કાબરી આજ ઘણી દુઃખી હતી એના માલિક રૂપાએ નાખેલા વડના કુણા પાન પણ એણે ખાધા ના હતા,
પોતાનો વહાલસોયો દીકરો પુજો કસાઈ ના હાથે વેચાઇ જવાનો હતો, આ જાણી કાબરી નું હૈયુ ભરાઈ આવતું હતું,
કાબરી નો જ્યારે જન્મ થયો ત્યારે તેણે પોતાના પિતા અને ભાઈ ને કસાઈ લઈ જતા જોયો હતો, તે વખતે તેની માં ખૂબ રડી હતી, પણ કાબરી એ વખતે ઘણી નાની હતી, નાની હોવાથી તે પોતાની મસ્તીમાં આમથી તેમ રમવામાં વ્યસ્ત હતી, અને એ દાડા પછી કાબરી ના પિતા કે ભાઈ કદી પાછા નહિ આવ્યા, કાબરી થોડી સમજુ થતાં એણે ઘણીવાર પોતાના પિતા અને ભાઈ ક્યાં ગયા, અને કેમ પાછા ના આવ્યા એ વિશે એની માને પૂછ્યું, પણ એની માં દર વખતે આ વાત ને ફેરવી નાંખતી અને વાત કરવાનું ટાળતી,
સમય જતાં કાબરી ને બધી ખબર પડી ગઈ કે જેને કસાઈ નામનો યમ લઈ જાય છે એ કદી પાછા નથી આવતા,
કાબરી આજ પોતે મા બની હતી, એણે એક સુંદર દૂધ જેવા સફેદ બચ્ચા જનમ આપ્યો હતો, કાબરીનો માલિક રૂપો તો કાબરી ના બચ્ચા ને જોઈને કાબરી ના વખાણ કરતાં ના થાકતો, આખો દિવસ રમાડ્યા કરતો, રૂપાએ તે બચ્ચાનું પૂજો એવું હુલામણું નામ પણ રાખ્યુ હતુ, જે કાબરી ને પણ બહુ ગમ્યું, કાબરી પોતાના બચ્ચા ને ધવડાવતી અને આખો દિવસ તેને લાડ કરીને ચાટ્યા કરતી, પુજો જરીક આંખોથી દૂર થાય કે કાબરી નો જીવ અધ્ધર થઇ જતો, કાબરી જ્યારે ચરવા જતી ત્યારે પૂજાને કુણું ઘાસ ખવડાવતી, પણ પૂજો તો દૂધજ પીતો અને આખો દાડો મસ્તી કર્યા કરતો, કાબરી પૂજાને આમથી તેમ કુદકા મારતો એને નીહાળ્યા કરતી, માં તો માં હોય છે એને પોતાનું બાળક બહુ વહાલું હોય છે, કાબરી પોતાના વહાલસોયા દીકરાને ઘણો પ્રેમ કરતી એને હેતે નવડાવી નાખતી,
પુજો આજે બે વર્ષનો થઈ ગયો હતો, અને એની માં થી વેત ઊંચો પણ, પૂજો હવે પોતાની મા સાથે ચરવા જતો, વાડો ની વેલો ને તે પોતાની મા માટે નમાવી રાખતો અને કાબરી આરામથી વેલના પાન ખાતી, પૂજા નું શરીર હવે ઘાટીલું અને કસાયેલું થઈ ગયુ હતું, જાણે કોઈ કસરતી પહેલવાન જેવું, અને રંગે એકદમ દૂધ જેવો પૂજો આખા ગામને આકર્ષતો હતો, પૂજાને જોઈ હરકોઈ એના વખાણ કરતું, પૂજો હતો જ કેટલો રૂપાળો,
પણ એક દાડો કાબરી અને પુજો ઘરના આંગણે બેઠા હતા, તારે રૂપા ના ઘરે કસાઈ આવી ચડ્યો, અને રૂપો આંગણામાં બેઠો હોકો ગગડાવતો નાની ખાટલી માં બેઠો હતો, કસાઈને ભાળી રૂપાએ વિવેક બતાવીને કસાઇને બેસાડ્યો, લોકો ના વખાણ અને પૂજાનુ ઘાટીલું શરીર એના દુશ્મન બનવાના તો નથી, એવો કાબરી ને ધ્રાસ્કો પડ્યો, કાબરી નું હૃદય ધબકારો ચૂકી