંય વધુ ઊંડો લાગે. તેની કામણગારી કાયા અને ચહેરા પરના ગુલાબી રંગ એકદમ કાળા પડી ગયેલા. જોકે ‘મારો મનજી એક દિ' આવશે' એ દૃઢ વિશ્વાસ તેણે હજી હૈયામાં ધરબી રાખેલો. એવોને એવો જ અડીખમ. કદાચ આ દરિયાનું દિલ હારી જાય પણ દેવલીનો વિશ્વાસ નહિ. અને જોઇએ તો તેન મક્કમ ભરોસાને હજી કોઈ તલભાર ડગાવી નહોતું શક્યું.
સમંદરના કાળા પાણી પર ઊપસતા એક ઝાંખા આકાર પર તેણે નજર ખેંચી રાખી. બંદરમાં પ્રવેશતું કોઈ વહાણ હશે કદાચ. જીર્ણ થઈ ગયેલા કપડામાંથી ડોકાતો ઠંડો પવન ફરી એકવાર અંગ અંગ થથરાવી ગયો. કારતકની કકડાવી નાખતી કાતિલ ઠંડીમાં પણ તે પોતાનો ક્રમ નહોતી ચૂકી. દરિયાના સ્વાભિમાનને તે રોજ આ રીતે જ પડકારતી. છેલ્લા પાંચેક વર્ષ તેણે આમ જ વિતાવી દીધા. વરસો પહેલા દરિયાના ભંવરમાં લાપતા બનેલો તેનો મનનો માનેલ મનજી એક દિવસ જરૂર પાછો આવશે એ જ ઉમેદે. મિલનની એ ક્ષણ જીવવા જ જાણે જીવન ટકાવી રાખ્યું ન હોય ! પછી મનજી પરનો દૃઢ ભરોસો કહો કે દરિયા પરની દાઝ- જે કહો તે પણ એ વેદના, એ ભાર એને મરવા નહોતો દેતો.
કાંઈક એકદમ યાદ આવી ગયું હોય એમ એનું હૈયું ભરાઈ આવ્યું. દર્દની છાંટ સાથે ધબકારા વધ્યા. તેણે આવેગમાં આંખો બંધ કરી લીધી. ગળામાં ભરાયેલો ડૂમો છલકી બહાર આવવા રસ્તો શોધી રહ્યો.
ગઈ કાલ સુધી નખરાળી અને ચંચળ લાગતી દેવલી હવે કોઈ રખડતી- ભટકતી ભિખારણ જેવી લાગતી ! કહેવાની જરૂર નથી કે મનજી સંગાથે ગુજારેલી નિર્દોષ યાદોનાં સંભારણાં અંતરપટમાં સળવળાટ કરી ગયાં હતાં. બંને બચપણથી જ સાથે મોટા થયેલા. છીછરા દરિયામાં ભરતી ચઢે ને દરિયો ઊભરાઈ પડે એમ બન્નેના હૈયામાં પણ પાછળથી હેલી ચઢી ગયેલી. દેવલીના ઝૂંપડામાં સાંજના દીવો પ્રગટતો પછી જ મનજી તેના પાક્કા મકાનનો રસ્તો દેખાતો, ને સમયનું ભાન થતું.