ગયું, કાબરી ના મનમાં શંકા-કુશંકાઓ જાગવા લાગી, રખેને કસાઈ મારા કલેજા ના ટુકડા ને મારાથી અળગો કરે તો, મારા પૂજાને મારાથી દૂર લઈ જશે તો, તેને યાતના આપશે, મારા વહાલસોયા ના ગળે છરી મંડાશે, મારા પૂજાને વેતરી નાખશેતો, આવી અનેક શંકાઓ ઘડી ના છઠ્ઠા ભાગમાં કાબરી ના મનમાં જાગવા લાગી, ભગવાનને પ્રાર્થના કરતી કાબરી પાછી સ્વસ્થ થઈ અને પોતાની જાતને દિલાસો આપવા વિચારવા લાગી કે કસાઈ કદાચ બીજા કામે આવ્યો હશે, તે પૂજાને લેવા નહીં આવ્યો હોય, અને લેવા આવ્યો હશે તોપણ માલિક રૂપો થોડો આમ પૂજાને કસાઈના હવાલે કરી દેશે, રૂપો કેટલો પૂજા ને પ્રેમ કરે છે, આખો દિવસ મારો પૂજો મારો બેટો કરી તેના ઉપર હાથ ફેરવ્યા કરે છે, તેને વ્હાલ કરે છે, તેને રમાડ્યા કરે છે, પૂજાને વેચવાની વાત સાંભળીને રૂપો તરત ઘસીને ના પાડીદેશે, રોકડે રોકડું પરખાવી દેશે કે ભાઈ પૂજો ભલે ઢોર જાત રહી, પણ મારું તો છોકરૂ છે, શું હું મારા છોકરા ને મારા હાથે કસાઇ વાડે મોકલી દઉં, આજ વાત કરી તો કરી આજ પછી મારા પૂજાને વહેચવાની વાત કરી તો આ પરોણી(પાતળિ લાકડી) તારી સગી નહીં થાય, રૂપા ના આવા જવાબ થી કસાઇ નું મોં જોવા લાયક થઈ જાય છે, તે વિલા મોયે ત્યાંથી ઉભો થઈ જતો રહે છે, આવા વિચારોમાં મગ્ન કાબરી ના કાને અચાનક કસાઈ નો અવાજ પડતા તે ઝબકીને વિચારો માંથી હકીકતની દુનિયામાં આવે છે, અને કસાઈ ની વાત સાંભળવા માટે કાન સરવા કરે છે,
કાબરીના કાને કસાઈ નો અવાજ સંભળાયો કે ભાઈ માલ સારો છે મોં માગ્યા પૈસા આપીશ બોલો કેટલો ભાવ કરું, રૂપો વિચારમાં પડી ગયો, તે જોઈને કાબરી રૂપો શું જવાબ આપશે તે જોવા માટે રૂપાના મોં સામે તાકી રહી, રૂપો હમણાં ના પાડશે એવા વિશ્વાસ સાથે ખાતરી પોતાની આંખ પલકાવ્યા વગર રૂપા ને જોઈ રહી, બીજીબાજુ રૂપાયે પોતાનું મૌન તોડ્યું, અને બોલ્યો હું ભાવ શું કરું, ખરીદાર તમે છો તમે ભાવ કહો, રૂપાનો આવો બેફિકરાઈ લાગણીહીન જવાબ સાંભળતાજ કાબરી નું લોહી જમી ગયું, કાબરી ની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પૂજો પણ હવે પોતાનો પોતાની મા થી અલગ થવાનો વખત થઈ ગયો છે, એ સમજી ગયો હતો, તેણે પણ પોતાની મા થી અલગ થવાની ક્યારે કલ્પના પણ ના કરી હતી, પુજો પણ હવે રોવા લાગ્યો હતો, કસાઈયે રૂપાને પાૅચ હજાર આપવાની વાત કરી, ત્યારે રૂપો જોરથી હસવા લાગ્યો અને બોલ્યો માલ તો જુઓ સાહેબ એકદમ મખમલી છે, માખુ જો બેસે ને તો લફ્સીને સરર કરતું નીચે પડે પૉચ હજાર માં તો મારા બકરાના વાળ પણ નહીં આવે, મારો પુજો મારો બેટો