જીવાઆતાને આમતો બે દીકરા પણ મોટો તો બચપણમાં જ દેવ થઈ ગયેલો. એટલે હવે મનજી એકનો એક જ ગણાય. જીવાઆતાના ખાનદાની ખોરડાંનું નામ ગામમાં પંકાયેલું પણ ખરું ! હજી થોડા વર્ષો પહેલા જ તેમણે જૂનું વહાણ તોડીને નવું બનાવેલું. માછીમારીનો ધંધો પણ ખૂબ સારો ચાલતો. તેઓ દરિયે પગ મૂકતા ત્યારે ખારવાનું તેજ આંખોમાંથી વહેતું. ને જ્યારે બંદર કાંઠે વડીલો વાતોએ ચઢે ત્યારે ઘણીવાર જીવાઆતાનું ડહાપણ ચમકાર કરી જતું. એટલે મોટેભાગે બંદરમાં માછલીનો ભાવ નક્કી કરવા વેપારીઓ સામે જીવાઆતા જ ગામની આગેવાની લેતા. જોકે મનજી ત્યારે નાનો, બાપની ઈચ્છા હતી કે દીકરો વધારે ભણે. બાકી ઊંડે ઊંડે તેઓ માનતા પણ ખરા: ખારવાનો દીકરો છે એટલે પછી બાપનો ધંધો તો છે જ ને ! પણ સમય સંજોગો હંમેશા બદલાવ માટે જ નિર્માયા હોય છે. સમયચક્ર ચકડોળ જેમ ફરતું રહ્યું ને એક દિવસ જીવાઆતા પર ભૂંડા દરિયાએ દાનત બગાડી, ભૂખ્યો થયો હોય એમ જીવાઆતાને ગળી ગયો. એમનું વહાણ નોધારું બન્યું ને ધંધો રઝળ્યો. વહાણની બધી જ જવાબદારી મનજી પર આવી પડી. એકાદ વર્ષ તો વહાણ બંદરમાં જ બંધાયેલું પડ્યું રહ્યું. ભણતરમાં આમેય મનજીનું મન તો નહોતું જ લાગતું. પાછો ખારવાનો દીકરો એટલે તેની પહેલી પસંદ વહાણ પર જાયા વિના રહે જ નહિ. જોકે અહીં તો મનજી પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો ? એટલે પછી નછૂટકે પંદર-સોળ વર્ષના મનજીએ દફતરને ખીલીએ ટીંગાડી, વહાણનો સઘળો ભાર સંભાળ્યો. ખલાસીઓ સાથે હળતાં મળતાં તે માછીમાર તરીકે પાવરધો બનતો ગયો. પછી તો ખલાસી તરીકેના ખેલ અને તોફાની દરિયાના દિવસો જીવનમાં મંડાયા તે એવા જ મંડાયા.
આ ચડતી-પડતી જીવનસફરમાં કોઈએ તેને સૌથી વધુ હૂંફ અને સાથ આપ્યો હોય તો તે હતી દેવલી. પિતાના અણધાર્યા અવસાન પછી દેવલીએ જ તેને હિંમત આપી ટકાવી રાખ્યો.
દેવલી હવે દેખાવે લાગતી પણ એવી જ. મનજી કરતા બેએક વરસ નાની તોય એના ખભે આવી જાય એવી ભરચક દેહની ખારવણ. નટખટ, રમતિયાળ, વાત વાતમાં ગમે તેની સાથે ઝઘડી પડે એવી ઝઘડાખોર પણ ખરી. અને હા, એનું ઊભરતું યૌવન તો અસલ દરિયાના ખારા પાણી પર ચળકાટ કરતા પેલા રૂપેળી તેજ:પુંજ જેવું જ લાગે. માંજરી આંખો, સહેજ ભૂખરા રંગના છુટા વાળ, અંબોડો ક્યારેક મરજી થાઈ તો વાળે બાકી મનમોજી. ગુલાબી સુરખીભર્યા ગાલ અને મૃદુ અવાજ. પણ આ મૃદુ અવાજમાંથી જ્યારે ક્રોધાવેશમાં તીખા શબ્દો જરે ત્યારે જાણે ગીરની સિંહણ ત્રાટકી હોય એવી ખૂંખાર લાગે. કોઈ સાથે બાખડે ત્યારે અચાનક એ મા મહિષાસુરમર્દિની બની જતી. આમ પાછી મનની ચોખી. જોકે મનજી સાથે એને સારું બનતું. સમય સાથે દિલ પણ મળી ગયા હતા એમ સમજો. દેવલી બોલવામાં ખૂબ ફાંકડી એટલે મોટાભાગે બીજા તેની સાથે કોઈ વાદ વિવાદમાં ન ઉતારવાનું જ મુનાસિબ સમજતા. પરંતુ એમા મનજીની વાત થોડી અલગ ગણાતી. તે દેવલીની દુઃખતી રગ જાણતો. તેને ખબર જ હોય કે તે પોતાની વાત નહીં ટાળે. ગામ આખાને રમાડતી દેવલી જ્યારે કોઈના બાપથી ન સમજે ત્યારે મનજી પાસે એક રામબાણ ઈલાજ કાયમ રહેતો. અને આમેય દેવલીના દિલને કોઈ સારી રીતે સમજે તો એક માત્ર મનજી સમજે. બાકી તો દેવલી બધાના સમજ બહારનું પાત્ર.