કહેતો રૂપો આજે કસાઈ આગળ એક અલગ જ ભાષા વાપરતો હતો, પૂજાને માલ, બકરો, વગેરે શબ્દોથી સંબોધતો હતો, બકરાના તો હું દસ હજારથી એક રૂપિયો પણ ઓછો નહીં લઉ તમારે ગમે તો સોદો પાક્કો કરો, નહીં તો ઘણા ઘરાક છે, રૂપા ની વાત સાંભળી ને કસાઈ હસ્યો અને બોલ્યો તમે તો પાક્કા સોદાગર નીકળ્યા, લ્યો ત્યારે આ બસો રૂપિયા બાનુ, કાલે સવારે પૂરા પૈસા આપી હું બકરાને લઈ જઈશ, અને કસાઈ ખિસ્સામાંથી પૈસા કાઢીને રૂપાના હાથમાં મૂક્યા, રૂપાએ પૈસા લઈ ઓશીકા નીચે દબાવ્યા, ને તો આવજો કહ્યુ અને કસાઈને વિદાય કર્યો,
રાતનો વખત છે પતરાની નાની ઓરડીમાં કાબરી ને પૂજો બાંધેલા છે બન્ને ગળે વળગી ને ખૂબ રડે છે પુજો કાબરી ને વિનંતી કરે છે માં મને બચાવ, મા મને બચાવ, અને કહે છે મા તને ખબર છે હું નાનો હતો ત્યારે એક વાર પાણીની ટાંકી માં પડી ગયો હતો મને લાગ્યું કે હું હવે મરી જઈશ, પાણીમાં મારો શ્વાસ રુંધાતો હતો ત્યારે તે મને બચાવી લીધો હતો, ખબર છે ને, ત્યારે કાબરી રોતા રોતા માંડ હા બોલી હતી, તો માં આજ મને આ કસાઇના હાથેથી બતાવી લે ને તુ બધું કરી શકે છે મા, પૂજાની આવી હાલત પર એની માનું હૈયું ચીરાવા લાગ્યું પોતાનું બાળક કાલે કાળનો કોળીયો થવાનું છે, કમોતે મરવાનું છે, છતાં કશું નથી કરી શકતી કેટલી લાચારી છે,
માણસ પણ જબરુ પ્રાણી છે પેલા પેલા તો પોતાના છોકરા ની જેમ રાખે છે, ને એનેજ વેતરતા વાર નથી કરતો, દંભ અને લાલચનું મુખોટું પહેરીને તે ક્યારે પણ પોતાની જાત બીજાને નથી કળવા દેતો અને વખત આવ્યે તે બેફીકરાઈ થી પોતાની નફ્ફટાઈ અને લુચ્ચાઈ દુનીયાને બતાવે છે, રૂપો પણ આજ સુધી પૂજાને માત્ર પોતાનુ કમાઈ નુ વસ્તુ સમજતો, તેને મન કાબરી કે પુજાની લાગણીની કઈ કીમ્મત ના હતી, તે પુજા ને વેચીને પૈસા કમાવા માગતો હતો એટલે તે પુજાને વાલ કરતો તેને લાડ કરતો તેને સાચવતો એ કાબરી સમજી ગઈ હતી,
રાતના બે વાગ્યા છે, મા દીકરો એકબીજાને વળગીને ડુસકા ભરે છે, પોતાના બાળકને બચાવવાનો એક પણ રસ્તો કાબરી ને દેખાતો નથી, તે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારા બાળકને ગમે તે કરી આ કસાઈના હાથોમાં જતા બચાવી લે, બદલામા ભલે મને મોત આપી દે, ગમે તે કરીને કાબરી પુજા ને બચાવવો એવુ વિચારે છે, પણ તેને એકપણ રસ્તો જડતો નથી, બન્ને જણા રોકકળાટ કરે છે, પણ તેમની મદદ કરવા વાળુ ત્યા કોઈ નથી, પુજો અચાનક કહે છે, ચાલ માં ચાલ અહીં થી ભાગી જઈએ, પૂજાની વાત સાંભળી અચાનક કાબરી ની આગળ એક આશા ની કિરણ દેખાય છે, જાણે ભગવાને રસ્તો બતાવ્યો હોય તેવું કાબરી ને લાગ્યું, આ વાત કાબરી ના કાને પડતા જ એના શરીરમાં નવું જોમ આવી જાય છે, અને તે તરત પૂજાને હા કહે છે,