“દેવલી, ભલે તારે નથી માનવું ને ? તો હવે મને કોઈ દિ' બોલાવતી નહીં ! કર તને હારું લાગે ઈ જા." કહેતા મનજી જાણી જોઈને મોં વકાસી જતો રહેતો.
તેના મીઠા છણકાને દેવલી થોડીવાર મનમાં મમળાવતી. એકાદ બે દિવસ આડી ચાલે અને પછી હંમેશની જેમ કહ્યામાં આવી જતી. ગામનો જીવ પણ પછી જ હેઠો બેસતો. બીજી ખારવણો દેવલીને માનપાન પણ સારાં આપે. તેની નીડરતા, હિંમત ભલ ભલાં ભાયડાને મોંમાં આંગળા નખાવી દેતી. અંધારી રાત્રીના જ્યારે વહાણો ફિસિંગ કરીને આવતાં ને રાત આખી જ્યારે બાયુંએ માથે લેવાની થાય ત્યારે મજૂરીએ આવતી દરેક ખારવણને દેવલી યાદ આવતી. રાતભર સૂમસામ કાઠીમાં માછલાં વીણતી અને બૂમલા ટીંગાડતી બાયું દેવલીના સથવારાથી બેફિકર બની જતી. તે સાથે કામે હોય એટકે બધી ખારવણને છાતીએ પાણી રહેતું.
દેવલી- મનજી એકબીજાના દલડાંમાં ઘર કરી બેઠા છે એ વાત આમ તો બંદર આખામાં જાણીતી થઈ ગયેલી. આ ચોમાસે બંનેના વેવિશાળ થવાનું લગભગ નક્કી જ હતું. ક્યારેક વહાણ ફિશિંગમાંથી આવતું ત્યારે પણ મનજી છાનોમાનો એને મળી લેતો. હૈયાનો ભાર થોડો હળવો થતો. એ રીતે જ મનજીએ એક દિવસ મજાકમાં દેવલીને પૂછી લીધું.
“હેં દેવલી, આ ચોમાહે આપણું વે'વાર થાય ઈ પે'લા દરિયામાં મને કીક થઈ ગ્યું હોઈ તો ?"
“તો ઈ કહેવાનું થોડું હોય ! પન તારી વાહેં જીવીને પછી ઉં હું કરું ?”
“આમ ગામની સિંહણ જીવી દેવલી આપઘાત કરે ઈ વાત માન્યામાં આવે ઈવી જ નથી હો !" મનજીના વદન પર થોડું ગર્વિષ્ઠ હાસ્ય ફૂટ્યું.
“હા, પન મારે મન તો તું જ ધણી. બીજા બધા તો ભાઈ-બાપ જેવા... !” દેવલી આંખમાંથી અંગારા ઝેરવતી તાડુકી ઊઠી. શાંતચિત્તે સાંભળતી દેવલીનો પારો આ વાતથી એકાએક ઉપર ચઢી ગયો.
તેણે બરાડો પાડ્યો.
“અને ખબરદાર જો, ઈવી વાતું કરી તો !”
મનજી ખડખડાટ હસી પડ્યો. દેવલીનો હાથ પોતાના હાથમાં લઈ ગળગળો થઈ ગયો. અંતરમાં કૂણી લાગણીનો સમંદર જાણે ઊછળ્યો. અને પછી હૈયામાંથી વધારે હિંમત જન્મી. બીજી ક્ષણે દેવલીના કાને જોશીલા શબ્દો અથડાયા.
“દેવલી ! આ મનજીનું વસન યાદ રાખજે કે તારી હારે ભેટતા મને દરિયો તો હું ! મોત પન નીં બાંધી હકે. તું ભરોસો રાખજે" મનજીના સૂરમાં ભારોભાર ખુમારી ઊભરી આવી.
“ભરોસો તો મને તારા ઉપર, મારા જીવ કરતા પન વધારે છે !" જાણે છાતીમાંથી ધબકાર બોલ્યા. હૈયું હાથમાં પકડી દેવલી થોડીવાર અટકી ગઈ. એક ઊંડો નિસાસો નાખતાં મન સાથે બબડી પડી: “પન... આ ઊલાળા મારતો દરિયો કે’ દિ’ વેરી બની જાય ઈનો ભરોસો નથી !!”
ત્યાં મનજીએ જીભને ટેરવે જ રાખેલા શબ્દો ઉત્સાહમાં દેવલીને સંભળાવી દીધા.
“અરે ઈ દરિયાની હું તાકાત કે તારા મનજીને બાંધી હકે. ખાલી તને ભરોસો હોવો જોઈએ.”
બીજુ કાંઈ ન બોલતા દેવલીએ મલકાટ સાથે મનજીને વળાવ્યો.
“જા... જા... તું તારા વા'ણે ઝટ. તારા ખલાઈ વાર જોતા હોઈશે. પાછા કિયે કે દેવલીએ પુરા પાણીએ પુગવા દીધાં નહીં.” તે આંખ નચાવતી બોલી. અને મનજી પોતાના વહાણ તરફ ચાલી નીકળ્યો. દેવલીને ક્યાં ખબર હતી કે મનજીની આ પાછળ દેખાતી પીઠ હવે પાછી જોવા મળે કે ન મળે !
સુકાની અરજણકાકાના બિછાનામાં પડ્યા પડ્યા પણ મનજીના મનમાં નાચતી-કૂદતી, લડતી-ઝઘડતી, આખાબોલી દેવલીનો મીઠો સહવાસ ઊછળકૂદ કરતો રહ્યો. પહાડી મોજાંની ઝીંક ઝીલતું વહાણ પછડાટ લેતું ત્યારે થોડું ધ્યાન ભંગ થતું. સહસા હોઠ મરકતા અને તે ફરી આંખો મીંચી જતો.
બસ ! પછી તો આજની ઘડી ને કાલનો દિવસ ! મનજી ગયો તે ગયો. અમંગળ આશંકાઓ કાંઠામાં વહેતી થઈ. આઠે ખલાસીના પરિવારમાં સોપો પડ્યો. એક.., બે.., ચાર.., દસ.., પંદર. દિવસો પર દિવસો ચઢતા ગયા. પણ ગૂમ થયેલા મનજીના વહાણના કોઈ સમાચાર ન મળ્યા. તેને દરિયો ગળી ગયું કે આકાશ તેની કંઈ ખબર જ ન પડી. સામે હલકતો દરિયો ચોખ્ખો દેખાતો પણ તેના ગર્ભમાં છુપાયેલું રહસ્ય કેમે કરી બહાર નહોતું આવતું. વહાણોના કાફલાએ મનજીના વહાણની ભાળ મેળવવા દરિયાને ધમરોળી નાખ્યો. પણ અફસોસ ! મનજીનું વહાણ વિશાળ મહાસાગરમાં આઠે ખલાસી સાથે ક્યાં ગાયબ થયું તેનું રહસ્ય તો વધું ને વધું પેચીદું થતું ગયું. તેની ધડ માથા વગરની ઊડતી વાતો, લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. એ માથા વગરની અફવાઓ જોર પકડતી જ ગઈ. હવે કેટલાય ઝૂંપડામાંથી ભરરાતે વેદનાસભર ચિત્કારો ઊઠતાં. ચિંતાનું મોજું ચોતરફ એવું ફેલાયું કે નાનકડા બંદરમાં જોતજોતામાં માતમ છવાઈ ગયો. બધાં જ વહાણો આસપાસનો દરિયો ખૂંદી વળ્યાં પરંતુ ન વહાણ મળ્યુ, ન ચોક્ક્સ વાવડ મળ્યા ! સતત સાત આઠ દિવસની શોધખોળ પછી પણ નિરાશા સિવાય કાંઈ હાથ ન લાગ્યું. આખરે ખારા દરિયાના ખારવાએ પણ નછૂટકે હથિયાર હેંઠા મૂકવા પડ્યા. કાંઈ કરતા કાંઈ નામ નિશાન ન મળ્યું. શું ઘટના બની ? વહાણ ક્યાં ગયું ? ખલાસીનું શું થયું ? ખલાસી જીવે છે કે મોતને ભેટ્યા ? વગેરે સવાલો, સવાલો બનીને નિરુત્તર જ રહી ગયા.