પણ માં આ ગળાનો ગાળિયો? કાબરી અને પૂજાની આગળ હવે નવી મુશ્કેલી આવીને ઉભી છે, કેમ કરીને કાઢશુ આ ગાળિયો, ત્યારે કાબરી પૂજાને જોર કરીને ખેંચવાનું કહે છે, બન્ને જણા ઘણુ જોર કરે છે પણ દોરડુ ટુટતૂ નથી, ગળાથી ખૂટે બાંધેલું દોરીયું કેમ કરીને પણ તૂટવાનું નામ લેતું નથી, થાકીને ત્યારે પૂજો બિજો રસ્તો અપનાવે છે, પુજો દાત થી દોરી ચાવીને તોડવાની કોશિશ ચાલુ કરે છે, મા-દીકરો રોતા જઈને દોરી ચાવવા મંડે છે,
ચાવતા-ચાવતા પાંચ વાગી જાય છે, પરોઢિયા નો તારો ચઢી આવે છે, પક્ષીઓનો ચહેકવાનો અવાજ આવવા માંડે છે, પણ ગાળીઓ એકનો બે નથી થતો, કાબરી ની બધી અધીરાઈ ફુટી જાય છે થોડીવારમાં તો રૂપો પણ જાગી જશે, અને જો રૂપો જાગી જશે તો અહીંથી ભાગી જવાનો મોકો પણ હાથ માંથી જશે, તો પછી પૂજાને કસાઇ વાડે જતા પણ પોતે નહીં બચાવી શકે, એ વાતથી ખાતરી ની આંખો છલકાઈ આવે છે,
સવારના છ વાગવા આવ્યા છે, ને ત્યાં જ અચાનક કાબરી નો ગાળીઓ કપાઈ જાય છે, પણ પૂજાનો નહીં, હાય રે કિસ્મત જેનો કપાવો જાઈતો તેનો કપાતો નથી ને, , ,
કાબરી રડમસ અવાજે પૂજાને ઉતાવળ કરવા કહે છે, પુજો પણ હવે હતું એટલું જોર લગાવીને ગાળીયાને કરડવા માંડે છે, બન્ને જણા ની ચાવી ચાવીને હાલત ખરાબ થઈજાય છે, પૂજાના મોઢેથી લોહીવાળી ફીણો નીકળે છે, તેમ છતા પણ પૂજો જોશથી પૂરી તાકાતથી દોરી કાપવા મંડેલો રહે છે, ત્યાં ટક કરતો પૂજાનો ગાળીયો કપાઈ જાય છે, પુજો માં તરફ જોવે છે, બન્ને જણા ખુશ થઈજાય છે, રાજી થઈ જાય છે, ત્યારે કાબરી પૂજાને કહે છે, ચાલ જલ્દી કર પતરા નો દરવાજો ધીમે થી ખોલી અને ભાગવા માંડીએ, બન્ને જણા દરવાજા તરફ આગળ વધે છે, ત્યા તો અચાનક કંઈક અવાજ આવે છે, અને પતરાનો દરવાજો ખુલે છે, અને સામે રૂપાને ઉભો જોઈને કાબરી અને પૂજાના પગ ઢીલા પડી જાય છે, બચવાની આખરી ઉમ્મીદ પણ હવે ખતમ થઈ ગઈ,
પૂજો અને કાબરી ના ગાળિયા તૂટેલા જોઈને રૂપો સમજી જાય છે, ને ઓરડી ના છાપરામાંથી બીજી દોરી કાઢી ગાળિયા બનાવિ પહેરાવે છે,
પૂજો ને કાબરી પોતાની કિસ્મત ઉપર રોવે છે, ફૂટેલા કિસ્મત છે તો શું કરી શકાય, અને માણસ જાત સાથે કઈ રીતે લડી શકાય, ભગવાનેજીભ તો આપી પણ સાથે જો વાચા પણ આપી હોત તો, દયા ની ભીખ તો માંગત, પોતાના દીકરાને છોડી મુકવાની કાકલુદી કરત,