હાર્યા ભર્યા, ખીલેલા વૃક્ષ પર અચાનક વીજળી ત્રાટકે અને ઘડીભર પહેલાનું સોહામણું લાગતું વૃક્ષ જોતજોતામાં બળીને ખાખ બની જાય તેમ દેવલી ચારેકોરથી ભાંગી પડી. કાળજું ફાડીને બહાર આવેલી એની દર્દનાક ચીસ સાંભળીને આકાશ પણ ક્ષણિક થર થર ધ્રૂજી ઊઠ્યું. દેવલીનું એકાએક મૂંઝાઈ ગયેલું હૈયું કહ્યું નહોતું કરતું. ઘણાં દિવસ તે સૂનમૂન બેસી રહી. બધાને આંગળી ના ટેરવેં નચાવતી દેવલીના જીવતરમાં આજે ખાલીપો છવાઈ ગયો. એક કાળે જેના જીવતરમાં સમંદર છાલક દેતો ત્યાં હવે સૂકા રણની રેતી ઊડતી. જાણે રમતિયાળ નદી સુકાણી હોય એમ દેવલીની કાયા સુકાણી ને હૈયું પણ સુકાણું. પછી તે આખો દિ’ કિનારે રખડતી. બારાંમાં કોઈ વહાણ દેખાતું તો બેબાકળી બની ત્યાં દોડી જતી. તે વહાણોના ખલાસીને ગાંડાની જેમ વાવડ પૂછતી. જ્યાં હતાશા સિવાય કંઈ મળતું નહીં. ગામને ડરાવતી દેવલી પછી ત્યાં જ ઊભી ઊભી દરિયા સામે પણ આંખો કાઢતી. દરિયો પણ ડરતો હોય એમ મોજાં શાંત કરી જતો.
ઘટનાની જાણ લાગતા વળગતા અધિકારીઓ અને સરકારી ઓફિસોમાં કરવામાં આવી હતી. જ્યાં થોડા દિવસ ઓહાપો થતો રહ્યો, થોડાઘણાં પ્રયાસો હાથ ધરાયા. પણ અંતે તો શૂન્યનું શૂન્ય જ રહ્યું. સગા-કુટુંબના વહાણો પણ બે ચાર દિવસ વધું શોધખોળ ચલાવી વીલા મોઢે પાછા ફર્યા. દરિયે અટવાયેલા ખારવાઓના આવા કેટલાય વહાણો ઇતિહાસમાં દરિયાઈ દાસ્તાન બની રહી ગયા હતા. એક પછી એક બધા જ અંતે હિંમત હારી ઝૂકી ગયા. બાકી રહી એક માત્ર દેવલી. કોઈ કોઈ ઝૂંપડીમાંથી ઊઠતી ચીસો પણ હવે શાંત થઈ ગઈ. એકાદ બે મહિનામાં તો સૌએ પોતાના દુઃખી મનને મનાવી લીધા. જેની લાશ સુધ્ધાં નહોતી મળી એવા બિચારા આઠે ખલાસીની મરણક્રિયાઓ પણ આટોપી દેવાઈ. બંદરમાં છવાયેલો શોક ધીરેધીરે ઓસરી રહ્યો પણ, મેઘાણીની ચારણકન્યા જેવી દેવલી હજી હિંમત નહોતી હારી. મનજી પરનો અડગ વિશ્વાસ તેને છૂપું મનોબળ દેતું રહેતું. મનજી દરિયાના ઉદરમાં પોઢી ગયો છે તે વાત જ તેના ગળે નહોતી ઊતરતી. ઘણાં સાંત્વના આપતા. પણ ઘાવ કેમે કરી રૂઝાતો નહોતો.
એકાદવાર તો દેવલીના પિતાએ પણ કહી જોયું.
“બેટા ! આટલા વરહમાં એમ કોઈ જીવતું આવ્યું શે ? તી મનજી આવશે ? આપણાથી દરિયાને રાવ થોડી દેવાસ. આપણે તો બધું ભોગવે જ છૂટકો મારી દીકરી.”
વેદનાને વાચા ફૂટી હોય એમ અધીરાઈથી દેવલી બોલી પડી.
“આવશે બાપા.. એક દિ' જરૂર આવશે. મને વિશ્વાસ....” વાક્ય પૂરું થાય તે પહેલાં મોઢામાં ભરાયેલ ડૂમાને તે રોકી શકી નહીં. થોડીવાર આસપાસ સ્તબ્ધતા છવાઈ ગઈ. ત્યાં માંડ રોકી રાખેલા આંસુ સરી પડ્યા.
ભરતી-ઓટ, રાત-દિવસ, ઠંડી-ગરમી, વાવડો-વરસાદ બધું ચાલતું રહ્યું. નાના, ધાવણાં છોકરાં આજે પાંચ-પાંચ વરસના થઈ નિશાળે જતાં થઈ ગયાં. પણ દેવલી હજી મનજીની રાહ જોતી અડીખમ ઊભી હતી. હવે તો આઘાતને જીરવતા જીરવતા મગજ પરનો કાબૂ પણ કંઈક અંશે તે ગુમાવી ચુકી. રણચંડી જેવી લાગતી દેવલી હવે ચીંથરેહાલ રખડતી કોઈ ગાંડી ભિખારણ જેવી લાગતી. પણ મનમાં વાળેલી ગાંઠ હજી એવીને એવી મજબૂત.
કોઈ અડીખમ ચટ્ટાનની જેમ આજે પણ તે દરિયા સામે એ જ ભાવથી આંખ મિલાવતી. એના ઘૂમરી લેતા ડહોળા પાણીની સતહ ઉપર તે હજી મનજીનો ચહેરો શોધતી. સુકાયેલા ખારા આંસુને કારણે આંખો હવે થોડી દયામણી બની ગઈ હતી. દેવલીએ સ્વમાનભેર મસ્તક ઊંચું કર્યું. દિગંબર જેમ નાચી રહેલા દરિયા માટે દિલમાંથી હાય નીકળી:
“તને શું મજા આવે શે તી આટલો ક્રૂર બને છે ?”
એકાદ ઊંડો નિસાસો વહેતો થયો ન થયો, ત્યાં પગ ટટ્ટાર કરી તેણે સામો પકડાર ફેંક્યો:
“પન યાદ રાખજે ! આ વખતે તારા હામે જી ખારવણ ઊભીશ ઈ કાચી માટીની નથી !”
જાણે કિનારે ઊભેલા સક્ષાત્ અગત્સ્ય ઋષિ પડકાર ફેંકતા હોય એમ દરિયો દેવલીની આંખ જોઈ થથડતા થથડતા ઓસરવા માંડ્યો. દેવલી જે શિલા પર બેઠી હતી ત્યાં ઘડિભર પહેલા દરિયાની ઊડીને આવતી છાલક એકદમ શાંત પડી ગઈ.
“દેવલી... એ દેવલી !” મોટા સાદે હાકલ કરતું ત્રણેક ખારવણ યુવતીનું ટોળું દેવલી તરફ ધસી આવ્યું. દેવલીએ એકાદ ક્ષણ એ તરફ ધ્યાન દીધું ન દીધું ત્યાં દરિયા તરફ દૃષ્ટિ ફેરવી લીઘી.
“દેવલી, હાંભળ્યુ ? કેઈ છે કે મનજી, ને બીજા બે-ત્રણ જણાને નાઈતવાળા ગોતીને લાવ્યાશ... હાલ, જલદી. નાતમાં તને બોલાવેશ.” દેવલીની બહેનપણી રહી ચુકેલી રમીલા શ્વાસભેર બોલી ગઈ. દેવલીના પગ ક્ષણભર ધ્રૂજ્યા ખરા. તોય વાત પર ભરોસો એટલો જલદી તેને ન આવ્યો.
“હાલ દેવલી, આખી નાઈત ઈને જોવા ભેગી થઈશ કે હૂંઈ ! બધી તગડા તગડી થયાશ... જલદી હાલ !” આવનારે આવેશમાં દેવલીનો હાથ ખેંચ્યો.
દેવલીએ ઝટકાભેર હાથ પાછો ખેંચી લીધી. આંખોમાં ઝનૂન ચડી આવ્યું. ત્યાં મિલનનું માર્દવ અને વિરહની વ્યથાનો હૈયામાં પ્રચંડ ઊભરો ચઢી આવ્યો. બીજી જ પળે તેણે બંદર તરફ આંધળી દોટ મૂકી. પગમાં પહેરેલું ચપ્પલ તૂટીને હવામાં ફંગોળાઈ ગયું. અણીદાર ભેખડની ધાર પગની પાનીમાં ચીરો કરી ગઈ ત્યાં ગરમ લોહીનો ટશિયો ફૂટ્યો. પણ તેને ભાન સુધ્ધા ન રહ્યું. પડતી, પછડાતી તે નાતમાં પહોંચી. શ્વાસ ફૂલી ગયો. છાતી ધમણની જેમ ધબકતી રહી: ‘મનજી... મનજી... મનજી.’ આસપાસ બધે જ ખારવાઓ ટોળાં જમાં થયા હતા. દરેકના ચહેરા પર અજીબ રોનક ઊભરી આવી હતી. સ્ત્રીઓ, પુરુષો, બાળકો અરસપરસ કાનાફૂસી કરી રહ્યા હોવાથી ચોતરફ ઘોંઘાટ પથરાયેલો. દેવલીને જોતા જ આખી નાતની કુતૂહલભરી આંખો તેના તરફ મંડાઈ. પરંતુ દેવલીની આંખો તો મનજીને જોવા એકદમ વિહ્વળ બની ચૂકી હતી. દેવલીને કાને લોકોના તૂટક તૂટક શબ્દો અથડાયા પણ એ અથડાઈને ત્યાં જ વિલાઈ જતા. ત્યાં હ્રદયમાં ફડક પડી. ચકરવકર ફરતી વિહ્વળ આંખો ઓંચિતા એક બાજુ ઊભેલા ત્રણ અજાણ્યા જેવા લાગતા માણસો પર ચોટી ગઈ.
ઝાંખી પડેલી આંખોથી તેણે મનજીને ઓળખવા પ્રયાસ કરી જોયો. વિખરાયેલા જાડા વાળ, વધી ગયેલી દાઢી, ઘણાં દિવસોથી નહાયો ન હોય એવું મેલુંદાટ પણ ખડતલ શરીરવાળા મનજીને તેણે ઘડીના છઠ્ઠા ભાગમાં ઓળખી લીધો. અને હૈયામાં હેતની હેલી ફૂટી. નજર આગળ પેલો મંજુકેશ મનજી ખડો થયો. વેરાન રણમાં એકાએક મીઠી વાદળીએ અમીવર્ષા કરી હોય એમ દેવલીના હૈયામાં અનેરી ટાઢક વળી. હૃદયના ધબકારા પળભર અસ્તવ્યસ્ત બની જોરથી ધબકવા માંડ્યા. વર્ષોથી રડીને નીચોવાઈ ગયેલી આંખો હર્ષના આવેશમાં છલકી ઊઠી. લાગણીનો ઊભરો હજી ઠલવાયો ન ઠલવાયો ને તેણે મનજી તરફ દોટ મૂકી.