એટલામાં સાતના ટકોરા થયા, કસાઈ પણ આવી પહોંચ્યો, બાકીનો હિસાબ પતાવીને તે પૂજાને લઈ જવા ઉતાવળ કરવા લાગ્યો, પણ રૂપાએ તેને ચા પીવા બેસાડ્યો,
કાબરી ને હવે ખબર હતી કે પોતાનો કાળજાનો ટુકડો, પોતાનો દીકરો, હવે થોડી વારમાં કસાઈ નામના યમના હાથમાં હશે, અને આજ પછી તે ક્યારેય પાછો જોવા નહીં મળે, તેથી તે પોતાના કાળજાના ટુકડાને મન ભરીને જોઈ લેવા માંગતી હતી, તે પૂજાને આમ તેમ બધે ચૂમવા લાગી, અને તેને લાડ કરવા લાગી, રૂપો ઓરડી ની અંદર આવ્યો, અને બંન્ને ને ખોલી ને આંગણે લાવ્યો,કાબરી ને થડીયે બાંધી ને પૂજા ની દોરી નો છેડો કસાઈના હાથમાં આપ્યો, લો તમારી અમાનત હું હવે છુટ્ટો, રૂપાએ હવે પૂજા સાથેના બાપ-દીકરા તરીકેના સંબંધમાંથી છેડો ફાડી નાખ્યો, કસાઈ પૂજાને ખેંચવા માંડ્યો ત્યારે પૂજો હલ્યો પણ નહીં, જમીન સાથે ચોંટી ગયો ને કાબરી સામું જોવા લાગ્યાો, ત્યારે કાબરીયે તૂટતા અવાજમાં રોતા રોતા પૂજા ને કીધું મારા દીકરા જા આપણે માણસો જોડે ન લડી શકીએ, આ અભાગણી મા તને નહી બચાવી શકે, તેમના કર્મોની સજા એ ભોગવશે, આપણો સાથ અહીં સુધી જ હતો, ભગવાન કરે તું જ્યાં પણ હોય સારો હોય, અને જો જન્મ મરણના ફેરા સાચેજ હોય, તો આપણે માણસ બનીને જનમશું નહીકે ઢોર, પછી જોશું તને મારાથી કોણ જુદૂ કરે છે, આટલું બોલતા તો કાબરી ના ગળે ડૂમો ભરાઈ આવ્યો, અને તે ત્યાજ ફસડાઈ પડી,
કસાઈ હવે પૂજાને રીતસરનો ઢસડવા લાગ્યો હતો, પૂજો મોટેથી બૂમો પાડતો હતો, મને છોડી દે, મને મારી મા પાસે જવા દે, મારે મારી માને છોડીને ક્યાંય નથી જવું, માં મને બચાવ, મને બચાવ, મને બચાવ, મને બચાવ, મને બચાવ, પણ આ શબ્દો કાબરી સિવાય બિજા કોઈના સમજમાં ક્યાં આવતા હતા, ગૉડી થઈ ગયેલી એક મા પોતાના કાળજાના ટુકડાને દૂર ટેકરા પાછળ ગાયબથઈ જાતાં સુધી જોઇ રહી,
શહેર તરફ જતા ખટારામાં પચાસેક બકરા ભર્યા છે, અને તેમાં વચમાં પૂજો છે, પૂજાના જેવીજ હાલત બધાની છે, પૂજો વિચારે છે, માયે ખાધું હશે, પોતાની ચિંતામાં તેને કશું થઈ જશે તો, વગેરે વિચારોમાં ને વિચારોમાં ગાડી શહેર તરફ પોતાનું અંતર કાપે છે, એક પછી એક ગામો આવતા જાય છે, ને પૂજો પોતાની માતાને યાદ કરી આશુ વહાવતો જાય છે, તેને થાય છે કે ભગવાન કંઈક કરે એને પોતાને પોતાની માં જોડે પહોંચાડી દે, તે મનો મન ભગવાનને પ્રાર્થના કરે છે, અને કહે છે કે હે ભગવાન મને બચાવી લે, અને ત્યાં જ અચાનક ખટારાની બ્રેક વાગે છે, ધણધણતો ખટારો અચાનક થંભી જાય છે, થોડી વારમાં એક હવાલદાર ઉપર ચડે છે, અને નીચે જોઈ કહે છે સાહેબ બકરા ભરેલા છે, ત્યારે એક રોફદાર અવાજ આવે છે, સાલાઓ વગર પરમીટે પશુધનની હેરાફેરી કરો છો, લઈલો ખટારાને ચોકીએ અને આ સાંભળીને પુજાના મનમાં જીવતા રહેવાની અને પાછા પોતાની મા પાસે જવાની આશાની એક કિરણ દેખાય છે, તેના થાકેલા શરીરમાં પાછુ જોશ ચઢી આવે છે, ઉમંગ ના મોજા હિલોળા મારે છે, પોતે પાછો આવેલો જોઈને માને તો પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે, મને ભેટી પડશે વહાલ થી નવડાવીનાખશે, એ વિચારોમાં પૂજો રાચવા લાગ્યો, ત્યાં ખટારાના ડ્રાઈવરે સાહેબના હાથ માં એક પડીકુ મુક્યૂ શાહેબે તે પડીકુ લેતા રાડ પાડી જવાદો સાલાઓને બીજીવાર હાથમાં આવ્યા તો મરી જશો, ને ખટારો પાછો પોતાની મંઝીલ નું અંતર કમ કરવાના કામે લાગી ગયો,
શહેરના કસાઇવાડે બધા બકરાઓને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા, ને ઉપર લોખંડની ધારદાર વજનવાળી રાક્ષસી પાઠ હતી, ધારવાળી પાઠ નીચે, લાઈનમાં બધા બકરાને બાંધવામાં આવ્યા હતા, પૂજાને પણ મોઢે થી પગ સુધી કડક બાંધવામાં આવ્યો હતો પૂજો છૂટવા માટે હવાતિયાં મારતો હતો, પણ હલીએ નહોતો શકતો, પુજાને હવે ખબર હતી કે તેની સાથે શુ થશે, અને તે વિચારથીજ પુજાની રૂહ કાપવા લાગી, તેને થનારી યાતના વિશે વિચારીનેજ તે મોત પહેલા મરવા લાગ્યો, તેની આંખમાંથી આંસુ સરી પડ્યા, તે બબડ્યો હાય લાચારી લાચારી, ભગવાન આવી દયનીય હાલત મને કેમ આપી, મે આ લોકોનું શું? બગાડયું છે, હુતો આ લોકોને ઓળખતા પણ નથી, અને આટલામાં મશીન ના કારીગરે એક લાલ બટન દબાવ્યું, ઉપરની ધારદાર વજનવાળી લોખંડની પાઠ પૂજા ની બોચીમાં પડી, પૂજા નું માથું ધડથી દૂર જઈને પડ્યું, પૂજાની આંખો હજી પણ ખુલ્લી હતી, તેનુ ધગધગતુ લોહી ગટર જેવી નાની નાળી મા બીજા બકરાઓ ના લોહી સાથે મિકશ થઈ વહેવા લગ્યું, અને તે હજી પણ ભગવાનને પોતાને બચાવવાની પ્રાર્થના કરતો હતો, ધડથી માથું અલગ થવાનો દર્દ હવે પૂજાથી સહન થતો નહતો, હવે થોડીવાર તે છટપટાવીને શાંત પડી ગયો,
કાબરી ને હજી પણ આશા હતી કે પુજો કદાચ ટેકરા પાછળથી દોડતો આવશે, કાબરી હમણા પણ પૂજાની રાહમાં ટેકરા સામું જોઈ રહી હતી, કદાચ તે ટેકરા બાજુથી દોડતો આવે,
બે કલાકમાં તો પૂજાની ચામડી ઉધરડી નાખવામાં આવી, તેના શરીરના ટુકડેટુકડા કરી નાખવામાં આવ્યા, પચાસ બકરાઓના ટુકડેટુકડા માં પૂજા નું એક પણ અંગ હવે દેખાતું નહોતું, શોધ્યે પણ જડે એવું નહોતું,
તમે કદાચ હોટલમાં જાઓ અને બિરયાની કે મટન નો ઓર્ડર આપો, મંગાવો, તો ધ્યાનથી એમાં જોજો કદાચ પૂજો મળી જાય તમને, મળે તો મને જણાવજો હોકે પાછા.
Rakesh S Asari