મનજી હજી સ્થિર ઊભો હતો. એકીટશે ઊભરતા ટોળાને શૂન્યમનસ્ક બની તાકતો રહ્યો. પોતાની તરફ દોડતી આવી રહેલી દેવલી તરફ તેણે ઉપરછલ્લી નજરે જોયું જ જોયું ત્યાં નજર ઢાળી દીધી. તેની સાથેના બીજા બે ખલાસી પોતાની કહાણી નાતના આગેવાનોને ભાવવિભોર બની સંભળાવી રહેલા. આઠમાંથી બાકીના પાંચ ખલાસી વહાણ સાથે જ ભૂખ્યા દરિયાના ઉદરમાં સમાયા અને તે પોતે ત્રણ, કેવી રીતે એક વિદેશી સ્ટીમરના સહારે વિદેશ પહોંચી ગયા. ત્યાં વર્ષો સુધી કારાવાસમાં યાતના સહન કરી. ન કહેવાય ન સહેવાય તેવી દર્દનાક પીડાઓ ભોગવી. કેવી રીતે પાછા અહીં સુધી પહોંચ્યા વગેરે વગેરે દર્દીલી દાસ્તાન સાંભળી દરેકના હૈયા કકળી ઊઠ્યાં.
વર્ષો પહેલાની ઘટના આજે ફરીવાર પરિવારજનોને રડાવી ગઈ. જ્યારે જીવિત આવેલા ખલાસીના પરિવારની આંખો હર્ષાશ્રુથી છલોછલ ભરાઈ આવી. મનજી હજી એકીટશે ટોળા સામે તાકી રહેલો. મનજીના માથાને ભાગે ગંભીર ઈજા થવાથી અને અસહ્ય ત્રાસ સહન કરવાથી તેનું માનસિક સંતુલન ખોળવાઈ ગયેલું. ક્યારેક કંઈક યાદ આવી જતું તો રાડારાડ કરી ઊઠતો. ત્યાં વળી ઘડીભરમાં દિમાગમાં ફરી શૂન્યાવકાશ છવાઈ જતો. દેવલી ધ્રૂસકે ધ્રૂસકે રડતી મનજીને ભેટી પડી. મનજીના જાણે ધબકારા સાંભળતી ન હોય એમ એનું કાળજું પણ ધબકી રહ્યું. પાછો આવેગ વધી જતો કે કેમ પણ કોઈ અજાણ્યો આકાર સામે ઊભો હોય એમ તેને તાકી જ રહેતી. ઉમટેલા લોકો આનંદ અને શોકમાં ગોથાં ખાતા હોય એમ સહેજ મૂંઝાયા: ‘મનજી પાછો તો આવ્યો, કોલ પન નિભાવ્યો, તો પન બીચારો... !!’ અછડતો ખાલીપો ક્ષણિક છવાયો. વર્ષોની વાટ પછી મળેલા પ્રેમી જોડાને લોકો નીરખતા જ રહ્યા. લાગણી, હરખ અને શોકના માર્યા બધાના હૈયા ઊભરાયા. પ્રેમના અડગ વિશ્વાસની અંતે જીત થઈ તો ખરી જ. સરવાળે બધાની આંતરડી ઠરી હોય એમ અંતરમાંથી ઉદ્ગારો સરી પડ્યા.
“ભગવાન, તમારી જોડી અખંડ રાખે..”
મનજીને ફરી ભેટી પડેલી દેવલીને લોકોનો મહેરામણ તાકી રહ્યો. જ્યારે મનજી એ ઊભરાયેલા મહેરમણને બેખબર તાકી રહ્યો. એ ક્ષણે જાણે દરેકના કાળજાં થંભી ગયા ન હોય ! દેવલીના હૈયાનો ઠેકો છેક મનજીના હૈયે અથડાયો. અને મનજીની આંખના ખૂણેથી આંસુના બે બૂંદ દડતા દડતા દેવલીના ગાલે પડ્યા તે દેવલીથી અસ્તુ ન રહ્યું. તેણે ઊંડો શ્વાસ લઈ આંખો મીંચી લીધી.

-વિષ્ણુ ભાલિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED